તમારા માટે, તમારી સાથે, સતત…

જાતિ ‘ને પાતિ નહીં, પ્રેમના પ્રદેશમાં રે

સજાતીય સંબંધો ગુનો નહીં ગણાય

0 316

સમાજ – હિંમત કાતરિયા

સજાતીય સંબંધોને ગુનાહિત ગણાવતી ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૭ની કાયદેસરતા સામે સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે અને કહ્યું છે કે હવેથી સજાતીય સંબંધો ગુનો નહીં ગણાય. કોર્ટે આ ચુકાદો સંભળાવીને લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડરને અધિકારો આપ્યા છે. જોકે આ તો કોર્ટનો ચુકાદો છે, એલજીબીટી સમુદાય માટે સમાજે અને સરકારે ઘણુ કરવાનું બાકી છે.

અપ્રાકૃત અપરાધના નામે ઓળખાતી કલમ ૩૭૭ને ૧૮૫૭ની ક્રાંતિ પછી લાગુ પાડવામાં આવી હતી અને અત્યાર સુધી આ કલમ હેઠળ સજાતીય સંબંધને અપરાધ ગણીને કાર્યવાહી કરવામાં આવતી હતી. અંગ્રેજોએ પોતાના ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્યોના આધારે આપણા માટે કાયદા બનાવ્યા હતા. તે સમયે ઈસાઈમાં સજાતીયતાને ગુનો ગણવામાં આવતો હતો. જોકે એ પહેલાં સજાતીય ગતિવિધિઓમાં સંકળાયેલા લોકોને ભારતમાં દંડિત કરવામાં આવતા નહોતા. બ્રિટિશરોએ તો આ કાયદાને ૧૯૬૦ના દાયકામાં જ રદ્દ કરી દીધો હતો, પરંતુ ભારતમાં ‘આગુ સે ચલી આતી પરંપરાઓ’ની જેમ આ કાયદો આજ સુધી આપણી પૂંઠે પડ્યો હતો, બ્રિટિશ હકૂમતમાંથી દેશ આઝાદ થઈ ગયો, પરંતુ એલજીબીટીના હાથ બ્રિટિશર્સની કલમ ૩૭૭ની બેડીથી જકડાયેલા હતા અને આ સમુદાય માટે ગુલામી કરતાંય વધુ ખતરનાક સ્થિતિ હતી.

ભારત પહેલાં ઓસ્ટ્રેલિયા, માલ્ટા, જર્મની, ફિનલેન્ડ, કોલંબિયા, આયર્લેન્ડ, અમેરિકા, ગ્રીનલેન્ડ, સ્કોટલેન્ડ, લક્ઝમ્બર્ગ, ઇંગ્લેન્ડ, બ્રાઝિલ, ફ્રાન્સ, ન્યૂઝીલેન્ડ, ઉરુગ્વે, ડેન્માર્ક, આર્જેન્ટિના, પોર્ટુગલ, આઇસલેન્ડ, સ્વીડન, નોર્વે, દક્ષિણ આફ્રિકા, સ્પેન, કેનેડા, બેલ્જિયમ, નેધરલેન્ડ જેવા ૨૬ દેશોએ સજાતીય સેક્સને અપરાધની શ્રેણીમાંથી હટાવી દીધું છે.

કોર્ટે કલમ ૩૭૭ની ઘણીવાર વ્યાખ્યા કરી છે અને તેનો સામાન્ય સાર એ છેે કે કલમ ૩૭૭માં અપ્રાકૃતિક યૌન કૃત્યો અને યૌન વિકૃતિના કોઈ પણ કૃત્ય માટે સજાની જોગવાઈ હતી. આ કલમ હેઠળ ગુદા અને મુખ મૈથુન વગેરેને ગુનો ગણવામાં આવતો હતો અને તે માટે સજાની જોગવાઈ હતી. એલજીબીટી સમુદાય માટે આ કલમ વિશેષ ચિંતા રૃપ હતી, કેમ કે તેમની વચ્ચે સ્થપાતા સંબંધોને અપ્રાકૃત જ માનવામાં આવતા હતા, કારણ કે કલમ ૩૭૭ આખા એલજીબીટી સમુદાયને સંમતિના સજાતીય મૈથુન કૃત્યને કારણે ગુનેગાર ઠરાવી દેતી હતી અને સમાજમાં એલજીબીટીને કલંકિત લોકોની શ્રેણીમાં મૂકતી હતી. કોર્ટના ચુકાદાએ સજાતીયોનું હરાઈ ગયેલું આત્મગૌરવ પાછું અપાવ્યું છે. સજાતીય મુદ્દે સરકારે બધું સુપ્રીમ પર કેમ છોડી દીધું? એવું જજ ચંદ્રચુડનું અવલોકન સમાજ અને સરકારની એલજીબીટી સમુદાયની પીડાઓ પ્રત્યેની ઉદાસીનતા દર્શાવે છે. કોર્ટે ચુકાદો આપી દીધો તેથી કંઈ એલજીબીટી સમુદાયને ભાંડવાની કે પિડવાની સમાજની વૃત્તિ બંધ નહીં થાય, એ માટે તો સામૂહિક પ્રયાસોની જરૃર પડશે.

