તમારા માટે, તમારી સાથે, સતત…

મીરાંબાઈ વ્રજ છોડી કૃષ્ણ-મિલન માટે દ્વારકા આવ્યાં…

'મને એમાં શંકા હોય જ નહીં. હું આજે જ - અબઘડી દ્વારકા જાઉં

0 1,086
  • પર્વ પ્રસંગ – ર. વ. દેસાઈ

ગુજરાતના સુવિખ્યાત સાહિત્યકાર રમણલાલ વસંતલાલ દેસાઈએ કૃષ્ણ દીવાની મીરાંબાઈના જીવન પર એક નવલકથા લખી છે, નામ છે – બાલાજોગણ. મીરાંબાઈના જીવનને જાણવા-સમજવા માટે એ એક ઉત્તમ કથા છે. મીરાંના વ્રજમાંથી દ્વારિકા તરફના પ્રયાણ અને દ્વારિકામાં શ્રીકૃષ્ણના દિવ્ય રૃપ સાથે પોતાના અસ્તિત્વને વિલીન કરનાર મીરાંના આ કથાનકનો આખરી અંશ – તેનો સાર એટલો જ કે ગોકુળ-મથુરા-વૃંદાવન તો વિરહ ભૂમિ છે, કૃષ્ણના સાક્ષાત્ મિલન માટે દ્વારિકાની ધન્ય ધરા જ પુણ્યશાળી છે.

ગૌર ગુમાન ત્યજ્યું મુજ અંગે,
કૃષ્ણ કૃષ્ણ બની ચાલી!

સાન ભાવ પણ કૃષ્ણ કૃષ્ણમય,
દેખે હસે સહુ આલી, ગૌરી હું બની કાળી!

ગીત પૂર્ણ થયું અને કૃષ્ણથી તેનાં અંગ અંગ ઊભરાઈ રહ્યાં હોય એવો મીરાંને આજ સુધી ન થયો હોય એવો અનુભવ થયો. કૃષ્ણમયતા આથી વધારે તીવ્ર અને વધારે ઊંડી હોય ખરી? મીરાંના મનમાં પ્રશ્ન થયો અને મીરાંએ એની સામે કોઈ અવનવા સૌંદર્યથી શોભતી યુવતી નિહાળી! છતાં એ સૌંદર્ય પણ શ્યામ હતંુ? કૃષ્ણ જાણે સ્ત્રીરૃપ ધારણ કરી આવ્યા ન હોય!

‘આ મધરાતે-કાળી રાતે અહીં આવનાર કોણ છો તમે, સુંદરી?’ મીરાંએ પૂછ્યું.

‘તારા જેવી જ કોઈ ઘેલી સ્ત્રી!’ સુંદરીએ જવાબ આપ્યો.

‘સાચી વાત.. હું ઘેલી છું જ, પરંતુ આપને હું ઘેલાં ન કહી શકું…મને પિછાનો છો?’

‘હા.. તને કોણ ન ઓળખે? વ્રજની રજરજમાંથી કૃષ્ણ ખોળી રહેલી મીરાંને?’

‘આપને હું ઓળખું છું?… આપણે કદી મળ્યાં નથી, ખરું?’

‘મારું નામ જાણીશ તો મને કદાચ ઓળખી શકીશ.’

‘આપનું શુભ નામ?’

‘મારું નામ રાધા-રાધિકા!’

‘કૃષ્ણપ્રિયા? સ્વામિનીજી? રાધિકાજી?.. આહ! મારાં ધન્ય ભાગ્ય!.. હું પ્રણામ કરું છું.. આપ હજી વ્રજમાં વસો છો એ હું કેમ ભૂલું?’

‘જ્યાં જ્યાં કૃષ્ણ ત્યાં ત્યાં હું તો ખરી જ ને? મીરાં! શું સુંદર ગીત તેં તે દિવસે ગાયું? વાહ!’

‘ક્યું?’

