સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ – વિવાદનો અંત કે શરૂઆત?
સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે ૪-૧ની બહુમતીથી આ ચુકાદો આપ્યો છે.
આસ્થા – પ્રજ્ઞેશ શુક્લ
કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરમાં દરેક વયની મહિલાઓના પ્રવેશને લીલી ઝંડી આપીને સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો એ સાથે જ દેશભરમાં આ વિવાદિત મુદ્દે ફરીથી ચર્ચાઓ શરૃ થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું કે, મહિલાઓને પૂજા કરવાના અધિકારથી વંચિત રાખવા ધર્મને ઢાલની જેમ વાપરી શકાય નહીં. આ ચુકાદાથી સબરીમાલા મંદિરની ૮૦૦ વર્ષ જૂની પરંપરા તૂટી છે.
સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે ૪-૧ની બહુમતીથી આ ચુકાદો આપ્યો છે. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે પાંચ જજોની બનેલી બંધારણીય બેન્ચનાં એક માત્ર મહિલા સભ્ય જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રાએ જ સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશનો ઉગ્ર વિરોધ કર્યો હતો. તેમનું કહેવું હતું કે પૂજા કઈ રીતે થવી જોઈએ અને મંદિરમાં કોને પ્રવેશ મળવો જોઈએ તે મંદિરે જ નક્કી કરવાનું હોય, કોર્ટે નહીં. કેરળના પત્થનમથિટ્ટા જિલ્લામાં આવેલા ૧૨મી સદીના પ્રાચીન મંદિરમાં હવે ૧૦થી ૫૦ વર્ષ સુધીની મહિલાઓ પણ ભગવાન અયપ્પાનાં દર્શન કરી શકશે. ઘણા લોકો સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને વિવાદનો અંત નહીં, પણ એક નવા વિવાદની શરૃઆત ગણાવે છે. આ ચુકાદા બાદ હવે જ્યાં મહિલાઓને પ્રવેશ મળતો નથી એવાં ઘણાં ધાર્મિક સ્થળોએ પણ મહિલાઓને પ્રવેશ આપવાની માગણી ઉગ્ર બનશે. આ અગાઉ મહારાષ્ટ્રના શનિ શિંગણાપુર મંદિર અને હાજી અલીની દરગાહમાં મહિલાઓના પ્રવેશના મુદ્દે મોટો હોબાળો થઈ ચૂક્યો છે. આવો, આ વિવાદની અંદર ઊતરીને તેનાં તમામ પાસાંઓ જાણીએ…
મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ કેમ હતો?
સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધનું મુખ્ય કારણ હતું તેમાં બિરાજમાન ભગવાન અયપ્પા બ્રહ્મચારી હતા અને તેઓ હંમેશાં મહિલાઓથી દૂર રહેતા હતા. મંદિરના ટ્રસ્ટનો તર્ક હતો કે શ્રદ્ધાળુઓ ૪૧ દિવસના કઠિન ઉપવાસ વ્રત કરે છે અને ત્યાર બાદ જ મંદિરમાં પ્રવેશે છે. મહિલાઓનું માસિક ધર્મ ચક્ર ૨૮ દિવસનું હોય છે અને તેના કારણે તેઓ ૪૧ દિવસના ઉપવાસ રાખી શકે નહીં. એવી વર્ષો જૂની માન્યતા છે કે ૧૦થી ૫૦ વર્ષની મહિલાઓ માસિક ધર્મ વખતે શુદ્ધતાની કાળજી રાખતી નથી. આ માટે તેમને ‘અપવિત્ર’ ગણીને પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
કન્નડ અભિનેત્રી જયમાલાની ચોંકાવનારી કબૂલાતથી વિવાદની શરૃઆત થઈ હતી
સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ અંગેના વિવાદની શરૃઆત વર્ષો પહેલાં કન્નડ અભિનેત્રી જયમાલાએ કરેલી એક ચોંકાવનારી કબૂલાતથી થઈ હતી. વર્ષ ૨૦૦૬માં સબરીમાલાના મુખ્ય જ્યોતિષી પરપ્પનગડી ઉન્નીકૃષ્ણને એવું કહીને ભક્તોને ચોંકાવી દીધા હતા કે, ભગવાન અયપ્પા તેમની તાકાત (સત્ત્વ) ગુમાવી રહ્યા છે. તેમણે એવું પણ કહ્યું હતું કે, ભગવાન ખૂબ નારાજ છે કેમ કે સબરીમાલા મંદિરમાં કોઈ યુવા મહિલાએ પ્રવેશ કર્યો છે. બરાબર એ જ સમયે કન્નડ અભિનેતા પ્રભાકરની પત્ની અને અભિનેત્રી જયમાલાએ જણાવ્યું કે, તેણે ભગવાન અયપ્પાની મૂર્તિનો સ્પર્શ કર્યો હતો. ૧૯૮૭માં જયમાલા તેના પતિ સાથે મંદિરમાં ગઈ હતી અને શ્રદ્ધાળુઓનો ધક્કો લાગવાથી તે ગર્ભગૃહમાં પહોંચી ગઈ હતી. ધક્કો એટલો જોરદાર હતો કે તે સીધી ભગવાન અયપ્પાના ચરણોમાં જઈને પડી હતી અને તેણે મૂર્તિનો સ્પર્શ કર્યો હતો. એ વખતે પૂજારીએ તેને ભગવાનને ચડાવેલાં ફૂલ પણ આપ્યા હતા. જયમાલાની આ કબૂલાત બાદ કેરળ સહિત સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો હતો. ૧૪ ડિસેમ્બર, ૨૦૧૦ના રોજ પત્થનમથિટ્ટા જિલ્લાના રન્નીની જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટની કોર્ટમાં કેરળ પોલીસે જયમાલા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. તેમાં જયમાલા પર જાણીજોઈને તીર્થસ્થાનના નિયમોનું ઉલ્લંઘન કરીને શ્રદ્ધાળુઓની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. બાદમાં જોકે કેરળ હાઈકોર્ટે આ ચાર્જશીટને રદ્દ કરી દીધી હતી અને જયમાલાનો કાનૂની જંગમાં વિજય થયો હતો.
સબરીમાલાના ચુકાદાની અસર અન્ય ધર્મસ્થળો પર પણ પડશે
સબરીમાલા કેસની સુનાવણી કરી રહેલી સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચમાં એક માત્ર મહિલા જજ જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રાએ જણાવ્યું છે કે, આ કેસમાં મુદ્દો ફક્ત સબરીમાલા મંદિર સુધી જ સીમિત નથી. આ ચુકાદાની અન્ય ધર્મસ્થળો પર પણ દુરોગામી અસર પડશે. એવા લોકો પ્રથાઓ અને વિશ્વાસને પડકાર ફેંકી રહ્યા છે જેમને તેનામાં કોઈ વિશ્વાસ કે શ્રદ્ધા જ નથી. હકીકતમાં તેમનો સીધો ઇશારો સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ માટે લડતા ઇન્ડિયન યંગ લોયર્સ એસોસિયેશન તરફ હતો, જેઓ ભગવાન અયપ્પાના ભક્તો નથી કે તેમનામાં શ્રદ્ધા પણ ધરાવતા નથી. આ લોકોની બંધારણના આર્ટિકલ ૩૨ હેઠળ મૌલિક અધિકારોના હનનની અરજી પર વિચાર કરવો જોઈએ નહીં તેવું પણ ઈન્દુ મલ્હોત્રાએ સ્પષ્ટ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ભગવાન અયપ્પા બ્રહ્મચારી છે અને તે ભક્તોની નિષ્ઠા છે. આ કારણે જ મંદિરમાં મહિલાઓને પ્રવેશ આપવામાં આવતો નથી. આ મંદિર હકીકતે આ નિષ્ઠા સાથે જ બનાવવામાં આવ્યું છે. જિહોવાજ વિટનેસ કેસને ટાંકતા મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, આ કેસમાં ખ્રિસ્તી ધર્મના બાળકો દ્વારા સ્કૂલમાં રાષ્ટ્રગીત ન ગાવાને સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે ધાર્મિક આસ્થાનો મુદ્દો ગણાવીને યોગ્ય માન્યો હતો. બંધારણીય બેન્ચે એ સમયે કહ્યું હતું કે, ધાર્મિક આસ્થા સર્વોપરી છે અને આ માટે અરજીઓને ફગાવવામાં આવે છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે, તો પછી સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશને મુદ્દે પણ ધાર્મિક આસ્થાને સર્વોપરી કેમ માનવામાં ન આવે?
