તમારા માટે, તમારી સાથે, સતત…

પુરુષ અને પ્રકૃતિ – શ્રીકૃષ્ણપ્રિયા રાધા જન્માંતરનું સખ્ય

શ્રીમદ્ ભાગવત કે મહાભારતમાં ક્યાંય રાધાના નામનો ઉલ્લેખ નથી

0 1,091

શ્રીકૃષ્ણની સાથે રાધાનું નામ અભિન્ન રીતે જોડાયેલું હોવા છતાં શ્રીમદ્ ભાગવત કે મહાભારતમાં ક્યાંય રાધાના નામનો ઉલ્લેખ નથી એવા એક માત્ર કારણસર રાધાના અસ્તિત્વ સામે સંશયો ઉત્પન્ન કરવામાં આવે ત્યારે કોઈ વિદ્વદ્જન રાધાના અસ્તિત્વને પુરવાર કરવાનો પાંડિત્યપૂર્ણ પુરુષાર્થ કરે એ સ્વાભાવિક ગણાવું જોઈએ. ગુજરાતના અધ્યાવસાયી પ્રવીણ ભટ્ટે આવો પુરુષાર્થ કરીને રાધાના અસ્તિત્વને પુરાણસિદ્ધ પ્રતિપ્રાદિત કરવાનો પ્રયાસ કર્યો છે. તેમના અભ્યાસ અને સંશોધને આ વિષય પર વધુ ગહન અભ્યાસની દિશા ખોલી આપી છે. શ્રીકૃષ્ણ અને રાધાના દિવ્ય સખ્યની આ કથા અદ્ભુત અને રસપ્રદ છે. આપણા સંસ્કૃતના વિદ્વાન ડૉ. ગૌતમ પટેલે પ્રવીણ ભટ્ટના પ્રયાસને બિરદાવતા લખ્યું છે કે, ‘દુનિયાનો કોઈ પણ ગ્રંથ રાધા માટે અધૂરો જ રહેવાનો, પણ રાધા એટલે પ્રેમનો અખૂટ હિલ્લોળા મારતો રસ સાગર. તેમાંથી કોઈક કિનારા પરથી પણ જો એકાદ આચમનનો લહાવો મળી જાય તો જરૃર ધન્યતા અનુભવી શકાય.’ ‘અભિયાન’ના વાચકો માટે તેમના અભ્યાસની આવી આચમન-પ્રસાદી રૃપ ત્રણ સંપાદિત અંશો પ્રસ્તુત છે.

( 1 ) કવર સ્ટોરી – પ્રવીણ ભટ્ટ

શ્રીકૃષ્ણ અને રાધા લોકહૈયે અહર્નિશ વસેલાં છે. નટખટ શ્રીકૃષ્ણ તેમની રોચક બાળલીલાઓથી આબાલવૃદ્ધમાં પ્રિય અને પૂજ્ય છે. શ્રીમદ્ ભાગવતમાં રસપ્રચુર બાળલીલાઓથી પરમાત્મા શ્રીકૃષ્ણના ચરિત્રનો પૂર્વાર્ધ આલેખાયો છે અને મહાભારતમાં શ્રીકૃષ્ણચરિત્રનો ઉત્તરાર્ધ નિરુપિત થયો છે.

મહાભારતના ભીષ્મપર્વમાં યોગેશ્વર શ્રીકૃષ્ણે પ્રિયસખા અર્જુનને યુદ્ધભૂમિમાં શ્રીમદ્ ભગવદ્ગીતાના ઉપદેશ દ્વારા કર્મ, જ્ઞાન અને ભક્તિનો શ્રીમુખે મહિમા ગાયો છે, જે સુવિદિત છે, પરંતુ આશ્ચર્ય સાથે નોંધવું ઘટે કે શ્રીમદ્ ભાગવત અને મહાભારત ઊભયમાં પરમેશ્વરી રાધાનો ઉલ્લેખ સુલભ નથી. રાધાના ચરિત્ર અંગે માહિતગાર થવામાં શ્રીકૃષ્ણને પુરુષોત્તમ તેમજ અવતારી એમ બે ભિન્ન દૃષ્ટિકોણથી જોવાના રહે છે. પરમાત્મા શ્રીકૃષ્ણનાં બે સ્વરૃપો (૧) ચતુર્ભુજ સ્વરૃપ અને (ર) દ્વિભુજ સ્વરૃપ ધર્મગ્રંથોમાં વર્ણવાયેલાં છે.

