તમારા માટે, તમારી સાથે, સતત…

ભૂપત વડોદરિયાઃ સાહિત્ય અને પત્રકારત્વનું દુર્લભ વ્યક્તિત્વ

ભૂપતભાઇની અદ્ભુત ક્ષમતા અને કર્મઠતા જ સમભાવ મીડિયાની અનોખી ધરોહર છે.

0 511
  • સ્મરણાંજલિ – તરુણ દત્તાણી

રાધેશ્યામ શર્માએ ગુજરાતી ભાષાના સર્જકો વિશેના તેમના પુસ્તક માટે ભૂપતભાઇનો ઇન્ટરવ્યૂ લીધો હતો. જીવનની અંતરંગ વાતોને આવરી લેતા એ વિસ્તૃત અને રસપ્રદ ઇન્ટરવ્યૂમાં તેમણે ભૂપતભાઇને એક પ્રશ્ન એવો પૂછ્યો હતો કે ‘મૃત્યુ પછી લોકો તમને કેવી રીતે યાદ કરે તો ગમે?’

-અને ભૂપતભાઇએ જવાબ આપેલો કે મૃત્યુ પછી લોકો યાદ કરે એવી ‌િજજીવિષા જ મેં રાખી નથી.

રાધેશ્યામભાઇને પણ આશ્ચર્યમાં મૂકી દે એવો આ જવાબ હતો, અત્યંત સાદો અને સરળ. રાધેશ્યામ શર્મા ખુદ ગુજરાતી સાહિત્યના મોટા ગજાના પ્રતિષ્ઠિત સર્જક, પરંતુ ભૂપતભાઇના મિત્ર. ભૂપતભાઇના કેટલાક અંગત મિત્રોમાંના એક. ભૂપતભાઇની લેખક અને પત્રકાર તરીકે ઉત્કૃષ્ટ પ્રતિભાથી સુપેરે પરિચિત. ભૂપતભાઇના ઉત્તમ ગદ્ય, જીવન-ચિંતન વિશેના તેમના નિબંધો અને ભૂપતભાઇની વાર્તાકલાના તેઓ અનન્ય પ્રશંસક. ભૂપતભાઇના અત્યંત નિકટના વ્ય‌ક્તિ હોવા છતાં આ જવાબમાં રાધેશ્યામભાઇને તેમની અનોખી મહાનતાનો સાક્ષાત્કાર થયેલો. સાહિત્ય અને પત્રકારત્વમાં પોતાની લોકપ્રિયતા અને મહાનતાનો સહેજ પણ અહંકાર નહીં. તેમની આ સાદગી તેમના જીવન અને વ્યવહારમાં ડગલે ને પગલે નિતરતી.

Related Posts
1 of 142

તેઓ કહેતા કે આપણા કરતાં અનેકગણા પ્રતિભાશાળી અને મહાન વ્યક્તિઓને પણ લોકો યાદ રાખી શકતા નથી તો લોકો આપણને યાદ રાખે એવી અપેક્ષા શું કામ રાખવી! જેવું ચિંતન એવું જ જીવન અને એવો જ વ્યવહાર. કદાચ એ જ તેમના શબ્દોની તાકાત હતી. તેમના લેખનની અસરકારકતાનું રહસ્ય પણ એ જ હતું. જીવન-દર્શન વિશેના ‘પંચામૃત’ના લેખો વાંચીને અસંખ્ય લોકોનાં જીવનપરિવર્તન પામ્યાં છે, તો તેનું કારણ એ શબ્દોમાં વાસ્તવિક જીવનની ચેતનાનો ધબકાર છે.

