ડ્રગ્સના રવાડે ચડી રહેલું યુવાધન ચિંતાનો વિષય
યુવાનો માત્ર ત્રણથી ચાર કલાક માટે ફાર્મ હાઉસના ભાડા પેટે રૃપિયા સાત હજારથી પણ વધુ રૃપિયા ચૂકવતા હોય છે
- હેતલ રાવ
યુવાનોમાં ડ્રગ્સનો નશો કરવાનું દૂષણ વધી રહ્યું છે. ગુજરાતમાં પણ યુવાનો ડ્રગ્સના રવાડે ચડી રહ્યા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે જે ચિંતા ઉપજાવે તેવી છે. આજના યુવાનો ડ્રગ્સ, ચરસ, કોકેન, હેરોઇન જેવા નશાના આદી બની રહ્યા છે. સિગારેટનો કશ ખેંચતા યુવાનો ક્યારેક ચરસના લતે ચઢી જાય છે. ઘણા કિસ્સામાં ખુદ તેમના પરિવારને પણ આની ખબર નથી હોતી. આવા યુવાનોને નશામાંથી ઉગારવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવે છે, પરંતુ ઓછા કિસ્સામાં જ સફળતા મળતી હોય છે.
નાર્કાેટિક્સ કંટ્રોલ બ્યુરો (ગુજરાત) દ્વારા પણ માદક પદાર્થાેના સેવન અને તેની હેરફેર સામે અભિયાન ચલાવવામાં આવતાં હોય છે. ડ્રગ્સના આદિ બનેલા યુવાનોને આ માર્ગેથી પાછા વાળવા માટે સરકાર તરફથી વ્યવસ્થિત પ્રયાસો કરવામાં આવે તે પણ જરૃરી છે.
‘દવા આ ગઈ હૈ, બંદૂક ભી હૈ, શિફા ભી સાથ મંે હૈ, રાત કો આઠ બજે આ જાના, સબ આ રહે હૈ.’
આ વાત સાંભળીને પ્રથમ તો એવું જ લાગે કે દવા લેવા જવાની વાત ચાલી રહી છે, પરંતુ સાથે એવો પણ વિચાર આવે કે દવા લેવા જવામાં બંદૂકને શી લેવાદેવા? કુછ તો ગરબડ હૈ..! બિલકુલ સાચી વાત છે, આમાં ગરબડ જ છે. આ દવા લેવા જવાની નહીં, પણ ચરસ લેવા જવાની વાત છે. જી હા, યુવાનો ચરસને દવાના નામથી જ ખરીદે છે. એટલું જ નહીં, પરંતુ બ્રાઉનસુગર, અફીણ અને ગાંજા જેવા કેફી દ્રવ્યો માટે કોડવર્ડનો ઉપયોગ થતો હોય છે.
ગત વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘ઉડતા પંજાબે’ નશામાં મગ્ન રહેતા યુવાનોનો ચિતાર રજૂ કર્યો હતો. ત્યાર પછી ઉડતા પંજાબ શબ્દ સામાન્ય બની ગયો હતો ત્યારે હવે પંજાબ જેવા જ હાલ ગુજરાતના થાય તો નવાઈ નહીં! કારણ કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો પ્રમાણે ગુજરાતના યુવાનોમાં ડ્રગ્સની આદત વધી રહી છે. સૌથી વધુ યુવાનો પાર્ટીના બહાને ડ્રગ્સ લેતા હોય છે. જેમાં ગુજરાતના તમામ મોટા શહેરોનો સમાવેશ થાય છે. ચરસની વાત કરીએ તો તેનું સૌથી વધુ વેચાણ ચાની કીટલી પર થતું હોય છે. ત્યાં ચરસના ગોળ દાણા રાખેલા હોય છે. લેવા આવનાર ચરસી ‘વટાણા છે?’ તેવો પ્રશ્ન લારીવાળાને પૂછે છે. જેના કારણે આજુબાજુ બેઠેલા લોકોને તેનો ખ્યાલ પણ નથી આવતો. ચરસમાં પણ બે પ્રકાર હોય છે. એક ‘પાર્ટ’ અને બીજું ‘ઝેર’ પાર્ટનો ઉપયોગ મજૂરવર્ગ વધુ કરે છે, જ્યારે ઝેરનો ઉપયોગ ધનિક નબીરા કરે છે. પાર્ટ બગડેલો માલ હોવાથી તેની કિંમત ઓછી હોય છે. જ્યારે ઝેર ચરસી લોકોમાં ફેવરિટ ગણાય છે.
