તમારા માટે, તમારી સાથે, સતત…

યથા વૃક્ષ તથા મનુષ્ય કે  યથા મનુષ્ય તથા વૃક્ષ?

માનવીના સબકોન્શિયસમાં વૃક્ષ પ્રેમાદરપૂર્વક ઘર કરી ગયું છે

0 726

– ગૌરાંગ અમીન

ગિરનારમાં બોરદેવી છે, હિમાલયમાં બદરીનાથ છે. જો એ જમાનો દૂધ ‘ને માંસનો હતો તો જાંબુ, ખજૂર ‘ને વાંસનું મહત્ત્વ કેમ હતું? ફણસના વૃક્ષમાંથી તબલાના વડવા મૃદંગ બનાવવા પાછળ ફક્ત સંગીતને લગતાં જ કારણો છે?

પૃથ્વીભૃત કહો ધરણીરરુહ કહો કે કહો ભૂધરજ
વૃક્ષને નથી આપણને છે એમની લીલી ગરજ

વૃક્ષ પહેલા કે વેદ પહેલા? ચર્ચા કે વિવાદને વંદન કરીને સમજીએ તો વેદમાં સૌપ્રથમ શબ્દ છે અગ્નિ અને મનુષ્યોને યજ્ઞમાં અગ્નિ સાકાર કરવા માટે વૃક્ષ કાષ્ઠ આપતાં. હા, વૃક્ષની પૂજા વગેરે અમુક વિધિ થતી પછી વૃક્ષ પાસેથી લાકડું ગ્રહણ કરવામાં આવતું. ગાય દૂધ આપે વગેરે કામમાં આવે એટલે લોકો પૂજતાં થયા એ લોજિક ખાસ્સું સ્વાદિષ્ટ છે, પણ ઔદુંબર કે ઉંબરા જેવા કેટલાંય વૃક્ષ છે જે મનુષ્યને પ્રત્યક્ષ વા રોજંદા જીવનમાં કામમાં નથી આવતાં છતાં અર્ચનીય કીધા છે. વૃક્ષો આ પૃથ્વી પર ૩૭૦ મિલ્યન વર્ષથી હાજર ખરાં. ૧૨-૧૫ મિલ્યન વર્ષ પહેલાં ગોરિલા આવ્યા અને આજનો માણસ મોટે ભાગે અર્ધા મિલ્યન વર્ષ પહેલાં આવ્યો. એ રીતે વૃક્ષ આપણા જાણીતા અવતાર કે પેગંબર કરતાંય ઘણા ઘણા સિનિયર કહી શકાય. ઇન્સાનનું સમસ્ત મસ્તિષ્ક ભરી દેવા જેટલો ડેટા જોઈએ તેના કરતાં ઘણી વધારે ઇન્ફર્મેશન આપણે અનુમાન ના લગાવી શકીએ તેવી ઘટનાના સાક્ષી એવા વૃક્ષના જનીન ‘ને જહેનમાં ભરી છે.

ભોજપત્ર ના હોત તો? સિમ્પ્લી સમજવાનું છે કે ઋતુઓના બદલાવમાં છોડ નહીં, વૃક્ષ ટકે. ના, વૃક્ષ ના હોત તો પક્ષી, પ્રાણી કે આદમી ના હોત. શાસ્ત્રોની તો વાત જ શું કરવી! સ્વર્ગનું કલ્પવૃક્ષ ઉર્ફે ચૈત્યવૃક્ષ ભલે ના જોયું હોય, રામાયણના અશોક વૃક્ષ કે મહાભારતના કદમ્બ, પારિજાત ‘ને શમીના વૃક્ષને કોણ ભૂલ્યું છે? પાર્વતીએ બિલ્વપત્રથી પૂજન કર્યાની વાત છે. નારિયેળી જળ માટે, આંબો ફળ માટે ‘ને ચંદનનું વૃક્ષ સુગંધી માટે મૂલ્યવાન, પરંતુ કબીરજીના વડ?

