તમારા માટે, તમારી સાથે, સતત…

ટાઈલ્સ અને સિરામિક ઉદ્યોગનું ગ્લોબલ હબ બની રહેલું મોરબી

રાજવી શહેરને નળિયા ઉદ્યોગથી એક નવી ઓળખ મળી

0 534
  • મોરબી સ્પેશિયલ – દેવેન્દ્ર જાની

પ્રચંડ પૂર, વાવાઝોડું અને ભૂકંપ જેવી આપત્તિમાંથી ખમીરી સાથે ફિનિક્સ પંખીની જેમ ફરીને બેઠું થયેલું મોરબી અનેક પડકારોનો સામનો કરીને આજે ગ્લોબલ માર્કેટમાં ટાઈલ્સ અને સિરામિક ઉદ્યોગનું હબ બન્યું છે. આધુનિક ટૅક્નોલોજીનો ઉપયોગ કરીને મોરબી આજે ચાઇનાને હંફાવી રહ્યું છે. દેશ અને દુનિયામાં મોરબીની દાયકાઓ જૂની ઓળખ છે તેને ઉદ્યોગકારોની નવી પેઢીએ પણ જાળવી રાખી છે.

રાજાશાહીના સમયમાં મોરબી સ્ટેટનું માનભર્યું સ્થાન હતું. રાજવી વાઘજી ઠાકોરના સમયમાં મોરબીમાં દરબારગઢ, મણિમંદિર અને ઝૂલતો પુલ જેવી અનેક ઐતિહાસિક ઇમારતો ઊભી કરાઈ એ મોરબીની ઓળખ બની ચૂકી હતી. એક સમયે મોરબી એ સૌરાષ્ટ્રનું પેરિસ કહેવાતું હતું. રાજાશાહીના સમયથી ભવ્ય ભૂતકાળ ધરાવતું અને મચ્છુ નદીના કિનારે વસેલા મોરબી શહેરની સમયના વહેણ સાથે ઓળખ બદલાઈ છે, પણ તેની ખુમારી અકબંધ રહી છે. પ્રચંડ પૂર, વાવાઝોડંુ અને ભૂકંપ જેવી આફતોએ મોરબીને તહસનહસ કરી નાખ્યું હતું છતાં ખુમારી અને પરિશ્રમથી મોરબી ફરી બેઠું થયું છે. મોરબીવાસીઓએ આફતને અવસરમાં ફેરવીને વૈશ્વિક ઓળખ બનાવી છે. આજે માત્ર ભારત જ નહીં, દુનિયાભરમાં ટાઈલ્સ કે સિરામિક ઉત્પાદનની વાત નીકળે એટલે મોરબીનું નામ પહેલા લેવું પડે છે. મોરબી આ ઉદ્યોગમાં ગ્લોબલ હબ બન્યું છે. ચાઇના આજે વિશ્વને પડકાર ફેંકી રહ્યું છે, પણ મોરબી ટાઈલ્સ અને સિરામિક ઉદ્યોગમાં ચાઈનાને હંફાવી રહ્યું છે. આધુનિક ટૅક્નોલોજીના ઉપયોગમાં પણ મોરબીના ઉદ્યોગપતિઓ સમયની સાથે તાલ મિલાવીને આગળ વધી રહ્યા છે.

રાજવી શહેરને નળિયા ઉદ્યોગથી એક નવી ઓળખ મળી
મોરબીનું નામ એક સમયે નળિયા ઉદ્યોગથી વિખ્યાત હતું. મોરબી, વાંકાનેર વિસ્તારમાં લાલ માટી મળી આવતી હોવાથી મોરબી અને આસપાસના પંથકમાં નળિયા ઉદ્યોગ ખૂબ વિકસ્યો હતો. આ ઉદ્યોગથી રાજવી શહેરને એક ઔદ્યોગિક શહેર તરીકે ઓળખ મળી. આશરે ૧પ૦ નળિયાનું ઉત્પાદન કરતા એકમો હતા. ગુજરાતભરમાં મોરબીના નળિયા સપ્લાય થતા હતા. સમય જતાં શહેરો અને ગામડાંઓમાં પણ નળિયાના સ્થાને છતવાળા મકાનોનું બાંધકામ ચાલુ થતાં ધીરે-ધીરે નળિયાની ડિમાન્ડ ઘટવા લાગી. મોરબીના ઉદ્યોગપતિઓએ સમયની સાથે તાલ મિલાવવા નળિયાના બદલે મોઝેક ટાઈલ્સનું ઉત્પાદન શરૃ કર્યું હતું. ઉદ્યોગકારો માત્ર શૉપિસ નળિયાનું ઉત્પાદન જ ચાલુ રાખીને મોઝેક ટાઈલ્સ તરફ વળી ગયા હતા. નળિયા ઉદ્યોગને કારણે જે નેટવર્ક હતું તેનો લાભ કારખાનેદારોએ મોઝેક માટે લીધો હતો.

