બારડોલીનું ઈસરોલી સરકારી સહાય વિના બન્યું સ્માર્ટ વિલેજ
ગામનાં વિકાસ કાર્યો માટે એક પણ રૃપિયાની સરકારી મદદની માગણી કરી નથી
સમૃદ્ધિ – હરીશ ગુર્જર
ધૂળ ઊડતી હોય, ગાય-ભેંસ નજરે પડે, ૪૦-૫૦ કાચાં મકાનો વચ્ચે ૮-૧૦ પાકાં મકાનો નજરે પડે એટલે સમજાય કે ગામ આવી ગયું છે. ગામની વાત કરીએ એટલે આપણી આંખો સામે કંઈક આવું જ ચિત્ર ખડું થાય. જો ગામના લોકો જાગૃત હોય તો ગામમાં સ્વચ્છતા હોય, દરેક ઘરમાં શૌચાલય હોય, ગામની શાળાનું મકાન સારું હોય એનાથી વધુ તો ગામમાં શું હોય, પણ આજે આપણે જે ગામની વાત કરવા જઈ રહ્યાં છે તે ગામ ઓછું અને વિકસિત શહેરનો એક વિસ્તાર હોય એવું વધુ લાગે છે.
સુરત શહેરથી ૪૦ કિલોમીટર દૂર, બારડોલી તાલુકાના ઈસરોલી ગામની એક વાર મુલાકાત લેનાર વ્યક્તિ તેને ક્યારેય ગામ તરીકે સ્વીકારી જ શકે નહીં. ૩ હજારની વસ્તી ધરાવતાં આ ગામમાં પ્રવેશતાં જ આધુનિકતાનાં દર્શન થવાની શરૃઆત થાય છે. ગામના નામનું રોડ પર કોઈ પાટિયું નથી, પણ એક વિશાળ એન્ટરન્સ ગેટ છે અને તેની બાજુમાં દીવાલનું ચણતર કરી લખવામાં આવ્યું છે.. વૅલકમ ઈસરોલી..
ઈસરોલી ગામની વસ્તીનો મોટો હિસ્સો આજે આદિવાસી અને હળપતિ સમાજનો છે. એક સમયે ગામની વસ્તીના ૯૦ ટકા લોકો લેઉવા પાટીદાર સમાજના હતા, પણ છેલ્લાં ૨૦ વર્ષમાં પાટીદાર સમાજની વસ્તી ૩૦૦ પર પહોંચી ગઈ છે. ગામ છોડી પાટીદારોએ વિદેશ બાજુ દોટ મુકી છે. બારડોલીના ઈસરોલી ગામના વાસીઓ હવે અમેરિકાનાં કેલિફોર્નિયા, હ્યુસ્ટન, ટેક્સાસ અને ઓકલાહોમામાં વસે છે. ગામથી હજ્જારો કિલોમીટર દૂર જઈ તેમણે પોતાની સમૃદ્ધિ વધારી, પણ ગામને આજે પણ ભૂલ્યા નથી એવું ચોક્કસ કહી શકાય, કારણ કે તેમની આર્થિક મદદ અને ઈસરોલીમાં રહેતા યુવાનોની મહેનતને કારણે આજે ઈસરોલી ગામ સ્માર્ટ વિલેજ ઈસરોલી, ડિજિટલ વિલેજ ઈસરોલી બન્યું છે.
૧૯૮૫માં ગ્રામજનો અને એનઆરઆઈની મદદથી સૌપ્રથમ ગામમાં રામજી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું અને ત્યારથી જ જાણે ગામના વિકાસનો પાયો નંખાયો. આખા ગામમાં આરસીસીના રોડ, રોડ પુરા થયા બાદ દરેક ઘર સુધી વૉલ ટુ વૉલ પેવર બ્લોકનું કામ ૧૯૯૪-૯૫માં આ ગામમાં થઈ ગયું હતું. એનઆરઆઈ તરફથી મળતી આર્થિક મદદ અને જરૃર પડે ત્યારે ગ્રામજનોની આર્થિક મદદથી ઈસરોલીનાં વિકાસકામોનું આયોજન કરવા લેઉવા પાટીદાર ગ્રામ વિકાસ કમિટીની રચના કરવામાં આવી છે, જેમાં ગામના ૪૦ યુવાનો સભ્યો છે. આ યુવાનો ગામના વડીલોની સલાહ-સૂચન મુજબ ગામના વિકાસના માટે ક્યાં કામો જરૃરી છે તે નક્કી કરે છે અને ત્યાર બાદ તેના માટે આર્થિક રાશિ ભેગા કરવાના કામે લાગી જાય છે.
