તમારા માટે, તમારી સાથે, સતત…

શાપ-પ્રતિશાપનો ખેલ – શ્રીકૃષ્ણપ્રિયા રાધા જન્માંતરનું સખ્ય

શ્રીકૃષ્ણની વિહારક્રિડાની જાણ થતાં જ રાધાજી અતિશય કોપાયમાન થયાં

0 328

( 2 ) કવર સ્ટોરી – શાપ-પ્રતિશાપનો ખેલ

પુણ્યવતી દેવી રાધા વ્રજમાં શ્રીકૃષ્ણની અતિપ્રિય વ્રજકન્યા રાધારૃપે કેમ અવતર્યાં તેનું રહસ્ય શ્રીકૃષ્ણ અને રાધા વચ્ચે ગોલોકમાં થયેલા કલહમાં સમાયેલું છે.

ગોલોકમાં નિર્જન સ્થળે રચાયેલા રાસમંડપમાં શ્રીકૃષ્ણ અને રાધા વિહારમાં નિમગ્ન હતાં. વિહારના સુખાનંદથી રાધા ભાન ભૂલી ગયાં હતાં. આ સ્થિતિમાં શ્રીકૃષ્ણ વિહાર પછી રાધાને સ્પર્શ કર્યા વિના ષોડસી સ્વરૃપવાન વિરજા નામની ગોપિકા પાસે શૃંગારરસ માણવા ચાલ્યા ગયા હતા. વિરજા શ્રીકૃષ્ણને પ્રાણપ્રિય હતી. તેણે શ્રીકૃષ્ણને આવેલા જોયા. શ્રીકૃષ્ણના આગમનથી વિરજાનાં અંગેઅંગ રોમાંચિત થઈ ઊઠ્યાં. કામદેવના શરપ્રહારથી ઘવાયેલી પીડિત અને ઉત્કંઠિત બનેલી વિરજા સાથે શ્રીહરિએ સુશોભિત રત્નમંડપમાં જ પુષ્પશૈયા પર વિહાર કર્યો.

સખીઓ દ્વારા વિરજા અને શ્રીકૃષ્ણની વિહારક્રિડાની જાણ થતાં જ રાધાજી અતિશય કોપાયમાન થયાં. સખી-સમુદાય સાથે રાધા વિહારસ્થાને પહોંચી ગયાં. રાધાજીને રત્નમંડપમાં આવેલા જોઈને શ્રીકૃષ્ણ વિરજા પાસેથી અદૃશ્ય થઈ ગયા. વિરજાએ રાધાના ભયથી ભયભીત થઈને યોગબળે પ્રાણ ત્યજી દીધા. તેની સાથે જ વિરજાનું શરીર નદીરૃપ થઈ ગયું. રાધા શ્રીકૃષ્ણ અને વિરજાના રતિગૃહમાં પ્રવેશ્યા, પણ ત્યાં શ્રીકૃષ્ણ ન મળ્યા. વિરજાને નદી સ્વરૃપે જોઈ. ત્યાર પછી રાધા સ્વગૃહે પાછા ફર્યાં.