‘માઈ મૈંને ગોવિંદલીનો મોલ. એ ગીતમાં તેં જ્યારે ગાયું કે રાધાસંગ કિલોલ, ત્યારે હું તારી સામે પ્રગટ થતી થતી રહી ગઈ. જ્યાં જ્યાં કૃષ્ણ નામનો સાચો ઉચ્ચાર થાય છે ત્યાં ત્યાં હું અવશ્ય હાજર રહું છું. કૃષ્ણમય બની ગઈ છું. છતાં… કૃષ્ણનામનો ઉચ્ચાર મને એટલો ગમે છે કે એ સાંભળવા હું કૃષ્ણથી સહજ છૂટી પડું છું-  એટલે દ્વૈતભાવ કદી કદી મને ગમે છે!’

‘રાધિકાજી!.. અરે પણ… ક્ષમા કરજો શું આપ ખરેખર રાધિકાજી છો?’ જરા રાધા સામે જોઈ રહી મીરાંએ પૂછ્યું.

‘કેમ તને શંકા પડી.. હવે… મીરાં?’

‘રાધિકાજી તો… અત્યંત ગૌર… આપ તો શ્યામ છો!’

‘મીરાં! તારો રંગ કેવો છે?’

‘મને પણ લોકો ગોરી કહેતાં ખરા.’

‘અને અત્યારે?’

‘હું શ્યામ બની ગઈ છું… કૃષ્ણની કાળાશમાં.’

‘જે કૃષ્ણને હું યુગયુગથી મારે હૈયે રાખી રહી છું એનાથી જુદે રંગે હું ક્યાં સુધી રહી શકું?’

‘મને દર્શન દેવાની કૃપા કરી. મારાં ક્યાં ભાગ્ય ઊઘડ્યાં, સ્વામિની જી?’

‘તેં જે હમણાં ગીત ગાયું ને… એ જ ગીત મેં પણ મારા વિયોગશમનની ક્ષણે ગાયું હતું… તારું એ સંગીત સાંભળતાં સાંભળતાં હું પાર્થિવ બની ગઈ. મને મારો યુગ પ્રત્યક્ષ થતો લાગ્યો… મને થયું કે રાધાસમોવડી-મુજ સમોવડી મારાં જોડે જરા બોલી લઉં… શું તેં ગાયું? ‘ગોરી હું બની કાળી! વાહ એ જ હું.’

‘સાથે પ્રભુને લાવ્યાં છો?’

‘પ્રભુ? કોણ પ્રભુ?’

‘કેમ એમ વળી? કૃષ્ણ? મારો નટવરનાગર!… ગિરિરાજધરણ..’

‘હાં… એ નામ કહે.. પ્રભુ કરતાં પણ એ વધારે મધુરું નામ.. એ તો મારી સાથે હોય જ… એના વગર રાધા જીવી કેમ શકે?’

‘તો… ઓ કૃષ્ણનાં અર્ધાંગ! મને કૃષ્ણદર્શન કરાવો.’

‘તને થઈ ચૂક્યાં કૃષ્ણનાં દર્શન… હું કૃષ્ણનું અર્ધાંગ નહીં… હું હવે કૃષ્ણસર્વાંગ છું, મીરાં!’

‘મને દર્શન તો થયાં… થાય છે… પણ તમારી માફક મારે પણ કૃષ્ણની સર્વાંગી એકતા જોઈએ. મારા ઉપર કૃપા હોય તો..’

‘કૃપા તારા ઉપર ન હોય તો કોના ઉપર હોય?’

‘તો કૃષ્ણને હૈયામાં મૂકી રાખ્યા છે તે બહાર લાવી મને આપો ને?’

રાધાને ખડખડાટ હસવું આવ્યું. રાધા ભાગ્યે જ હસે! હસતાં હસતાં રાધાજીએ કહ્યું ઃ

‘જો મીરાં! અહીં તો ગોપીજને કૃષ્ણને હૈયામાં એવા જડી દીધા છે કે એ કદી બહાર આવી જ ન શકે.’

‘અને હું વ્રજમાં આવી કૃષ્ણને શોધી રહી છું. મને કૃષ્ણ નહીં મળે?’

‘ના, વ્રજમાં કૃષ્ણજી ગોપીઓના.’

‘હુંયે ગોપી જ છું ને? મારા હૈયામાં ગોપીભાવ ઊછળી રહ્યો છે. આપ તો રાધિકાજી!’ ગોપી જીવનનો અર્ક છો. મને તમારા સમૂહમાં લઈ લો.