મોરબી ધીરે-ધીરે મોઝેક ટાઈલ્સના ક્ષેત્રમાં આગળ વધતું ગયું હતું. મોઝેક વજનવાળી ટાઈલ્સ હતી અને તેમાં ચોક્કસ ડાઈ મુજબ ડિઝાઇન કરી શકાતી હતી. મોઝેકની સાથે સિરામિક ઉદ્યોગ પણ ડેવલપ થતો ગયો. સમયની સાથે મોરબીના ઉદ્યોગકારોએ ‘૯૦ના દશકામાં મોઝેક ટાઈલ્સમાં બદલાવ લાવીને ગ્લેઝ્ડ, વિટ્રીફાઈડ, વૉલ ટાઈલ્સ, ફ્લોરિંગ, ડેકોરેટિવ, ચાર્જડ ટાઈલ્સ અને હવે સ્લીમ ટાઈલ્સ સુધી આ ઉદ્યોગનો વિકાસ થયો છે. કોઈ પણ ડિઝાઇનની અને માગો તેવી સાઇઝની ટાઈલ્સ આજે મોરબીમાં બની શકે છે. મોરબીના ઉદ્યોગકારો પાસે આજે એવી ટૅક્નોલોજી છે કે કોઈ ઑફિસ કે રૃમની દીવાલ માટે એક અથવા બે કટકામાં આખી દીવાલમાં થાય તેવી ટાઈલ્સ જોઈએ તો બનાવી આપે છે.

દુનિયામાં બીજા નંબરનું સ્થાન
ટાઈલ્સ અને સિરામિક ઉદ્યોગમાં મોરબી આજે દુનિયામાં ચાઇનાના ગોંગડોંગ પછીનું બીજા નંબરનું સ્થાન ધરાવે છે. ભારતમાં સિરામિક અને ટાઈલ્સનું જે ટોટલ પ્રોડક્શન છે તેનું આશરે ૯૦ ટકા મોરબી અને આસપાસના વિસ્તારમાં થાય છે. લેટેસ્ટ ટૅક્નોલોજી અને હાઈ લેવલની ક્વૉલિટીને કારણે મોરબીની આ પ્રોડક્ટની વિશ્વભરમાં ડિમાન્ડ છે. મોરબી આ ઉદ્યોગમાં ગ્લોબલ હબ બન્યું છે. મોરબી સિરામિક એસોસિયેશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયા કહે છે, ‘મોરબીનો આ ઉદ્યોગ એ માત્ર મોરબી કે ગુજરાત જ નહીં, દેશનું ગૌરવ બન્યો છે. સ્થાનિક લોકોના સહયોગ અને ઉદ્યોગકારોની સાહસિકતાને કારણે મોરબીના સિરામિક અને ટાઈલ્સ ઉદ્યોગે હરણફાળ ભરી છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે ચાઇનાની માર્કેટનો આજે વિશ્વના ઉદ્યોગકારોને ડર છે ત્યારે મોરબીનો અમારો ઉદ્યોગ ચાઈનાને હંફાવી રહ્યો છે. સ્લીમની નવી ટૅક્નોલોજી સાથે કામ કરતા  દુનિયામાં ર૭ જેટલા યુનિટો છે તેમાં એકલા મોરબીમાં જ ૧૪ યુનિટો છે. આશરે રૃ. ર૦૦ કરોડના રોકાણ સાથે આ ટૅક્નોલોજીવાળું યુનિટ શરૃ કરી શકાય છે.’

