તમારા માટે, તમારી સાથે, સતત…

ભાઈ-બહેનનો પ્રેમ લોહીની સગાઈનો મોહતાજ નથી

રાખડી એ માત્ર બાંધવા ખાતરનું બંધન નથી

0 592

હેતલ રાવ

ઇસે સમજો ના રેશમ કા તાર ભૈયા, મેરી રાખી કા મતલબ હૈ પ્યાર ભૈયા. રક્ષાબંધન આવે એટલે બહેન ભાઈના ઘરે રાખડી બાંધવા જાય અને જે બહેનો જઈ ન શકે તે રાખડી મોકલી આપે. લોહીની સગાઈથી બંધાયેલાં ભાઈ-બહેન તો આ તહેવાર ઊજવતાં જ હોય છે, પરંતુ રાખડીનું બંધન એવું છે કે એ એકવાર બંધાયા પછી ક્યારેય તૂટતંુ નથી. વડોદરાના ૬૨ વર્ષનાં ભાઈ-બહેન વચ્ચે પણ કોઈ સગાઈ, સંબંધ વગરનું માત્ર રાખડીનું પ્રેમનું અને એકબીજા પ્રત્યે વિશ્વાસનું બંધન આજે પણ અકબંધ છે.

‘જા અશ્વિનિયા, મારે તારી સાથે નથી બોલવું, તું કાયમ મારી ચોટલી ખેંચે છે. હવે તો હું ટીચરને જ કહી દઉં છું.’ કરુણા તું આવું કાયમ કહે છે, પણ કદી કહેતી નથી કેમ..? કેમ શું ગાંડા, હું તને પ્રેમ કરું છું, તંુ મારો લાડકો ભાઈ છે માટે!  આ આખી વાત પ્રથમ ધોરણમાં અભ્યાસ કરતા સ્કૂલમેટની છે. એટલે કે શાળાના મિત્રોની. હા પણ વાત છે વર્ષો પહેલાંની. આજે તો કરુણા જેને અશ્વિનિયો કહેતી હતી તે અશ્વિન કાકાની ઉંમર ૬૨ વર્ષની છે અને કરુણાબહેન પણ એટલી જ ઉંમરનાં.

આજકાલ નહીં, પણ તહેવારો ઊજવવાનો સિલસિલો તો શાળામાં વર્ષોથી ચાલ્યો આવ્યો છે. તેમાં પણ ધાર્મિક તહેવારો તો ખાસ ઊજવાતા. અશ્વિનભાઈ શાહ અને કરુણાબહેન મણિયાર બંને બાલમંદિરથી જોડે ભણતાં. જ્યારે પણ રક્ષાબંધન આવે ત્યારે કરુણાબહેન કહે કે હું તો અશ્વિનને જ રાખડી બાંધીશ અને અશ્વિનભાઈ કહે, હું પણ કરુણા જોડે જ રાખડી બંધાવીશ. કરુણાબહેનને તો પોતાના કહેવાય તેવા સગા બે ભાઈ હતા, પણ અશ્વિનભાઈ બહેનના પ્રેમથી વંચિત હતા. સમય વીતતો ગયો અને બાળપણનાં આ ભાઈ-બહેનનો પ્રેમ યુવાન બન્યો. ભાઈ-બહેનની સાથે બંને ખાસ મિત્રો પણ ખરાં. એકબીજાને પૂછ્યા વિના તો પાણી પણ ન પીવે, પણ કૉલેજમાં આ જોડી છૂટી પડી. કરુણાબહેન ધોરણ ૧૨ પછી કોમ્પ્યુટરમાં જોડાયાં અને અશ્વિનભાઈ કૉલેજમાં. અભ્યાસ અલગ જરૃર થયો, પણ બંને ભાઈ- બહેનનો પ્રેમ તો એવો ને એવો જ હતો. રવિવારે એકબીજાના ઘરે જવું, સાથે ફરવંુ, બહારગામ જવંુ, મસ્તી, મજા બધંુ એવું ને એવું જ રહ્યંુ. ક્યારેક તો પરિવાર કહે પણ ખરા કે, મોટા થયાં પણ બાળપણ નથી જતંુ. ત્યારે અશ્વિનભાઈ કહે કે હવે અહીંથી કાઢો તો કંઈક મોટા થવાય અને ફરી પાછંુ ભાઈ- બહેનની એ દોડપકડ શરૃ થઈ જતી.

