તમારા માટે, તમારી સાથે, સતત…

ઇન્વેસ્ટમેન્ટ બેન્કરઃ કરિયરને  ઇન્વેસ્ટ કરવાનો બેસ્ટ વિકલ્પ

અર્થવ્યવસ્થામાં મજબૂતીની સાથે ઇન્વેસ્ટમેન્ટ બેન્કરોની ડિમાન્ડ વધી રહી છે

0 179
  • હેતલ રાવ

બેન્કિંગ દુનિયાનો સૌથી જટિલ અને મુખ્ય પહેલુ છે. જેને સમજવા અને સમજાવવા માટે ખાસ લોકોની જરૃર પડે છે. જેને ઇન્વેસ્ટમેન્ટ બેન્કર કહેવામાં આવે છે. યુવાનો માટે આ ક્ષેત્રે કારકિર્દી ઘડવાની યોગ્ય તક છે જેમાં હાથ અજમાવીને સેટલ થઈ શકાય છે…

સરકારી આંકડાઓ જોતા હાલના તબક્કે દેશની અર્થ વ્યવસ્થા પહેલાં કરતાં મજબૂત બની રહી છે. જેની અસર ઘણા બધા ઉદ્યોગો પર થઈ રહી છે. સાથે જ બેન્કિંગ સેવાઓનો વિસ્તાર પણ વેગવંતો બન્યો છે. ઇન્વેસ્ટમેન્ટ અથવા બેન્કિંગમાં રસ ધરાવતા લોકો માટે ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગનો વે બહોળો બની રહ્યો છે. આ ક્ષેત્રે કરિયર બનાવવા માંગતા યુવાનો માટે આ બેસ્ટ સમય છે.

ઇન્વેસ્ટમેન્ટ બેન્કરનું કાર્ય
કોઈ પણ સરકારી કે ખાનગી કંપનીઓમાં ઇન્વેસ્ટમેન્ટ બેન્કરોની ભૂમિકા મહત્ત્વની હોય છે. જેમાં સંસ્થાઓના આર્થિક લેણ-દેણ સાથે જોડાયેલા રેકોર્ડનો હિસાબ રાખવો, મોડિફિકેશન, ટેસ્ટિંગ, ડેવલોપમેન્ટ, કંપની કેપિટલ, ફંડ, લોન, સ્ટોક, વગેરે પર કામ કરવાનું હોય છે. આ ઉપરાંત કંપનીના ગ્રાહકને લોન અપાવી અને ઇન્વેસ્ટ કરવાની પ્રક્રિયામાં સહયોગ પણ આપવાનો રહે છે. ઇન્વેસ્ટમેન્ટ બેન્કર પોતાની બેન્કિંગ ટીમ સાથે મળીને કામકાજ કરવાની રણનીતિ બનાવે છે. સાથે જ અન્ય સંબંધિત ટીમો સાથે કેવી રીતે તાલમેલ રાખવો તેનું પણ આયોજન કરે છે. નાણાકીય, લોન, ફંડ વગેરે બાબતો માટે ગ્રાહક સાથે મિટિંગ કરવાનું કામ પણ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર કરે છે.

ક્યારે કરી શકાય કોર્સ
બિઝનેસ ઍડ્મિનિસ્ટ્રેશન અને ફાઇનાન્સમાં બેચલર ડિગ્રી આ પ્રોફેશનની શરૃઆતની યોગ્યતા છે. માસ્ટર કર્યા પછી સ્કોપ વધી જાય છે. આ ક્ષેત્રે એમબીએ, ચાર્ટર્ડ એકાઉન્ટન્સી, કોસ્ટ એન્ડ મૅનેજમૅન્ટ એકાઉન્ટન્સી, કંપની સેક્રેટરી, સીએફએ જેવી ડિગ્રીને પ્રાથમિકતા (પ્રાયોરિટી) આપવામાં આવે છે. માસ્ટર ઇન ઇન્ટરનેશનલ બિઝનેસ (એમઆઇબી) અને અન્ય પીજી ડિપ્લોમા કોર્સ પણ ઉપલબ્ધ છે. પોર્ટફોલિયો મૅનેજમૅન્ટ જેવા કોર્સ પણ વિદ્યાર્થીઓ કરે છે. આ ક્ષેત્રમાં મહત્ત્વના ગણાય તેવા કોર્સમાં એમબીએ ઇન ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ, બીએ ઇન ફાઇનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ, પીજી ડિપ્લોમા ઇન બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ, પીજી ડિપ્લોમા ઇન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ, ડિપ્લોમા ઇન ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ એન્ડ ઇક્વિટી રિસર્ચ અને યુજી પ્રોગ્રામ ઇન પોર્ટફોલિયો મૅનેજમૅન્ટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગનો સમાવેશ થાય છે.

