તમારા માટે, તમારી સાથે, સતત…

‘સઘળું ત્યજીને હું શ્રીકૃષ્ણને પામ્યો’ રોનાલ્ડ નિક્સન ઉર્ફે યોગી કૃષ્ણપ્રેમ

ગુરુને ચરણે મેં સઘળું જીવન ધરી દીધું છે

0 531
  • પર્વ પ્રસંગ – ડૉ. રંજના હરીશ

આ વખતની જન્માષ્ટમી નિમિત્તે એવા એક વિરલ સંન્યાસીની વાત કે જે જન્મે બ્રિટિશ હતા, શિક્ષણે પાઇલટ અને અંગ્રેજી સાહિત્યના જ્ઞાતા, તેમજ સંન્યસ્ત જીવન પૂર્વે, કર્મે તેઓ ભારતની લખનઉ યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગના પ્રોફેસર હતા. તેમના સઘળા જીવનનો નિચોડ બે શબ્દમાં સમાવી લેવાય તેમ છે અને તે બે શબ્દ છે તેમનું પોતાનું દીક્ષા બાદનું નામ ‘કૃષ્ણપ્રેમ’. આવા સ્વનામધન્ય યોગી કૃષ્ણપ્રેમનું સ્મરણ આ પર્વ નિમિત્તે સાર્થક છે.

હિમાલયના ખોળામાં વસેલા અલમોડા ઉત્તર વૃંદાવનનો મિરતોલા આશ્રમ એટલે જન્મે બ્રિટિશ એવા કૃષ્ણપ્રેમ રોનાલ્ડ હેન્રી નિક્સન (૧૮૯૮થી ૧૯૬૫)નું અનેરું સર્જન. પ્રથમ વિશ્વયુદ્ધમાં એક ફાઇટર પ્લેનના પાઇલટની હેસિયતથી ભાગ લઈ ચૂકેલા અને યુદ્ધની ભયાવહતાને પ્રત્યક્ષ અનુભવી ચૂકેલા આ બ્રિટિશ યુવકને યુદ્ધ દરમિયાન દૈવીય અનુભવ થયો હતો. ચમત્કારિક રીતે જાણે પાઇલટે આપેલા કમાન્ડને ઉપરવટ થઈને પ્લેન તેમને સુરક્ષિતપણે બચાવી લાવ્યું હતું. યુદ્ધ બાદ આ યુવકે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ કરેલો. રોનાલ્ડે લંડનમાં રહ્યે રહ્યે લખનઉ યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગમાં પ્રોફેસર માટે અરજી કરેલી. તત્કાલીન કુલપતિ જી.એન. ચક્રવર્તીએ આ બ્રિટિશ યુવકની યોગ્યતા જોતા તેની અરજીના આધારે તેની નિમણૂક પોતાની યુનિવર્સિટીમાં કરેલી. અને આમ ૧૯૨૦માં રોનાલ્ડ નિક્સન નામનો એ સોહામણો બ્રિટિશ યુવક લખનઉ યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગમાં જોડાયેલો. તત્કાલીન અંગ્રેજી વિભાગમાં એક અન્ય લોકપ્રિય યુવા અધ્યાપક હાજર હતો. તેનું નામ હતું દિલીપકુમાર રોય. આ યુવક સરસ ગાયક હતો. નવા જોડાયેલા રોનાલ્ડ સાથે મૈત્રી કરતાં તેને સહેજેય વાર ન લાગી. આમ અંગ્રેજી વિભાગ ખાતે પ્રારંભાયેલી તે બંનેની મૈત્રી આજીવન ટકી. બંને નોખી માટીના માનવ હતા.

