તમારા માટે, તમારી સાથે, સતત…

પાદરીઓ દ્વારા યૌન શોષણ – વિશ્વભરનાં ચર્ચો ખરડાયેલાં છે

પોપે ઘણા લોકોની નજરમાં વિશ્વસનીયતા ગુમાવી છે

0 245

કવર સ્ટોરી

કેરળના લોકોએ ન્યાય માટે વેટિકનના આંગણે ભલે ગુહાર લગાવી, પણ વેટિકનના કેથોલિક ચર્ચના સેક્સ સ્કેન્ડલો અત્યારે ચર્ચામાં છે. તાજેતરના આ સેક્સ કાંડો એટલા માટે વધુ ગંભીર છે કેમ કે જેમનાં સેક્સ કાંડો બહાર આવે છે તે વેટિકનના ધર્મગુરુ પોપ સાથે કનેક્શન ધરાવે છે.

રોમન કેથોલિક ચર્ચના ૧.૨ અબજ અનુયાયીઓ છે. પાદરીઓ દ્વારા યૌન શોષણ એ જૂની અને ગંભીર સમસ્યા રહી છે. અરે, પાદરીઓને જવા દો, ફેબ્રુઆરી ૨૦૧૩માં પોપ બેનેડિક્ટ સોળમાને ગે પ્રિસ્ટ, પુરુષ વૈશ્યાઓ અને બ્લેકમેલના સ્કેન્ડલોના અહેવાલો વચ્ચે પદભ્રષ્ટ કરાયા હતા અને એ સાથે પોપ બેનેડિક્ટ સોળમાં પોપની ૬૦૧ વર્ષ જૂની પરંપરામાં જીવતા જ પદત્યાગ કર્યો હોય તેવા પ્રથમ પોપ બન્યા હતા. જોકે આજે સ્થિતિ જરા વધુ વિકટ છે.

કેથોલિક ખ્રિસ્તીઓના સૌથી મોટા ધર્મગુરુ પોપના દેશ વેટિકનના ત્રીજા નંબરના સૌથી વધુ શક્તિશાળી ધર્મગુરુ નાણા પ્રધાન કાર્ડિનલ જ્યોર્જ પેલ પર તાજેતરમાં જ બાળ યૌન શોષણના ઘણા આરોપો લાગ્યા છે. ઓસ્ટ્રેલિયન પોલીસે બાળ યૌનશોષણના ઘણા આરોપો ઘડ્યા છે. આરોપો લગાવનારા ઘણા અલગ-અલગ ફરિયાદીઓ છે. હવે ૭૬ વર્ષીય કાર્ડિનલ જ્યોર્જ પેલે ૧૮ જુલાઈએ સુનાવણી માટે મેલબોર્નની મૅજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર થવું પડશે. મૂળ ઓસ્ટ્રેલિયાના પેલ ૧૯૬૬માં રોમમાં પાદરી બન્યા હતા અને વેટિકનમાં આર્થિક ક્ષેત્રે પારદર્શકતા લાવવા પોપ ફ્રાન્સિસે તેમને નાણાપ્રધાન બનાવતા તેઓ ૨૦૧૪માં વેટિકન ગયા હતા.

સ્કેન્ડલો માટે આલોચકો પોપની પસંદગીને પણ દોષ દે છે. કાર્ડિનલ જ્યોર્જ પેલની નિમણૂક પોપે કરી હતી, જે અત્યારે યૌન શોષણના આરોપોને ખાળવા ઓસ્ટ્રેલિયા ગયા છે. વેટિકનના સોર્સ દ્વારા બહાર આવેલી વિગતો પ્રમાણે, પોપ ફ્રાન્સિસે કરેલી ઘણી નિમણૂકો વિવાદિત સાબિત થઈ છે.

