ભાષા કૃત્રિમ નહીં, કુદરતી ખાતર માંગે
સાહિત્ય એવું લખવાની કળા છે જે બે વાર વંચાય, પત્રકારત્વ પ્રથમ પ્રયત્ને સમજાઈ જાય.
ચર્નિંગ ઘાટ – ગૌરાંગ અમીન
રે માંદી પડી, રે મરી જશે મારી ગુજરાતી ભાષા
ખોટા સર્જન સાથે ખોટા શ્રદ્ધા, વિશ્વાસ ‘નેે આશા
આર્ટ શૂડ ડિસ્ટર્બ ધ કમ્ફર્ટેબલ એન્ડ કમ્ફર્ટ ધ ડિસ્ટર્બડ. જુડિથ કાર્લિન નામની કલાકારાએ ફિલાડેલ્ફીઆના કોઈ બાથરૃમ સ્ટોલની દીવાલ પર ચીતરેલું આ વાક્ય વાંચ્યું. તો એક વિદ્યાર્થીએ એસાઇનમેન્ટ સબમિટ કરતાં પહેલાં મિત્રો સાથે ચેટ કરી ‘નેે જાણ્યું કે સાચું ક્વોટ ‘આર્ટ શૂડ કમ્ફર્ટ ધ ડિસ્ટર્બડ એન્ડ ડિસ્ટર્બ ધ કમ્ફર્ટેબલ’ છે. અંગ્રેજીમાં આ વાક્ય સર્ચ એન્જિનમાં નાખશો તો હજારો ઇમેજ મળી આવશે. કળા ક્ષુબ્ધ હોય તેને સ્વસ્થ ‘નેે ક્ષેમકુશળ હોય તેને ચલિત કરવી જોઈએ. પેલા વિદ્યાર્થીને એક મિત્રએ કીધું આ સિઝાર એ. ક્રુઝ નામક મેક્સિકન પોએટ ‘ને માનવ અધિકારના લડવૈયાએ કીધું છે. ૧૯૯૭માં. ત્રીજો મિત્ર વચ્ચે પડ્યો ‘ને કીધું આ બેન્ક્સીએ કીધેલું. ચોથો ચાંપલો થયો કે આ કોણે લખ્યું એનો રેફરન્સ આપવાની જરૃર નથી. કેટલાય પત્રકારો લખે છે કે ધ જોબ ઓફ ન્યૂઝપેપર ઇઝ ટુ કમ્ફર્ટ ધ એફ્લિક્ટેડ એન્ડ એફ્લિક્ટ ધ કમ્ફર્ટેબલ. એફ્લિક્ટેડ એટલે પીડિત, ઉદ્વિગ્ન, આર્ત, વ્યથિત. ખેર, સંશોધન કરતાં જાણવા મળ્યું કે આ વિચાર યા વાતના મૂળ ફિન્લે પિટર ડ્યુનના લેખનમાં છે. અંદરનો સંદર્ભ થોડો અલગ ‘નેે દેખાવમાં શબ્દ અલગ. ‘ન્યૂઝપેપર્સ ડઝ એવરિથિંગ ફોર અસ…કમ્ફર્ટ્સ ધ એફ્લિક્ટેડ એન્ડ એફ્લિક્ટ્સ ધ કમ્ફર્ટેબલ…’ આવું ફિન્લેએ ૧૯૦૨માં પોતાના પુસ્તક ‘ઓબ્ઝર્વેશન્સ બાય મિસ્ટર ડૂલે’માં લખેલું.
