તમારા માટે, તમારી સાથે, સતત…

કવિ અને કવિતાની સર્જન પ્રક્રિયા

'દૂધ મેં દરાર પડ ગઈ' એ 'ઑપરેશન બ્લૂ સ્ટાર' વેળાના રક્તરંજિત પંજાબનું ચિત્ર છે

0 617

કવર સ્ટોરી – વિષ્ણુ પંડ્યા

સુશ્રી ગાયત્રી જોશીને થયું કે આ કાવ્યયાત્રા પર એક ઉત્તમ ફિલ્મ બનવી જોઈએ, પણ કામ મુશ્કેલ હતું. રાજકીય રીતે વ્યસ્તતાના દિવસોમાં વાજપેયી, તેમની કવિતાના સંદર્ભે લાંબા સમય સુધી મળે કઈ રીતે? અટલજીનો મારા પ્રત્યેનો નિર્વ્યાજ સ્નેહ કામ લાગ્યો. ગાંધીનગરમાં જ વાત થઈ હતી, તેમણે સંકોચ સાથે હા પાડી અને પછી નવી દિલ્હીમાં મુલાકાત-બેઠકો માટે તૈયાર પણ થયા. ‘મેરી અનુભૂતિ’ એ રીતે એક યાદગાર ફિલ્મ બની છે. અમદાવાદના કાવ્ય-પ્રેમી દર્શકોએ તેના બે પ્રિ-વ્યૂ શૉ માણ્યા, તેમાંના એકમાં અટલજી સ્વયં ઉપસ્થિત હતા. ફિલ્મ નિર્માણમાં આ વિષયવસ્તુ વિશે મેં પ્રાસ્તાવિક આપ્યું હતું, પછી અટલજી પણ બોલ્યા. એ પછી તો આ ચિત્રને બી.વી. કારંથ જેવાનો સંગીતસ્પર્શ મળ્યો. આ ફિલ્મ માટે લેવાયેલી મુલાકાતોમાંની એક દીર્ઘ પણ આ સાવ અવિધિસરની, સહજ અને સ્વાભાવિક મુલાકાતના મારા પ્રશ્નો, તેમનો પ્રતિસાદ- મારી એક રચના છે ઃ ‘દૂર કહીં કોઈ રોતા હૈ!’ આંતરિક કટોકટીમાં જડબેસલાક નજરકેદ વચ્ચે એ લખાઈ હતી. બીમારીને લીધે મને દિલ્હીની ઑલ ઇન્ડિયા મેડિકલ ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ કરવો પડ્યો હતો. સૌથી ઉપરના માળે એક કમરામાં મને રાખવામાં આવ્યો, ચોતરફ પોલીસ અને પોલીસ ગુપ્તચરોનો પાક્કો પહેરો. મુલાકાતની સદંતર મનાઈ… સાવ એકલી, રુગ્ણાવસ્થા. સવારના ચાર-સાડાચાર થાય અને ખળભળતા રડવાનો અવાજ સંભળાય. મારા કમરાની બરાબર નીચે પછીના માળે, મરી ગયેલા દરદીઓની લાશોને રાખવામાં આવતી હતી. દરદીના સ્વજનો આવે, હૈયાફાટ રુદન કરે. ત્યારે લખાઈ આ કવિતા ઃ તન પર પહેરો હતો, પણ મનને તેઓ કઈ રીતે બાંધવાના હતા? લખ્યું છે મેં, તેની એક પંક્તિમાં, (પઠન)

અંતર રોયે, આંખ ન રોયે
ધુલ જાયેંગે, સ્વપ્ન સંજોયે
છલના ભરે વિશ્વ મેં
કેવલ સપના હી તો સચ હોતા હૈ!

તમારી એક બહુચર્ચિત કવિતા છે, ‘મૌત સે ઠન ગઈ!’ પહેલાં તે ‘ધર્મયુગ’માં અને પછી ‘નવભારત ટાઇમ્સ’માં છપાઈ કે તુરત મિત્રો-સમર્થકોમાં તનાવ પેદા થઈ ગયો હતો. એવું તે શું બન્યું હતું, અમેરિકામાં કે અટલજીએ મૃત્યુમોહની કવિતા લખી? આવો પ્રશ્ન ઘણાને થયો. જોકે આ કવિતામાં મોતથી વેંત એક છેટાની ખળભળાવતી અનુભૂતિ છે. તો નિર્ભીક આહ્વાન પણ છે… આ રચના કઈ મનઃસ્થિતિમાં લખાયેલી?

