૨૬ સ્પોટ ફિક્સિંગની મુનાવર ‘ને કલગીની કળા
મુનાવરે સ્પોટ ફિક્સિંગને પગલે ૨૬માંથી ૨૫ સફળ આગાહીઓ કરી હતી
- ઘટસ્ફોટ – હિંમત કાતરિયા
વિખ્યાત ન્યૂઝ નેટવર્ક અલ-જઝીરાના ઇન્વેસ્ટિગેટિવ યુનિટનો દાવો છે કે તેમની પાસે મુનાવર ફાઇલ્સ છે અને ચિત્રો અને રેકોર્ડિંગની આસપાસ ફરતી અલ-જઝીરાની ડોક્યુમેન્ટ્રી પ્રમાણે ૨૦૧૧-૧૨ના એક જ વર્ષમાં ૨૬ સ્પોટ ફિક્સિંગ થયાં હતાં.
૨૧ ઑક્ટોબરે બહાર પડેલી અલ-જઝીરાની ઇન્વેસ્ટિગેટિવ ડોક્યુમેન્ટ્રી પ્રમાણે, આઇસીસીના રડારમાં આવેલો મેચ ફિક્સર અનિલ મુનાવર ૨૦૧૧-૧૨ના વર્ષમાં છ ટેસ્ટ, છ વન-ડે અને ત્રણ વર્લ્ડ ટી-૨૦ મેચમાં કુલ ૨૬ સ્પોટ ફિક્સિંગ સાથે સંકળાયેલો હતો. ક્રિકેટ્સ મેચ ફિક્સરઃ ધ મુનાવર ફાઇલ્સ હેડિંગ સાથેની આ ડોક્યુમેન્ટ્રીમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે, સાત મેચ ઇંગ્લેન્ડના ખેલાડીઓ દ્વારા, પાંચ મેચો ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ દ્વારા, ત્રણ મેચો પાકિસ્તાનના ખેલાડીઓ દ્વારા અને એક મેચ અન્ય દેશના ખેલાડીઓ દ્વારા ફિક્સ કરવામાં આવી હતી.
ફિક્સ કરાયેલી આ મેચોમાં ૨૦૧૧માં લૉડ્ર્ઝમાં રમાયેલી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ અને ૨૦૧૧માં કેપટાઇનમાં રમાયેલી દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની હાઈ-પ્રોફાઈલ મેચ સહિત અન્ય પાંચ મેચો ૨૦૧૧ના વર્લ્ડ કપની અને ત્રણ ૨૦૧૨માં શ્રીલંકામાં રમાયેલા ટી-૨૦ વર્લ્ડ કપની મેચોનો સમાવેશ થાય છે. ડોક્યુમેન્ટ્રીમાં ૨૦૧૨માં યુએઈમાં રમાયેલી ઇંગ્લેન્ડ-પાકિસ્તાન વચ્ચેની ત્રણેય ટેસ્ટમાં પણ સ્પોટ ફિક્સિંગની આશંકા સેવવામાં આવી છે.
આ સ્પોટ ફિક્સિંગનો એક સૂત્રધાર અમદાવાદનો બુકી દિનેશ કલગી ૨૦૧૪માં મરી ગયો છે, પણ તેનું ફોન રેકોર્ડિંગ્સ આ ડોક્યુમેન્ટ્રીમાં બતાવવામાં આવ્યું છે. ફોટોગ્રાફ અને રેકોર્ડિંગના આધાર ઉપર તૈયાર કરવામાં આવેલી આ ડોક્યુમેન્ટ્રીનો મુખ્ય સ્ત્રોત મુનાવર ફાઇલ છે. જેમાં મુનાવરે દિનેશ કલગીના માણસ દિનેશ ખાંબટ સાથેનું કૉલ રેકોર્ડિંગ છે. શ્રીલંકામાં રમાયેલા ૨૦૧૨ના ટી-૨૦ વર્લ્ડ કપ દરમિયાન ઇંગ્લેન્ડ-અફઘાનિસ્તાનની મેચ સહિતની ઓછામાં ઓછી ત્રણ મેચ ફિક્સ થઈ હતી જેની માહિતી મુનાવરે કલગીને પુરી પાડી હતી.