ડ્યુન ૧૯૩૬માં નીકળી ગયેલા અને એમની આ વાત પડઘાતી રહી. કલેર લ્યુસે મિસેઝ રૃઝવેલ્ટને અંજલિ આપતા કહ્યું હતું- કદી કોઈ સ્ત્રીએ આમની જેમ દુઃખિતને રાહત ‘નેે સુખમાં હોય તેને પીડા નથી આપી. અલગ અલગ ભાષામાં અલગ અલગ સમયે અલગ અલગ સેક્શનના નેતાઓ આ જ વાત અલગ અલગ રીતે રજૂ કરતા હોય છે. મેરી જોન્સ નામક સામાજિક કાર્યકર્તા બોલેલા- દુઃખીને સુખ ‘ને સુખીને દુઃખ આપવું એ મારો ધંધો છે. ૧૯૬૦માં જીન કેલિ ‘ઇનહેરિટ ધ વિન્ડ’ મૂવીમાં ડાયલોગ મારે છે- મિ.બ્રેડી, ઇટ ઇઝ ધ ડ્યૂટી ઓફ ન્યૂઝપેપર… તો જાહેરમાં પોલિટિકલ એક્ટિવિસ્ટ લેરી હર્લેસ ઉવાચેડ- કમ્ફર્ટ ધ એફ્લિક્ટેડ એન્ડ એફ્લિક્ટ ધ કમ્ફર્ટેબલ. ટુ એફ્લિક્ટ ધ કમ્ફર્ટેબલ એક બુકનું ટાઇટલ છે. આમાં કંઈ ખાસ નવો મુદ્દો નથી. અમેરિકન કવિ ક્લિફ્ટને મારી કવિતાનો હેતુ આવો છે એમ કહેલું. બેશક, કળા ‘ને પત્રકારિતા ભિન્ન મામલો છે. લાન્સ રીડિકે કીધું એમ- કળા એ કળા છે, પત્રકારિતા એ પત્રકારિતા છે.
અલબત્ત, સાહિત્ય એ કળા છે. કોનલિ નામક અંગ્રેજી સાહિત્યકાર એવં વિવેચકે કહેલું-સાહિત્ય એવું લખવાની કળા છે જે બે વાર વંચાય, પત્રકારત્વ પ્રથમ પ્રયત્ને સમજાઈ જાય. ઉપ્સ! આપણે ત્યાં તો ચિંતન-મનન વિનાની વાતચીતમાં જે પહેલી વાર વંચાય ‘ને ગોખાઈ જાય તે જોલ્દાલ સાહિત્ય બોલાય-સંભળાય છે. ખરું ડિસ્ટર્બ વા અનકન્ફર્ટ તો એ સ્વીકારીને થવાય છે કે આપણે ત્યાં ઘણી, ઘણી ‘ને ઘણી વાર બે વાર વાંચવું પડે તેવું નહીં, પણ કમ સે કમ બે વાર છપાઈ ગયેલું ત્રીજી વાર લખાય છે અને એ અગાઉ વાંચી લીધું છે, યાદ છે એટલે ચૌદમી વાર વાંચવાની મજા આવે છે. યસ, તરત જ સમજાઈ જાય છે. શું સમજ્યા? પ્રથમ વાંચનમાં યાદ રહી જવું જોઈએ. અગાઉ ક્યાંક એટ ધ લિસ્ટ એક વાર છપાયું હોય તે જ ફરી લખાવું જોઈએ. ત્રીજી શરત એ કે એ ડિસ્ટર્બ ‘ને કમ્ફર્ટ એવી અઘરી વાતો ના કરે, સીધે સીધી ટૂંકમાં સરળ મનોરંજનનું લોકાર્પણ થવું જોઈએ. જ્યોર્જ ઓર્વેલનું એક કહેણું યાદ આવે છે- બીજું કોઈ છાપવા ના માંગે તે છાપવું તે પત્રકારત્વ છે, બાકી બધું પબ્લિક-રિલેશન છે. હવે આમને શું કહેવું? અહીં તો ૨૦૦૨ ‘ને રામ-મંદિર અંગે લખો કે લસણ ‘ને કૅન્સર વચ્ચેના સંબંધની સ્ટોરી લખો, વારંવાર છપાયા કરશે અને સાહિત્યમાંથી જો પીઆરઓવિદ્યા કાઢી નાખો તો સેલ્સનું શું? હાંક… છી!