જી, દાતણ થાય. બાવળ, કરંજ, બોરસલ્લી ‘ને લીમડાની જેમ. તો શું માત્ર દાતણ કરવા માટે થઈને વડની પૂજા થાય? ગિરનારમાં બોરદેવી છે, હિમાલયમાં બદરીનાથ છે. જો એ જમાનો દૂધ ‘ને માંસનો હતો તો જાંબુ, ખજૂર ‘ને વાંસનું મહત્ત્વ કેમ હતું? દેવદારુ નામ શું કહેવા માંગે છે? તજના વૃક્ષને તિલક કેમ કહેતા? ફણસના વૃક્ષમાંથી તબલાના વડવા મૃદંગ બનાવવા પાછળ ફક્ત સંગીતને લગતાં જ કારણો છે? સમ્રાટ અશોકે પોતાના વંશજોને બોધિવૃક્ષ માને પીપળાની ડાળ આપી શ્રીલંકા મોકલેલા કે રખે ભારતમાંથી એ વૃક્ષ સમાપ્ત થાય તો પણ પૃથ્વી પર એ વૃક્ષ સાબૂત રહે. સમ્રાટ અશોક મૂર્ખ તો નહોતા.

કૃષ્ણ અધ્યાય ૧૫માં કહે છે કે એક અવિનાશી વૃક્ષ એવું છે જેના મૂળ ઉર્ધ્વ દિશામાં છે ‘ને શાખા અધો દિશામાં છે, જેના પર્ણ વેદની ઋચાઓ છે ‘ને જે એ વૃક્ષને જાણી જાય તે વેદ જાણી જાય છે. માંડુક્ય ઉપનિષદ પણ બે પ્રકારનાં પક્ષી આ વૃક્ષ પર બેઠાં છે એમ વાત કરે છે. રૃપક કે સમાંતરતા માટે કેમ વૃક્ષ જ? ચિત્રકામમાં ભાખોડિયા ભરતાં બાળકને પૂછો. જો તે બાળક રણમાં ઊછર્યું હશે તો લીલા રંગ તરફ આકર્ષણ ધરાવશે. ‘ને ખચોખચ પથરાયેલા પથ્થરનાં મકાનો વચ્ચે મોટું થતું હશે તો તે વૃક્ષના આકાર તરફ ખેંચાણ ધરાવતું હશે.

માનવીના સબકોન્શિયસમાં વૃક્ષ પ્રેમાદરપૂર્વક ઘર કરી ગયું છે. કુદરત એટલે શું? એ સવાલના જવાબમાં બહુમતીના મનમાં પહેલી ઇમેજ વૃક્ષના સંદર્ભમાં આવશે. જે ભણતર વિષે હ્યુમનને અહંકાર છે તે ભણતર વૃક્ષે આપેલા કાગળ વગર સંભવ નહોતું. વર્ગીકરણ યા વંશાવળી માટે જે ‘ટ્રી-સ્ટ્રક્ચર’ કામમાં લેવાય છે તે ઇમેજિનેશન ક્યાંથી આવ્યું? એ રીતે વિચારવાનું આપણને ના આવડ્યું હોત તો? શાંતિના પ્રતીક તરીકે વપરાતું ઓલિવ હોય કે ક્રિસમસ-ટ્રી તરીકે વપરાતું પાઇન, વૃક્ષ વિના માણસનું સ્વસ્થ એવં નૈસર્ગિક માનસ સંભવ નથી.