– એ અંધારી રાત આજેય ભુલાતી નથી. સાત સમંદર પાર, મિત્રો સ્વજનોથી દૂર અમેરિકામાં હૉસ્પિટલના એક કમરામાં પડ્યા પડ્યા, બીજા દિવસની સવારે ઑપરેશન થવાનું હતું, તે વિશે વિચારી રહ્યો હતો.

તેમાં પચાસ-પચાસ ટકા સંભાવનાઓ હતી, જીવી પણ જવાય યા આંખો મીંચાઈ જાય! હું હતો નિતાન્ત એકલો! કોઈને મારી મનઃસ્થિતિનો અંદાજ નહોતો. રાત આખી સૂઈ શકાયું નહીં. વિચારતો રહ્યો કે હજુ તો ઘણાં કામ બાકી છે અને આમ અચાનક મોત? મનુષ્ય જન્માંતરનાં વસ્ત્રો જીર્ણ થતાં બદલે એવું આ દેહનું છે, એ સાચું, પણ એ વૃદ્ધાવસ્થા આવી હોય ત્યારે મૃત્યુ આવે- સમજી શકાય. તેને બદલે આમ, વચ્ચે જ અકાળ મૃત્યુ?

મેં અનુભવ્યું કે મોતની એ આ અનધિકાર ચેષ્ટા છે. એવું નહોતું કે તેનો ભય હતો, મોતની તો બે જ ક્ષણ હોય, જિંદગીથી તે મોટું શી રીતે થઈ શકે? એટલે મેં ગાયું, એક પડકારના રૃપમાં, આહ્વાન તરીકે-

દરેક સર્જકતામાં ક્યાંક છુપાયેલું હોય છે બચપણ! ‘બચપન યાદ બહુ આતા હૈ’ એ પંક્તિ ભાવ-પીડાની મનોસ્મૃતિ (નોસ્તાલ્જિયા)થી પ્રેરિત લાગે છે…

– બચપણ વિશે લખ્યું નથી, પણ જેમ જેમ વય ઢળતી જાય છે, વ્યક્તિનું મન બચપણ તરફ દોરાય છે. પુરાણી સ્મૃતિઓ મનના આંગણે આકાર લે છે… કેટલીક સંજોવાયેલી રહે છે. કેટલીક અણમોલ ઘડી કવિતારૃપે આવે છે. (પઠન)

બાબા કી બૈઠક મેં બિછી
ચટાઈ, બાહર રખે ખડાઉં

મિલને વાલે કે મન મેં
અસમંજસ, જાઉં યા ના જાઉં ?

માથે તિલક, નાક પર એનક, પોથી ખૂલી, સ્વયં સે બોલે !

અને વળી –

યમુના તટ, ટીલે રેતીલે
ઘાસ-ફૂસ કા ઘર ડાંડે પર,

ગોબર સે લિયે આંગન મેં
તુલસી કા બિરવા, ઘંટી સ્વર

મા કે મુંહ સે રામાયણ કે દૌહે-ચૌપાઈ રસ ઘૌલે !
આઓ, મન કી ગાંઠે ખોલેં !

ક્યારે લખો છો તમે કવિતા ? આટલા ભીડભાડથી વ્યસ્ત સમયમાં ફુરસદ મળે ? કોઈ સ્થાન વિશેષ કે વાતાવરણ પણ જોઈએ ?

– કવિતા માટે મારે એકાંત જોઈતું હોય છે.

Related Posts
1 of 262

ભીડભાડમાં કવિતા લખાતી નથી, કો’ક વાર પ્રેરણા જરૃર મળી જાય ! પણ લિપિબદ્ધ કરવા તો સા-વ એકલા જ બેસવું પડે. મારી કવિતા ઘણીવાર સાદ્યન્ત લખાતી નથી, ટુકડે ટુકડે લખાય છે. લખું છું, હાથમાં મળ્યા તે કાગળમાં લખી નાખું છું, પણ તેમાં સમય મળ્યે સુધારા-વધારા કરું. હું કાંઈ સુવ્યવસ્થિત કવિ નથી. ઘણીવાર લખાયેલું ખોવાઈ જાય છે. પંક્તિઓ મનમાં સ્થાયી રહેતી નથી, ભૂલી જવાય છે.

