તમારા માટે, તમારી સાથે, સતત…

ઉપકાર આભારથી પર હોય છે

ઉપકારનો વધુ મોટો બદલો આપવાની તક સતત માણસ શોધતો રહે છે

0 246
  • પંચામૃક – ભૂપત વડોદરિયા 

લગભગ વીસ વર્ષ પરદેશમાં રહીને પાછા ફરેલા એક ગૃહસ્થનો ચહેરો એકદમ બુઝાયેલો જોઈને પ્રશ્ન કર્યો ઃ ‘દેશમાં આવીને કંઈ માઠા સમાચાર સાંભળ્યા કે શું?’

ગૃહસ્થે કહ્યું ઃ ‘માઠા સમાચાર જેવું તો કંઈ નથી, પણ હું આટલાં વર્ષો પછી દેશમાં જૂના સંબંધોને તાજા કરવા આવ્યો હતો. સગાંસંબંધીઓને મળ્યો અને એમને મળ્યા પછી થયું કે હું અહીં પાછો આવ્યો જ ન હોત તો કેટલું સારું હતું. હું એક ભ્રમમાં જીવતો હતો અને એમાં સુખ હતું. અહીં આવ્યો અને કેટલાક ભ્રમ ભાંગી ગયા! મને સમજાતું નથી કે માણસો આટલા બેકદર કેમ હોય છે! મારી સગી બહેન મુંબઈમાં રહે છે. એને ઘેર તે અલબત્ત સુખી છે. એકવીસ વર્ષ પહેલાં હું અહીં હતો ત્યારે તેના લગ્નનો બધો ખર્ચ મેં ઉઠાવ્યો હતો. એ ખર્ચને પહોંચી વળવા મેં મારું મકાન વેચી દીધું હતું. આટલાં વર્ષો પછી તાજેતરમાં હું જ્યારે એને મળ્યો ત્યારે જૂની વાતો નીકળી. બહેને વાતચીતમાં કહ્યું કે મારે સગા ભાઈઓ સાથે લેણુ જ નથી! હું પાંચ ભાઈઓની બહેન, પણ મારા એકપણ ભાઈએ મારા માટે કંઈ કર્યું હોય એવું મને યાદ આવતું નથી! તેની વાત સાંભળીને મને તો મારા માથા પર વીજળી પડી હોય એવી લાગણી થઈ! મારે કહેવું તો નહોતું, પણ મારાથી કહ્યા વગર રહેવાયું નહીં કે બહેન, બીજા ભાઈઓની વાત તો હું જાણતો નથી, પણ મારી વાત હું જાણુ છું! તારા લગ્નનો બધો જ ખર્ચ મેં ઉઠાવ્યો હતો તે શું તું સાવ ભૂલી ગઈ?

Related Posts
1 of 281

‘જવાબમાં બહેને કહ્યું કે મને ખબર નથી! બાપુજી હયાત હતા, કાકા હતા, મને ખબર નથી. મારા લગ્નનો ખર્ચ કોણે કર્યો હતો તે! મારા લગ્નમાં એવી કંઈ ધામધૂમ તો કરી નહોતી કે તમે લોકોએ કોઈ મોટો કરિયાવર કર્યો હોય એવું પણ મને યાદ નથી! ‘બહેનના આ શબ્દો મને છાતીમાં વાગ્યા. મેં મારી ફરજ બજાવી તે કબૂલ, પણ કૃતજ્ઞતા જેવું કંઈ છે જ નહીં? મને ખરેખર લાગી આવ્યું. ‘મારો એક ભત્રીજો બેંગ્લુરુમાં રહે છે. મારા ભાઈએ તેને ઘરમાંથી કાઢી મૂક્યો હતો. તેને મેં ત્યારે હૂંફ આપી હતી અને બેંગ્લુરુમાં નવું જીવન શરૃ કરવા બનતી મદદ પણ કરી હતી, પણ તેના વર્તન ઉપરથી એવી છાપ પડી કે તેને પણ કશું યાદ નથી!

એણે તો કહ્યું કે મારા પિતાએ જ્યારે મને ઘરમાંથી પહેરેલ કપડે કાઢી મૂક્યો ત્યારે કોઈ મારી મદદે આવ્યું નહોતું. એ તો વળી મારા નસીબ સારા તે મારું ભાગ્ય યારી આપી ગયું અને આજે હું સુખી છું. ‘મને થાય છે કે લોકો આટલી સહેલાઈથી નાના કે મોટા અહેસાનનો બોજ કેમ ફેંકી દેતા હશે? નિકટનાં સગાંંસંબંધીઓ માટે મેં જે કંઈ કર્યું તેના પાડનો હું મોટો પહાડ નહીં બનાવું, પણ આખરે હું પણ માણસ છું! મેં કરેલા અહેસાનના બદલામાં ઋણ સ્વીકારના બે મીઠા શબ્દોની આશા રાખું તો તેમાં કંઈ ખોટું છે?’

એક માણસ બીજા માણસ ઉપર ઉપકાર કરે છે તે તેની પોતાની માણસાઈની શોભા છે. એક માણસ તરીકે કોઈનું પણ કંઈક ભલું પોતાના હાથે થતું હોય તો તે કરીને પોતાને તેનાથી મળતા આનંદ કે સંતોષની લાગણીને જ પૂરતી ગણીને આખી વાત હિસાબપોથીમાંથી કાઢી નાખવામાં જ મજા છે. આપણે કોઈની ઉપર ઉપકાર કર્યો હોય તો તેનો ચોપડો બનાવવાની જરૃર નથી. આવો લાંબો હિસાબ લખનારાઓને હંમેશાં કડવો અનુભવ થવાનું જોખમ રહે છે. તેમને આઘાત જ લાગશે, જ્યારે ઉપકારનું પાનું તમે સાચી વ્યક્તિને બતાવવા જશો ત્યારે તે કદાચ નામુક્કર જશે. પોતાની ઉપર કરવામાં આવેલા અહેસાનનો સ્વીકાર માણસ પોતાના મોંએ કરી શકતો નથી – તેનું સાચું કે ખોટું અભિમાન તેને આડું આવે છે. સારો રસ્તો એક જ છે – કોઈએ તમારી ઉપર અહેસાન કર્યું હોય તો તેની નોંધ તમારી માનસિક નોંધપોથીમાં રાખો, પણ તમે કોઈની ઉપર ઉપકાર કર્યો હોય તો તેની કોઈ જ નોંધ રાખવા કે સાચવવામાં મજા નથી. જેમની ઉપર ઉપકાર કરવામાં આવ્યો હોય છે તે માણસોને હકીકતનું સંપૂર્ણ વિસ્મરણ થઈ ગયું હોય છે એવું નથી હોતું, પણ તેમનું અભિમાન તેમને ઋણ-સ્વીકાર કરતાં રોકે છે. પછી તે પોતાની સ્મૃતિમાંથી તમારા ઉપકારની બીના છેકી નાખવાનો સભાન કે અભાન પ્રયાસ કરે છે. અલબત્ત, બધા માણસોની બાબતોમાં આ સાચું નથી. ઘણા બધા માણસો પોતાની ઉપર કરવામાં આવેલા નાનામાં નાના ઉપકારને ભૂલી જવાની ના પાડે છે. એટલું જ નહીં, પોતાની ઉપર કરવામાં આવેલા એ ઉપકારનો વધુ મોટો બદલો આપવાની તક સતત શોધતા રહે છે.
——————

Leave A Reply

Your email address will not be published.

Translate »