આધ્યાત્મ માર્ગના પ્રવાસી હતા. રોનાલ્ડ નિક્સને લખનઉ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ચક્રવર્તી મહાશયના સુશિક્ષિત ફેશનેબલ પત્ની શ્રીમતી મોનિકાદેવી ચક્રવર્તી (૧૮૮૨થી ૧૯૪૪)માં પોતાના ગુરુનાં દર્શન કર્યાં અને તેમણે મોનિકાદેવીને ગુરુપદે સ્થાપવા તત્પરતા બતાવી. પ્રોફેસર રોનાલ્ડ નિક્સનના આગ્રહને માન આપીને મોનિકાદેવીએ તેમની સામે અઘરી શરતો મૂકી. જે નગરમાં રોનાલ્ડ અને તેનો મિત્ર દિલીપકુમાર મોટરસાઇકલ પર ફરતા હતા તે જ નગરમાં રોનાલ્ડે એક મહિના સુધી માથું મૂંડાવીને, શ્વેત વસ્ત્ર ધારણ કરીને, પગપાળા ફરીને ભિક્ષા માગીને નિર્વાહ કરવો. જો તે એમ કરી શકશે તો તેઓ પોતે સંન્યાસ લીધા બાદ તેમને દીક્ષા આપશે, તેવું વચન માતાજીએ આપ્યું. રોનાલ્ડે ગુરુના આદેશનો પ્રેમપૂર્વક સ્વીકાર કર્યો. એક મહિનો ગુરુમાતાના કહ્યાં પ્રમાણે તેમણે પસાર કર્યો. બદલામાં ગુરુ મોનિકાદેવીએ બનારસ જઈને સંન્યાસ લીધો.

હવે તેઓ મોનિકા ન હતાં. દીક્ષા બાદનું તેમનું નામ હતું જશોદામૈયા. તેમણે રોનાલ્ડને વૈષ્ણધર્મની દીક્ષા આપી. અને રોનાલ્ડનું સંન્યસ્ત નામ પાડ્યું યોગી કૃષ્ણપ્રેમ. ગુરુ-શિષ્યની આ જોડી થોડા સમય સુધી બનારસમાં રહી. ૧૯૩૦માં ગુરુની આજ્ઞાથી યોગી કૃષ્ણપ્રેમે હિમાલયની ગોદમાં મિરતોલા ખાતે જમીન ખરીદીને ઉત્તર વૃંદાવન નામક આશ્રમની સ્થાપના કરી. સમય જતાં મિરતોલા આશ્રમ જાણે તીર્થસ્થાન સમો બની રહ્યો.

યોગી કૃષ્ણપ્રેમના પરમ મિત્ર અને પ્રશંસક એટલે બંગાળના સુપ્રસિદ્ધ ભક્ત ગાયક દિલીપકુમાર રોય (૧૮૯૭-૧૯૮૦) જેઓ પોતે શ્રી અરવિંદના શિષ્ય હતા. દિલીપકુમારે પોતાના આધ્યાત્મિક અનુભવોના નિચોડસમા લગભગ ૭૦ બંગાળી તેમજ ૧૨ અંગ્રેજી પુસ્તકો લખ્યા છે. દિલીપકુમાર રોય પોતાના જીવન વિશે લખતાં કહે છે, ‘મારા આધ્યાત્મિક જીવનને ઘાટ આપનાર બે મુખ્ય વિભૂતિઓ એટલે મારા ગુરુ શ્રી અરવિંદ અને પથપ્રદર્શક સમા આત્મીય મિત્ર યોગી કૃષ્ણપ્રેમ. વર્ષ ૧૯૬૫માં યોગી કૃષ્ણપ્રેમના દેહવિલય બાદ દિલીપકુમાર રોયે તેમને અંજલિ સ્વરૃપ લખેલ અંગ્રેજી પુસ્તક એટલે ‘યોગી કૃષ્ણપ્રેમ’ (૧૯૬૮). આ પુસ્તકની દ્વિતીય આવૃત્તિ ભારતીય વિદ્યાભવને વર્ષ ૧૯૭૫માં છાપેલી.

દિલીપકુમાર રોય લિખિત ત્રણ વિભાગમાં વહેંચાયેલા અંગ્રેજી પુસ્તક ‘યોગીશ્રી કૃષ્ણપ્રેમ’ પુસ્તકનો અત્યંત રસપ્રદ, મહત્ત્વપૂર્ણ ભાગ એટલે તેમાં છપાયેલ સંસ્મરણો. આધ્યાત્મિક જીવનના દસ્તાવેજસમા આ સંસ્મરણો પ્રસ્તુત પુસ્તકને યાદગાર બનાવી દે છે. તેમાંના ચુનંદા સંસ્મરણો અહીં પ્રસ્તુત છેઃ
* * *