ઇન્વેસ્ટમેન્ટ બેન્કરની ડિમાન્ડમાં વધારો
અર્થવ્યવસ્થામાં મજબૂતીની સાથે ઇન્વેસ્ટમેન્ટ બેન્કરોની ડિમાન્ડ વધી રહી છે. કોઈ પણ જગ્યાએ રોકાણ કરતાં પહેલાં હવે લોકો એક્સપર્ટની સલાહ લેતા થયા છે. એક સરવે અનુસાર ઇન્વેસ્ટમેન્ટ બેન્કરોના રોજગારમાં ૧૦ ટકાનો વધારો થયો છે જે ૨૦૨૪ સુધી રહેશે. બેન્કિંગ સેક્ટર ૨૫ ટકાના દરથી વૃદ્ધિ કરી રહ્યું છે જે જોતા લાગે છે કે ૨૦૨૧-૨૦૨૨ સુધીમાં સાત લાખ જેટલી નવી નોકરીઓ ઊભી થશે.

પરિશ્રમ માટે તૈયારી રાખવી
આ ક્ષેત્રમાં પ્રોફેશનલ્સની અંદર અનેક ગુણ હોવા જરૃરી છે. આ કાર્ય આંકડા અને ગણતરી સાથે જોડાયેલું હોય છે માટે ગણિતની જાણકારી હોવી જરૃરી છે. આ ઉપરાંત દબાણમાં પણ સારું કાર્ય કરવાનું કૌશલ્ય, કમ્યુનિકેશન સ્કિલ પણ જરૃરી છે. ફાઇનાન્સિયલ સ્કિલ અને નવા વિકલ્પોને ઓળખવાની આવડત પણ કામ આવે છે. આ કાર્યમાં જોડાયા પછી પ્રોફેશનલ્સને પરિશ્રમ પણ કરવો પડે છે જે માટે તૈયાર રહેવંુ તે ઉત્તમ ગુણ છે. આ ક્ષેત્રને સારી રીતે સમજવાની આવડત પણ અહીં ઉપયોગી બને છે.

રોજગારીની તકો
કોમર્શિયલ બેન્ક ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગના ક્ષેત્રે વિશાળ ઓળખ ઊભી કરી છે. ટ્રેડિંગ ફર્મ, કેપિટેલ માર્કેટ, લોન આપવાવાળી કંપનીઓ, વગેરેમાં મોટા પાયે ઇન્વેસ્ટર બેન્કરોની નિયુક્તિ કરવામાં આવે છે. જેમાં પ્રોફેશનલ્સ પોર્ટફોલિયો મેનેજર અને ફાઇનાન્સિયલ તરીકે કાર્ય કરી શકે છે. દરેક વિભાગને આવા જ પ્રોફેશનલ્સની જરૃર હોય છે જે તેમના ફાઇનાન્સિયલ પ્લાનિંગનું વિશ્લેષણ કરી શકે. હેલ્થ કૅર, ટૅક્નોલોજી અને એનજીઓ જેવી સંસ્થાઓમાં પણ ઇન્વેસ્ટમેન્ટ બેન્કરોને રાખવામાં આવે છે. જ્યારે મલ્ટિનેશનલ કંપનીઓ પણ હવે ઇન્વેસ્ટમેન્ટ બેન્કરોની શોધ કરી રહી છે. આ ક્ષેત્રમાં કોઈ સંસ્થા કે કંપની સાથે જોડાઈને કામ ના કરવું હોય તો પ્રોફેશનલ્સ સ્વતંત્ર રીતે કામ કરી શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વિદેશ જઈને કામ કરવાનું ચલણ પણ વધી રહ્યંુ છે.