આ ઉપરાંત વસુદેવ-દેવકીના આઠમા પુત્ર તરીકે શ્રીકૃષ્ણ મથુરામાં કારાવાસમાં અવતર્યા. કંસથી બચાવવા વસુદેવ તેમને ગોકુળમાં મૂકી આવ્યા. અહીં નંદ અને યશોદામૈયાના આંગણે શ્રીકૃષ્ણે ગોપાલકૃષ્ણના બાળસ્વરૃપે અનેકવિધ લીલાઓ કરી. ગોપીઓનું વૃંદ, વૃંદાવન, ગાયો અને વાંસળીના સૂરોનો મોહક જાદુ પરમાત્મા શ્રીકૃષ્ણના ગોપાલસ્વરૃપને પણ ઇંગિત કરે છે. આમ ધર્મગ્રંથોમાં શ્રીકૃષ્ણનાં ચતુર્ભુજ, દ્વિભુજ અને ગોપાલકૃષ્ણ એમ ત્રણ સ્વરૃપો વર્ણવાયેલાં મળે છે.

પરમાત્માએ માનવદેહમાં મુખ્યત્વે બે અવતારો ધારણ કર્યા ઃ રામાવતાર અને કૃષ્ણાવતાર. રામની સાથે સીતા તો કૃષ્ણની સાથે કોણ? એવું પૂછવામાં આવે કે તુરત જ ખૂબ જ સ્વાભાવિક જવાબ મળેઃ રાધા. સીતારામની જેમ રાધાકૃષ્ણનું યુગ્મ ભક્તજનોને અત્યંત મોહ પમાડનારું રહ્યું છે.

પરંતુ સીતા વિશે ભક્તો જેટલા સુપરિચિત છે તેટલા રાધા વિશે અપરિચિત છે એમ કહીએ તો કદાચ અતિશયોક્તિ નહીં કહેવાય.સીતાની જન્મકથા-અથથી ઇતિ જીવનચરિત્ર આલેખતી અનેક કથાઓ સુલભ છે, જ્યારે ભક્તજનોમાં રાધા સુપરિચિત હોવા છતાં પણ તેમના જીવનચરિતથી ભક્તો અજાણ છે, સંપૂર્ણ પરિચિત નથી.

રામ મર્યાદા-પુરુષોત્તમ તરીકે આલેખાયેલા છે, જ્યારે કૃષ્ણની બાબતમાં બધી મર્યાદા લુપ્ત થયેલી જોવા મળે છે. બધાં જ ક્ષેત્રોમાં શ્રીકૃષ્ણ મર્યાદાઓથી પર અપાર શક્તિપુંજના દ્યોતક છે. છતાં પણ શ્રીકૃષ્ણના જન્મથી કહેવાતા અંતને આલેખતી ક્રમબદ્ધ કથાઓમાં રાધાનો નામોલ્લેખ પ્રાપ્ત થતો નથી, તે એક રોચક છતાં રહસ્યમય બાબત રહી છે.

કૃષ્ણાવતારની લીલાઓનું રસપ્રચુર આલેખન વિશેષતઃ શ્રીમદ્ ભાગવતપુરાણમાં થયું છે. આ જ કારણે વૈષ્ણવો તેમ જ કૃષ્ણભક્તો માટે શ્રીમદ્ ભાગવત શિરોમણિ ગ્રંથ રહ્યો છે. તેમ છતાંય શ્રીમદ્ ભાગવત પુરાણમાં આવતી શ્રીકૃષ્ણની લીલાઓમાં રાધાના નામનો એકાદ વાર અછડતો પરોક્ષ ઉલ્લેખ જ જોવા મળે છે. આથી સ્વાભાવિક રીતે જ પ્રશ્ન થાય કે શ્રીમદ્ ભાગવતમાં રાધાના ચરિત્ર પર પ્રકાશ ફેંકવામાં મર્યાદા શા માટે અપનાવાઈ હશે?