પોપનો વિરોધ વધી રહ્યો છે. છેલ્લા થોડા દિવસોમાં પોપ પ્રત્યેની શ્રદ્ધામાં ઓટ લાવતા કેટલાક લેખો પ્રકાશિત થયા છે. પોપે ઘણા લોકોની નજરમાં વિશ્વસનીયતા ગુમાવી છે. જેમ કે લેટિન અમેરિકામાં સેક્સ સ્કેન્ડલમાં ફસાયેલા વેટિકન બેંકના મધ્યસ્થીથી માંડીને વેટિકન ડોક્યુમેન્ટને પ્રેસમાં લીક કરનારા ફાયનાન્શિઅલ રિફોર્મ કમિશન માટે પસંદ કરાયેલા મહિલા ફ્રાન્સેસ્કા ચાઓકી. એક મહિના પહેલાં જ, જૂન ૨૦૧૭માં વેટિકન પોલીસે એક એપાર્ટમેન્ટમાં સજાતીય સમૂહ મૈથુન ચાલતું હતું ત્યારે છાપો માર્યો હતો. આ એપાર્ટમેન્ટ કોંગ્રેગેશન ફોર ડોક્ટ્રાઇન ઓફ ધ ફેઇથનો હતો અને તે કાર્ડિનલ ફ્રાન્સીસ કોકોપાલ્મેરિયાના સેક્રેટરી અને પોપના પ્રમુખ સલાહકારના કબજામાં હોવાનું મનાય છે. કાર્ડિનલે તેમને બઢતી આપીને બિશપ બનાવવાની પણ ભલામણ કરી હોવાનું પણ કહેવાય છે. જોકે સજાતીય સમૂહ મૈથુનના સમાચારને પગલે એ ભલામણ ઘોંચમાં પડી છે.

કોંગ્રેગેશન ફોર ધ ડોક્ટ્રાઇન ઓફ ધ ફેઇથના વડા કાર્ડિનલ ગેરાર્ડ મુલરના અનુગામી આર્કબિશપ લુઇસ લેડારિયા ફેરેર પર દક્ષિણ ઇટાલીના પાદરીએ કરેલા સેક્સ ક્રાઇમને છાવરવાનો આરોપ છે.

Related Posts
1 of 142

કેથોલિક પાદરીઓ દ્વારા આયોજનબદ્ધ બાળ યૌનશોષણનો પહેલો કિસ્સો પ્રકાશમાં આવ્યો તેને તો દાયકાઓ થયા, પણ રોમન કેથોલિક ચર્ચના ત્રીજા નંબરના સૌથી સિનિયર કાર્ડિનલ જ્યોર્જ પેલનો કેસ એ બધામાં સૌથી મોખરે છે. કાર્ડિનલ ઉપર તેમના વતન ઓસ્ટ્રેલિયામાં કેસ ચાલશે ત્યાં સુધી તેમને પદભ્રષ્ટ કરાયા છે. પોપ ફ્રાન્સીસ તટસ્થ રહીને ન્યાયનો પક્ષ લેવાને બદલે કાર્ડિનલ જ્યોર્જ પેલના સમર્થનમાં આવ્યા છે. વેટિકનના પ્રમુખ પ્રવક્તા ગ્રેગ બર્કે પેલની પ્રામાણિકતાના ગુણગાન ગાતું સ્ટેટમેન્ટ આપ્યું હતું, જ્યારે સ્ટેટમેન્ટમાં કથિત પીડિતોનો ઉલ્લેખ સુદ્ધાં કરવાનું ટાળ્યું હતું. એ પછી ઘટનાની ગંભીરતા સમજાતા જાહેર કરાયું કે પેલ હવેથી કોઈ જાહેર સમારંભોમાં હાજરી નહીં આપે. હોલી ફાધરે કાર્ડિનલ પેલની રોમન ક્યુરિયામાં ત્રણ વર્ષની તેમની પ્રમાણિક કામગીરીની પ્રશંસા કરી હતી અને ખાસ કરીને, આર્થિક અને વહીવટી ક્ષેત્રે બદલાવ લાવવા અને કાઉન્સિલ ઓફ કાર્ડિનલમાં સક્રિય સહયોગ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો છે.

વર્ષોથી, ઓસ્ટ્રેલિયામાં આર્કબિશપ હતા ત્યારથી પેલ ઉપર યૌન શોષણના આક્ષેપો લાગતા આવ્યા છે છતાં તેમને વેટિકનમાં સિનિયર પદે નિયુક્ત કરવામાં આવ્યા તેની સામે પણ આલોચકોને વાંધો છે. ચર્ચનોે સતત એવો દાવો રહ્યો છે કે તેમના પરના આક્ષેપો અપ્રામાણિક અને રાજકીય કાવતરું માત્ર હતું.