‘મીરાં! વ્રજના કૃષ્ણને તો તેં પરખી લીધા. ગોપીઓને વિલપતી મૂકી ગયેલા કૃષ્ણ વ્રજમાં તો સદાય વિરહભાવમાં જ પ્રગટ થાય. ‘હે કૃષ્ણ! હે યશોદાનંદન! પ્રિયતમ! એવા પોકારમાં જ એ જીવંત રહે છે. એ વિરહરૃપ કૃષ્ણ તને પ્રત્યક્ષ છે જ… પણ.. તારે પ્રત્યક્ષ અંગસ્પર્શ જોઈતો હોય તો તું દ્વારિકા જા. વ્રજના કૃષ્ણને તો ગોપીઓ ઘોળી પી ગઈ! દ્વારિકાવાસી રહી ગોવિંદ હજી છૂટા છે. કોઈ ભાવિ ગોપી ત્યાં જઈ પહોંચે તે પહેલાં તું ત્યાં પહોંચી જા અને કૃષ્ણમય બની રહે. કૃષ્ણચંદ્ર ત્યાં તારી રાહ જોઈ રહ્યા છે.’

‘મારી? કૃષ્ણચંદ્ર રાહ જુએ છે? સ્વામિનીજી! આપ શું કહો છો?’

‘કૃષ્ણનું હૃદય હું ઓળખું છું એમ તું માનતી હો તો..’

‘મને એમાં શંકા હોય જ નહીં. હું આજે જ – અબઘડી દ્વારકા જાઉં… પ્રભુને  મારી રાહ જોતા બેસાડાય…? પ્રેમના પ્રતિનિધાન! મને આશીર્વાદ આપો!’ કહી મીરાંએ રાધાજીના પગમાં મસ્તક ધર્યું અને હસતે મુખે રાધાજીએ વરદમુદ્રાથી મીરાંને આશીર્વાદ આપ્યાં.

પાંચેક ક્ષણ મીરાં રાધાજીને નમન કરી રહી. કૃષ્ણ એને હવે મળી જ ચૂક્યા એમ નિશ્ચયી ભાનમાં મીરાં અપૂર્વ સુખ અનુભવતી નમન કરી રહી હતી.

પરંતુ એના નમનને ચુકાવતો કૃષ્ણચરણનો સાદ મીરાંએ સાંભળ્યો.

‘મૈયા!… મીરાંબાઈ! શું કરી રહી છો?’

‘રાધાજીને નમન કરી રહી છું.’

‘ક્યાં છે રાધાજી, બાઈ?’

‘આ રહ્યાં! જેમને હું નમન કરી રહી છું ને!… જો!… તમારી બધાની આંખ ઝડપથી કશું દેખી શકતી નથી!’

Related Posts
1 of 262

‘અહીં તો, મૈયા! તારો પડછાયો દેખાય છે.. રાધાજી નહીં. કૃષ્ણચરણે કહ્યું.

‘મીરાંએ સ્થિર આંખ કરી, ચારેપાસ નજર નાખી અને નિદ્રામાંથી જાગતી હોય તેમ ઊંડી દૃષ્ટિએ નિહાળ્યું. આકાશમાં ચંદ્ર ઊગ્યો હતો. અંધકારભરી રાત્રિની કાળાશ જાણે ક્યારનીયે અદૃશ્ય થઈ ગઈ હોય એમ તેને લાગ્યું. ખરેખર, મીરાં પોતાના જ શ્યામ પડછાયાને નમન કરી રહી હતી!’

નહીં! અત્યારે – આ ક્ષણે જે દેખાતું હોય તે ખરું. એણે રાધાનાં દર્શન કર્યાં, રાધા સાથે વાત કરી અને રાધાની સૂચના તથા આજ્ઞા માથે ચડાવી હતી! એ જ સત્ય! ભલે રાધાને સ્થાને અત્યારે એને પોતાનો પડછાયો દેખાતો હોય! મીરાંના કાનમાં રાધિકાજીની વાણી રમી રહી હતી. મીરાંની આંખ સામે રાધિકાજીનો દેહ તરવરી રહ્યો હતો… જાણે કૃષ્ણે સ્ત્રીરૃપ ધારણ કર્યું! એ જ રાધિકાજી! પડછાયો ખોટો; રાધાજી સાચાં!