યોગી કૃષ્ણપ્રેમે મિત્ર દિલીપકુમારને સ્વમુખે કહેલ એક આધ્યાત્મિક ચમત્કારિક અનુભવ –
એક વખતની વાત છે. જશોદામૈયા મિરતોલાના ઉત્તર વૃંદાવન આશ્રમના સુંદર કૃષ્ણમંદિરની જવાબદારી મને સોંપીને ક્યાંક ગયેલાં. નિત્યક્રમ પ્રમાણે હું પ્રતિદિન પૂજા, આરાધના, આરતી વગેરે સર્વ કાર્ય કરતો. એક દિવસે સંધ્યા આરતી તેમજ સત્સંગ પતાવ્યા બાદ કડકડતા શિયાળાની રાત્રે હું મારી ઓરડીમાં પાછો આવ્યો અને પથારીમાં પડતાંની સાથે ઊંઘી ગયો. બેએક કલાક પસાર થયા હશે ને ત્યાં મને લાગ્યું કે કોઈ મને જગાડી રહ્યું છે અને કહી રહ્યું છે, ‘છે કંઈ પરવાહ? પોતે લહેરથી પથારીમાં સૂતો છે અને મને કડકડતી ઠંડીમાં કીડીઓ ચટકી રહી છે. ઊઠ. મારા પર કીડીઓ ચડી ગઈ છે.’ આ તે કેવો અનુભવ? સ્વપ્ન હશે? સત્ય હશે? એમ વિચારતા હું જાગીને મંદિર તરફ દોડ્યો. ત્યાં જઈને બત્તી કરી અને જોયું તો કૃષ્ણની મૂર્તિના ચરણમાં ભૂલથી મધની બાટલી રહી ગયેલી અને ત્યાં કૃષ્ણના ચરણમાં કીડીઓનો સાગર ઊમટ્યો હતો. સમગ્ર મૂર્તિ પર કીડીઓ ફરી વળી હતી. મને દુઃખ થયું. શ્રીકૃષ્ણ પર ચડેલી કીડીઓના ચટકા જાણે મેં અનુભવ્યા. આંખોમાં આંસુ અને મનમાં પશ્ચાતાપ સાથે મેં પેલી શીશી હટાવીને મૂર્તિને તથા આસપાસની જગ્યાને ધોઈ, લૂછી અને સાફ કરી અને ત્યાર બાદ શ્રીકૃષ્ણને પગે લાગીને હું મારા ઓરડામાં જઈને સૂતો.
* * *

શિયાળાનો વખત હતો. હિમાલયની કડકડતી ઠંડીમાં વૃદ્ધ-અશક્ત, અસ્વસ્થ ગુરુ જશોદામૈયાને વાળુ કરાવીને તેમને તેમના કક્ષમાં ઊંઘાડીને કૃષ્ણપ્રેમ પોતાના શિષ્યો તેમજ આશ્રમના અતિથિ મિત્ર દિલીપકુમાર સાથે સંધ્યા આરતી માટે મિરતોલા મંદિરમાં હાજર થયા. આરતી બાદ દિલીપકુમારે પોતાના મધુર સ્વરે કૃષ્ણની સ્તુતિ ગાઈ. તેમની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા. ત્યાં અચાનક કૃષ્ણપ્રેમે જોયું કે ગુરુ જશોદામૈયા કડકડતી ઠંડીમાં મંદિરની ઓસરીમાં ઊભાં હતાં! ભાવવાહી સંગીત પૂરું થતાં માતાજી શાંતિથી ચાલી ગયાં.

તેમને ઠપકો આપવા શિષ્યોનું આખું ટોળું તેમના રૃમમાં પહોંચી ગયું. કૃષ્ણપ્રેમે માતાજીને મીઠો ઠપકો આપ્યો, ‘આટલાં અશક્ત અને માંદા છો તોય આવી કડકડતી ઠંડીમાં શાને કાજે મંદિરે આવવું પડે?’ ગુરુ બોલી ઊઠ્યા, ‘આવવું પડે તેમ જ હતું. દિલીપ આજે તારા ગાને કનૈયાને મંદિરમાં હાજર થવા ફરજ પાડી! મેં કનૈયાને ત્યાં આવતો દીઠો એટલે તેની પાછળ પાછળ હું પણ આવી. પેલો નટખટ તો મૂર્તિની પાસે જઈને ઊભો, પણ હું બાપડી ઓસરીમાંથી આગળ ન વધી શકી. ત્યાં રહ્યે રહ્યે મેં કનૈયાને તારું ગાન માણતા જોયો… મારું કહ્યું માન, તારે કોઈ સાધના કરવાની જરૃર નથી. સંગીત એ જ તારી સાધના છે. તારું ગાન કનૈયાને તારી પાસે ખેંચી લાવવાની શક્તિ ધરાવે છે.’
* * *