સુપ્રીમ કોર્ટના આ ઐતિહાસિક ચુકાદા પાછળ અરજકર્તાઓ રિતુ દાલમિયા, અમન નાથ, નવતેજ જોહર, આકાશ અગ્રવાલનું મોટું યોગદાન છે. કોર્ટનો ચુદાદો આવ્યો તેની આગલી રાતે સેલેબ્રિટી શેફ અને હોટલ શૃંખલા ‘દીવા’ના માલિક રિતુ યુકેમાં સવારનું ૫ઃ૩૦ કલાકનું એલાર્મ મુકીને સૂતા હતા. રિતુ કહે છે, ‘મેં કોર્ટમાં અરજી કરી ત્યારે ભારે ગુસ્સો હતો અને મનમાં થતું હતું કે એલજીબીટી માટે કોઈકે તો આ કામ કરવું પડશે.’

કલમ ૩૭૭ સંદર્ભે કહેવાતા ધર્મના રખેવાળોની દલીલ હતી કે બધા ધર્મો સજાતીયતાને પાપ ગણે છે. તેને પ્રકૃતિના આદેશની વિરુદ્ધનું આચરણ માનવામાં આવે છે અને એવું કરનાર વ્યક્તિ ગુનેગાર ગણાય છે. જોકે ૧૯મી સદીના અંતમાં એક મજબૂત પક્ષ સામે આવ્યો કે આ એક બીમારી છે અને એ માટે કોઈ વ્યક્તિને દોષી ન ગણી શકાય. આખરે થોડા દાયકા પહેલાં એવા મતને બળ મળ્યું કે સમલિંગી વ્યક્તિઓ પ્રત્યેનું આકર્ષણ જન્મજાત લક્ષણ છે. એટલે તે ન તો અનૈતિક છે કે નથી કોઈ બીમારી. જોકે હજુ પણ લોકોમાં એ વાતને લઈને મતભેદ છે અને કોઈ એને ધર્મ વિરુદ્ધનું આચરણ માને છે તો કોઈ અનૈતિક.

Related Posts
1 of 142

અરેરાટી તો આપણને એ જાણીને પણ થવી જોઈએ કે તાજેતરમાં રાષ્ટ્રીય માનવાધિકાર કમિશને ટ્રાન્સજેન્ડર સમુદાયનું પ્રથમ રાષ્ટ્રવ્યાપી સર્વેક્ષણ હાથ ધર્યું હતું. તેનું તારણ એ નીકળ્યું કે આ સમુદાયના ૯૨ ટકા લોકોને આર્થિક બહિષ્કારનો સામનો કરવો પડે છે. આવડી મોટી વસ્તીનો આવી રીતે વિચ્છેદ કરીને તેમના મૂળભૂત અધિકારોને નકારનારા કેવી રીતે ‘આધુનિક’ ગણાય? સમાજથી કપાયેલા આ લોકો બે માર્ગે પેટિયંુ રળે છે, ભીખ માગીને અથવા દેહવ્યાપાર કરીને. ટ્રાન્સજેન્ડરો સમાજની વચ્ચે વસતા નથી અને તેમની સદેહ હાજરીને કલંકિત ગણવામાં આવે છે. સર્વેક્ષણ પ્રમાણે, ભારતમાં માત્ર ૨ ટકા ટ્રાન્સજેન્ડર્સ જ તેમના પરિવાર સાથે રહે છે અને બાકીના પરિવારથી તરછોડાઈને ગુમનામ જિંદગી જીવે છે.

સુપ્રીમ કોર્ટના આવકારદાયક ચુકાદાની સાથે બીજા એક સારા સમાચાર એ છે કે ટ્રાન્સજેન્ડર પર્સન્સ(પ્રોટેક્શન ઓફ રાઇટ્સ) બીલ, ૨૦૧૪ ટ્રાન્સજેન્ડર સમુદાયની સ્થિતિને સુધારવાના એક પ્રયાસ રૃપે આવી રહ્યંુ છે. આ બીલને લઈને ઑગસ્ટથી સંસદમાં ચર્ચા થઈ રહી છે અને હાલ તે કેટલાક સુધારા માટે ગયું છે. જોકે ૨૦૧૭માં સ્થાઈ સમિતિએ બીલમાં બે બાબતોને સમાવવાની ભલામણ કરી હતી, પરંતુ તેને અવગણવામાં આવી છે. એક ભલામણ હતી કે શૈક્ષણિક સંસ્થાઓમાં અને નોકરીમાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ માટે અનામત રાખવામાં આવે. આ કાર્યવાહીથી ટ્રાન્સજેન્ડરની આર્થિક સમસ્યા નિવારી શકાશે. બીજી ભલામણમાં, વયસ્ક ટ્રાન્સજેન્ડરને લગ્ન અને પાર્ટનરશિપના અધિકારોની કાયદેસર માન્યતા આપવાની વાત કરવામાં આવી હતી.