વિરજાને નદીરૃપે પરિવર્તિત થયેલી જોઈને શ્રીકૃષ્ણ વિરજાના કિનારે વિલાપ કરવા લાગ્યા. શ્રીકૃષ્ણ વિરજા વિના એક ક્ષણ પણ રહી શકે તેમ ન હતા. વિરજા તો શ્રીકૃષ્ણની પ્રિય પત્નીઓમાંની અત્યંત પ્રિય હતી, તેથી શ્રીકૃષ્ણે વિરજાને આઠે સિદ્ધિઓનું વરદાન આપ્યું. પરિણામે વિરજા પુનઃ શરીર ધારણ કરી શ્રીકૃષ્ણની સન્મુખ ઉપસ્થિત થઈ. શ્રીકૃષ્ણે હર્ષ અને પ્રેમના આવેગમાં વિરજાને આલિંગન આપ્યું અને તેની સાથે અનેક પ્રકારે યથેચ્છ વિહાર કર્યો. વિરજા સાથેના શ્રીકૃષ્ણના પુનઃસમાગમની વાત રાધાએ જાણી. જ્યારે શ્રીકૃષ્ણ સ્વગૃહે પાછા ફર્યા ત્યારે રાધાએ અત્યંત કઠોર વચનોમાં પોતાનો ક્રોધ પ્રદર્શિત કર્યો. ક્રોધના અતિશય આવેગમાં રાધાએ શ્રીકૃષ્ણને શાપ આપ્યો કે ‘તમે હંમેશાં વ્યવહારમાં લંપટ છો માટે મનુષ્ય દેહને પ્રાપ્ત થાવ.’ શાપ આપ્યા પછી પણ રાધાએ શ્રીકૃષ્ણને અનેક વ્યંગપૂર્ણ અસહ્ય વચનો કહ્યાં. ત્યાર પછી શ્રીકૃષ્ણ રાધાથી તરછોડાઈને બીજા ગૃહે જતા રહ્યા. તે સમયે પાર્ષદ શ્રીદામાએ પોતાના ઈશ્વર શ્રીકૃષ્ણની બ્રહ્મરૃપતાને વર્ણવતા રાધાને કહ્યું કે, શ્રીકૃષ્ણ સર્વના ઈશ્વર, આત્મામાં રમણ કરનારા આત્મારામ અને પૂર્ણકામ છે, છતાં તમે તેમનું અપમાન કર્યું. હકીકતમાં શ્રીકૃષ્ણની આગળ તમારી કોઈની કશી જ ગણતરી નથી તે તમે બરાબર યાદ રાખો. શ્રીદામાનાં આવા કઠોર વચનોથી રાધાનાં નેત્રો ક્રોધથી રક્તવર્ણનાં થઈ ગયાં. તેમણે શ્રીદામાને શાપ આપતા કહ્યું કે, તું મારી (તારી માતાની) નિંદા કરે છે માટે તું અસુર થઈ જા. ગોલોકમાંથી બહાર જા.’ તે જ સમયે પરમભક્ત પાર્ષદ શ્રીદામાએ રાધાને પ્રતિશાપ આપ્યો કે ‘તમે પણ મનુષ્યયોનિને પ્રાપ્ત થાઓ. તમને મારા ઈશ્વરથી સો વર્ષનો વિરહ થશે.’

આ કથાના અનુસંધાનમાં રાધાના શાપથી શ્રીદામા શંખચૂડ નામનો અસુર થયો. શ્રીકૃષ્ણ મથુરામાં દેવકીપુત્ર તરીકે અવતર્યા અને ગોકુળમાં નંદરાય તથા યશોદા દ્વારા ઉછેરાયા. શ્રીદામાના શાપ અન્વયે રાધાએ પણ વરાહકલ્પમાં શ્રીહરિની સાથે પૃથ્વી પર વૃષભાનું નામના ગોપાલને ઘેર જન્મ લીધો.

શ્રીદામાના શાપથી રાધા ભયભીત બની શ્રીકૃષ્ણ સમક્ષ રુદન કરવા લાગ્યાં. સો વર્ષનો વિરહ પોતે કેવી રીતે સહન કરી શકશે? વિરહની ભયાનકતાથી ભયભીત થઈ ઊઠેલા રાધાએ શાપની વાત શ્રીકૃષ્ણને જણાવી. વિરહની કલ્પનામાત્રથી કંપી ઊઠેલા રાધાને શ્રીકૃષ્ણે પોતાના વક્ષઃસ્થળ પર નિર્ભય કરી આશ્વાસન આપતાં કહ્યું કે, ‘વરાહકલ્પમાં પોતે પૃથ્વી પર રાધા સાથે જ હશે એટલે વિરહને કોઈ સ્થાન રહેશે નહીં.’

Related Posts
1 of 262

આવી જ રીતે શ્રીદામાએ પણ શ્રીકૃષ્ણને બનેલી ઘટના તેમજ શાપની વાત કહી. શ્રીદામા શ્રીકૃષ્ણનો પરમ ભક્ત અને સહૃદયી હતો. શ્રીકૃષ્ણે રુદન કરતા શ્રીદામાને સાંત્વન આપતાં કહ્યું કે, ‘તું પૃથ્વી ઉપર અસુરોનો ઇન્દ્ર થઈશ. ત્રણે ભુવનોમાં અજેય એવા તને કોઈ જીતી શકશે નહીં. પ૦ યુગના અંતે ભગવાન શંકરના ત્રિશૂળથી તું દેહત્યાગ કરીને મારી પાસે આવીશ.’ અંતે શ્રીદામાએ ભગવાન શ્રીકૃષ્ણની સમક્ષ પોતાને ભક્તિથી રહિત ન કરવા વિનંતી કરી.

