કેરળમાં બિશપ પર બળાત્કારનો આરોપ
કેરળમાં ખ્રિસ્તી ધર્મગુરુ બળાત્કારની ઘટનામાં સંડોવાયા હોય એવી આ કંઈ પહેલી ઘટના નથી.
કવર સ્ટોરી
રાંચીમાં ખ્રિસ્તી મિશનરીઝમાં નવજાત શિશુઓને વેચવાના કાંડની સમાંતરે કેરળમાં એક ખ્રિસ્તી સાધ્વીએ બિશપ પર બળાત્કારનો કેસ કર્યો છે. વૈષ્ણવાચાર્યો, સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ અને આસારામ જેવા સાધુઓના સેક્સકાંડો જેમ આપણે ત્યાં સમયાંતરે સમાચારપત્રોની જગ્યાઓ ભરતા રહે છે, પરંતુ ચર્ચના સેક્સકાંડો બહુ ચર્ચા જગાવતા નથી. કેરળમાં ખ્રિસ્તી ધર્મગુરુ બળાત્કારની ઘટનામાં સંડોવાયા હોય એવી આ કંઈ પહેલી ઘટના નથી.
કેરળની ખ્રિસ્તી સાધ્વીએ બિશપ ફ્રાન્કો મુલક્કલ કે જેઓ હાલમાં પંજાબ અને હિમાચલ પ્રદેશના કેથોલિક બિશપ તરીકે ફરજ બજાવી રહ્યા છે તેમની સામે બળાત્કારની પોલીસ ફરિયાદ નોંધાવી છે. સાધ્વી ૪૪ વર્ષીય છે અને બિશપ ૫૪ વર્ષના છે. સાધ્વીના આરોપ પ્રમાણે, બિશપે ૨૦૧૪થી ૨૦૧૬ સુધીનાં બે વર્ષના ગાળામાં કુલ ૧૩ વાર બળાત્કાર અને અપ્રાકૃતિક સેક્સ કર્યું હતું. સાધ્વીએ બિશપ અશ્લીલ મેસેજ પણ મોકલતો હોવાનો આક્ષેપ કર્યો છે. પોલીસ એ ૧૩ ઘટનાઓને મુલાકાતી નોંધપોંથી સાથે મેળવી રહી છે. કેરળ પોલીસે સાધ્વી અને બિશપના ફોન કબજે લીધા છે. વર્ષ પહેલાં ચર્ચ છોડી ગયેલી અને હાલમાં પરિવાર સાથે રહેતી બે સાધ્વીઓનાં નિવેદનો લેવાનો પણ પોલીસ પ્રયત્ન કરી રહી છે. ફરિયાદી સાધ્વી જાલંધરમાં તે બંને સાધ્વીઓ સાથે રહેતી હતી. હાલ પોલીસે સાધ્વી, બિશપ મુલક્કલ બંનેને હિરાસતમાં લીધા છે.
બિશપે નોંધાવેલી ક્રોસ એફઆઈઆરમાં પોતે નિર્દોષ હોવાનું રટણ કર્યું છે. બિશપ સાધ્વી પર પ્રતિ-આરોપમાં કહે છે કે સાધ્વીને ટ્રાન્સફર અપાતા સાધ્વી અને તેના પરિવારજનોએ બળાત્કારની ધમકી આપી હતી. બિશપ એક પ્રશ્ન એવો કરે છે કે સાધ્વી ૧૩ વાર બળાત્કાર કર્યો ત્યાં સુધી, બે વર્ષ સુધી ચૂપ કેમ રહી, મારી સાથે ધાર્મિક કાર્યોમાં સમ્મિલિત કેમ રહી? આ પ્રશ્નના જવાબમાં સાધ્વીના પિતરાઈ ભાઈ ફાધર સેબાસ્ટિયન કહે છે કે પીડિતા ડિપ્રેશનમાં સરી પડી હતી અને તેને બિશપને ના પાડવા અને તેની સામે અવાજ ઉઠાવવા માટે હિંમત એકત્ર કરવામાં બે વર્ષનો સમય લાગ્યો.
૪૪ વર્ષીય સાધ્વીનો આક્ષેપ છે કે ૨૦૧૪માં કુરાવલંગડમાં એક અનાથાશ્રમ પાસેના ગેસ્ટહાઉસમાં ૫૪ વર્ષીય બિશપ દ્વારા પહેલીવાર તેનું યૌન શૌષણ કરવામાં આવ્યું હતું. સાધ્વીના નજીકના સૂત્રો પ્રમાણે, કેરલના તત્કાલીન ચર્ચ પ્રમુખ કાર્ડિનલ માર જોર્જ એલેનચેરીને આ ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ ચર્ચ તરફથી કોઈ કાર્યવાહી નહીં કરાતા પોલીસ ફરિયાદ કરવાની ફરજ પડી હતી.
કેરલમાં પાદરીઓનું આ કૃત્ય કંઈ નવું નથી. ગત વર્ષે માર્ચ મહિનામાં કેરલના કન્નુરમાં ૪૮ વર્ષીય પાદરી રોબીન વડક્કનચેરિલને શાળાની ૧૬ વર્ષીય સગીરા વિદ્યાર્થિની પર વારંવાર બળાત્કાર કર્યો હતો અને સગીરાએ ખાનગી હૉસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો હતો. આ કેસ દબાઈ જ જાત, પણ ચાઇલ્ડલાઇનને મળેલી બાતમીના આધારે આખો કેસ પ્રકાશમાં આવ્યો હતો. તેમાં પાદરી સહિત પાંચ સાધ્વીઓ ઉપર કેસ ચાલ્યો હતો. પાદરીએ ચર્ચની બાજુના બેડરૃમમાં દુષ્કર્મ આચર્યું હતું. પાદરીનો રોફ એટલો બધો કે શરૃઆતમાં તો છોકરીના પિતાએ પોલીસને કહ્યું હતું કે તેની દીકરી ગર્ભવતી થઈ તે માટે પોતે જ જવાબદાર છે. પોલીસને ગરબડ જણાતા વધુ પૂછપરછમાં છોકરીના પિતાએ ખુલાસો કર્યો કે આ અપરાધ માટે ફાધર રોબીન જવાબદાર છે. બે સાધ્વીને પણ કેસ પર ઢાંકપિછોડો કરવાના ગુનામાં પકડવામાં આવી હતી. ફાધરને બચાવવા માટે ચર્ચ તરફથી સગીરાના પિતાને આરોપ પોતાના માટે ઓઢી લેવાનું દબાણ કરવામાં આવ્યું હતું.
વર્તમાન કેસમાં સાધ્વીએ રાષ્ટ્રીય મહિલા આયોગને ફરિયાદ કરી છે કે કેરલ પોલીસ આ કેસમાં કાંઈ કરતી નથી. કેમ કે આરોપી એક પ્રભાવશાળી વ્યક્તિ છે. આયોગના અધ્યક્ષ રેખા શર્માએ કહ્યું છે કે સાધ્વીની લડાઈમાં તેમને શક્ય મદદ કરવામાં આવશે. બીજી તરફ બિશપ દ્વારા બળાત્કાર મામલે રોમન કેથોલિક ચર્ચની સાધ્વીઓ, પાદરીઓ અને સમાજના લોકોએ વેટિકનને એક પત્ર લખ્યો છે અને ચર્ચમાં મહિલાઓને ન્યાય આપવા માટે યોગ્ય પગલાં ભરવાનો અને બિશપને પાદરીની જવાબદારીથી મુક્ત કરવાનો આગ્રહ કર્યો છે.
————————————————–.