Related Posts
1 of 142

આ વિશે વાત કરતાં અશ્વિનભાઈ કહે છે, ‘અમને બરોબર બોલતાં પણ નહોતંુ આવડતું ત્યારથી એકબીજાની સાથે છીએ. કરુણાને હું હંમેશાં કરુ કહેતો અને તેણે પણ ક્યારેય મને અશ્વિન નથી કહ્યું. હંમેશાં અશ્વિનિયો જ કહેતી. આ હક માત્ર તેને હતો. શરૃઆતમાં તો એવું લાગ્યું કે સમય વિતશે તેમ આ રાખડી બાંધવાનો સિલસિલો પણ બંધ થઈ જશે, પણ કરુએ એ પરંપરા આજે પણ સાચવી રાખી છે. બે ભાઈઓની એકની એક લાડકી બહેન છે, પણ રાખડી તો પહેલાં મને જ બાંધે. આજે તો કરુનાં લગ્ન પણ થઈ ગયાં. દાદી, નાની બની ગઈ છતાં રક્ષાબંધનના દિવસે ગમે ત્યાંથી મારે ત્યાં પહોંચી જાય. એક રક્ષાબંધન એવી પણ હતી જ્યારે હું અમેરિકા હતો ત્યારે તો લાગ્યું કે હવે તો કરુ આવી નહીં શકે. હા, તે રાખડી જરૃર મોકલાવશે, પણ કરુએ આવીને મને સરપ્રાઇઝ આપી. ચાર-પાંચ વર્ષથી લઈને આજે બાસઠ વર્ષની ઉંમર થઈ, પણ મારી બહેને એક પણ રક્ષાબંધન મિસ નથી કરી. કદાચ લોહીની સગાઈ હોતને તો પણ આવી બહેન મળવી મુશ્કેલ હતી.’

રાખડી એ માત્ર બાંધવા ખાતરનું બંધન નથી, તેમ કહેતાં કરુણાબહેન કહે છે, ‘એકવાર રાખડી બાંધી પછી જીવનના છેલ્લા શ્વાસ સુધી એ બંધનમાંથી છૂટી શકાતું નથી, પણ આજની જનરેશન એ વાત બરોબર સમજી નથી શકતી. અશ્વિનિયાને જ્યારે મેં પ્રથમવાર રાખડી બાંધી ત્યારે તેણે મને પેન્સિલ આપી હતી. ઘરે જઈને મેં મારા ભાઈઓ અને મમ્મી-પપ્પાને બતાવી. ભાઈએ મજાકમાં જ કહ્યું કે પહેલીવાર આપેલી વસ્તુ સાચવી રાખવી પડે. આજે પણ તે પેન્સિલ મારી પાસે એવી ને એવી જ છોલ્યા વગરની છે. જીવનની એટલી બધી ક્ષણો અશ્વિનિયા સાથે જીવી છું કે તેની યાદો પણ પાંપણ ભીંજવી નાંખે છે. અમારા બંનેનો પરિવાર પણ ઘણો નજીક હતો. ઘણા લોકો તો મને અને અશ્વિનિયાને જોઈને કહે કે આ ભાઈ-બહેનનો પ્રેમ બહુ નહીં ચાલે. કરુણા આમ જ વિદાય થશે. અશ્વિનનાં લગ્ન થશે અને આ પ્રેમની પણ પૂર્ણાહુતિ. ત્યારે મેં મારી જાતને વચન આપ્યું હતું કે, કશંુ પણ થાય, અમારા ભાઈ-બહેનના પ્રેમમાં ક્યારેય કોઈ નહીં આવે. મારા લગ્ન સમયે અશ્વિને પણ મારા બંને ભાઈ જેટલી જ મહેનત કરી અને રડ્યો પણ સૌથી વધારે. જ્યારે મારી દીકરી નાઇશાનાં લગ્ન હતાં ત્યારે ત્રણે ભાઈ સરખંુ મામેરંુ લાવ્યા હતા. અશ્વિનનાં પત્ની એટલે કે મારા માયાભાભી માટે હું જ નણંદ અને મારા પતિ હસમુખના ત્રણ સાળાઓ છે. બાળપણનો રાખી સંબંધ આજે પણ અકબંધ છે અને ભગવાન કરે, જીવનના છેલ્લા શ્વાસ સુધી એવો જ રહે.’

આજે તો મોટા ભાગની શાળાઓમાં દરેક તહેવારની ઉજવણી થતી હોય છે. રક્ષાબંધન પણ ઊજવવામાં આવે છે. સારા મિત્રો એકબીજાને રાખડી બાંધે છે, શિક્ષકો છોકરાઓ પાસે ગિફ્ટ મંગાવે છે અને છોકરીઓ રાખડી લાવે છે. તહેવાર ઊજવ્યા પછી તેના ફોટા સોશિયલ સાઇટ પર મૂકવામાં આવે છે અને ધીમે-ધીમે શાળાઓ બદલાતા અથવા મોટા થતા આ રાખી શાળાઓ સુધી સીમિત બની રહે છે. તેવા સમયે અશ્વિનભાઈ અને કરુણાબહેનના પ્રેમ માટે સહજતાથી માન થઈ આવે. કરુણાબહેન અને અશ્વિનભાઈએ આજદિન સુધી કોઈ પણ પ્રકારના દેખાડા વગર આ સબંધ નિભાવ્યો છે. કરુણાબહેનને ત્રણ ભાઈઓ છે તો અશ્વિનભાઈના એક જ બહેન છે, પણ સો બરાબર છે.

આવો આપણે પણ એક નવી શરૃઆત કરીએ. સદીઓથી ચાલી આવતી આ રક્ષાબંધનની પરંપરાને આપણે પણ ગરિમા પૂર્વક અપનાવીએ. રક્ષાબંધન તે માત્ર રાખડી બાંધવાનો નહીં, પણ એકબીજા પ્રત્યે ફરજ નિભાવવાનો પણ તહેવાર છે.
——————

Leave A Reply

Your email address will not be published.

Translate »