શ્રીકૃષ્ણ નદીરૃપે પરિવર્તિત થયેલી વિરજાને અષ્ટ સિદ્ધિઓનું પ્રદાન કર્યું હતું. પરિણામે તે શ્રીકૃષ્ણની ઇચ્છાનુસાર પુનઃ વિરજા ગોપીનો દેહ ધારણ કરીને શ્રીકૃષ્ણની સન્મુખ હાજર થઈ હતી ત્યારે શ્રીકૃષ્ણે તેની સાથે યચેચ્છ વિહાર કર્યો હતો. આ સમયે વિરજા સ્ત્રીધર્મથી યુક્ત હતી. તે શ્રીકૃષ્ણના અમોઘ વીર્યને ધારણ કરી સગર્ભા થઈ હતી. દેવતાઈ સો વર્ષ સુધી ગર્ભ ધારણ કર્યા પછી વિરજાએ સાત સમુદ્રો રૃપી પુત્રોને ઉત્પન્ન કર્યા હતા. શ્રીકૃષ્ણે વિરજાને તેની પાસે રહેવાનું વચન આપ્યું હતું. શ્રીકૃષ્ણ અને વિરજાનું આ સાંનિધ્ય રાધાને માટે અસહ્ય બન્યું અને રાધાએ શ્રીકૃષ્ણને ‘નદ થાઓ’ એવો શાપ આપ્યો.

આમ શ્રીકૃષ્ણ અને રાધાના ભૂલોકાગમનમાં શાપ અને શાપનું નિવારણ એક મહત્ત્વનું પરિબળ રહ્યું છે. અહીં સ્પષ્ટતા કરવી ઘટે કે શ્રીકૃષ્ણ અને રાધા તેમના ગોલોકનાં ગોપ-ગોપીગણ સાથે વ્રજમાં અવતર્યાં હતાં.

શ્રીકૃષ્ણે રાધા સાથે પૃથ્વી ઉપર અવતાર ધારણ કર્યો તે માટે પૃથ્વી પર અસુરોનો ભયંકર ત્રાસ કારણભૂત ગણાવાયો છે. અસુરોના ત્રાસથી અત્યંત ત્રસ્ત થયેલી પૃથ્વીએ બ્રહ્માનો આશ્રય સ્વીકાર્યો. દેવતાઓ પણ અસુરોના ત્રાસથી વ્યથિત હતા જ. પૃથ્વીએ બ્રહ્માની સમક્ષ નિવેદન કર્યું કે ‘પૃથ્વી પર ભાર વધી ગયો છે. ચોર-ડાકુ ચોમેર હાહાકાર મચાવી રહ્યા છે. અસુરોએ પૃથ્વી ઉપરથી શાંતિ છિન્નભિન્ન કરી મૂકી છે, તો આપ ઉપાય કરો.’ બ્રહ્મા પૃથ્વીને આ વિશે કંઈક ઉપાય કરવાની ખાતરી આપે છે. બ્રહ્મા પૃથ્વી અને દેવતાઓ સહિત શંકર પાસે જાય છે અને પૃથ્વી પરની સર્વ હકીકત ભગવાન શંકરને જણાવે છે. આ સાંભળી શંકર અને પાર્વતી ખૂબ વ્યથિત થયાં. શંકર અને બ્રહ્મા સહિત સર્વ દેવતાઓ ધર્મદેવને મળ્યા અંતે સર્વ દેવતાઓ શ્રીહરિના પરમ ધામ વૈકુંઠમાં ગયા. ત્યાં ચતુર્ભુજ શ્રીહરિ અને દેવી લક્ષ્મીની સર્વ દેવતાઓએ સ્તુતિ કરી અને પૃથ્વી પર વધી ગયેલા અસુરોના ત્રાસની અને અધર્મની વાત કરી. આ ત્રાસમાંથી પૃથ્વીને મુક્ત કરવા માટે સર્વ દેવતાઓએ શ્રીહરિને વિનંતી કરી.