‘ભલે!.. પણ કૃષ્ણચરણ! મારે દ્વારિકા જવું છે. વ્રજભૂમિ ઉપર તપશ્ચર્યા પૂરી થઈ.. આપણે સાગરતટ હવે સેવીએ.’ મીરાંએ જવાબ આપ્યો.

‘કેમ?’

‘દ્વારકા તો પ્રભુદ્વાર છે… પ્રભુ એ દ્વાર ઉઘાડી મારી રાહ જોતા ત્યાં બેઠા છે. પ્રભુની જ એ ઇચ્છા છે.’

‘જેવી તારી મરજી, મૈયા! શુભ દિન જોઈ આપણે નીકળીએ.’

‘શુભ દિન? અબઘડી જ આપણે નીકળીએ. આ ક્ષણ કરતાં વધારે શુભ મુહૂર્ત બીજું કયું હોય? હજી તો રાધાજીનું હાસ્ય મને સંભળાય છે!’ મીરાંએ કહ્યું.

‘અને પ્રભાત થતાં પહેલાં તો મીરાંનો ભક્તવાસ પ્રવાસી બની ગયો. સંતોની વણજાર વિશ્વમાં વહેતી જ રહે છે. વ્યાપારીઓની વણજાર ભાડૂતી રક્ષકો રાખી જતી-આવતી તેમને મળતી – દક્ષિણથી ઉત્તર અને ઉત્તરથી દક્ષિણ. સૈનિકોની વણજારો પણ જતી અને આવતી હોય જ – પૂર્વથી પશ્ચિમ અને પશ્ચિમથી પૂર્વ. એકને ધન ઉપાર્જન કરવાનું, બીજાને વિજય પ્રાપ્ત કરવાનો. એ બંનેથી અત્યંત જુદી પડતી મીરાંની સંતવણજાર કોઈનાયે રક્ષણ વગર, કોઈનીયે સ્પૃહા વગર વ્રજભૂમિમાંથી ગુજરાતને પશ્ચિમ કિનારે જવા લાગી. એને ધન જોઈતું ન હતું, એને ભૂમિવિજય કરવો ન હતો. ‘રાધેકૃષ્ણ’ની એની વીરહાક. એ વીરહાક કોઈને ભય પમાડતી નહીં. એનાં શસ્ત્રાસ્ત્રોમાં કરતાલ, ઝાંઝ, તંબૂર અને પખવાજ; એના વ્યક્તિ દીઠ બે-ત્રણ વસ્ત્રો એ તેનાં કવચ, બખ્તર; અને એના ભાથામાં ગોપીચંદન, તુલસીમાળા, ભજનનો સંગ્રહ, ગીતાનો ગુટકો અને ગિરિધરલાલની મૂર્તિ!

વિજયના ડંકા બજ્યા વગર મીરાંના સંતો વિજય મેળવ્યે જતા હતા, પડો વજડાવ્યા વગર મીરાંની આણ સઘળે ફરતી હતી. રસ્તામાં આવતાં ગામેગામે અને શહેરે શહેરે મીરાંની ભક્તિછોળો છલકાતી ચાલી અને ગામડાંની અભણ સ્ત્રીઓ કે શહેરની લટકાળી લલનાઓ મીરાંનાં પદ ગાતી મીરાં પાછળ ઘેલી બનવા લાગી. ભક્તિનો આછો દેખાવ કરનાર સ્ત્રીને પણ મીરાંબાઈના નામે ઓળખાવું ગમવા લાગ્યું.

મીરાંનો સાદો પોશાક  લલનાઓની છટા બનવા લાગ્યો. ગાવા-નાચવા ઉપરનાં બંધનો તૂટી પડવા લાગ્યાં. ઉચ્ચ અને નીચ વર્ણના ભેદ, હિન્દુ-મુસલમાનના ધર્મભેદ મીરાંને પગલે ઘસાતા ચાલ્યા. રાજવીઓ વિજય મેળવે એના કરતાં વધારે જ્વલંત મીરાંનો વિજય હતો. ચર્ચા કે શાસ્ત્રગૂંચના ઉકેલ માટે કૃષ્ણચરણ સતત તૈયાર રહેતો – જોકે મીરાંની ભક્તિને ચર્ચા કે શાસ્ત્રાર્થ માટે સમય જ રહેતો નહીં.