જોકે વેટિકન એ વાત સ્વીકારે છે કે પહેલી વખત ૧૯૯૦માં યૌન શોષણના જેટલા કિસ્સા પ્રકાશમાં આવ્યા તેમાં પેલ સામેના યૌન શોષણના આક્ષેપે ચર્ચની વિશ્વસનીયતા પર સૌથી વધુ મોટો ફટકો પહોંચાડ્યો છે. કેમ કે અત્યાર સુધીમાં યૌન શોષણનો જેટલા પાદરીઓ ઉપર આક્ષેપ થયા છે તેમાં જ્યોર્જ પેલ સૌથી સિનિયર ચર્ચ અધિકારી છે અને પોપ ફ્રાન્સિસે શોષણ મુદ્દે પોતે ઝીરો ટોલરન્સ હોવાનું કહ્યું હોવા છતાં અને પેલ પર વર્ષોથી આક્ષેપો લાગતા હોવા છતાં તેમનો પોતાની સૌથી અંતરંગ ટીમમાં રાખવામાં આવ્યા હતા.

જ્યોર્જ પેલ પોતાના પરના બાળ યૌન શોષણના આક્ષેપોને વારંવાર નકારતા આવ્યા છે એટલે જો આ આરોપો સાચા સાબિત થાય તો તેના મોટા પ્રત્યાઘાતો પડશે એમ પોપ ફ્રાન્સીસની આત્મકથાના લેખક ઓસ્ટેન આઇવેરી કહે છે. વેટિકન ઉપર નજર રાખતા મોટા ભાગના લોકોનું માનવું છે કે પેલના સમર્થનમાં નિવેદન આપી ચર્ચની સત્તાનો દુરુપયોગ કર્યો. ચર્ચના સ્ટેટમેન્ટથી પીડિતોને એ વાતે હતાશ કરશે કે પોપ ફ્રાન્સિસ ખુદ અમને ન્યાય અપાવવામાં અવરોધરૃપ બન્યા.

૨૦૧૪માં પોપ ફ્રાન્સિસે જાતીય સતામણીનો ભોગ બનેલા બે પીડિતોના સંદર્ભે સેક્સ એબ્યુઝ પોલિસીમાં તેમને સલાહ આપવા વિશેષ કમિશનની નિમણૂક કરવા બદલ પ્રશંસા મેળવી હતી, પરંતુ આજે એમાંનું કંઈ બચ્યંુ નથી. પિટર સોન્ડર્સને તેમની નિષ્ક્રિયતા બદલ અને જાહેરમાં પેલ સાથે તકરારમાં ઊતરવા બદલ કમિશનમાંથી પડતા મૂકવામાં આવ્યા હતા. સોન્ડર્સના દાવા પ્રમાણે, પેલમાં પીડિતો પ્રત્યે દયાનો અભાવ છે અને તે કારણે સોન્ડર્સે પેલ પર દાવો માંડવાની ધમકી આપી હતી. પોપે વારંવાર કહ્યું છે કે ચર્ચમાં જાતીય સતામણી પ્રત્યે અને તેને છાવરનારા પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ છે, પરંતુ યૌન શોષણના મુદ્દે રેકોર્ડ નબળો રહ્યો છે. યૌન શોષણ મુદ્દે નવનિયુક્ત પંચમાં પોપ ફ્રાન્સિસે બે યૌન શોષણ પીડિતોને સભ્ય બનાવ્યા હતા તે બંનેને પંચમાંથી રાજીનામું આપવા ફરજ પડાઈ છે. જે બતાવે છે કે ચર્ચમાં યૌન શોષણને ગંભીરતાથી લેવામાં આવતું નથી. પીડિતા અને કમિશનની સભ્ય મેરી કોલીન્સે ગત માર્ચમાં કમિશનમાંથી રાજીનામું આપ્યું હતું. રાજીનામાના કારણમાં કોલીન્સનું પણ એવું જ કહેવું હતું કે યૌન શોષણનો મુદ્દો ચર્ચમાં ગંભીરતાથી લેવામાં આવતો નથી. કોલીન્સનું કહેવા પ્રમાણે, બિશપોએ શોષણના રિપોર્ટની અવગણના કરી તે સંદર્ભે પોપ ફ્રાન્સિસે ભલામણ કરેલી એક ટ્રિબ્યુનલની વેટિકને રચના જ ન કરી.

