તમારા માટે, તમારી સાથે, સતત…

સખત પરિશ્રમ કરવાથી જ સફળતા મળે છે – કોઈ શોર્ટકટ નથી

હવે ૨૦૨૦ ટોક્યો ઑલિમ્પિકની તૈયારી

0 310
  • સિદ્ધિ – -હરીશ ગુર્જર

ગુજરાત સ્પોર્ટ્સ ઑથોરિટીમાં નડિયાદ અને ત્યાર બાદ નેશનલ સ્પોર્ટ્સ ઑથોરિટી પટિયાલમાં તાલીમ મેળવી હવે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં દેશનું પ્રતિનિધિત્વ કરતી સરિતા ગાયકવાડની રમત પ્રત્યેની લગનનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, છેલ્લાં ૧ વર્ષથી તે પરિવારને મળી નથી, પરંતુ હવે જકાર્તા એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યાં બાદ પરિવાર સાથે એક આખો મહિનો વિતાવવા ૮મી સપ્ટેમ્બરે એટલે કે ‘અભિયાન’નો આ અંક આપના હાથમાં હશે ત્યારે સરિતા ડાંગ પહોંચી ચૂકી હશે.

બાળકોના શિક્ષણ અને સરિતાના રમતગમતની પ્રવૃત્તિ ખેતમજૂરી કરી માંડ બે ટંક જમવાની વ્યવસ્થા કરી શકતા પિતા લક્ષ્મણભાઈ ગાયકવાડને ઘણી વખત મદદ માટે લોકો સામે હાથ લંબાવવા પડ્યા છે. ક્યારેક મદદ માગતી વખતે તેમની આંખમાંથી આંસુ પણ સરી પડ્યા છે. દીકરીને રમતવીર બનાવવા માટેના તેમના સંઘર્ષના એ દિવસો સરિતાને આજે પણ દરેક સ્પર્ધા પહેલાં આંખો સામે તરી આવે છે. જકાર્તા એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યાં બાદ ‘અભિયાન’ સાથે કરેલી વાતચીતમાં સરિતાએ આ વાત કરતાં જણાવ્યું હતું કે, ‘દરેક સ્પર્ધા પહેલાં ટ્રેક પર ઊતરું છું ત્યારે એ દ્રશ્ય મારી આંખો સામે આવી જાય છે અને દોડવા માટે મને પ્રેરક બળ પૂરું પાડે છે. ટ્રેક પર જીતવા માટે મારા પગને, મગજમાં સચવાયેલા પપ્પાનાં આંસુ તાકાત આપે છે.’

સરિતા જણાવે છે કે, ‘મારી સખત મહેનતનું પરિણામ મને મળ્યું છે. હું નહીં પણ કોઈ પણ વ્યક્તિ જો સખત મહેનત કરે તો તેને ધાર્યું પરિણામ ચોક્કસ જ મળે છે. નાનપણથી જ અભ્યાસ કરતાં રમતમાં મને વધારે રુચિ હતી. અમારા ઘરે ટીવી ન હતું. એટલે કાકા મધુકરભાઈને ત્યાં હું ડીડી સ્પોર્ટ્સ ચેનલ ચાલુ કરીને બેસી જતી. ૨૦૧૦ની દિલ્હીમાં યોજાયેલી કોમન વેલ્થ ગેમ્સની દરેક સ્પર્ધા ટીવી પર નિહાળી હતી. આંંતરરાષ્ટ્રીય સ્તરે રમતાં ખેલાડીઓની ટી-શર્ટ પાછળ લખાતું દેશનુું નામ મને ખૂબ જ આકર્ષિત કરતું હતું. મને ત્યારે એવું લાગતું કે, હું ક્યારે આ રીતે રમી શકીશ, પણ આજે મારું એ સપનું પૂરું થયું છે અને ગોલ્ડ મેડલ મેળવીને મેં મારાં માતા-પિતાનું અને દેશનું ગૌરવ વધારાર્યાનો અનુભવ કરું છું.’

આર્થિક પરિસ્થિતિ અને રમત વચ્ચેના સંઘર્ષનો એક રસપ્રદ કિસ્સો તેણે જણાવ્યો હતો. ૨૦૦૭માં આંધ્રપ્રદેશમાં યોજાયેલી નેશનેલ ગેમ્સમાં તેની ખો-ખોની રમતમાં પસંદગી થઈ હતી ત્યારે સ્કૂલ તરફથી તેને ૧૦૦ રૃપિયા અને લક્ષ્મણભાઈએ ૧૦૦ રૃપિયા એમ કુલ મળીને ૨૦૦ લઈને તે ગઈ હતી અને સ્પર્ધા પૂર્ણ થયા બાદ તેમાંથી પણ ૭૦ રૃપિયા બચાવીને લાવી હતી અને પપ્પાને પાછા આપ્યા હતા.

બાળપણમાં સરિતાએ પણ અભ્યાસ અને રમત-ગમતની સાથે ખેતમજૂરી કરીને પરિવારના ગુજરાનમાં ફાળો આપ્યો છે. યુવા અવસ્થામાં વૅકેશનમાં ખેતમજૂરી કરીને એકઠા કરેલા પૈસાનો ઉપયોગ રમત-ગમત માટે કર્યો છે. જીવનના આ દિવસો જ સરિતાની અસલી તાકાત છે.