ટ્રાન્સજેન્ડરને પુરુષમાં પણ નહીં અને સ્ત્રીમાં પણ નહીં કહીને અપમાનિત કરવાની દ્રષ્ટિ આ બીલ બદલશે એ વાતને લઈને સંતોષ છે. સુધારા પ્રમાણે ટ્રાન્સજેન્ડર વ્યક્તિની વ્યાખ્યા ‘એક એવી વ્યક્તિ જેનું લિંગ જન્મ સમયે તે વ્યક્તિને આપેલા લિંગ સાથે મેળ ખાતું નથી’ – કરવામાં આવી છે.

સજાતીયતાને ધર્મના ચશ્માંથી નહીં, પરંતુ બંધારણના સિદ્ધાંતોના આયનામાં જોવી જોઈએ અને બંધારણ એલજીબીટી સમુદાયોને પણ સામાન્ય નાગરિકને પ્રાપ્ત બધા અધિકારો આપવા પર ભાર મુકે છે. પોતાના ઘરની ચાર દીવાલ વચ્ચે કોઈ વ્યક્તિ શું કરે છે એને લઈને કોઈને હસ્તક્ષેપ કરવાનો અધિકાર નથી. દરેક વ્યક્તિ પોતાની પસંદ પ્રમાણેનું જીવન જીવવા માટે સ્વતંત્ર છે. અલબત્ત, અહીં મહત્ત્વની બાબત એ પણ છે કે તેને પોતાના આચરણનો પ્રચાર કરીને અન્ય લોકોને પ્રભાવિત કરવાનો અધિકાર નથી. સજાતીય હોવું સામાન્ય બાબત છે, પણ સજાતીયતાનું ખુલ્લેઆમ પ્રદર્શન પ્રતિબંધિત હોવું જોઈએ. જેમ માંસાહારી વ્યક્તિ કોઈ શાકાહારી ઉપર વિચારો નથી થોપતો એમ ભાવ એવો હોવો જોઈએ કે ‘કોઈ સજાતીય નથી તો ઠીક છે અને કોઈ સજાતીય છે તો એ પણ ઠીક છે.’

નિર્દોષ બાળકો અને અપ્રાકૃત યૌન સંબંધો પ્રત્યે અસહમતી પ્રગટ કરતી મહિલાઓએ આ પ્રકારનાં કૃત્યોથી બચવા માટે કલમ ૩૭૭ જેવો કાયદો જળવાઈ રહે તે જરૃરી છે, પરંતુ આ કાયદો એટલો જૂનો છે કે જરૃરત પ્રમાણે તેનો ઉપયોગ કરવાથી અનેક પ્રકારની વિસંગતિઓ પેદા થાય છે.

આ દિશામાં ઘણા સુધારા થઈ રહ્યા છે. એક મહત્ત્વનો સુધારો સંસદમાં નવો મેન્ટલ હેલ્થકૅર એક્ટ, ૨૦૧૭ લાગુ પાડવાનો છે. આ કાયદા અંગે જસ્ટિસ રોહિંગ્ટન નરીમાન કહે છે કે, ‘સજાતીય સંબંધો સાથે લાગેલું માનસિક બીમારીનું લેબલ ગયું તે સારું થયું. પહેલાં માનસિક બીમારીની કાયદાની વ્યાખ્યા પ્રમાણે, સમાન જાતિના જોડા ગુદા મૈથુનની ક્રિયા કરે તેને માનસિક બીમારની શ્રેણીમાં નાખવામાં આવતા હતા. નવા કાયદામાં સ્પષ્ટ કરાયું છે કે સજાતીયતા માનસિક બીમારી નથી. માનસિક બીમારીને નૈતિક, સામાજિક કે રાજકીય મૂલ્યો કે ધાર્મિક માનતાઓના આધારે નક્કી ન કરી શકાય. હવે સરકારે જાગૃતિ કાર્યક્રમો થકી સજાતીયતાને કલંક તરીકે જોવાનો અભિગમ ઓછો થાય અને છેવટે સાવ દૂર થાય તે જોવું રહ્યું. આ માટે સરકારી અધિકારીઓ, ખાસ કરીને પોલીસ અધિકારીઓને પણ સમયાંતરે જાગૃતિ તાલીમ અપાવી જોઈએ અને એલજીબીટી સમુદાયની દુર્દશા અંગે લોકજાગૃતિના કાર્યક્રમો થવા જોઈએ.’
———————–.