લાભશંકર ઠાકરે એ જમાનામાં ઘણુ ખરું આ સંદર્ભની જ વાત કરી હતી. ગઝલ અમુક શબ્દોની અંદર જ રમ્યા કરે છે, એમ. મને ઓલા બાવાઓની ચમત્કારિક ઝોળી સ્મરણમાં છે જ છતાં સ્ક્રેબલ નામક અંગ્રેજી સ્પેલિંગ અંગેની રમત સંભારું છું. સાથે સ્કૂલમાં ભણતાં ‘ઠોઠિયાઓ’ પણ. સ્ક્રૅબલ શબ્દનો અર્થ= કાગળ પર ફાવે તેમ લીટા કરવા, ફંફોસવું, ફંફોસતા ચાલવું, ખંજાળવું, અંધારામાં ફાંફાં મારવા. ટુ સ્ક્રેબ = ટુ સ્ક્રેચ. દેશીમાં આ પ્રક્રિયા સમ અપ કરીએ તો- જે છે તેમાંથી શોધવું અને તેને મંતરવું. સંસ્કૃતમાં આલેખન, પ્રલેખન, વિલેખન, પ્રોલેખન, સંલેખન, ઉલ્લેખન એવા ઘણા લેખન છે. નખથી, દાંતથી કે કલમથી ખોતરી શકાય. કિબોર્ડથી પણ ખોતરી શકાય, પરંતુ સાહિત્ય કળા સાથે સર્જન શબ્દ અભિન્ન રીતે જોડાયેલો છે. સર્જનની નજર ઇન્વેન્ટ તરફ જતી ભલે દેખાય, ગંતવ્ય છે ડિસ્કવર.
૧૯૬૧માં નીકળી ગયેલા નોબેલ વિજેતા સાહિત્યકાર હેમિંગ્વેનું એક ફેમસ ક્વોટ છે- ધેર ઇઝ નથિંગ ટુ રાઇટિંગ. તમે ફક્ત ટાઇપરાઇટર પાસે બેસો ‘ને લોહી વહેવા દો. એ માછીમારીના વાતાવરણમાં ઉછરેલા. એમને બંદૂકો બહુ ગમતી. અમેરિકાની ક્રાંતિમાં પણ લોહી વહેલું. આજે પણ અમેરિકા ‘ને લોહી વચ્ચે ગજબનો રિશ્તો છે. જ્યારે આપણે ત્યાં શાક સમારતાં કે દાઢી કરતા એક ટીપું લોહીનું દેખાઈ ગયું તો? ડૉક્ટર નહીં, પેશન્ટની વાત છે. લોકભોગ્યતાના નંબર ૧ પેરામીટરની છત્રછાયામાં નોર્મલ લોકો ઉર્ફે વાહક ઉર્ફે કન્ઝ્યુમરની વાત છે. ગુજરાત ગાંધીજીની જન્મ ‘ને કર્મભૂમિ છે. શિકાર કરવા, ડાળી કાપવા કે છરાબાજી માટે યોગ્ય નાઇફ અહીં કોના ઘરમાં મળે? કેટલા ગુજરાતીઓએ બંદૂક કે ગોળીનો સ્પર્શ કર્યો હશે? ક્રાઇમ આસપાસનું લેખન આપણે ત્યાં ફૂટપાથિયું ગણાતું. જૂની પેઢીઓમાં તો એવી ચોપડી ઘરમાં વડીલ જોઈ જાય તો આવી બને. ચોક્કસ, અમુક વર્ગ કે ઘર આમાં અલગ પડે. નિઃસંદેહ, કોઈ કામમાં અત્યંત તકલીફ પડી હોય તો નર દોસ્તો વાતો કરતા હોય છે કે ગુદામાર્ગમાંથી લોહી પડી ગયું. બાકી મહદ્અંશે આપણે લોહીથી ઈશ્વરની પૂજા કરનારાને શેતાની ગણીએ છીએ.