ગયા વર્ષે કાર્ડિનલ જ્યોર્જ પેલના વતન બેલારત, ઓસ્ટ્રેલિયાથી એક ડઝન કરતાં વધુ યૌન શોષણ પીડિતો તેમને મળવા રોમ ગયા અને પાદરીઓ દ્વારા થયેલા યૌન શોષણની પોતાની દર્દભરી આપવીતી કહી ત્યારે કાર્ડિનલે લાગણી બતાવીને કેસમાં મદદ કરવાનું વચન આપ્યંુ હતું. એ પીડિતોના કહેવા પ્રમાણે, કાર્ડિનલે પાછળથી કંઈ ન કર્યું. બાળ લૈંગિક સતામણીના સંસ્થાકીય પ્રતિભાવો ઉપર ઓસ્ટ્રેલિયન રોયલ કમિશને કરેલા સંશોધનમાં બહાર આવ્યું છે કે ૧૯૫૦ અને ૨૦૧૦ની વચ્ચે ઓસ્ટ્રેલિયામાં ૭ ટકા કેથોલિક પાદરીઓ બાળકોનું યૌન શોષણ કરવા બદલ દોષિત ઠર્યા હતા. આ કેસોમાં કમિશન આર્કબિશપ તરીકે જ્યોર્જ પેલને પણ કસૂરવાર ઠેરવ્યું હતું. તેમના પાંચ પાદરીઓ દોષિત ઠર્યા હતા અને કેટલાક પાદરીઓએ કબૂલાતનામામાં જણાવ્યું હતું કે આ દોષિત ઠરેલા પાદરીઓની પ્રવૃત્તિઓથી આર્કબિશપ જ્યોર્જ પેલ વાકેફ હતા. કાર્ડિનલ પેલે પીડિતોની સાથે ઊભા રહેવાને બદલે પાદરીઓનો સાથ આપવાનું પસંદ કર્યું હતું અને એ કારણે પીડિતો તો એટલા ભાંગી પડ્યા હતા કે ઘણાએ આપઘાત કરી લીધો હતો.

અલગ-અલગ ત્રણ પોપ બદલાયા, જ્યાં ધાર્મિક સ્કૂલો સરકાર પાસેથી અબજો ડૉલર મેળવે છે અને જ્યાં કદીક ચર્ચ અને સ્ટેટના હિતોના ટકરાવની સ્થિતિમાં પણ પેલે વર્ષો સુધી પોતાનું સ્થાન ટકાવી રાખ્યું તેને પણ ઓસ્ટ્રેલિયાના ઘણા લોકો એક અલગ પ્રકારની કુનેહ રૃપે જોઈ રહ્યા છે.

અહીં સવાલ માત્ર એ નથી કે જ્યોર્જ પેલ પર આરોપો સાબિત થાય અને તેમને સજા થાય, સવાલ એ પણ છે કે તેમના પર સ્કેન્ડલનાં વાદળો ઘેરાયેલાં હતાં છતાં તે ખ્રિસ્તી ધર્મના વડામથક વેટિકનમાં સત્તાના કેન્દ્ર સુધી કેવી રીતે પહોંચ્યા? જાતીય સતામણીમાં પોતાની સંડોવણીને અને ઓસ્ટ્રેલિયાના પાદરીઓ દ્વારા બાળકોના શોષણને તેમણે કેટલા છાવર્યા? આ ચર્ચ સ્કેન્ડલોની કથા ભાગ્યે જ ચર્ચાય છે. તેમના વિશે ભાગ્યે જ ઊહાપોહ થાય છે. તેમના વિરુદ્ધમાં ભાગ્યે જ લાંબા ખટલાઓ ચાલે છે કે તેમને જેલમાં ધકેલાય છે. કેમ કે તેઓ ઘણા શક્તિશાળી છે અને તેમની સામેના અવાજને દબાવી દેવામાં માહેર છે.
————————————————–.

Leave A Reply

Your email address will not be published.

Translate »