યોગી કૃષ્ણપ્રેમે દિલીપકુમાર, માધવ આશિષ, ગુરુ જશોદામૈયા તથા તેમની પુત્રી મોતીરાનીની ઉપસ્થિતિમાં અલમોડાના આશ્રમ ખાતે વર્ણવેલા તેમના જીવનનો એક યાદગાર પ્રસંગ તેમના જ શબ્દોમાં –

Related Posts
1 of 262

‘હું પ્રથમ વિશ્વયુદ્ધમાં ફાઇટર પ્લેનનો પાઇલટ હતો. તે વખતે મારી ઉંમર હતી ૧૮ વર્ષ. એક વખત યુદ્ધ દરમિયાન સામેવાળાઓ હુમલો કરી રહ્યા હતા. મારે તેમના પર બોમ્બ ફેંકવાના હતા. ત્યાં મેં અચાનક જોયું કે હું બાર જેટલા ફાઇટર પ્લેનથી ઘેરાઈ ગયેલો હતો.

હું સમજ્યો કે તે પ્લેન અમારા જ હતા. પણ ના. દુશ્મનોએ મને ઘેરી લીધો હતો. હું કંઈ સમજું તે પહેલાં મને દૈવીય અનુભવ થયો. મારી બુદ્ધિ મારા હાથને દુશ્મન વિસ્તારમાં બોમ્બ ફેંકવા કહી રહી હતી, પણ મારા હાથનું કાંડું જાણે મારું કહેવું માની રહ્યું નહોતું. જમણે જવાને બદલે મારું કાંડું પ્લેનને ઊંધી દિશામાં, ડાબી બાજુ, લઈ જઈ રહ્યું હતું! આ જોઈને હું થથરી ગયો. આ શું થઈ રહ્યું હતું? આ કઈ અદૃશ્ય શક્તિ હતી…! જોતજોતામાં મારું પ્લેન મારી અનિચ્છાએ, આપમેળે, એક સુરક્ષિત સ્થળે ઊતર્યું. પ્લેન ઊતરતાં વાયરલેસ પર મારા બોસનો અવાજ સંભળાયો, ‘તેં શાણું કામ કર્યું. તું દુશ્મનોના પ્લેનથી ઘેરાઈ ગયેલો હતો. તારી આવડતે તને આબાદ બચાવી લીધો.’ તેઓ મને અભિનંદન આપી રહ્યા હતા! પરંતુ આમાં મારી કોઈ આવડત હતી જ નહીં. મારા આ ચમત્કારિક બચાવમાં મારો કોઈ ફાળો નહોતો. મનુષ્યની બુદ્ધિએ શ્રદ્ધા સામે હાર માનવી પડે તેવા આ અનુભવે મને શ્રીકૃષ્ણ પ્રત્યે શ્રદ્ધાવાન બનાવ્યો.
* * *

સુવિખ્યાત અમેરિકન નિબંધકાર ઈમર્સનના પૌત્રી તથા યોગી કૃષ્ણપ્રેમને પોતાનો ગુરુભાઈ માનનાર ગુટ્રુડ ઇમર્સન સેને વર્ણવેલ એક પ્રસંગ –

એકવાર અલમોડામાં કોઈક સ્થાનિક સત્સંગમાં તેમણે એક શ્વેત યુવક સંન્યાસીને જોયો. ભગવા વસ્ત્રો અને કપાળે વૈષ્ણવ તિલક. ધ્યાનમગ્ન આ યુવા સંન્યાસીનો પરિચય થતાં જાણવા મળ્યું કે, તે જશોદામૈયાનો પરમ શિષ્ય યોગી કૃષ્ણપ્રેમ હતો. સેન મહાશય પોતે સ્વામી વિવેકાનંદના શિષ્ય હતા. આ મુલાકાતના અઠવાડિયામાં જ સેન દંપતીના આશ્ચર્ય વચ્ચે તેમણે આ યુવા સંન્યાસીને પોતાને બારણે ઊભેલો જોયો. કોઈ ઔપચારિકતા વગર તે કહી રહ્યો હતો, ‘અલમોડા આવ્યો હતો એટલે થયું મળતો જાઉં.’ પુસ્તકના ‘પ્રાક્કથન’ના લેખિકા શ્રીમતિ ગુટ્રુડ ઇમર્સન સેન લખે છે, ‘એ ક્ષણથી ફક્ત ગોપાલ (કૃષ્ણપ્રેમ) જ નહીં, પરંતુ સઘળો મિરતોલા આશ્રમ પરિવાર અમારો મિત્ર બની ગયો.