Related Posts
1 of 142

નિલેશભાઈ કહે છે, ‘મોરબીના આ ઉદ્યોગ સાથે જોડાયેલી હાલ નાની-મોટી આશરે ૧૦૦૦ જેટલી ફેક્ટરીઓ છે. મોરબીનો આ ઉદ્યોગ આશરે ૩પ૦૦૦ કરોડના બિઝનેસ સુધી પહોંચી ગયો છે. સિરામિક, ગ્લેઝ્ડ, વિટ્રીફાઈડ, વૉલ, ફ્લોરિંગ ટાઈલ્સમાં સમય મુજબની માગ સાથે લેટેસ્ટ ટૅક્નોલોજીની મદદથી પ્રોડક્શન કરવામાં આવે છે. ગુણવત્તાની બાબતમાં ચાઇના કરતાં મોરબીનો ભરોસો માર્કેટમાં વધારે છે. મોરબી અને આસપાસના એરિયામાંથી જે પ્રોડક્શન થાય છે તેની દુનિયાના ૧૧ર જેટલા દેશોમાં નિકાસ કરવામાં આવે છે. આમ સિરામિક અને ટાઈલ્સ ઉદ્યોગનું મોરબી ગ્લોબલ હબ બન્યું છે.

દસ લાખ લોકોને રોજગારી
રોજગારી આપવામાં પણ મોરબી મોખરે છે. સાડા ત્રણ લાખ જેટલા પ્રત્યક્ષ મળી આશરે ૧૦ લાખ લોકોને મોરબીનો સિરામિક અને ટાઈલ્સ ઉદ્યોગ રોજગારી આપી રહ્યો છે. ખાસ કરીને આસપાસનાં ગામોમાંથી હજારો લોકો રોજગારી માટે મોરબી આવે છે. આ ઉપરાંત યુ.પી., બિહાર જેવા રાજ્યોમાંથી આવેલા લાખો મજૂરોને મોરબીનો ઉદ્યોગ રોજીરોટી આપે છે. ખાસ કરીને અનસ્કિલ લેબરને મોટા પાયે રોજગારી મોરબીના ઉદ્યોગમાંથી મળી રહી છે.

સેનિટરી વૅર્સ મેન્યુફેક્ચરિંગ એસોસિયેશનના પ્રમુખ કિરીટભાઈ પટેલ કહે છે, ‘સેનિટરી પ્રોડક્ટના આશરે ૧૦૦ જેટલા એકમો કાર્યરત છે. જુદા જુદા પ્રકારના અંદાજે ૧ લાખ પીસનું ઉત્પાદન થાય છે. માત્ર સેનિટરી વૅર્સની ફેક્ટરીઓમાં આશરે પ૦ હજાર લોકોને રોજગારી મળી રહી છે. હાલ જીએસટીના ૧૮ ટકાના દાયરામાં આ ઉદ્યોગ આવે છે. ટેક્સનું કોઈ મોટું ભારણ નથી. ઉદ્યોગકારોની સાહસિકતાથી આ ઉદ્યોગ સતત આગળ વધી મોરબીની એક ઓળખ બન્યો છેે. વર્ષો પહેલાં પરશુરામ પોટરી શરૃ થઈ ત્યાર બાદ મોરબી અને વાંકાનેરમાં સેનિટરી ઉદ્યોગ સતત ગતિ કરી રહ્યો છે.’

ચાલીસ કિ.મી.ના એરિયામાં ક્લસ્ટર
મોરબી શહેરની આસપાસના આશરે ૪૦ કિ.મી.ના એરિયામાં સિરામિક, સેનિટરી અને ટાઈલ્સ ઉદ્યોગ ફેલાયો છે. નજીકના ઢુવા, જેતપર, ઊંચી માંડલ, નીચી માંડલ ગામ આસપાસ ઇન્ડસ્ટ્રિયલ એકમો ઊભા થઈ ગયા છે. મોરબીના આસપાસનાં ગામોમાં ઉદ્યોગ વિકસતા સ્થાનિક લોકોને પણ તેનો ફાયદો થયો છે. રોજગારી ઉપરાંત જમીનના ભાવ પણ ઊંચકાયા છે. મોરબીના આસપાસના વિસ્તારમાં આધુનિક ફેક્ટરીઓ શરૃ થઈ ગઈ હોય આ વિસ્તારનાં ગામોમાં પ્રવેશ કરતા જ લાંબો ઇન્ડસ્ટ્રીઝ ઝોન દેખાય છે. ઇન્ડસ્ટ્રીઝ ડેવલપ થતાં તેને આનુષંગિક ધંધાઓ ટ્રાન્સપોર્ટેશન, હોટલ બિઝનેસ અને પેકેજિંગ ઉદ્યોગ પણ ડેવલપ થયો છે. મોરબી હવે તો જિલ્લા મથક બન્યું છે. તેનો લાભ પણ સ્થાનિક ઉદ્યોગને મળી રહ્યો છે. જોકે જે રીતે ઉદ્યોગ હરણફાળ ભરી રહ્યો છે તે મુજબ સ્થાનિક રોડ – રસ્તા સહિતની માળખાકીય સુવિધાઓ વિકસી નથી.

