તમારા માટે, તમારી સાથે, સતત…

મંદિરના ગુલાબી પથ્થરોને પ્રમુખ સ્વામીએ ગાલથી સ્પર્શ કર્યો હતો

પૂ. પ્રમુખ સ્વામી મહારાજને રાજકોટ પ્રત્યે ખાસ પ્રેમ રહ્યો હતો

0 140
  • સંત-સંવાદઃ અપૂર્વમુનિ સ્વામી

વિશ્વ વંદનીય વિભૂતિ કે જેમણે દુનિયામાં ૧ર૦૦ જેટલાં મંદિરોનું નિર્માણ કરાવ્યું અને એક હજારથી વધુ સંતોને દીક્ષા આપીને સમાજને ચરણે ધર્યા છે તેવા યુગપુરુષ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો રાજકોટ પ્રત્યે ખાસ લગાવ – પ્રેમ રહ્યો હતો. ગોંડલમાં તેમણે દીક્ષા લીધી હતી એટલે પૂ. પ્રમુખ સ્વામી મહારાજનો એવો ભાવ રહેતો હતો કે દીપાવલીનો ઉત્સવ ગોંડલમાં ઊજવવો એટલે સ્વામીજી દર વર્ષે દિવાળીના તહેવાર પર ગોંડલ મંદિરે પધારતા હતા અને ગોંડલમાં હરિભક્તોની સાથે આ ઉત્સવ મનાવતા હતા. પૂ. પ્રમુખ સ્વામી મહારાજનો એક સામાન્ય ક્રમ એવો રહ્યો હતો કે ગોંડલમાં દીપાવલીના તહેવારોની ઉજવણી કર્યા બાદ તેઓ રાજકોટ સ્વામિનારાયણ મંદિરે આવતા હતા. રાજકોટમાં લાભ પાંચમ અને પ્રબોધિની એકાદશીનો ઉત્સવ ઊજવતા હતા. વર્ષોથી આ ક્રમ સ્વામીજીએ જાળવી રાખ્યો હતો. રાજકોટ પ્રત્યેનો તેમનો વિશેષ ભાવ હતો. તેઓ હંમેશાં કહેતા હતા કે, રાજકોટ એ એવું નગર છે કે એક વાર કોઈ આ કોટમાં આવી જાય તો બહાર નીકળવાનું મન ન થાય તેવંુ પ્રેમાળ આ શહેર છે. રાજકોટના હરિભક્તોમાં પણ દિવાળીના તહેવારો પુરા થાય એટલે પ્રમુખસ્વામીનાં દર્શન થશે, સ્વામીજી આપણા આંગણે આવશે તેની રાહ જોવાતી હતી. નવા વર્ષના મંગલ પ્રારંભમાં સ્વામીજીના આશીર્વાદ મેળવીને ભક્તો ધન્યતા અનુભવતા હતા.

Related Posts
1 of 262

પૂ. પ્રમુખ સ્વામી મહારાજને રાજકોટ પ્રત્યે ખાસ પ્રેમ રહ્યો હતો એટલે જ તેમનું એક સ્વપ્ન હતું કે, રાજકોટમાં વૈદિક સ્થાપત્યનું બેનમૂન સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ થાય અને તેના માટે તેમણે અથાગ પ્રયત્નો કર્યા અને આજે તેમનું સપનું અંતે સાકાર થયું હતું. વીસ વર્ષ પહેલાં રાજકોટને રૃડા મંદિરનું નજરાણુ મળ્યું હતું. આજે પ્રમુખ સ્વામીની ૯૮મી જન્મ જયંતીની સાથે રાજકોટ મંદિરને વીસ વર્ષ પુરા થતા હોય રાજકોટ મંદિરનો દ્વિદશાબ્દી મહોત્સવ પણ ઊજવાઈ રહ્યો છે. રાજકોટમાં ભવ્ય મંદિરના નિર્માણ માટે કાલાવડ રોડ પર જમીનની પસંદગી ખુદ પ્રમુખ સ્વામી મહારાજે કરી હતી.

રાજકોટમાં કલા અને સ્થાપત્યની દૃષ્ટિએ ભવ્ય મંદિર નિર્માણ પામે તે માટે પૂ. પ્રમુખ સ્વામી મહારાજે મંદિર નિર્માણની દરેક બાબતમાં ઊંડો રસ લીધો હતો. બીએપીએસના દુનિયામાં જ્યાં પણ મંદિરો બન્યાં છે તેનાથી અલગ ભાત પાડવા પહેલી વખત પૂ. પ્રમુખ સ્વામી મહારાજના આદેશથી રાજકોટમાં મંદિરના સ્તંભ લંબચોરસના બદલે ગોળાકારના તૈયાર કરવામાં આવ્યા હતા. ગુલાબી પથ્થરોને આવો આકાર આપવો એ અઘરું કામ હતંુ તો સ્વામીજીએ કહ્યું હતું કે, લેથ અને અન્ય મશીનો રાજકોટ મંદિરના કેમ્પસમાં લાવીને કામ કરો, પણ મંદિરના સ્તંભ તો ગોળ જ કરવાના છે. રાજકોટ મંદિરના કેમ્પસમાં લેથ લાવીને અંતે કામ કરાયું હતંુ. રાજસ્થાનથી ખાસ ગુલાબી પથ્થરો લાવવામાં આવ્યા હતા. સાતેક વર્ષ સુધી રાજકોટ મંદિરનું કામ ચાલ્યું હતું. રાજકોટના હરિભક્તોએ ખૂબ સેવા આ મંદિરના નિર્માણ માટે કરતા પ્રમુખ સ્વામી મહારાજે ખૂબ હેતથી રાજકોટના મંદિરના ગુલાબી પથ્થરોને તેમના ગાલનો સ્પર્શ કરીને પ્રસન્નતા વ્યક્ત કરી હતી. આમ રાજકોટ સ્વામિનારાયણ મંદિર બીએપીએસના ઇતિહાસમાં પણ જુદી ભાત પાડનારું બન્યું હતું, તે સ્વામીજીના રાજકોટ પ્રત્યેેના અહોભાવથી જ શક્ય બન્યું હતું.

રાજકોટના નગરજનો પ્રત્યે પૂ.પ્રમુખ સ્વામી મહારાજનો પ્રેમ કેવો હતો તેનું બીજંુ એક ઉત્તમ ઉદાહરણ જોઈએ તો એક વખત સ્વામી માલવિયા શેઠની ગાડીમાં બેસીને હરિભક્તોના ઘરે પધરામણી કરતા હતા એવામાં અચાનક ગાડીમાં પેટ્રોલ ખૂટ્યું તો સ્વામીજીએ રિક્ષામાં જઈને હરિભક્તોના ઘરે જઈને દર્શનનો લાભ આપ્યો હતો. આમ રાજકોટની રિક્ષામાં પણ સ્વામી ફર્યા છે. પૂ. પ્રમુખ સ્વામી મહારાજનો રાજકોટમાં ૭૮, ૭૯ અને હવે ર૦૧૮માં ત્રીજી વખત જન્મ જયંતી ઊજવાઈ રહી છે. તા. પથી ૧પ ડિસેમ્બર દરમિયાન આ લાખેણો અવસર રાજકોટના આંગણે ઊજવાઈ રહ્યો છે.
——————–

Leave A Reply

Your email address will not be published.

Translate »