Related Posts
1 of 262

પતંજલિના વ્યાકરણગ્રંથ અષ્ટાધ્યાયીમાં તથા તેના મહાભાષ્યમાં અને મહાભારત તથા નારાયણીય જેવા પ્રાચીન ગ્રંથોમાં પણ ગોપાલ કૃષ્ણનો નિર્દેશ પ્રાપ્ત થતો નથી. જ્યારે ઈ.સ.ની ત્રીજી શતાબ્દીમાં રચાયેલા મનાતા હરિવંશ અને વાયુ-પુરાણમાં કૃષ્ણનો પ્રથમ નિર્દેશ છે.

ઈ.સ.ની ૧૩મી શતાબ્દીમાં રચાયેલા બ્રહ્મવૈવર્ત પુરાણમાં શ્રીકૃષ્ણ અને રાધાના આંતર-બાહ્ય ચરિત્રને આલેખતી વિસ્તૃત કથાઓ વિગતવાર ઉપલબ્ધ થાય છે; જેમાં રાધાના પાત્રને સુંદરતમ પ્રકાશિત કરાયેલું છે. આ કથાઓ પ્રમાણે રાધાનું પાત્ર શ્રીકૃષ્ણની સાથે છેક ૧૩મી સદીમાં જોડાયું હોય તેવો ભાસ ઊભો થાય છે. એનો અર્થ એ થાય કે રાધાનું પાત્ર પાછળથી શ્રીકૃષ્ણની કથામાં ઉમેરાયું હોય એમ લાગે છે.

જ્યારે એક મત એવો પણ પ્રવર્તે છે કે, રાધાનું પાત્ર વેદોમાં પણ ઉલ્લેખાયેલું છે. આમ રાધાનું પાત્ર પાછળથી ઉમેરાયું હોવાની બાબત સીધેસીધી સ્વીકારી શકાય તેમ નથી. તેવી જ રીતે વેદોમાં રાધાનો ઉલ્લેખ બતાવતાં અર્થઘટનો પણ રાધાના પાત્રને પ્રાચીન ગણવામાં ઊણાં ઊતરે.

પરંતુ ઇતિહાસ કે તર્કના માપદંડથી માપી શકાય તેવા ગ્રંથોને પુરાણ ન કહી શકાય. પુરાણોમાં શક્ય-અશક્ય અને અશક્ય-શક્ય, વાસ્તવિક-અવાસ્તવિક અને અવાસ્તવિક-વાસ્તવિકનું તત્ત્વ કથાને રોચક બનાવતું શક્તિશાળી પરિબળ છે. સાથે આ શક્તિશાળી પરિબળની મદદથી જ પુરાણકારો જનસમુદાયના ઉદ્ધરણ અને વિકાસના ઉપાયો દર્શાવે છે અને સમાજના સાંસ્કૃતિક ઘડતર માટેની આવશ્યક શક્તિઓનું પ્રદાન કરે છે. માટે જ પુરાણગ્રંથો ચિરસ્થાયી રહ્યા છે. ટૂંકમાં, ઉપનિષદોના ગહન તત્ત્વજ્ઞાનને કથાના રોચક માધ્યમ દ્વારા રસપ્રદ અને લોકભોગ્ય બનાવવાનું પુરાણોનું મુખ્ય ધ્યેય હોય તેમ જણાય છે. આ ધ્યેયના દૃષ્ટિબિંદુથી જ પુરાણોનું મૂલ્યાંકન થઈ શકે તે બાબત નિર્વિવાદ છે. આથી જ ઐતિહાસિક દૃષ્ટિકોણ કે તાર્કિક માપદંડથી પુરાણો પર છે. માટે ઇતિહાસ અને તર્કબદ્ધતાને વચમાં લાવ્યા સિવાય શ્રીકૃષ્ણ અને રાધાના યુગ્મનો પરિચય આપતી લક્ષ્ય માહિતીઓ ઉપર જ અહીં ધ્યાન આપવામાં આવ્યું છે.