કદી-કદી સંતમંડળીમાં પણ ભક્તિચર્ચા ચાલતી. એકાદ સ્થળે ભક્તિ વિરોધી કોઈ વિદ્વાન સંન્યાસીએ શંકા અને આક્ષેપવૃત્તિથી પૂછ્યું પણ ખરું ઃ

‘મીરાંદેવી! ક્ષમા કરજો…. પરંતુ મારે જાણવું છે કે આપની ભક્તિમાં – એટલે કે વૈષ્ણવી ભક્તિમાં કામભાવના કેટલી?’

‘કામવાસના? પૂરેપૂરી. કામ અને કામીઓને કદી ન સમજાય એટલી એ તીવ્ર કામભાવના. એક અંગ જ નહીં; અણુએ અણુ કામના ભડકાથી પ્રજ્વળી ઊઠે.’ મીરાંએ સ્પષ્ટતાથી જવાબ આપ્યો.

‘સામાન્ય કામી અને ભક્તકામીમાં પછી ફેર શો? ભલે ભક્તની કામભાવના વધારે તીવ્ર હોય!’

‘ફેર એક જ. કામીને ઇન્દ્રિય જોઈએ, ઇન્દ્રિય-ઉપભોગ જોઈએ. ભક્તકામી ઇન્દ્રિયોને તો ઉપવાસી જ રાખે છે. એનો અણુ અણુ ઇન્દ્રિય બની જાય છે… અને બ્રહ્માંડ વ્યાપી પુરુષનો અણુએ અણુ એકતા સાધે છે. બીજો ફેર કહું? કામી વાસનાતૃપ્તિ પામે છે, જે તૃપ્તિ પછી કામીનો આખો દેહ અને આત્મા ‘બસ’ પોકારી ઊઠે છે. ભક્તિની વાસનાને તૃપ્તિ જ નથી; એ કદી ‘બસ’ ના પોકારે; એના આનંદને સીમા જ નથી.’

‘કૃષ્ણને ભેટીને કેવો આનંદ મળે?’

‘તમે વેદાંતી છો, નહીં? શંકરાચાર્યને તો તમે બરાબર હૃદયમાં ઉતાર્યા છે, નહીં?’

‘હા.’

‘તો શંકરનું પદ યાદ કરો – ‘ચિદાનંદરૃપઃ શિવોહમ્ શિવોહમ્…’ એ ચિદાનંદ આનંદ એટલે જ કૃષ્ણસ્પર્શનો આનંદ. કામનું સંપૂર્ણ શુદ્ધીકરણ એટલે જ ભક્તિ; કામનું પૂર્ણ ઉચ્ચીકરણ એટલે જ ભક્તિ.’ આમ ભજન-કીર્તનથી, પોતાનાં વ્રત ઉપવાસ અને આચારથી, જરૃર પડ્યે પોતાની વિદ્વત્તાથી પોતાના માર્ગને ઉજાળતી, જનતામાં ભક્તિભાવનાં અમી સીંચતી બાલાજોગણ મીરાં જાણે સરસ્વતી અને રાધિકાનો અવતાર હોય એમ જ્યાં જ્યાં જતી ત્યાં ત્યાં નાગરિકો અને ગ્રામવાસીઓના જીવનને ઉન્નત કરતી દ્વારિકા નગરીમાં આવી.

નગરપ્રવેશ કરતાં જ એને સમાચાર મળ્યા કે અકબરશાહે ચિત્તોેડનો ધ્વંસ કર્યો, ચિત્તોડની રજપૂતાણીઓએ ફરી એક વાર જૌહર કર્યું અને રજપૂત વીરત્વનો મહાપાઠ પઢાવતો મીરાંનો ભાઈ જયમલ રાઠોડ અકબરશાહને રાઠોડી પંજો બતાવી મૃત્યુશાયી થયો…

એ જ ભાઈ એને ઘણીયે વાર કહેતો –

‘મીરાં! હું તો યુદ્ધ ઊભું થાય ત્યારે લડું, તું તો ક્ષણે ક્ષણે શસ્ત્રસજ્જ બની યુદ્ધ કરી રહી છો.’