વૃક્ષ આપણને પ્રાણવાયુ આપે છે. વિજ્ઞાનના સહારે ઇન્સાન પોતે પણ વળતી સજ્જનતા દાખવે છે તેવું માનવા કહી શકે કે આપણેય વૃક્ષને તેનો પ્રાણવાયુ આપીએ છીએ. તો કેમ આપણે ચાલો જંગલમાં જઈને ઉચ્છ્વાસીએ જેથી વૃક્ષોને લાભ થાય તેવું નથી વિચાર્યું? એથી સારું એ છે કે આપણે એવું નથી વિચાર્યું કે ચાલો જંગલમાં જઈને કશું સળગાવીએ જેથી વૃક્ષને દિવસ દરમિયાન સારો પ્રાણવાયુ મળે! કાળું શેતાની માથું તો કાલે ઊઠીને પોતે અગ્નિનો જે કોઈ દુરુપયોગ કરીને અંગારવાયુનું ઉત્સર્જન કરે છે તેને વૃક્ષ પરની પોતાની કૃપા ગણાવી શકે છે. જંગલમાં વૃક્ષો એકબીજાની એકદમ નજીક હોય, હજારો છોડ હોય છતાં સરસ ખીલે છે. એકબીજાના કાર્બન ડાયોક્સાઇડમાં એ ગૂંગળાતા નથી અને શહેરમાં વિકસેલા વિશાળ વૃક્ષ પણ તમે નિવૃત્ત અધિકારીના એકાકીપણા જેવા નિસ્તેજ જોઈ શકો છો. ના, વૃક્ષને આપણા ઉચ્છ્વાસની કોઈ જરૃર નથી. સર્વ પ્રથમ સામાજિક જીવડું એવી ઊધઈ પણ ૨૫૧ મિલ્યન વર્ષથી જ અસ્તિત્વમાં છે. વૃક્ષ સાચા અર્થમાં સ્વતંત્ર ‘ને ઉત્ક્રાંતિની રેસમાં વિજેતા રહ્યાં છે.

ઓફ કોર્સ, કુહાડીથી ચેઇનસો સુધી મનુષ્ય પહોંચ્યો ત્યાં સુધીમાં વૃક્ષ આપણને ઉત્ક્રાંતિની રેસમાં જીવતાં રાખી શક્યાં. પક્ષી ફળ ખાય ‘ને બદલામાં બીજની વાવણી કરે. અને મનુષ્ય? ખેતરમાં ચાડિયા તરીકે કોઈ અત્યંત બિહામણુ વૃક્ષ ઊભું રાખશો તોય કોઈ નોનહ્યુમન જીવ નહીં બીવે. ચાડિયા તરીકે સ્ત્રી કે બાળક ચાલશે પણ, મનુષ્ય જ જોઈએ! વૃક્ષ એટલે વૃક્ષ. કળિયુગમાં કુમાતા કદાચ સંભવ છે, કુવૃક્ષની ધારણા મનનું સમતોલન ખોરવી નાખે છે.

વૃક્ષ હવામાંથી પ્રદૂષણ દૂર કરે છે. તે પાંદડાં થકી એકથી વધુ વાયુમય પ્રદૂષકો ખેંચી લે છે. સંસારના આકા તેમ જ આદર્શ એવા અમેરિકામાં સંશોધન થયા છે. ત્યાં વૃક્ષ વર્ષના અંદાજે ૧૭-૧૮ મિલ્યન ટન પ્રદૂષક દૂર કરે છે. વર્ષના ૮૫૦ મૃત્યુ રોકે છે, ૬ લાખ ૭૦ હજાર અવૃક્ષ મનુષ્યને હૃદય ‘ને શ્વાસને લગતી બીમારીથી દૂર રાખે છે. વૃક્ષ તથા મનુષ્યના માનસિક આરોગ્ય વચ્ચેના સંબંધ અંગે એટલું ઊંડું સંશોધન નથી થયું. છતાં એટલું તારણ તો મળ્યું જ છે કે ફક્ત બારીમાંથી વૃક્ષ જોતાં હોય તે લોકોની માનસિક સ્થિતિ વધુ તંદુરસ્ત હોય છે.