કયા કારણો વિકાસમાં મહત્ત્વનાં રહ્યાં?
મોરબીના ઉદ્યોગકારો સાથેની વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે મોરબીમાં સિરામિક, ટાઈલ્સ, ક્લોક, સેનિટરી વૅર્સનો ઉદ્યોગ વિકાસ પામ્યો છે તેનાં કેટલાંક કારણો છે. નિકાસ માટે કંડલા અને મુન્દ્રા જેવા મોટા બંદરો માત્ર ૩ – ૪ કલાકના રોડ રસ્તેથી પહોંચી શકાતું હોવાથી ટ્રાન્સપોર્ટેશન સહેલંુ અને ઓછા ખર્ચે થઈ શકે છે. એક અંદાજ મુજબ વાર્ષિક ૧ર હજાર કરોડથી વધુ રકમની નિકાસ થઈ રહી છે. સેનિટરી પ્રોડક્ટ માટે કાચો માલ સ્થાનિક સ્તરેથી મળી શકે છે. ઓછી મજૂરીએ કારીગરો મળી શકે છે. આ ઉપરાંત રોડ રસ્તે મોરબી ભારતનાં રાજ્યો સાથે જોડાયેલું છે. રોડ, રેલવે અને દરિયાઈ કાર્ગો હેન્ડલ કરી શકાય તેવી માળખાકીય સુવિધાને કારણે ઉદ્યોગને સતત પ્રોત્સાહન મળી રહ્યું છે. મોરબીના ઉદ્યોગને ર૦૦૮થી સરકારે ગેસ સપ્લાય આપ્યો હોવાથી મોટો ફાયદો થયો છે. બીજું ભારતના અન્ય ભાગોમાં ઉદ્યોગોની સામે સ્થાનિક સ્તરે આંદોલનો થાય છે. અવરોધ ઊભો કરવામાં આવે છે એવું અહીંયા નથી. સ્થાનિક લોકોનો ભરપૂર સહયોગ મળી રહ્યો છે. એટલે જ મોટા પાયે રોકાણ કરવા માટે ઉદ્યોગપતિઓ મોરબી પર નજર દોડાવી રહ્યા છે.

ઉદ્યોગપતિઓની વચ્ચે તંદુરસ્ત હરીફાઈ
મોરબીના ઉદ્યોગના વિકાસમાં એક મહત્ત્વનું કારણ એ છે કે ઉદ્યોગકારો વચ્ચે સંકલન સારું છે અને તંદુરસ્ત હરીફાઈ છે. મોટા ભાગના ઉદ્યોગકારો એકબીજાને મદદરૃપ થઈને બિઝનેસ કરવામાં માને છે. ચાઇના સામેની ફરીફાઈમાં એટલે જ મોરબીનો ઉદ્યોગ ટક્કર લઈ શક્યો છે. સિરામિક, વૉલ ટાઈલ્સ, ક્લોક મેન્યુફેક્ચરિંગ, સેનિટરી વૅર્સ પ્રોડક્ટ બનાવતા અલગ-અલગ ડિવિઝનોના ચાર – પાંચ મોટાં એસોસિયેશન કાર્યરત છે. વેપારીઓ – ઉદ્યોગકારોની નાની-મોટી સમસ્યાઓ હોય તો આ એસોસિયેશનના લેવલ પર હલ કરી લેવાતી હોય છે.
—————————————–.

Leave A Reply

Your email address will not be published.

Translate »