ચરસના શોખીન લોકો તેની લિજ્જત માણવા માટે પહેલાં હુક્કાબારનો ઉપયોગ કરતા હતા, જ્યારે હવે કોઈ ફાર્મ હાઉસ, ફલેટ કે પછી ખાલી પડેલા ઘરનો ઉપયોગ કરે છે. ચરસની મજા લેવા માટે યુવાનો માત્ર ત્રણથી ચાર કલાક માટે ફાર્મ હાઉસના ભાડા પેટે રૃપિયા સાત હજારથી પણ વધુ રૃપિયા ચૂકવતા હોય છે. ચરસ બંદૂકમાંથી સાફ થઈને ગળા સુધી પહોંચે માટે તેના પર કપડું રાખવામાં આવે છે, જેને શિફા કહેવાય છે. જે ચરસના શોખીન છે તેમની આંખો ચરસ પીવાથી લાલ થઈ જતી હોય છે. યુવાનોએ આનો પણ રસ્તો શોધી લીધો છે. ચરસ પીધા પછી યુવાનો આંખમાં આઇ-કૂલ નામના ડ્રોપ્સ નાંખે છે. યુવાપેઢીને બરબાદ કરતો ચરસના એક તોલાનો ભાવ ૬૦૦ રૃપિયા છે. અમીર નબીરાઓ ૬૦ હજાર ચૂકવીને કિલો ચરસની ખરીદી કરે છે. જ્યારે વટાણાની કિંમત ૪૦થી ૫૦ રૃપિયાની હોય છે. જે બંદૂક ઉપરાંત કેવેન્ડર્સ સિગારેટમાં પીવાય છે. બ્રાઉનસુગરની એક પડીકીની કિંમત રૃ.૨૦૦થી ૨૫૦ હોય છે, જેમાં એકથી દોઢ ચપટી બ્રાઉનસુગર આવે છે. મજૂર વર્ગ બ્રાઉનસુગરના વધુ બંધાણી હોય છે. કામધંધા પરથી પરવારી મજૂરો ભેગા મળીને બ્રાઉનસુગરની મજા માણે છે. જેમાં ટેબલ પર બ્રાઉનસુગર રાખીને તેની લાઇન ખેંચે છે. પછી દસની નોટથી કે સિગારેટના વરખથી તેની મજા લે છે. જોકે આ મજા તેમને છેવટે સજાના દરવાજે દોરી જાય છે. ગુજરાતમાં પણ યુવાનો ચરસ, બ્રાઉનસુગર અને ગાંજા જેવા નશાના રવાડે ચઢ્યા છે.