એ ભાઈ, બાળપણનો સાથી, સહભક્ત ગયો! ઘડી-બેઘડી મીરાંનું હૃદય ખટકી ઊઠ્યું. પતિ ભોજ ગયો અને જેવી વ્યથા મીરાંએ અનુભવી હતી તે જ વ્યથા એનો ભાઈ અને બાલમિત્ર જયમલ ગયો જાણી મીરાંએ અનુભવી.

દ્વારિકામાં પ્રવેશ કરતાં જ મીરાંના હૃદયે પુકાર કર્યો –

‘જયમલની સાથે મારા હૃદયને જોડતો છેલ્લો પાર્થિવ તંતુ તૂટી ગયો, નાથ! હવે ક્યારે સર્વાંગી મિલન આપશો?’

પ્રભુ સાથેનાં મિલન વગરનો દેહાંત એટલે મૃત્યુ; પ્રભુ સાથેના સર્વાંગી મિલનમાં દેહાંત એનું નામ મોક્ષ.

મીરાંનો દ્વારિકાપ્રવેશ એ નગરવાસીઓનો મહાઉત્સવ બની ગયો અને મીરાંનો દ્વારિકાનિવાસ પણ ગુજરાતના હૃદયને ભક્તિમાં ઝબકોળી રહ્યો. નરસિંહ સરખા ભક્તની ભૂમિ ઉપર વહી રહેલા ભક્તિવહેણમાં મીરાંએ પૂર વહાવ્યું. ગોમતીસ્નાન અને દ્વારિકાધીશનાં દર્શન એ મીરાંનો નિત્યક્રમ.’

કદી કદી એ બેટમાં જતી, કૃષ્ણ પટરાણીઓનાં દર્શને, અને ગાતી ઃ

હો… વહાણવટી, તારી હોડી હલકાર.

મારે બેટ જાવું છે…જી!

કોણ જાણે કેમ, મીરાંને દ્વારિકાધીશની મૂર્તિ સતત સ્મિતભરી અને મીરાંને આવકાર આપતી જ લાગતી. એક માસ, બે માસ, છ માસ, વર્ષ ઃ મીરાંએ એ સ્મિત અને આવકારમુદ્રા નિહાળી. એનો આત્મા ગૂંગળાઈ જવા લાગ્યો – કારણ પ્રભુનો પ્રત્યક્ષ સ્પર્શ તેને જોઈતો હતો. એનો તલસાટ હજી એનો એ જ હતો. જે એના યૌવને અનુભવ્યો હતો. એનું વય વધતું જ જાય એ સ્વાભાવિક હતું. છતાં એનું ગીત, એનું નૃત્ય અને એનું પૂજન એની એ જ તીવ્રતાપૂર્વક યોજાતાં. એક દિવસ કૃષ્ણચરણે મીરાંને પૂછ્યું ઃ

‘માઈ! દેહ કેમ સુકાય છે?’

‘વય વધે છે ને, સાધો!’

‘વય નહીં, પણ તપન વધે છે, મીરાં!’

‘એમ? કદાચ કૃષ્ણને મારો એ દેહ સૂકવવો પણ હોય…! ભાઈ!  આજ છેલ્લું ગાઈ નાચી લઉં.’

‘કેમ છેલ્લું?’

‘બસ, આ જ પછી ગીતનૃત્ય બંધ!’ મીરાંએ કહ્યું અને કૃષ્ણચરણ જરા ચમક્યો.