નૈનિતાલથી મિરતોલા જવું હોય તો અલમોડામાં વિશ્રામ કરવો જ પડે અને તેથી અમારા આગ્રહ અને તેઓના પ્રેમના પરિણામ સ્વરૃપ અમારું ઘર મિરતોલા આશ્રમનું વિશ્રામસ્થળ બની ગયું. યોગી કૃષ્ણપ્રેમ તેમના બ્રિટિશ પાઇલટ શિષ્ય માધવ આશિષ, ગુરુ જશોદામૈયા, આશ્રમના સંન્યાસી ડૉક્ટર શ્રી હરિદાસ વગેરે બધા જ અમારે ઘરે રોકાતા…

પાકા વૈષ્ણવ એવા આ લોકો અમારા ઘરનું ભોજન ન જમતા. તેમને માટે મેં અમારા વરંડાને વૈષ્ણવ રસોડા તરીકે સજાવેલો. જેમાં બધાં જ વાસણો નવા વણવાપરેલાં હતાં. સીધંુ-શાકભાજી વગેરે બજારથી આવતું અને યોગી કૃષ્ણપ્રેમ સુઘડ ગૃહિણીની અદાથી એ વરંડામાં બનેલા રસોડામાં જશોદામૈયા તેમજ સાથીદારો માટે રસોઈ કરતા… બધા જ જમીન પર બેસીને જમતાં. એક બ્રિટિશ યુવકનું આવું સમર્પણ હું આશ્ચર્યભરી આંખે જોઈ રહેતી… મારા વૈજ્ઞાનિક પતિ કોકવાર ગોપાલની ઠેકડી ઉડાડતા અને કહેતા, ‘ગોપાલ, મારી દાદી જીવતી હોત અને તે આવી આભડછેટમાં માનતી હોત તો હું સમજી શકત, પરંતુ ક્યાં તારું કેમ્બ્રિજનું શિક્ષણ અને ક્યાં તારું આવું મરજાદી વર્તન! તું આવો જુનવાણી કઈ રીતે હોઈ શકે?’ ગોપાલ શાંતિથી જવાબ આપતા, ‘એમાં જુનવાણી શું છે?

જે ધર્મ અને માર્ગ મેં હૃદયથી સ્વીકાર્યો છે, જે ગુરુને ચરણે મેં સઘળું જીવન ધરી દીધું છે, તેમની જીવનશૈલી અપનાવવામાં શો વાંધો હોઈ શકે?’ યોગી કૃષ્ણપ્રેમ અને તેમના શિષ્ય માધવ આશિષનું સુંદર શબ્દચિત્ર પ્રસ્તુત કરતાં લેખિકા લખે છે કે, ‘એ બંને શ્વેત સંન્યાસીઓની જોડીને સાથે ચાલતા જોવાનો અનુભવ સ્મરણીય હતો. છ ફૂટ બે ઇંચ જેટલી ઊંચાઈ તથા પાતળી કાયા ધરાવતા તે બંને પોતાના કદ કરતાં લાંબી લાકડી હાથમાં લઈને જ્યારે પોતાની વિશિષ્ટ અદાથી મોટાં-મોટાં ડગલાં ભરીને ચાલતા ત્યારે હું તેમને જોઈ રહેતી. જાણે તેમના પગ જમીનને અડતા જ ન હોય તેમ લાગતું! જાણે ઊડતા ના હોય! જૂની કહેવત છે કે, “કમળ ખીલે તો ભ્રમરને આમંત્રણ ન હોય.” બસ, ગોપાલનું પણ એવું જ હતું.’
* * *

વર્ષ ૧૯૪૮ની વાત છે. રમણ મહર્ષિના આશ્રમમાં રહ્યા બાદ ત્યાંથી યોગી કૃષ્ણપ્રેમ મદ્રાસ જવા રવાના થયા. મદ્રાસ ખાતેનું તેમનું રોકાણ દિલીપકુમારના મિત્ર એવા શ્રીમતી જશોદા ઘોષના નિવાસે હતું. તેમના રોકાણથી શ્રીમતી ઘોષે ધન્યતા અનુભવી. યોગી કૃષ્ણપ્રેમના રોકાણ દરમિયાનના ઘણા બધા પ્રસંગો તેમણે દિલીપકુમારને લખ્યા. તેમાંનો એક વિનોદભર્યો પ્રસંગ પ્રસ્તુત છે.