વૈકુંઠવાસી શ્રીહરિએ પૃથ્વી, બ્રહ્મા આદિ દેવતાઓને ગોલોકમાં નિવાસ કરતા શ્રીકૃષ્ણ પાસે જવા કહ્યું. તેઓ પોતે લક્ષ્મીજી સાથે તરત જ ગોલોકમાં આવે છે તેમ પણ જણાવ્યું. આમ વૈકુંઠવાસી શ્રીહરિ અને સર્વ દેવ-સમુદાય વૈકુંઠથી પ૦ કરોડ યોજન ઉપર આવેલા ગોલોકમાં નિવાસ કરતા શ્રીકૃષ્ણ પાસે ગયા. વૈકુંઠમાં નિવાસ કરતા શ્રીહરિએ દેવતાઓને કહ્યું હતું કે ગોલોકમાં નિવાસ કરતા શ્રીકૃષ્ણ પણ પોતે જ છે. દેવ-સમુદાય ગોલોકમાં પ્રવેશતા જ સૌ પ્રથમ વિરજા નદીના સ્ફટીકમય કિનારાના અદમ્ય સૌદર્યને નિહાળીને આનંદિત થાય છે. ક્રમશઃ સૌ ગોલોકવાસી શ્રીકૃષ્ણના મહેલનાં ૧પ દ્વારો વટાવી સોળમાં દ્વારમાં પ્રવેશે છે, જ્યાં રાધાદેવી સાથે પરમાત્મા શ્રીકૃષ્ણને વિરાજમાન જોઈને અનુક્રમે બ્રહ્મા, ધર્મદેવ અને શંકર શ્રીકૃષ્ણની સ્તોત્ર અને સ્તુતિ દ્વારા પ્રાર્થના કરે છે. સ્તુતિના ફળ સ્વરૃપે સૌ દેવતાઓને શ્રીકૃષ્ણ અને રાધાના પરમ સ્વરૃપનાં દર્શન થાય છે. રાધિકાપતિ શ્રીકૃષ્ણે દેવતાઓને મધુર વાણીમાં કહ્યું કે, ‘હું સર્વ જીવોમાં રહ્યો છું, છતાં સ્તવન વડે જ પ્રત્યક્ષ થાઉં છું. તમારા અભિપ્રાયોને હું જાણું છું. તમારા આગમનના હેતુને સિદ્ધ કરવા જે શુભ કે અશુભ કર્મ કરવું પડશે તે યોગ્ય સમયે અવશ્ય થશે જ. હે દેવતાઓ, મને ભક્તો અતિપ્રિય છે. ભક્તોના સાંનિધ્ય વિના હું પળવાર રહી શકતો નથી. હું ભક્તોનો પ્રાણ છું, ભક્તો મારા પ્રાણ છે. મને વૈકુંઠ કે ગોલોકમાં લક્ષ્મી કે રાધિકાની સમીપ પણ ભક્તો વિના સાચી શાંતિ મળતી નથી. હું મારા ભક્તોના સાંનિધ્યમાં જ અતિ-આનંદનો અનુભવ કરું છું. લક્ષ્મી કે રાધા કરતાં પણ ભક્તો મને અતિશય પ્રિય છે. જે કાળે મારા ભક્તોનો, બ્રાહ્મણોનો, ગાયોનો કે દેવતાઓનો દુષ્ટો-અસુરો વિનાશ કરે છે તે કાળે તેમનો વિનાશ કરવા માટે હંુ તત્પર હોઉં છું. તે સમયે કોઈ પણ દુષ્ટોનું રક્ષણ કરવા સમર્થ હોતું નથી. માટે હે દેવતાઓ, હું પોતે જ પૃથ્વી પર અવતાર ધારણ કરીશ. તમે સૌ સ્વસ્થાને જાઓ અને અંશરૃપે પૃથ્વી પર અવતરો.’