મને એકાંત પ્રિય છે. સમુદ્રનો કિનારો, અરણ્ય, પહાડ કે પછી નિજનિવાસનો નાનકડો કમરો. રાત પડ્યે સૌ નિદ્રિત હોય ત્યારે અને પ્રાતઃકાળે કોઈ જાગે તે પહેલાં મનોઆકાશમાં ઉમડતા કવિતાના વાદળને શબ્દદેહ આપવાનો પ્રયાસ કરું છું.

કેટલીક કવિતાઓ સાંપ્રત રાજનીતિના સંકેત પૂરા પાડે છે… એ કેવી રીતે પરિસ્થિતિ હતી ?

– હા, ‘દૂધ મેં દરાર પડ ગઈ’ એ ‘ઑપરેશન બ્લૂ સ્ટાર’ વેળાના રક્તરંજિત પંજાબનું ચિત્ર છે. ‘રાહ કૌન સી જાઉં મૈ !’ પ્રશ્નાર્થ તો ઘણી વાર ઊઠ્યો છે ઃ જનતા પાર્ટી તૂટી ત્યારથી અયોધ્યાની ઘટના સુધીમાં. ‘કૌરવ કૌન, કૌન પાંડવ !’ રાજકારણમાં સર્વને સ્પર્શે છે. ‘ક્ષમાયાચના’ જનતા પક્ષના સ્વપ્નભંગ પછીની પ્રતિક્રિયા છે, પણ એક વાત કહું, વિષ્ણુભાઈ, લખ્યા વિના રહી શકાતું નથી. ભાગદોડ તો ઘણી છે, પણ લખું ત્યારે પૂર્ણપણે લખું છું. ઈમાનદારીપૂર્વક. ‘સાક્ષી ગોપાળ’ રાખીને !

હજુ તો મારે બે પ્રશ્નો કવિતા સંદર્ભે જાણવાના બાકી છે. બે કાવ્યો વિશેષ સ્થાન અને ઇતિહાસની સાથે જોડાઈ ગયેલાં છે. એક ‘અંતદ્વંદ્વ’ – લેનિનની સમાધિસ્થાને અનુભવેલી સંવેદના અને બીજું ‘હિરોશિમા’ પરનું કાવ્ય. કેવો અહેસાસ હતો, ત્યારનો, અટલજી ?

– વિદેશપ્રધાન હતો ત્યારે રશિયાની યાત્રાએ ગયો હતો. ‘ગ્લાસનોસ્ત’ અને ‘પેરિસ્ટ્રોઇકા’ની ગોર્બાચેવ-આંધી આવવાને હજુ વાર હતી. સોવિયેત રશિયામાં એ એક મહાન નેતા હતા. મેં જોયું કે કાચની પેટીમાં તેમનો મૃતદેહ જળવાયો છે. મને પ્રશ્ન થયો કે અનઅસ્તિત્વવાદી વિચારધારામાં આ રીતે લેનિનું શબ શાને રખાયું હશે ? જન્મ-મૃત્યુ પછી કોઈ અસ્તિત્વ ન હોય તો આમ મૃતદેહ શાને જાળવવો જોઈએ ?

અને, રચાયું તે ‘અંતદ્વંદ્વ’ કાવ્ય ! તેમાં મેં પ્રશ્નો પૂછ્યા છે, પ્રત્યુત્તર નથી !

હિરોશિમાની ઘણા સમયથી મન પર ઘેરી અસર હતી. તેની ફિલ્મો પણ જોયેલી. મોકો મળ્યો ને હિરોશિમા જોયું. તેની વિરાટ સ્મશાનભૂમિ પર ઊભો હતો ત્યારે નજર સમક્ષ ૧૯૪૬ના એટમ બોમ્બથી ખલાસ થયેલા અગણિત લોકોનું ક્રંદન હતું. કંઈ કેટલા મરાયા, અપાહિજ બન્યા, અગણિત રોગનો કોળિયો બન્યા. અમેરિકાએ પોતાનો રુઆબ જમાવવા આમ શાને કર્યું હતું એ આજેય સમજાતું નથી. વિજ્ઞાનીઓને તેનાથી પસ્તાવો થયો હશે ? કોણ જાણે, પણ વિજ્ઞાન અને અધ્યાત્મ એકબીજાંની સાથે જોડાય નહીં તો વિજ્ઞાન વિનાશનું જ નિમિત્ત બનીને રહેશે.