ડોક્યુમેન્ટ્રીના દાવા પ્રમાણે મુનાવરે સ્પોટ ફિક્સિંગને પગલે ૨૬માંથી ૨૫ સફળ આગાહીઓ કરી હતી અને એકમાં એક રને ખોટો પડ્યો હતો. અલ-જઝીરાએ આ પૂર્વે મે મહિનામાં ક્રિકેટ્સ મેચ-ફિક્સર્સ નામે ડોક્યુમેન્ટ્રી પ્રસારિત કરી હતી જેમાં મુનાવરને કુખ્યાત મેચ-ફિક્સર અને તે દાઉદ ઇબ્રાહિમની માલિકીની ‘ડી-કંપની’નો સભ્ય હોવાની આશંકા બતાવી હતી. મુનાવરે અંડરકવર રિપોર્ટરને માહિતી આપી હતી કે ડિસેમ્બર ૨૦૧૬માં ચેન્નઈમાં રમાયેલી ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ અને માર્ચ ૨૦૧૭માં રાંચીમાં રમાયેલી ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચમાં ત્રણ ઇંગ્લેન્ડના ખેલાડીઓ અને બે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ સ્પોટ ફિક્સિંગની ગતિવિધિઓમાં સંકળાયેલા હતા. અલ જઝીરાના ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટર ૨૦૧૬થી ૨૦૧૭ની વચ્ચે મુનાવરને પાંચ વખત મળે છે અને તેની મુલાકાત વચેટિયા દ્વારા થાય છે. રિપોર્ટર મુનાવર સામે બ્રિટિશ બિઝનેસમેન તરીકે પ્રસ્તુત થાય છે અને માહિતી કઢાવે છે.
અલ-જઝીરાએ કરેલા સ્ટિંગ પ્રમાણે, આખી મેચનાં પરિણામો ફિક્સ નથી થતાં, પણ ચોક્કસ બોલને નો-બોલ નાખવો કે ચોક્કસ ઓવરમાં રન ન કરવા, રનરેટ ધીમી પાડી દેવાનું ફિક્સ થાય છે. જેમ કે ઓસ્ટ્રેલિયા પહેલી ૧૦ ઓવરમાં ૫૫-૫૭ રન કરશે. ઇંગ્લેન્ડ પહેલી ૧૦ ઓવરમાં મંદા ૫૮-૬૦ રન બનાવશે. પાકિસ્તાન પહેલા સેશન (૧૦ ઓવર)માં — રન બનાવશે. વગેરે… બેથી ત્રણ પ્લેયરો ફિક્સ કરવામાં આવે છે. ક્યારેક બંને ટીમના પ્લેયર ફિક્સ કરવામાં આવે છે. એવી જ એક ઓડિયો ટેપમાં બુકી કહે છે કે આજે બંને સાઇડથી ફિક્સ થશે. બેટિંગ માર્કેટ મંદા ૬૪-૬૬ પર ખૂલશે. મતલબ કે આટલા રનથી ઓછા રન થશે. મુનાવર કહે છે કે પહેલા સેશનને ફિક્સ કરવું વધુ ફળદાયી રહે છે. કેમ કે તેમાં વધુ બેટિંગની શક્યતા રહે છે. એમાંય ખાસ કરીને સેશનની છેલ્લી બે ઓવર મંદી જાય છે. મતલબ કે છેલ્લી બે ઓવરમાં શૂન્યથી લઈને બે રન ફિક્સ થયા છે. લૉડ્ર્ઝમાં ૨૧-૨૫ જુલાઈ ૨૦૧૧ દરમિયાન રમાયેલી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટમાં મુનાવર ડીકેને કહે છે કે, સેશનની છેલ્લી ઓવર મેડન રહેશે. મતલબ કે ૧૦મી ઓવરમાં એક પણ રન નહીં લેવામાં આવે.