અને પ્રભુની સામે એ પ્રભાતે મીરાંએ એના હૈયાને પૂર્ણ રીતે મથી ગીત ગાયું, દેહને પૂર્ણ રીતે મથે એવું નૃત્ય કર્યું. આખું મંદિર જાણે કૃષ્ણમય બની ગયું હોય એવો ભાસ મીરાંની ભક્તિએ સહુને કરાવ્યો અને એકાએક એનું ગીતનૃત્ય બંધ થયું. એની આંખો પ્રભુ સામે ત્રાટક કરી રહી અને એના કંઠે પોકાર કર્યો ઃ

‘પ્રભુ! મારા કૃષ્ણ! ગિરિધરલાલ! હવે ક્યાં સુધી મીરાંને દૂર ને દૂર રાખવી છે? હવે એક ક્ષણ પણ અલગ નહીં રહેવાય!’

‘મીરાં! તને હું કદી દૂર રાખી રહ્યો નથી. આવ, ચાલી આવ! હું અને તું એક જ છીએ. વિરહની ગોપઘેલી મોજ હવે તે અનુભવી. આવ, મીરાં!’ ને મૂર્તિ જીવંત બની મીરાંને પોતાની બાથમાં શમાવવા હાથ લંબાવતી હોય એમ મીરાંને લાગ્યું.

‘હું ચાલી આવું છું, નાથ! અંતે મને સ્વરૃપમાં ભેળવી ખરી! આહ!’ કહી મીરાં દોડી મૂર્તિને ભેટી પડી!

મીરાં અદ્રશ્ય થઈ ગઈ! જ્યોતમાં જ્યોત ભળી ગઈ!

સહુ કોઈએ ચમકાર દીઠો- નવનવો પ્રકાશ. પ્રભુની મૂર્તિ પણ અવનવા સંતોષનું સ્મિત ધારણ કરી રહી! મીરાં પ્રભુમાં સમાઈ ગઈ.

છતાં… મીરાંએ ઓઢેલી સાડીનો એક છેડો દ્વારકાધીશની મૂર્તિના એક ભાગ સરખો લટકતો લહેરાતો દેખાતો હતો શું?

કે મીરાંનો આત્મવિહોણો દેહ મૂર્તિને વળગી રહ્યો હતો! દેહ પણ આત્માનો વસ્ત્ર ટુકડો જ છે ને? આત્માને ટીંગાયેલું – આત્માને વળગેલું પરિધાન!

સ્વર્ગીય પુષ્પપરિમલથી આખું મંદિર જ નહીં, સમગ્ર દ્વારિકાનગરી વ્યાપ્ન બની ગયું.

માત્ર દુદાજીએ મીરાં પાસે નિયત કરેલા વીર તેજલ અને વીજલની વૃદ્ધ આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યાં. મીરાં ન હતી. એની રક્ષા માટે એના દાદાએ મૂકેલા રક્ષકોનું રક્ષણ કશું જ કામ ન લાગ્યું. પ્રભુએ મીરાંને ઉઠાવી લીધી. સ્વહસ્તે! યમ પણ નહીં. પાર્ષદ પણ નહીં!

શૂન્ય બની ગયેલા કૃષ્ણાચરણે શૂન્યતામાંથી જાગતા તંબૂર રણકાવી ગાયું. મીરાંએ રચેલું છેલ્લું ગીત –

મારો હંસલો નાનો ને દેવળ જૂનું રે થયું!
જૂનું રે થયું ને દેવળ પડી તો ગયું… મારો…

તારે ને મારે હંસા, પ્રીત બંધાણી રે,
રડી ગયો હંસ, પિંજર પડી તો રહ્યું… મારો…

મીરાંનો દેહ શું અદૃશ્ય થયો? મીરાંનો આત્મા શું પ્રભુમાં ભળી ગયો? તોય મીરાંનો કંઠ અને મીરાંનું હૃદય આખા ભારતને વારસામાં મળ્યું. સંતોષના સજીવ વારસા વગર પ્રજા શા ઉપર જીવે? બાલાજોગણ – બાલવિજોગણ અંતે પ્રભુમય બની ગઈ. શોધતી હતી એ સૌંદર્યતત્ત્વ એ પામી; છતાં હજી ઘેર ઘેર એનો પડછાયો પડે છે. ઘેર ઘેર એના કંઠનો પડઘો સંભળાય છે અને એના નૃત્યનો ઝણકાર ઘેર ઘેર ગુંજે છે.
—————————

Leave A Reply

Your email address will not be published.

Translate »