અન્ય કવિતાઓથી સા-વ અલગ પડી જાય છે ઃ ‘બબલી કી દિવાલી !’ પરિવારની સાથે હળીભળી ગયેલાં બે પ્રાણીની શરારત અને સ્નેહનો સરસ પરિચય તેમાં છે. આ કવિતાથી બાળ-કાવ્યના કવિ અટલજીનો અંદાજ મળે છે…

– તમે છેવટે, આ રચના પકડી જ પાડી ! વાત સાચી છે કે મેં તેમાં અલગ તરાહ લીધી છે. આવી કવિતા પણ લખી શકું એમ છું ! (વચ્ચે કહેવાઈ ગયું ઃ ‘જરૃર લખજો !’)

આની ભૂમિકા કહું. મારું બચપણ એવા પૂજાનિષ્ઠ પરિવારમાં વીત્યું કે ત્યાં કોઈ શ્વાન પસંદ કરે નહીં. મોટા થતાં લાગ્યું કે આ તો વહાલ કરી શકાય એવું પ્રાણી છે !

ઘરમાં કૂતરાં પાળવામાં આવ્યા ને જોતજોતાંમાં એ પરિવારમય બની ગયાં! એક શ્વાનની એવી સમજદારી કે હું બહાર જવા માટે પ્રવાસની તૈયારી કરું તો એક ખૂણામાં બેસી જાય. ઉદાસ થઈ જાય. મુશ્કેલીથી છોડે. પ્રવાસેથી પાછો ફરું અને મોટરમાંથી ઊતરું તે પહેલાં તો તેના કાન સરવા થઈ જાય, ધસી આવીને વળગી પડે !

એક વાર અમારો શ્વાન બીમાર પડ્યો હતો. મારે પ્રવાસમાં નીકળવાનું થયું. થપથપાવીને તેની વિદાય લીધી. એની બીમારી વધતી ચાલી, પણ મારા આવ્યા સુધી તેણે શ્વાસ ન છોડ્યો. દરવાજે રાહ જોયા કરે…

પ્રવાસમાંથી હું પાછો ફર્યો (અટલજીની આંખોમાં આંસુ છે) દરવાજા પર આવીને તે વળગી પડ્યો અને… (ધસમસતું રુદન અટલજી રોકી શકતા નથી. રુદનભર્યા સ્વરોમાં ભાંગ્યાતૂટ્યા અવાજે કહે છે) તેણે આંખો મીંચી લીધી! એ આંખો હું ક્યારેય ભૂલી શકીશ નહીં.

(ચપરાસી આવીને પાણી આપી જાય છે. વાતાવરણ ભીનું છે. ઃ જનભીડને પોતાની તેજસ્વી બાનીથી હલબલાવતા આ રાજનીતિજ્ઞનું ભીતર કેટલું ઋજુ છે… એ મનુષ્ય તો ઠીક, પ્રાણીને પણ સંવેદનાથી ભીંજવે છે !)

આ ‘બબલી કી દિવાલી’માં પણ એવું બન્યંુ. દિવાળીના દિવસોમાં અમારી બબલીબાઈ રસ્તા પર ક્યાંક નીકળી પડ્યાં હશે, ખોવાઈ ગયાં. નેહાજી કહે છે કે બબલીને લઈ આવો. લોલી ખાતો-પીતો નથી. બબલીની રાહ જુએ છે. અમે અખબારોમાં જાહેરાત છપાવી. એક સજ્જનનો ફોન આવ્યો કે તેમના એક મિત્રના ઘેર એક નાનકડું કૂતરું આવ્યું છે. કદાચ, તમારું હોઈ શકે છે. અમે તેમનો ફોન નંબર મેળવ્યો. ફોન કરીને પૂછપરછ કરી. તેમણે આનાકાની તો કરી, પણ જોવા માંગતા હતા અમે. ગાડીમાં ગયા, દરવાજો ખૂલતાવેંત બબલીબાઈ વળગી પડ્યાં!

અટલજી, કોઈએ તેમને ‘અરધા કવિ’ અને ‘અરધા રાજકારણી’ કહ્યા. એક બીજો અભિપ્રાય એવોયે છે કે તમે ‘સંપૂર્ણ કવિ’ અને ‘સંપૂર્ણ રાજનેતા’ છો… કોઈ પ્રતિક્રિયા તમારી ?

– અરે ભાઈ, એની તો મને ખબર નથી. પણ હા, હું ‘સંપૂર્ણ મનુષ્ય’ બનવાની કોશિશ જરૃર કરી રહ્યો છું !

(સૌજન્ય નવભારત પ્રકાશનના પુસ્તક ‘કવિ અને કવિતા’)
——————–

Leave A Reply

Your email address will not be published.

Translate »