ડોક્યુમેન્ટ્રીમાં આખા ગુજરાતનું ક્રિકેટ સટ્ટાનું બુકિંગ લેતાં અમદાવાદના બુકી દિનેશ કલગીનો ક્રિકેટનો બધો બિઝનેસ સંભાળતા ડીકે ઉર્ફે દિનેશ ખંભાત સાથે મુનાવરની વાતચીત સંભળાય છે. સંવાદ આ પ્રમાણે છેઃ
મુનાવરઃ હલ્લો
ડીકેઃ (દિનેશ કલગીનો ખાસ માણસ દિનેશ ખંભાત)ઃ હા મુનાવર
મુનાવરઃ હલ્લો, ફોન બંદ આ રહા થા તુમ્હારા
ડીકેઃ હા, થોડા પ્રોબ્લેમ થા, સર.
મુનાવરઃ નીચા સ્કોર રહેગા, ઠીક હૈ
ડીકેઃ ઓ.કે.
આજે દિનેશ ખંભાત પોલીસ ચોપડે ફરાર છે અને કહેવાય છે કે હજુ દિનેશ ખંભાત ક્રિકેટ ફિક્સિંગમાં સક્રિય છે. દિનેશ કલગી વિશે ડોક્યુમેન્ટ્રીમાં પૂર્વ પોલીસ કમિશનર એન.એમ. મહેતાનો ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો છે. જેમાં મહેતા કહે છે કે તેણે ક્રિમિનલ્સની ગેંગ બનાવી હતી. એટલે બધા તેનાથી ડરતા હતા. દિનેશ કલગી વતી પૈસા ઉઘરાવવાનું કામ કરતા મહેશ દવે ડોક્યુમેન્ટ્રીમાં કહે છે કે, મારું કામ બેટ હારી ગયેલા પંટરો પાસેથી રૃપિયા ભેગા કરીને કલગીને આપવાનું હતું.
કલગી પોલીસને પૈસા આપતો હતો અને નેતાઓને પણ પૈસા ખવડાવતો હતો. તે પૈસા આપવા તૈયાર હતો, પોલીસ પૈસા લેવા તૈયાર હતી. છુપા કેમેરામાં મુનાવરને પૂછવામાં આવે છે કે તમે અમદાવાદ કેટલી વખત ગયા છો? જવાબમાં મુનાવર કહે છે કે બેથી ત્રણ વખત. મોબાઇલમાં મુનાવરનો ફોટો બતાવતા જ મહેશ દવે તેને ઓળખી બતાવે છે અને કહે છે કે આ મુનાવરને મેં સુદામા રિસોર્ટમાં બે વાર જોયો છે અને દિનેશ કલગી સાથે અલગ રૃપમાં વાતચીત કરતા પણ જોયો છે. મુનાવર ફોનમાં દિનેશ કલગીને જનાબ કહેતો હતો. એક કૉલ રેકોર્ડમાં મુનાવર ડીકેને કહે છે કે, જનાબ, ૪૮ પર ખૂલેગા ઔર વો ભી મંદા જાયેગા. લાસ્ટ ઓવર મેં જ્યાદા માલ લેના, વો ભી મંદા જાયેગા.