મુકુલ ચોકસી લખે છે- ખાઈ પીને નાહીને કવિતા નથી બનતી હે દોસ્ત! લોહી વહે ત્યારે જ કાગળ વચ્ચે ધરવો જોઈએ. રઈશ મણિયાર લખે છે- એ ય સાચું કે મારું દર્દ ગઝલ, એ ય સાચું કે છે ઇલાજ ગઝલ. શબ્દો બસ લાકડાની જેમ તણાઈ આવ્યા, લોહીમાં દર્દભર્યાં રોજ જહાજો તૂટે. આદિલ મન્સૂરી લખી ગયા છે- હજીયે તાજા છે શબ્દોના સર્વ ઘા આદિલ, હજીયે લોહી ટપકતું કલમની ધાર વિશે. ઘાયલ- ટપકે છે લોહી આંખથી પાણીના સ્વાંગમાં, કાવ્યો મળી રહ્યાં છે કહાણીના સ્વાંગમાં. વિવેક ટેલર- શબ્દોનું લોહી જેવું છે, ઘા થાય તો વહે, વ્યર્થ જ હું એના ઘેર તકાજો કરું છું રોજ/ ન થઈ જે વાત એના ડંખે સર્જી છે ગઝલ મારી કે ક્ષર કાગજ પે અક્ષર પામું એવી લાગણી કોઈ. સલામનીય મરીઝ લખી ગયેલા છે- પરિશ્રમ જાગરણ સાહિત્યનો કાનૂન માંગે છે. બીજા શબ્દોમાં કહીએ તો જિગરનું ખૂન માંગે છે/ નથી સાહિત્યને સ્પર્શી શકાતું અલ્પ વાણીથી, કદી આકાશ ભીંજાતું નથી વાદળના પાણીથી. આ સિવાય અન્ય કેટલાય કવિઓએ લોહી વહાવ્યું હશે. મેં નહીં વહાવ્યું હોય તો હું પણ વહાવીશ.
ઉપર જે ગુજરાતી કવિઓનો ઉલ્લેખ કર્યો તેમની અન્ય રચનાઓમાંથી સંખ્યાબંધ એવી મળશે કે આપણે એમના આભારી થઈએ. એનિવેઝ, કાબેરી રાય નામના બંગાળી કવયિત્રી છે. એમની એક ભાષાંતર પામેલી કવિતા વાંચી જેમાં એમણે લખ્યું છે- તમે કહો, તમને વરસાદ બહુ ગમે – દિવસને અંતે જ્યારે વરસાદ પડે તમે એનાથી જાત બચાવો છો. એમની બીજી કોઈ કવિતા થોડી મહેનત કરી પણ જડી નથી. બંગાળમાં વરસાદ અતિસામાન્ય કે અસામાન્ય રીતે સામાન્ય બાબત છે. ગુજરાતમાં પણ આમ તો જનરલ બાબત છે. બંગાળમાં અંગ્રેજી વાંચન વર્ષોથી સામાન્ય. ગુજરાતમાં હજુ પણ જનરલ વાચક નોર્મલી અંગ્રેજી (પણ) વાંચે છે એવું ના કહી શકાય. વારુ, ગુજરાતમાં એકથી વધુ કવિએ વરસાદ થકી પલાળવા ‘ને ભીનાં થવા ‘નેે ભીંજાવાનો ભેદ કરતી કવિતા કરી છે.