સબરીમાલા મંદિર – ભગવાન અયપ્પાના દ્વાર નવ મહિના રહે છે બંધ
કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિર વિશેની કેટલીક હકીકતો ખૂબ રસપ્રદ છે. કેરળની રાજધાની તિરુવનંતપુરમથી ૧૭૫ કિલોમીટર દૂર સ્થિત આ મંદિર સહ્યાદ્રિ પર્વતમાળાથી ઘેરાયેલા પત્થનમથિટ્ટા જિલ્લાના પશ્ચિમી ઘાટની ૪૧૩૩ ફૂટ ઊંચી પહાડીઓ પર આવેલું છે. પંપાથી સબરીમાલા સુધી પગપાળા યાત્રા કરવી પડે છે, જે રસ્તો પાંચ કિલોમીટરનો છે. મક્કા-મદીના બાદ આ દુનિયાનું બીજું સૌથી મોટું તીર્થસ્થળ ગણાય છે. અહીં પ્રતિવર્ષ પાંચ કરોડથી પણ વધુ શ્રદ્ધાળુઓ આવે છે. આ મંદિરમાં ભગવાન અયપ્પા બિરાજમાન છે. પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન અયપ્પા શિવજી અને મોહિની (વિષ્ણુનું એક રૃપ)ના પુત્ર છે. તેમનું એક નામ હરિહરપુત્ર પણ છે. હરિ એટલે વિષ્ણુ અને હર એટલે શિવજી. ભગવાન અયપ્પાને અયપ્પન, શાસ્તા, મણિકાંતાના નામથી પણ ઓળખવામાં આવે છે.
દક્ષિણ ભારતમાં તેમનાં ઘણાં મંદિરો આવેલાં છે, પણ સબરીમાલા મંદિર લાખો-કરોડો ભક્તોની શ્રદ્ધાનું પ્રતીક છે. મંડલપૂજા દરમિયાન નવેમ્બરથી જાન્યુઆરી સુધી એટલે કે ફક્ત ત્રણ મહિના જ ભગવાન અયપ્પાના દર્શન ખૂલે છે. વર્ષના બાકીના નવ મહિના સબરીમાલા મંદિરના દ્વાર ભક્તો માટે બંધ રહે છે. આ ઉપરાંત મલયાલમ વર્ષની શરૃઆતના પાંચ દિવસ પણ આ મંદિર ભક્તો માટે ખૂલે છે. મકર સંક્રાંતિનો દિવસ ભગવાન અયપ્પાના ભક્તો માટે ખાસ અગત્યનો હોય છે. આ એક જ દિવસે ચાલીસ લાખથી પણ વધુ ભક્તો મંદિરમાં ઊમટે છે, જે એક વિશ્વ વિક્રમ છે. મંદિરમાં ૧૮ સીડી ચડવી પડે છે, જેના અલગ અલગ અર્થ જણાવવામાં આવ્યા છે. પહેલી પાંચ સીડી મનુષ્યની પાંચ ઇન્દ્રિયો, ત્યાર બાદની આઠ સીડી માનવીય ભાવનાઓ, પછીની ત્રણ સીડીને માનવીય ગુણ અને અંતિમ બે સીડીને જ્ઞાન-અજ્ઞાનનું પ્રતીક માનવામાં આવે છે. આ મંદિરમાં શ્રદ્ધાળુઓ માથા પર પોટલી રાખીને આવે છે. આ પોટલીમાં નૈવેદ્ય રાખવામાં આવે છે. ભક્તો અહીં કાળા કે વાદળી રંગનાં કપડાં પહેરે છે અને જ્યાં સુધી તેમની યાત્રા પૂરી ન થાય ત્યાં સુધી તેઓ આ વસ્ત્રો ઉતારી શકતા નથી. સબરીમાલા મંદિર શૈવ અને વૈષ્ણવો વચ્ચેની અદ્ભુત કડી ગણાય છે. કેટલાક લોકો માને છે કે ૮૦૦ વર્ષ પહેલાં દક્ષિણ ભારતમાં શૈવ અને વૈષ્ણવો વચ્ચેનું વૈમનસ્ય ખૂબ વધી ગયું હતું અને ત્યારે તેમની વચ્ચેનો મતભેદ દૂર કરવા ભગવાન અયપ્પાની સ્થાપના કરવામાં આવી હતી. મલયાલમ ભાષામાં સબરીમાલાનો અર્થ પર્વત થાય છે.
——————————