ઈસરોલીના ગામવાસીઓની એક વિશેષતા એ છે કે, તેમણે આજ સુધી ગામનાં વિકાસ કાર્યો માટે એક પણ રૃપિયાની સરકારી મદદની માગણી કરી નથી કે સરકારી સહાયનો લાભ લીધો નથી. જાતે જ નાણા એકત્રિત કરવાના અને ગામનો વિકાસ કરવો એ જાણે આ ગામનું સૂત્ર છે. જેનું પહેલું ઉદાહરણ છે, ૨૦ લાખના ખર્ચે આકાર પામેલી ઈસરોલી ગામની આધુનિક ગ્રામ પંચાયત. જેનું નિર્માણ સરકારે નહીં, પણ એનઆરઆઈ ઈશ્વરભાઈ રામભાઈ પટેલે કરાવ્યું છે.
ઈસરોલી ગામમાં હવામાં લટકતો એક પણ વાયર તમને જોવા નહીં મળે. વીજળીના વાયર, ટેલિફોનની લાઇન, કેબલ લાઇન અને પાણીની લાઇન જેવી તમામ લાઇન ગામમાં અંડરગ્રાઉન્ડ છે, અમેરિકામાં રહેતા ઈશ્વરભાઈ લલ્લુભાઈ પટેલ અને સ્વ.કાંતિભાઈ પરષોત્તમભાઈ પટેલના પરિવારે ૪૦ લાખનો ખર્ચ કરાવી આ કામગીરી કરાવી છે. ગામની વિકાસની હજુ તો માંડ ૨૫ ટકા જ વાત થઈ છે, પૂરું ગામ તો હજુ જોવાનું બાકી છે.
આખા ગામને પાણીની અગવડ ન પડે તે માટે નળ જોડાણ તો છે જ, પણ સાથોસાથ એક એનઆરઆઈ પરિવારે પીવાના પાણી માટે ૧૫ લાખના ખર્ચે મિનરલ વૉટર પ્લાન્ટ પણ બનાવી આપ્યો છે. એટલું જ નહીં, પ્લાન્ટની આજીવન મરામત માટે અલગથી ૧૦ લાખની મદદ પણ કરી છે. અમેરિકામાં રહેતા છીતુભાઈ પટેલ અને શાંતિભાઈ પટેલ જ્યારે એક વાર ગામ આવ્યા ત્યારે તેમણે પોતે જેવું ચોખ્ખું પાણી પીવે છે, તેવું જ ગામવાસીઓ પણ પી શકે તે ઉદ્દેશથી આ પ્લાન્ટ સ્થાપ્યો હતો.
યુવક મંડળ દ્વારા ગ્રામજનોની મદદથી સાંજે સમવયસ્કો એકસાથે બેસી ગપ્પાં-ગોષ્ઠી કરી શકે તે માટે ૫ લાખના ખર્ચે ગજીબો બનાવ્યા છે. ગામનાં ૯૮ ટકા મકાનો સિમેન્ટ-કોંક્રિટના પાકા અને આધુનિક સુખ સુવિધાઓથી સજ્જ છે. દરેક ઘરની બહાર એક વૃક્ષ અને તેની નીચે મુકેલા બાંકડા ગામની સુંદરતામાં વધારો કરે છે. પેવર બ્લોક અને આરસીસીના રસ્તાઓને કારણે ગામમાં ગંદકીનું નામોનિશાન નથી. તો વરસાદમાં પણ કાદવ કીચડની સમસ્યા ઊભી થતી નથી. ગામમાં લગ્ન પ્રસંગ કે કથા પારાયણ જેવા કાર્યક્રમો માટે ૪૦ લાખના ખર્ચે કોમ્યુનિટી હૉલ પણ બનાવવામાં આવ્યો છે.