પેલી બાજુ ‘ત્યાં’ બોબ માર્લે અનન્ય અને વિશિષ્ટ રીતે લોકપ્રિય ગાયક વગેરે હતા. વિશ્વભરમાં સુપ્રસિદ્ધ. ‘૪૫થી ‘૮૧ એ જીવ્યા. એમણે લખ્યું છે- તમે કહો છો તમને વરસાદ ગમે છે, પણ તમે છત્રી વાપરો છો તેની નીચે ચાલવા. તમે કહો છો તમને પવન ગમે છે, પણ તમારી નજીક એ આવે છે તો તમે બારીઓ બંધ કરો છો. બોબ માર્લેએ એવું પણ લખ્યું છે કે અમુક લોકો વરસાદને અનુભવે છે, બાકી બધા પલળે છે. યારાઝ, મુદ્દાનું હાર્દ ફક્ત કવિતા પર નથી અટકતું અને વાત ફિલ્મોની નથી ચાલતી. મેટામોર્ફોસિસ એટલે કે રૃપાંતરણ નામની ખૂબ જાણીતી ‘નેે માનીતી વાર્તા સાહિત્યના એક એક્કા એવા ફ્રાંઝ કાફ્કાએ લખેલી, ૧૯૧૫માં પ્રસિદ્ધ થયેલી. એક વ્યક્તિ કોઈ ના સમજી શકાય તેવા વિચિત્ર જીવ/પ્રાણીમાં રૃપાંતરણ પામે છે અને તેને એક રૃમમાં બંધ રાખવામાં આવે છે, કુટુંબ-ઘર સાથે જ. જોગાનુજોગની ફરી એકવાર મા સરસ્વતી ‘ને પ્રજાપિતા બ્રહ્માની બલિહારી જુઓ કે ૧૯૧૫ પછી ભારતમાં પેલાં જીવ/પ્રાણીના સ્થાને વિધવા કે અન્ય કોઈ સ્ત્રી પ્રકારના પાત્ર યા ઘરડા પાત્ર સાથે એવી સરસ મજાની વાર્તાઓ ઘડાઈ છે કે ના પૂછોને વાર્તા.
શાતિર વાચક તરીકે આપને બે ભિન્ન કલમ થકી લખાયેલા સમાન લખાણની સરખામણી કરીએ તો ઈશ્વર ઠેર-ઠેર પથરાયેલો છે અને એકસાથે પોતાના એકથી વધુ બાળકોને એકસરખો વારસો આપે છે તેવું ફરી એકવાર અનુભવી શકાય. તાજેતરમાં વેબ ચેનલ નેટફ્લિક્સ ઓર ‘સેકર્ડ ગેમ્સ’ ધારાવાહિકનો પ્રથમ ફાલ આવ્યો. એનો એક ડાયલોગ ખૂબ જ લાઇક એવં ફોરવર્ડ પામ્યો. ‘કભી કભી તો અપુન કો લગતા હૈં અપુન હી ભગવાન હૈં.’ ના, અલ્લાહ નહીં. એ જ ચેનલ પર ૨૦૧૫માં ‘નાર્કોઝ’ સિરીઝની ફર્સ્ટ સિઝન આવી હતી. તેનું એક મુખ્ય પાત્ર એટલે સિત્તેરના દશકના ડ્રગ્સના શહેનશાહ પાબ્લો એસ્કોબાર. એ મહાગુંડો એના જમાનામાં બકવાસેલો- હું ક્યારેક ઈશ્વર છું એવું અનુભવું છું, હું કોઈની હત્યા કરવાનો આદેશ આપું છું ‘નેે એ એ જ દિવસે મૃત્યુ પામે છે ત્યારે.
હા, વાત ટૂંકમાં કરી છે, નકારાત્મક બાજુ તરફ એક તરફો ઝોક પણ દેખાઈ શકે, પરંતુ વાત ખોટી નથી. ના, શબ્દ નવા જ હોવા જોઈએ કે કોઇન કરવા જ જોઈએ એવું ફરજિયાત તો શું જરૃરી પણ નથી. નવા કલ્પન કે રજૂઆત ‘વાપરવા’ની લ્હાયમાં અર્થહીન પ્રલાપ કરવો એ તો સાવ વાહિયાત ક્રિયા છે, પરંતુ બિરજુ મહારાજ નૃત્ય કરતા અને લખનૌની કોઈ ગણિકા નાચતી, વાહવાહ ક્યાં વધારે થાય છે એ માપદંડ કલાનું દ્યોતક કે પાલક