‘દિલીપદા તમે કૃષ્ણપ્રેમને મારે આવાસે મોકલીને મોટો ઉપકાર કર્યો. એમનો દૈવીય સત્સંગ અમને ક્યાંથી મળવાનો હતો! ખૂબ ખૂબ આભાર. તેઓ રહ્યા તે દરમિયાન ઘણા યાદગાર અનુભવો થયા. તેમાંનો મેં મારી નજર સમક્ષ જોયેલો એક નાટ્યાત્મક પ્રસંગ હું તમને લખું છું… દિલીપદા હસી હસીને લોટપોટ થઈ જવાય એવો આ પ્રસંગ છે. તૈયાર રહેજો… આ પ્રસંગને ‘ડિવાઇન કોમેડી’ કહેવાય? તમે જ નક્કી કરજો.

યોગી કૃષ્ણપ્રેમ પોતાની સાથે કૃષ્ણની એક સુંદર નાનકડી મૂર્તિ રાખે છે. જ્યાં જાય ત્યાં એ મૂર્તિ તેમની સાથે હોય છે. આ મૂર્તિની તેઓ નિત્ય પૂજા કરે છે. આ બધું તો તમે જાણો જ છો. અમારી સાથેના એમના રહેવાસ બાદ અંતિમ દિવસે અમે તેમને સ્ટેશને મૂકવા ગયા. તેમના ફર્સ્ટક્લાસના ડબ્બાની સામેની સીટ પર એક બ્રિટિશ મહિલા બેઠેલી હતી. કૃષ્ણપ્રેમે પોતાની સીટ પર સ્થાન લીધું અને શ્રીકૃષ્ણની મૂર્તિને તેમની પાસે મૂકી અને અમે બધા અંગ્રેજીમાં વાતે વળગ્યા. પેલી બ્રિટિશ સ્ત્રી કૃષ્ણપ્રેમના ઉચ્ચારણ અને દેખાવ પરથી કળી ગઈ કે ભગવા વસ્ત્રધારી, ૨૦મી સદીના ભારતમાં તેના જેવી બ્રિટિશ સ્ત્રી માટે એક બ્રિટિશ પુરુષનું આવું વર્તન અને દેખાવ અસહ્ય હતાં. તે બોલી ઊઠી, ‘દગાબાજ! તને જરાય શરમ નથી આવતી? ખ્રિસ્તી ધર્મ ત્યજીને અંધશ્રદ્ધામાં ગરકાવ આવા દેશી લોકો સાથે હળતા ભળતા તું શરમાતો નથી? તે કૃષ્ણપ્રેમને મન ફાવે તેમ ભાંડી રહી હતી. અમારા માટે આ બધું અસહ્ય હતું, પરંતુ કૃષ્ણપ્રેમ નિર્વિકારપણે, ચહેરા પર સ્મિત સાથે, તેને સાંભળી રહ્યા હતા. આ જોઈને પેલી બળતામાં ઘી હોમાયું તેમ તીવ્ર સ્વરે બોલી, ‘શું હું પૂછી શકું, પોતાનો દેશ,

સંસ્કૃતિ, લોકો અને ધર્મ સઘળું ત્યજીને તું શું પામ્યો?’ કૃષ્ણપ્રેમે સીટ પર પોતાની પાસે પધરાવેલી શ્રીકૃષ્ણની મૂર્તિ બતાવીને સસ્મિત કહ્યું, ‘હું આ પામ્યો. મેડમ હું સઘળું ત્યજી શ્રીકૃષ્ણ પામ્યો.’

નોંધ –  જશોદામૈયા, યોગી કૃષ્ણપ્રેમ તથા માધવ આશિષ જેવા ત્રણ ત્રણ પેઢીના કૃષ્ણભક્તોની ઊર્જાથી ભર્યા અલમોડા પાસે આવેલ મિરતોલા આશ્રમની યાત્રાનો મારો વર્ષ ૧૯૧૮ના ઉનાળાનો અનુભવ યાદગાર હતો. સમાધિ સ્થળે શીશ નમાવતાં થયેલી અનુભૂતિ રોમાંચક હતી. આવો ભવ્ય ભૂતકાળ ધરાવતો મિરતોલા આશ્રમ આજે એ દિવંગત પુણ્યાત્માઓના સંભારણાસમો બની ગયો છે.
——————-

Leave A Reply

Your email address will not be published.

Translate »