આમ ગોલોકવાસી શ્રીકૃષ્ણે દેવતાઓને પ્રસન્ન કરી પોતાના ગોપાલો અને ગોપીઓને વ્રજમાં જવાનો આદેશ આપ્યો, સાથે જ રાધાજીને પણ વૃષભાનુ નામના ગોપાલને ઘેર જન્મ ધારણ કરવાનું કહ્યું અને તેમણે રાધાજીને જણાવ્યું કે તેમનો કાળરૃપે સ્વીકાર કરશે. શ્રીકૃષ્ણના વિરહની કલ્પના માત્રથી રાધાજી રુદન કરવા લાગ્યાં ત્યારે રાધાને આશ્વાસન આપતા શ્રીકૃષ્ણે કહ્યું, ‘તમે મારા પ્રાણથી પણ અધિક પ્રિય છો. તેવી જ રીતે હું પણ તમને પ્રાણથીયે અધિક પ્રિય છું. આપણાં બંનેનાં અંગો વાસ્તવમાં સર્વકાળે એક જ અંગરૃપે રહેલાં છે.’ આ પ્રમાણે શ્રીકૃષ્ણ રાધાને સમજાવતા હતા ત્યાં જ ઉત્તમ રત્નો અને હીરાથી સજ્જ રથમાં શંખ, ચક્ર પદ્મ અને ગદાધારી ચતુર્ભુજ શ્રીકૃષ્ણ સરસ્વતી અને લક્ષ્મી સાથે શ્રીકૃષ્ણની સભામાં પધાર્યા અને ગોલોકનિવાસી શ્રીકૃષ્ણના શરીરમાં લીન થઈ ગયા.

આવી જ રીતે વિષ્ણુ પણ લીન થઈ જતા વર્ણવાયા છે. ત્યાર બાદ ગોલોકનિવાસી શ્રીકૃષ્ણએ લક્ષ્મીજીને પૃથ્વી પર ભીષ્મક રાજાની પત્ની રાણી વૈદર્ભીના ઉદરથી જન્મ લેવા કહ્યું. ત્યાં પોતે કુન્ડનપુર શહેરમાં લક્ષ્મીજી સાથે ગાંધર્વ લગ્ન કરશે તેવું આશ્વાસન પણ લક્ષ્મીજીને આપ્યું. પાર્વતીને પણ નંદની પત્ની યશોદાની પુત્રી તરીકે જન્મવાનો આદેશ આપ્યો. મહાયોગમાયા પાર્વતી યશોદાની પુત્રી તરીકે જન્મશો પછી વસુદેવ તમારા સ્થાને મને મૂકી તમને કંસના કેદખાનામાં લઈ આવશે. ત્યાર પછી કંસના દેખતા જ તમે શિવની પાસે જતાં રહેશો, તમારી સર્વત્ર પૂજા થશે. શ્રીકૃષ્ણ છ મુખવાળા કાર્તિકેયને જાંબુવતીના ગર્ભમાં જન્મ પામવા જણાવે છે. બ્રહ્માજીની વિનંતીથી શ્રીકૃષ્ણે પૃથ્વી પર કોણ ક્યા સ્થાને જન્મ ધારણ કરશે તે કહેતાં સુમધુર હાસ્ય સાથે જણાવ્યું કે કામદેવ રુકિમણીના પુત્ર પ્રદ્યુમ્ન થશે. રતિ શંબરાસુરને ઘેર માયાવતી તરીકે જન્મશે. બ્રહ્મા કામદેવના પુત્ર અનિરુદ્ધના નામે ઉત્પન્ન થશે. બ્રહ્માની પત્ની ભારતી બાણાસુરની પુત્રી ઓખા તરીકે જન્મશે.કાલિન્દી-યમુના અડધા અંશે ગંગા અને અડધા અંશે તુલસી તથા રાજકન્યા લક્ષ્મણાના નામે જન્મ ધારણ કરશે. પૃથ્વીદેવી સત્યભામા અને સરસ્વતી શૈલ્યારાણી થશે, ચંદ્રની પત્ની રોહિણી મિત્રવિંદા નામની રાજકન્યા થશે અને સૂર્યપત્ની અમુક કલા અંશ વડે રત્નમાલા નામે રાજકન્યા થશે. આમ રુકિમણી વગેરે સહિત શ્રીકૃષ્ણની નવ પત્નીઓ ઉપરાંત જાંબુવતીને શ્રીહરિની દશમી પત્ની તરીકે ગણાવાઈ છે.
————–

Leave A Reply

Your email address will not be published.

Translate »