સાંજ થતાંની સાથે જ ગામનો માહોલ બદલાય જાય છે. ગામમાં લાગેલી એલઈડી સ્ટ્રીટલાઈટથી ગામ ઝળહળી ઊઠે છે અને દરેક સ્ટ્રીટલાઈટ પોલ પર લગાવેલા સ્પીકરમાંથી શરૃ થાય છે ભજનો, જેનું સંચાલન મંદિરના પૂજારી કરે છે. ગામની મુલાકાત દરમિયાન ગ્રામ વિકાસ કમિટીના પ્રમુખ, સુનિલભાઈ પટેલ મળ્યા. તેમણે ગામને એક નવી દિશા પણ ચિંધી છે, તેમણે જણાવ્યું કે વિદેશથી આવતાં નાણા અને ગ્રામજનોના સહકારથી એકત્રિત થતાં તમામ નાણાને માત્ર ગામના વિકાસ માટે જ ખર્ચવામાં આવતા નથી બલ્કે દર મહિનાની પહેલી તારીખે શારીરિક રીતે નબળા અને બિમાર ૪૫ આદિવાસી પરિવારોને ચોખા અને જુવારનો લોટ તેમના ઘરે પહોંચાડવામાં આવે છે. આ ઉપરાંત બારડોલીમાં આવેલી સરદાર હૉસ્પિટલમાં આજુબાજુનાં ૧૦ ગામોનો કોઈ પણ આર્થિક રીતે અસક્ષમ દર્દી સારવાર માટે જાય તો તેની દવાનો ખર્ચ ઈસરોલી ગામ ઉપાડે છે.
યુવાનો જોડાય એટલે આધુનિકતા આવે, ગામના યુવાન ખેડૂત ચેતનભાઈ પટેલની આગેવાનીમાં ગામના યુવાનોએ ભેગા મળી આ સ્માર્ટ વિલેજને હવે ડિજિટલ વિલેજ બનાવવાની દિશામાં કામગીરી શરૃ કરી દીધી છે. એનઆરઆઈની મદદથી આ યુવાનોએ આખા ગામને વાઈફાઈથી સજ્જ કરી દીધું છે જે દરેક ગામમાં રહેતા લોકો અને મુલાકાતીઓ માટે ફ્રી છે. એનઆરઆઈ ગામવાસીઓ સતત પોતાના ગામને જોઈ શકે તે માટે દરેક સ્ટ્રીટલાઈટ પર અને ગામની બંને તરફના દ્વાર પાસે સીસીટીવી લગાડવામાં આવ્યા છે. સીસીટીવીથી ગામની સુરક્ષામાં તો વધારો થાય છે સાથે-સાથે ગામમાં ઊજવાતા તહેવારો અને ઉત્સવોની મજા વિદેશમાં બેઠા એનઆરઆઈ પણ પોતાના મોબાઇલમાં માણી શકે છે. હાલમાં ઈસરોલીના યુવાનોએ ફેસબુક પર ડિજિટલ ઈસરોલી નામથી પેજ પણ બનાવ્યું છે.
ઈસરોલી ગામની સુખ અને સમૃદ્ધિને બીજા શબ્દોમાં કહીએ તો, આ ગામની જેટલી વસ્તી નથી તેના કરતાં વધારે તો ગામમાં કાર, ટ્રેક્ટર અને ટુ વ્હિલરની સંખ્યા વધારે છે, બોલો હવે શું કહેશો, આ ગામ છે કે, સ્માર્ટ સિટીનું સેમ્પલ..!
———————————-.
દર વર્ષે ડિસેમ્બરમાં કન્વેન્શન યોજાય છે
છેલ્લાં ૨૦ વર્ષ દરમિયાન એક-એક કરીને અંદાજે ૧૫૦૦થી વધુ ઈસરોલીવાસીઓ અમેરિકામાં વસીને એનઆરઆઈ બની ગયા છે, પણ આજે પણ તેમણે ગામ સાથેનો સંબંધ જાળવી રાખ્યો છે. ડિસેમ્બર મહિનામાં ત્યાં જ્યારે ક્રિસમસની રજાઓ હોય છે ત્યારે અમેરિકાનાં દૂર-દૂરનાં શહેરોમાં વસતાં તમામ ઈસરોલવાસી એકઠા થઈ એક કન્વેન્શનનું આયોજન કરે છે અને વિદેશમાં તેઓ ભોગવી રહ્યા હોય તેવી કઈ સુખસાહ્યબી ગામવાસીઓને આપી શકાય તેનું આયોજન કરે છે અને ગામના યુવાનોની વિકાસ કમિટી સાથે વીડિયો કોન્ફરન્સિંગથી ચર્ચા કરવામાં આવે છે.
———————————-.