કલગીની ઑફિસમાં દસેક માણસો બેસતા હતા. ૬-૭ મોબાઇલ ઉપાડતા હતા. જ્યારે ત્રણ માણસો વોઇસ કૉલ રેકોર્ડિંગનું ધ્યાન રાખતા હતા, લેપટોપ પર કામ કરતા હતા અને ટીવી પર પણ ધ્યાન રાખતા હતા. મુનાવરની ફિક્સિંગ સંબંધિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી આ બીજી ડોક્યુમેન્ટ્રીમાં ઘણા લોકોએ મુનાવરને ડી-કંપનીની બેટિંગ સિન્ડિકેટને સંભાળતો મહત્ત્વનો માણસ ગણાવ્યો છે. આ વર્ષના પ્રારંભે મુંબઈમાંથી ઝડપાયેલો બુકી સોનુ જલાન પણ મુનાવરને અને ડી-કંપની સાથેના તેના જોડાણને ઓળખતો હોવાનું કહી ચૂક્યો છે. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એકસરખાં નિવેદનો આપ્યાં છે. બંનેના કહેવા પ્રમાણે, તેમને તેમના વર્તમાન ક્રિકેટર અને ભૂતપૂર્વ ક્રિકેટરો ઉપર, તેમની વર્તણૂક ઉપર કોઈ શંકા નથી. અલ-જઝીરાની ડોક્યુમેન્ટ્રી પ્રસારિત થઈ તે પહેલાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ઇન્ટેગ્રિટી યુનિટે અલ-જઝીરાની આ પહેલાંની ડોક્યુમેન્ટ્રીમાં કરાયેલા આક્ષેપોની જાણીતા ફોજદારી સ્ત્રોત પાસેથી સમીક્ષા કરાવી હતી અને અમારી ટીમને વર્તમાન કે ભૂતપૂર્વ ખેલાડીના કરપ્શનનો કોઈ મુદ્દો મળ્યો નહોતો. અમને અમારા ખેલાડીઓ ઉપર સંપૂર્ણ ભરોસો છે.
ડોક્યુમેન્ટ્રી પ્રમાણે, મુનાવર સાત વર્ષથી ક્રિકેટ મેચો ફિક્સ કરી રહ્યો છે અને જો આઈસીસી પૈસા બનાવવા સિવાય ક્રિકેટની રમતને ચોખ્ખી રાખવા માટે પણ કટિબદ્ધ હોય તો મુનાવર છુટ્ટો ફરે તે શક્ય નથી. છુપા કેમેરામાં મુનાવર કહે છે કે હું તમને જે સ્ક્રિપ્ટ આપીશ તે પ્રમાણે જ બનશે, બનશે અને બનશે જ. મુનાવર આત્મવિશ્વાસ પૂર્વક કહે છે કે ૬૦થી ૭૦ ટકા મેચો અમે સેટ કે ફિક્સ કરી શકીએ છીએ. મુનાવર કહે છે કે, અમે બહુ મોટા ૨૫થી ૩૦ ગ્રાહકો માટે જ કામ કરીએ છીએ અને તેઓ પ્રતિ મેચ ૧૦ કરોડ જેટલા કમાય છે. ડોક્યુમેન્ટ્રીમાં ૨૦૧૧ના વર્લ્ડ કપના પ્રારંભે જ મુનાવર ઇંગ્લેન્ડના અજ્ઞાત ખેલાડીને ફોન કોલ કરીને કહે છે કે, ‘એશિઝ બદલ અભિનંદન. છેલ્લું પેમેન્ટ જલ્દી ખાતામાં જમા થઈ જશે. તને અઠવાડિયામાં મળી જશે.’ જવાબમાં ખેલાડી ‘લવલી’ કહેતો સંભળાય છે. ડોક્યુમેન્ટ્રીમાં ખેલાડીની ઓળખ છુપી રાખવા માટે અવાજને વિકૃત કરવામાં આવ્યો છે. અલ-જઝીરાએ તે ખેલાડીનો સંપર્ક કર્યો ત્યારે તે ખેલાડીએ ફિક્સર મુનાવર સાથે એવી કોઈ વાત થઈ હોવાનો ઇન્કાર કર્યો હતો અને કૉલ રેકોર્ડિંગને ‘નકલી’ ગણાવ્યું હતું.