Related Posts
1 of 142

આ સંદર્ભે વાત કરતાં સરિતા જણાવે છે, ‘છેલ્લા એક વર્ષથી એશિયન ગેમ્સની તૈયારી ચાલી રહી હતી એટલે પરિવારને મળી નથી. ડાંગના અંતરિયાળ વિસ્તારમાં પરિવાર રહેતો હોવાથી ફોન પર પણ મહિનાઓ સુધી વાત થઈ શકતી નથી. હવે ૨૦૨૦ ટોક્યો ઑલિમ્પિકની તૈયારી પહેલાં એક મહિનાનો બ્રેક લઈને માતા-પિતા સાથે સમય વિતાવવાનું આયોજન કર્યું છે અને તેમની નાની-મોટી ઇચ્છાઓ હવે હું પૂર્ણ કરી શકું એટલી સમર્થ છું.’ જકાર્તાથી ૮મી સપ્ટેમ્બરે સરિતા ડાંગ પહોંચી જશે અને ઘરે પહોંચ્યાં બાદ તેની પહેલી ઇચ્છા, આદિવાસી ભોજન નાગલીના લોટનો રોટલો અને અડદની દાળનું શાક ખાવાની છે. હાલમાં કોચની ઇચ્છા મુજબ જ ડાયેટને ફોલો કરતી સરિતા માટે નાગલીનો રોટલો એક મિજબાની છે.

એશિયન ગેમ્સમાં ૪*૪૦૦ ગેમ્સમાં ગોલ્ડ મેળવ્યાં બાદ હવે સરિતા પાસે દેશની અપેક્ષાઓ વધી છે. ૨૦૨૦માં ટોક્યોમાં યોજાનારી ઑલિમ્પિક ગેમ્સમાં પણ સરિતા પરચમ લહેરાવે તેવી આશાઓ બંધાઈ છે ત્યારે સરિતા જણાવે છે કે, ટોક્યો ઑલિમ્પિકમાં ક્વૉલિફાઈ થવા માટે તેને સખત મહેનત કરવી પડશે. હાલમાં તે ૪૦૦ મીટર હર્ડલ ૫૭.૦૪ સેકન્ડમાં પૂરી કરે છે, પણ તેને ક્વૉલિફાઈ થવા માટે ૧ સેકન્ડનો સમય ઘટાડવો પડશે. આ બાબતે તેના કોચ રહી ચૂકેલા મોહન મોયરાનું કહેવું છે કે, સરિતા જો યોગ્ય ડાયેટિંગ અને પરિશ્રમમાં પાછી પાની નહીં કરે તો હર્ડલમાં ૫૧-૫૨ સેકન્ડ સુધી પહોંચી શકશે અને તો જ ઑલિમ્પિકમાં ગોલ્ડ જીતવાનું શક્ય બનશે.

આંતરરાષ્ટ્રીય સ્તરે રમતમાં ભાગ લેવાની તક મળ્યા બાદ સરિતા તેની દુનિયા બદલાઈ ગઈ હોવાનું અનુભવે છે. ગામની તોફાની છોકરી હવે નેશનલ એકેડમીના શિસ્તના પાઠ ભણી ચૂકી છે, પણ તેમ છતાંય ક્યારેક સાથી મહિલા ખેલાડીઓ સાથે મસ્તી કરવાની તક મળે તો આજે પણ છોડતી નથી.

સરિતાને ટૂંક સમય પહેલાં જ ઇન્કમટેક્સ વિભાગમાં એમટીએસ (મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ)તરીકે સ્પોટ્ર્સ ક્વોટામાંથી નોકરી મળી છે, પણ સરિતાને બાળપણથી જ પોલીસ અધિકારી બનવાની ઇચ્છા છે. ગોલ્ડ મેડલ જીતનાર દરેક ખેલાડીને ક્લાસવન અધિકારીને સમકક્ષ નોકરી આપવામાં આવે છે ત્યારે સરિતાની ઇચ્છા છે કે રાજ્ય સરકાર તેને પોલીસ બેડામાં ડીએસપી તરીકે નોકરી આપી તેની બાળપણની ઇચ્છા પૂર્ણ કરે. સરિતા આદિવાસી પરિવારનું સંતાન અને ડાંગમાં ઉછરી હોવાથી તેને મોટાં શહેરો કરતાં આજે પણ ડાંગ પ્રત્યે લગાવ વધુ છે. તેનું માનવું છે કે, ડાંગમાં રહેતો આદિવાસી સમાજ દીકરીઓને મારા માતા-પિતાની જેમ ઉછેરે તો ઘણી સરિતાઓ હજુ બહાર આવશે.

દેશ માટે હજુ ૧૦ વર્ષ દોડવા માગતી સરિતા સાપુતારામાં પોતાની સ્પોટ્ર્સ એકેડમી બનાવવા માગે છે જેમાં તેને સ્કૂલથી લઈને ઇન્ટરનેશનલ લેવલ સુધી કોચિંગ આપનાર તમામ કોચ અને પોતાના અનુભવના નિચોડનો ઉપયોગ કરી આદિવાસી યુવાનોને રમત-ગમત ક્ષેત્રે આગળ વધારવા માગે છે.

આમ, એક સમયે દેશ માટે રમવાનું સપનું જોતી સરિતા ગાયકવાડના જીવનમાં હવે કેટલાંક નવાં સપનાં પણ ઉમેરાયાં છે અને દરેકને પુરા કરવાની તાકાત તેના શબ્દોમાં અનુભવાય છે.
———————

Leave A Reply

Your email address will not be published.

Translate »