અગાઉ જોયું તેમ ચતુર્ભુજ, દ્વિભુજ અને ગોપાલકૃષ્ણ એમ શ્રીકૃષ્ણનાં ત્રણ સ્વરૃપો પુરાણકથાઓમાં આલેખાયેલાં છે. ચતુર્ભુજ સ્વરૃપ શ્રીકૃષ્ણ વૈકુંઠવાસી છે અને દ્વિભુજ શ્રીકૃષ્ણ ગોલોકમાં નિવાસ કરે છે. નારાયણ, વિષ્ણુ અને શ્રીકૃષ્ણ પરબ્રહ્માના અંશરૃપે અવતારી સ્વરૃપો મનાયાં છે. વિષ્ણુની સાથે લક્ષ્મી મુખ્ય ઉપકારક શક્તિ છે. લક્ષ્મીનાં બે સ્વરૃપોમાં એક સ્વરૃપ રાધાનું પણ છે. તેમજ વિષ્ણુની પાંચ ઉપકારક શક્તિઓમાંની એક ઐશ્વર્યની અધિષ્ઠાત્રી શક્તિ રાધા છે. રાધાનાં કાન્તા, અતિકાન્તા, શાન્તા, સુશીલા અને સર્વમંગલ એવાં અન્ય નામો પણ પ્રાપ્ત થાય છે.

વૈકુંઠમાં વિરાજમાન ચતુર્ભુજ સ્વરૃપ સાથે લક્ષ્મી અને ગોલોકમાં નિવાસ કરતાં દ્વિભુજ સ્વરૃપ સાથે રાધાનો પત્ની તરીકે નિર્દેશ થયો છે, જ્યારે ભૂલોકના ગોપાલકૃષ્ણની સાથે ગોકુળમાં રાધા પ્રિયસખી ગોવાલણ તરીકે અવતરેલાં નિર્દેશાયાં છે.

માટે જ શ્રીમદ્ ભાગવતમાં રાધાનો ઉલ્લેખ મુખ્ય ગોપી તરીકે થયો છે. વળી વૈકુંઠ, ગોલોક અને ભૂલોકના શ્રીકૃષ્ણની કથાઓમાં ભિન્નતા હોય એ પણ સ્વાભાવિક જ છે. ગોલોકના શ્રીકૃષ્ણ ભૂલોકમાં અવતાર ધારણ કરે છે. ભૂલોકમાં કૃષ્ણાવતારની ભૂમિકાને સ્પષ્ટ કરતી વિગતવાર કથાઓ પ્રાપ્ત થાય છે.

ગોલોકવાસી શ્રીકૃષ્ણ પૃથ્વીનો ભાર ઉતારવા, આતતાયીઓનો સંહાર કરવા અને ધર્મના અભિરક્ષણ માટે ગોકુળમાં ગોપાલ સ્વરૃપે અવતર્યા. તેમની સાથે રાધાએ પણ ગોવાલણ તરીકે અવતાર ધારણ કર્યો. આમ શ્રીકૃષ્ણ ગોપ અને રાધા ગોવાલણ થયાં તેની પુષ્ટિ કરતી ત્રણ શાપ-કથાઓ સંકળાયેલી છે.

આ ત્રણ શાપ-કથાઓની ભીતરમાં ડોકિયું કરીએ તે પહેલાં ધ્યાનાકર્ષક બાબત એ છે કે વૈકુંઠ, ગોલોક અને ભૂલોકની કૃષ્ણ-કથાઓમાં સંકલન અને સાતત્યનાં દર્શન થાય છે. એટલું જ નહીં, પણ ભૂલોક પરનાં અવતારી કાર્યો પૂર્ણ થતાંની સાથે જ શ્રીકૃષ્ણ ભૂલોકમાંથી ગોલોકમાં પાછા ફરે છે. તે જ સમયે રાધા પણ ગોલોકમાં પ્રતિગમન કરે છે. આમ રાધાનું પાત્ર રહસ્ય અને વિવાદની માયાજાળથી પૂર્ણ હોવા છતાં અત્યંત રોચક છે.
———————-

Leave A Reply

Your email address will not be published.

Translate »