ડોક્યુમેન્ટ્રીમાં પાકિસ્તાની ખેલાડી ઉમર અકમલ ‘ડી-કંપની’ના માણસને રાત્રે હોટલ લોબીમાં મળ્યો હતો તેના ફોટોગ્રાફ્સ બતાવ્યા છે. ઉમર ફિક્સ થયેલી પાકિસ્તાન-ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચની રાત્રે મળ્યો હતો. તે મુલાકાત દરમિયાન અકમલ અને ‘ડી-કંપની’ના માણસ સાથેના હોટલ લોબીમાં ફોટા કોઈ અન્ય વ્યક્તિએ પાડ્યા હતા. એ ફોટોમાં અકમલ દાઉદના માણસ સાથે હસ્તધૂનન કરે છે અને બેગ તપાસે છે. જોકે ફોટોમાં અકમલ બેગ સાથે લોબીમાંથી જતો હોય એવું દેખાતું નથી.
અકમલે હોંગકોંગમાં રમાયેલી સુપર સિક્સ, યુએઈમાં રમાયેલી દક્ષિણ આફ્રિકા સામેની પાકિસ્તાનની શ્રેણી અને ૨૦૧૫ના વર્લ્ડ કપમાં મેચો ફિક્સ કરવા માટે પોતાનો સંપર્ક કરાયો હતો એવા દાવો કર્યો એના પગલે ગત જૂનમાં અકમલને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના એન્ટિ કરપ્શન યુનિટે સમન્સ પાઠવ્યું હતું. અકમલે દાવો કર્યો હતો કે તેને હોંગકોંગમાં બે ખાલી બોલ રમવા માટે બે લાખ ડૉલરની રકમ ઓફર કરાઈ હતી.
અલ-જઝીરાની પહેલી ડોક્યુમેન્ટ્રીમાં મુનાવરની ઓળખ થઈ ગઈ હતી અને કેટલાકે તેમનું મેચ-ફિક્સિંગ સાથે સાઠગાંઠ હોવાનું કહ્યું હતું ત્યારે વિચિત્રતા એ વાતની છે કે, ગત ઑગસ્ટમાં આઇસીસીએ મુનાવરની ઓળખ કરી આપવા માટે અપીલ કરી હતી. અલ-જઝીરાએ આઇસીસીની અપીલને એવું નિવેદન આપીને ઉડાવી દીધી હતી કે આઇસીસી મુનાવરને આઠ વર્ષથી જાણતું હતું અને છેક હવે જ્યારે અલ-જઝીરાએ તેમને જણાવ્યું કે, ‘આ ડોક્યુમેન્ટ્રી બનાવાઈ રહી છે છેક તે પછી આઈસીસી મુનાવરને ખોળી કાઢવા માટે ગ્લોબલ અપીલ બહાર પાડે છે.’
જેમણે સ્ટિંગ ઑપરેશન હાથ ધર્યું હતું તે અલ-જઝીરાની ઇન્વેસ્ટિગેશન વિંગના રિપોર્ટર ડેવિડ હેરિસનનું કહેવું છે કે, ‘તેઓ સતત અમારી પાસે એડિટ કર્યા વગરના રો ફૂટેજની માગણી કરતા રહ્યા અને અમે કહેતા રહ્યા કે કોઈ પ્રતિષ્ઠિત પ્રસારણ સંસ્થા આમ ફુટેજ આપે નહીં, કારણ કે તેમાં ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશનનું જોખમ રહેલું છે અને તો પ્રોગ્રામ પણ પ્રસારિત ન થાય. બીજો મુદ્દો એ છે કે અમે અને અન્ય ઘણાને ક્રિકેટની રમતનું સંચાલન કરવાની આઈસીસીની દક્ષતા ઉપર ગંભીર શંકાઓ છે. આઈસીસીનું લાંચ રુશ્વત વિરોધી એકમ ક્રિકેટને પ્રમોટ કરીને પૈસા ઉસેટતી મહાકાય સંસ્થાનું એક નાનકડું અંગ છે.’
————————