એક સમય એવો હતો જ્યારે ચરસના શોખીનોમાં નેપાળનું ચરસ માનીતંુ ગણાતંુ, જ્યારે હવે જમ્મુ-કાશ્મીરનું ચરસ ચરસીઓમાં ફેવરિટ છે. એવું પણ કહેવાય છે કે ચરસ, બ્રાઉનસુગર જેવા નશીલા દ્રવ્યોની આયાત રાજસ્થાનથી થાય છે. જ્યારે તેનું ઉત્પાદન નેપાળ, કાશ્મીર અને અફઘાનિસ્તાન જેવા દેશોમાં થાય છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો પ્રમાણે પહેલાં કાશ્મીરથી મુંબઈ અથવા રાજસ્થાન થઈને ગુજરાતમાં ડ્રગ્સ આવતું હતું અને વાહક દ્વારા રિસીવરને ડ્રગ્સ આપવામાં આવતું હતું. જ્યારે હવે વાહકના રૃપમાં નાઇજિરિયન્સનો ઉપયોગ વધી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે યુવાનો પાર્ટી કરવાના બહાના તળે ડ્રગ્સની ખરીદી કરી નશામાં ડૂબી જાય છે. જેમાં ગુજરાતના દરેક મોટા શહેરોના યુવાનોનો સમાવેશ થાય છે.
એનસીબી(નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો)ના ઝોનલ ડાયરેક્ટર હરિઓમ ગાંધી કહે છે, ‘છેલ્લાં પાંચ વર્ષમાં ડ્રગ્સનું સેવન કરનારાની સંખ્યામાં વધારો થયો છે. દરેક મોટા શહેરોમાંના યુવાનો ડ્રગ્સની લતે ચઢ્યા છે. અમે ઘણા સચેત છીએ અને પ્રયત્ન પણ કરી રહ્યા છીએ કે આજના યુવાધનને આ રવાડે ચઢતા અટકાવી શકાય. હું તો યુવાનોને એટલું જ કહેવા માંગુ છું કે એકવાર જો તમે ડ્રગ્સની લતે ચઢ્યા તો ત્યાંથી પરત ફરવંુ મુશ્કેલ છે. એકવાર નશાની આદત થઈ જાય છે તો પછી કોઈ દવા તેની સારવાર માટે કામ નથી આવતી. માટે યુવાનોએ આ બદીથી દૂર રહેવું જોઈએ.’ જાણકારોના મત મુજબ એક યુવાન આ લતમાં ઝડપાય છે ત્યારે તે મિત્રને પણ સાથે લઈ જાય છે. ઘરમાં થતા ઝઘડા કે ઘણીવાર ઓછા માર્ક્સ આવવાના કારણે માતાપિતાનો ઠપકો, કોઈની સાથે સરખામણી જેવી ઘણી બાબતોથી ત્રાસીને યુવાનો આવા ખોટા માર્ગે ચડી જતા હોય છે. જ્યારે બીજી બાજુ ધનિક વર્ગમાં શરાબ, ડિસ્કો, પાર્ટીઓ, રાત્રે મોડું ઘરે જવું કે પછી નશામાં ધૂત રહેવું જાણે કે ફેશન બની ગઈ છે. પરિવારને ખબર પડે કે પોતાનું સંતાન આવી કોઈ ખોટી લતમાં ફસાયું છે ત્યાં સુધી તો ઘણુ મોડું થઈ જાય છે. આ વિશે વાત કરતા ડૉ. નફીસા કહે છે, ‘આવા યુવાનો કોઈક વખત હિંસક પણ બની જતા હોય છે. નશાની લતમાં પોતાની જાતને કે અન્યને પણ નુકસાન પહોંચાડે છે. આ માટે યોગ્ય સમયે યોગ્ય ડૉક્ટરની સારવાર અને સલાહ લેવી જરૃરી છે.’
યુવાનો આવતીકાલનું ભવિષ્ય છે, પરંતુ જો તેમનું ધ્યાન રાખવામાં નહીં આવે તો તે ખોટા માર્ગે જતા રહે છે. છેલ્લાં પાંચ વર્ષમાં જપ્ત થયેલા ચરસ, ગાંજા અને હેરોઇન જેવા અનેક નશીલા પદાર્થના આંકડાનો ચિતાર બતાવે છે કે આજનું યુવાધન કયા માર્ગે જઈ રહ્યું છે. હજુ પણ સમય છે ગુજરાતને ઉડતા ગુજરાત બનતું અટકાવવાની..
————————–