પડકારો
ઇન્વેસ્ટમેન્ટ બેન્કરોના કાર્યમાં ડગલેને પગલે પડકારોનો સામનો કરવો પડે છે. અનેક પ્રકારની રીતનો ઉપયોગ કરીને મૂલ્યાંકન વિશ્લેષણ કરવું પડે છે. કોઈ પણ પ્રોફેશનલ્સ માટે ફાઇનાન્સિયલ મોડલ વિકસિત કરવું, ગ્રાહક સાથેની મિટિંગનું પ્રેઝન્ટેશન તૈયાર કરવું, કેપિટલ સ્ટ્રક્ચરને સમજવું વગેરે કાર્ય કરવાના હોય છે જે સરળ હોતાં નથી. કોઈ પણ ડીલ નિષ્ફળ થવાનો ભાર હંમેશાં તેમના શિરે રહેલો હોય છે.

Related Posts
1 of 289

સૅલેરી પેકેજ
શરૃઆતના સમયમાં પ્રોફેશનલ્સને દર મહિને ૩૫-૪૦ હજાર રૃપિયા મળી રહે છે. જ્યારે ત્રણ ચાર વર્ષના અનુભવ પછી આ પગાર ધોરણ વધીને ૫૦-૬૦ હજાર રૃપિયા સુધીનું થઈ જાય છે. મલ્ટિનેશનલ કંપનીઓમાં પેકેજ વધુ હોય છે. ઘણા અનુભવી પ્રોફેશનલ્સ પોતાની આવડતના આધારે મહિને એક લાખ સુધી પણ કમાણી કરી લે છે.

આ એવું ક્ષેત્ર છે જેમાં લોજિકલ એનાલિટિકલ, આઇટી અને મેથ્સનું જ્ઞાન કામમાં આવે છે. આ ક્ષેત્રની સફળતા મહેનત પર ટકેલી છે. ટૅક્નોલોજી જ્ઞાન પણ જરૃરી છે જોકે આજની નવી પેઢીમાં આ જ્ઞાનની કોઈ કમી નથી. માર્કેટના ઉતાર-ચઢાવની જાણકારી પણ હોવી જરૃરી છે. સામાન્ય ટ્રેનિંગ પછી ઝીણવટથી કામ કરવાની કુનેહ આ ક્ષેત્રે આગળ વધવામાં મદદરૃપ બને છે, પરંતુ એચઆર અને બેન્ક કર્મચારી માટે સારું કાર્ય કરવું એક પડકાર છે. છતાં પણ કરિયરમાં આગળ વધવાની અનેક તક રહેલી છે. કામ કરવા માટે સારું વાતાવરણ મળી રહે છે સાથે જ ઘણી વાર દબાણમાં પણ કામ કરવું પડે છે. ગણિતમાં કમજોર વિદ્યાર્થીઓ માટે આ ક્ષેત્ર કામનું નથી.
————————.

મુખ્ય સંસ્થાઓ

*           સ્કૂલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ- મુંબઈ

*           ઝેવિયર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મૅનેજમૅન્ટ- બેંગ્લુરુ

*           એસપી જૈન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મૅનેજમૅન્ટ એન્ડ રિસર્ચ- મુંબઈ

*           ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટડ ફાઇનાન્સિયલ એનાલિસ્ટ ઓફ ઇન્ડિયા- હૈદરાબાદ

*           ધ ઇન્ડ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ, સ્ટ્રેટેજી એન્ડ રિસર્ચ- મુંબઈ

*           ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ – મુંબઈ
————————.

Leave A Reply

Your email address will not be published.

Translate »