૨૦૧૬નો એનસીઆરબીનો ડેટા શું કહે છે?
નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો(એનસીઆરબી)ના ૨૦૧૬ના ડેટા પ્રમાણે, દેશમાં કલમ ૩૭૭ હેઠળ સૌથી વધુ કેસ ઉત્તર પ્રદેશમાં નોંધાયા છે. યુપીમાં ૯૯૯ કેસ નોંધાયા છે. બીજા ક્રમે ૨૦૭ કેસ સાથે કેરળ આવે છે. તે પછીના ક્રમે ૧૮૨ કેસ સાથે દિલ્હી આવે છે. ૨૦૧૭ના ડેટા આ વર્ષના અંત ભાગે મળશે. પોલીસ સૂત્રોના આધારે, ૨૦૧૭માં દેશભરમાં કલમ ૩૭૭ હેઠળ કુલ ૨૧૮૭ કેસો નોંધાયા હતા. આમાંના ૧૦ ટકા કેસ તો સજાતીય સમાગમને કારણે નોંધાયા છે. કલમ ૩૭૭ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ(પોસ્કો) એક્ટનો મહત્ત્વનો ભાગ છે.
———————–.

સજાતીય સાહિત્ય
ભારતીયો દ્વારા સજાતીય હોવાના કારણે વેઠેલા સંઘર્ષને પુસ્તક સ્વરૃપો અપાયા છે. મુંબઈના કૂટણખાનામાં દેહવ્યાપાર કરતી અનોશ ઇરાની મધુએ ‘ધ પાર્સલ’ પુસ્તકમાં પોતાના સંઘર્ષનું આલેખન કર્યું છે. ૪૦ વર્ષે મધુ દેહવ્યાપારના વ્યવસાયમાંથી દૂર થઈ અને વ્યંડળના નેતાને, ગુરુમાઈના સપોર્ટ માટે ભિક્ષા માંગવા લાગી. મધુની વ્યથાકથા આગળ વધે છે અને એક દિવસ મધુનું ‘પાર્સલ’ આવે છે. પાર્સલમાં બીજું કશું નહીં, પણ ૧૦ વર્ષની બાળકી આવે છે, તેને તેની કાકીએ વેચી નાખી છે. મધુ હવે તે બાળકી પ્રત્યેની પોતાની નવી જવાબદારીને ઢંઢોળે છે અને કથા આગળ વધે છે. જાણીતા પુરાણવિદ્દ દેવદત્ત પટ્ટનાયક અને જેરી જ્હોનસને ‘આઈ એમ ડિવાઇન. સો આર યુ. હાઉ બુદ્ધિઝમ, જૈનિઝમ, સિખ્ખિઝમ એન્ડ હિન્દુઇઝમ અફર્મ ધ ડિગ્નિટી ઓફ ક્વિર આઇડેન્ટિટીઝ એન્ડ સેક્સ્યુઆલિટી’ નામનું પુસ્તક લખ્યું છે. જેમાં તેમણે એલજીબીટી સમુદાય માટેની દુનિયાભરમાં ચાલતી કાનૂની લડતની વિગતો આપી છે. ભારતના પહેલા આધુનિક હિન્દી કવિ સૂર્યકાન્ત ત્રિપાઠી નિરાલાએ ખડી બોલી હિન્દીમાં વણગમતી મિત્રતા વિશે આત્મકથાત્મક પુસ્તક લખ્યું જેને ‘એ લાઇફ મિસપેન્ટ’ નામે અનુવાદિત કરવામાં આવ્યું છે. ગે વસુધેન્દ્રએ ‘મોહનાસ્વામી’ નામે હોમોસેક્સ્યુઅલ લવ અને તેમના જીવનને રજૂ કરતું પુસ્તક લખ્યું છે. ‘નો વન એલ્સ, એ પર્સનલ હિસ્ટરી ઓફ આઉટલોઅડ લવ એન્ડ સેક્સ’ પુસ્તકમાં ગે સ્ટ્રિપટીઝ ડાન્સર સિદ્ધાર્થ દુબેએ ભારતમાં ગે હોવાના ખતરાઓને સ્પષ્ટ કર્યા છે. ‘ધ ડાન્સિંગ બોય’ પુસ્તકમાં ઇશાની કરપુરકાયસ્થે પોતાની સ્ત્રૈણ હરકતો અને તેનાથી તેની માતાને શરમ ઉપજવી, મિત્રોમાં મજાકનો વિષય બની જવું અને આસપાસના સર્વ દ્વારા તેને ખોટી રીતે સમજવાની કથા આલેખી છે.
———————–.

Leave A Reply

Your email address will not be published.

Translate »