ગહન ચિંતનની પ્રસ્તુતિ એટલી જ સરળ. વાચકને તેનો ભાર ન લાગે. વાતને અનુરૂપ ઉદાહરણ અને નાની ઘટનાનો અનોખો સાર સમજાવવામાં એમને ક્યારેય શબ્દોની મુશ્કેલી પડી નથી. ગાંધીજી કહેતા તેમ સાવ સામાન્ય માણસ પણ સમજી શકે તેવી ભાષા અને આવા ચિંતનાત્મક લેખો લખવા માટે તેમને કોઇ વિશિષ્ટ માહોલ કે સુવિધાની પણ આવશ્યકતા ન રહેતી. કોઇ પણ પરિસ્થિતિમાં, કોઇ પણ સ્થળે કાગળ-પેન મળે એટલી જ આવશ્યકતા. જીવનના દર્શન વિશેની આવી અને આટલી સહજ સ્પષ્ટતા ભાગ્યે જ કોઇનામાં જોવા મળે. તેમની સાથે કામ કરી ચૂકેલા લોકોનો આવો નિત્યનો અનુુભવ. પત્રકારના નાતે વિવિધ અખબારો સાથે સંકળાયેલા રહ્યા.

તંત્રીખાતાનો એવો કોઇ વિભાગ નહીં હોય કે જેમાં તેમણે કામ ન કર્યું હોય. બધા જ વિભાગમાં ઉત્કૃષ્ટ કામગીરી. જેટલી એકાગ્રતાથી ‘પંચામૃત’ કે ‘ઘરે-બાહિરે’ના લેખ લખે એટલી જ તલ્લીનતાથી અખબારના પ્રાસંગિક લેખ અને તંત્રીલેખ પણ લખે. વળી, તેમની ધારાવાહિક નવલકથા કંપોઝ ખાતામાંથી ઉઘરાણી થાય એટલે એ જ ક્ષણે લખવા બેસી જાય. વાર્તાના આગળના ઘટનાક્રમ વિશે વિશેષ કાંઇ વિચારવાની જરૂર નહીં. વાર્તાનાં પાત્રો જાણે તેમના માનસપટ પર કઠપૂતળીની માફક રમતાં હોય તેમ જીવંત ચલચિત્રની માફક વાર્તાની આગળની ઘટનાઓ કાગળ પર ઊતરવા લાગે. સાથી કર્મચારીઓનું આશ્ચર્ય એ કે અખબારી લેખો તો કદાચ સરળતાથી તત્કાળ લખી શકાય પણ ચાલુ નવલકથાનું પ્રકરણ આ રીતે એટલી જ ત્વરાથી અને તત્કાળ લખી આપવાની કુશળતા કોઇ લેખકમાં જોવા મળવી એ લગભગ અસંભવ ગણાય, એ કામ ભૂપતભાઇ સાવ સહજતાથી કરતા અને એ જ ભૂપતભાઇને ક્યારેક અખબારના પહેલા પાને મદદ કરવાની કે કામ કરવાનું આવે ત્યારે પહેલા પાનાની મેઇન સ્ટોરી લખવાની હોય તો પીટીઆઇ-યુએનઆઇ ન્યૂઝ એજન્સીના અંગ્રેજીના તાર વાંચી નાખે અને પછી તેને બાજુમાં મૂકી દઇને તેના પર નજર નાખ્યા વિના જ તેને લખી નાખે. એ મેઇન સ્ટોરીનો ઇન્ટ્રો પણ તેમણે જાતે જ સ્વતંત્ર રીતે તૈયાર કર્યો હોય.

ભૂપતભાઇને આ રીતે કામ કરતા જોવાનું સૌભાગ્ય તેમના જે સહયોગીઓને મળ્યું એ આજે પણ ભૂપતભાઇની એ અદ્ભુત ક્ષમતાને યાદ કરે છે. સાહિત્ય અને પત્રકારત્વ- બંનેમાં દુર્લભ કહી શકાય એવું વ્યક્તિત્વ ભૂપતભાઇમાં સમ્મિલિત સ્વરૂપે જોવા મળતંુ. ભૂપતભાઇની આ અદ્ભુત ક્ષમતા અને કર્મઠતા જ સમભાવ મીડિયાની અનોખી ધરોહર છે. ગુજરાતી પત્રકારત્વ સાથે સંકળાયેલા સૌ કોઇ માટે આજે પણ ભૂપતભાઇ એટલા જ પ્રેરક અને માર્ગદર્શક છે અને ભવિષ્યમાં પણ રહેશે.
———.

Leave A Reply

Your email address will not be published.

Translate »