નથી. મનોરંજન તો કપિલ, કરણ કે કોઈ પણ કાર્ટૂન પણ કરી શકે. પડદા પર તો બે ગાળ બોલાય ‘ને અભિનેતા અવામની તાળીઓથી ન્હાય છે, સોરી ભીંજાય છે. અઘરા વગેરે શબ્દ નહીં, પણ એના એ જ શબ્દ સાથે નવતર કલ્પન, રજૂઆત કે દ્રષ્ટિ વગેરે નવા આવે તો ય આનંદની જ વાત છે. ભલે, લોકભોગ્યતાને ધ્યાનમાં લેવી એ લાચારી હોય. ઝાંઝવા, ઝાકળ કે જાવેદભાઈની જેમ ફૂલ, પંખી, નદી, પર્વત ‘ને હવાનું ઝોકું કરો, પણ વાત પોતાની હોવી જોઈએ. ડ્યુને આપેલો શબ્દ ટ્રુઈઝમ પેનને અડતા પહેલાં કાગળસાત ‘ને ટેરવાસાત કરી લેવો. સર્જન એટલે બાય ડિફોલ્ટ નવું હોવું જોઈએ. એલિસબ્રિજ-પુલ કે સુ-સ્વાગતમની જેમ નવું-સર્જન ના હોવું જોઈએ. માસભોગ્ય તો ગીતકાર ‘સમીર’ પણ લખતા, કિન્તુ દરેકની કિસ્મતમાં ક્લાસયોગ્યતા નથી હોતી કે કોલમે કોલમે ગાંઠિયાના પડીકામાં બંધાવાનું નથી હોતું. લખનાર અને સાહિત્યકાર વચ્ચેનું અંતર કાપવું રહ્યું. અનુભવી એ શબ્દના કારીગર પ્રકારના કવિ ય લેખક કરતાં ક્યાંય આગળ હોય. લાસ્ટલી, ભાષા, જોડણી, વ્યાકરણ આ બધું વંદનીય, પૂજનીય, પરંતુ ભાષા તેના ઉપયોગથી પોંખાય. જ્યારે વાચકો જે-તે ભાષામાં થયેલું રચનાત્મક ‘ને સર્જનાત્મક કામ માથે ચઢાવે તો ભાષામાં પ્રાણ પૂરાતા રહે. પીપળો કે વડ વિજ્ઞાનની દ્રષ્ટિએ સડી ગયેલો હોય તોય શ્રદ્ધા જુવાન રહી શકે, પરંતુ તે જ વડ ‘ને પીપળો હર્યોભર્યો હોય તો? ભાષા
કૃત્રિમ નહીં, કુદરતી ખાતર માંગે. બેશક, ગુજરાતી વાચક ખર નથી તે ભાષાંતર કે અન્ય ભાષાના વાંચન તરફ વળે. અરે, સર્જનમાં અસાધારણ દમ હોય તો ગમે તેવી સિરિયલ કે મેચ પણ બાજુમાં મૂકી ગુજરાતનો વીર વાચક પહેલાં વાંચન પૂર્ણ કરવાનો ગર્વ અનુભવશે. લેકિન, સવાલ યે હૈં કિ સર્જનાત્મક થવું કેવી રીતે? એ વાત ફરી ક્યારેક.
બુઝારોઃ
દાઢી દા.ત. સિતાંશુ યશશ્ચંદ્રની પ્રેમાનંદની ચોટલીને સિતાંશુની દાઢી સાથે જોડતી રેખા દોરો હવે ગણો કેટલાં માથાં એની ઉપર નીકળી શક્યા છે? બધાને હતી આમ તોબાકીનાએ રોકડી કરી લીધી દાઢીના દોઢસો ચોટલીના ચારસો રોજ રાતે ઊગે ટમક ટમક સપનાના લયમાં સવારે ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરે સુંવાળા ચહેરા સહેલા હોય હાથ ફેરવીએ તો હાથમાં કશું ન આવે દાઢીનો વાળ ઝાલી છલાંગી શકાય અર્થોને પેલે પાર જોકે પડી જાય ભૂલકાંઓ તો ગુફામાનવને પણ હતીએ પીંછી બોળતો સાબુમાં નહિ રંગોમાં ભીંતો ચીતરતો આપણે ભીંત ભૂલ્યા છીએ બોળી બેઠા છીએ. – ઉદયન ઠક્કર
——————