Related Posts
1 of 281

ગાંધીજીને સરાહનારા ‘ને સરકારને વખોડનારા સિવાય પણ ઘણા લોકોમાં હેન્રી ડેવિડ થોરો નામ જાણીતું છે. ત્યાં વોલ્ડન તળાવના કિનારે સામાન્ય કુટિર બાંધીને બે વર્ષ, બે મહિના ‘ને બે દિવસ રહેનારા થોરો પ્રકૃતિને ખૂબ ચાહતા હતા. તેમણે ૧૮૬૨માં લખેલું કે જો હું એક દિવસમાં કમ સે કમ ચાર કલાક જંગલ, ડુંગરા, ખેતરો ના ખૂંદુ તો હું મારું સ્વાસ્થ્ય ‘ને મનોબળ જાળવી ના શકું, સામાન્ય રીતે હું એથી વધારે સમય આપું છું. વાત પોતપોતાના વનપર્વ ‘ને અરણ્યકાંડ ઊજવવાની છે. મનુષ્યને કારણે પેદા થયેલું વાયુ પ્રદૂષણ પૃથ્વી પર વર્ષે ૭ મિલ્યન મનુષ્ય મારી નાંખે છે. શરીરના કુલ વજનના ૨% વજન ધરાવતું મગજ ૨૦% ઓક્સિજન વાપરે છે. સોચને વાલી બાત યે હૈ કી આપણુ મગજ પ્રદૂષિત હવાની વચ્ચે જીવીને કેવું ‘ને કેટલું કામ કરતું હશે? રામકૃષ્ણ પરમહંસ કહેતા કે કલિયુગમાં પ્રાણનો આધાર અન્ન પર. આપણે જે પ્રાણાયામ સામાન્યતઃ જાણીએ છીએ તેમાં શ્વાચ્છોશ્વાસની ક્રિયા-પ્રક્રિયા હોય છે. પ્રદૂષિત હવાની વચ્ચે આપણા પ્રાણાયામ કેટલી હદે સાચા ‘ને સારા પરિણામ આપતાં હશે?

સદીઓ જૂની માનવ સભ્યતા કે સંસ્કૃતિઓ આખરે આપણને આજના દિવસ સુધી લઈ આવી. જેને આપણે વિજ્ઞાન કહીએ છીએ તે તો હમણા આવ્યું! કેમિકલ-પ્લાન્ટ, મીટ-પ્લાન્ટ, ઇક્વિપમેન્ટ-પ્લાન્ટ, પાવર-પ્લાન્ટ બનતાં રહેશે, પણ ટ્રી-પ્લાન્ટ બનવો અશક્ય છે. વૃક્ષને પ્રેમ કરવા આપણે ‘જૂની’ રીતિવિધિ પર નજર નાખીએ તો કશું ખોટું નથી. આશરે એક મિનિટના એટ ધ લિસ્ટ સવા સો વૃક્ષ કપાતાં હશે. વૃક્ષો પણ મહામારીના શિકાર બની શકે છે. વૃક્ષની તબિયત પર ગ્લોબલ-વોર્મિંગ ‘ને વિવિધ પોલ્યુશનની નકારાત્મક અસર થાય છે. એક માણસને વર્ષનો પ્રાણવાયુ પૂરો પાડવા સામાન્ય સંજોગોમાં સાત-આઠ વૃક્ષ જોઈએ. સ્વાભાવિક છે કે વાહનોનાં પૂછડાં ‘ને ઉદ્યોગોની ચોટલીઓમાંથી જે કાર્બન વાયુઓ ઓકાય છે તે સંજોગોને અસામાન્ય બનાવે છે. બેટર છે કે આપણે તર્ક, ઉદારમતવાદ, નાસ્તિકતા જેવા બૌદ્ધિક તત્ત્વોનો નશો બાજુમાં મૂકીને એક વાર જૂની સિસ્ટમ્સ કેવી રીતે વૃક્ષને પ્રેમ કરતી એ જાણીએ ‘ને કશું શીખીએ. ૨૦૧૩માં થયેલો કેદારકાંડ ઈશ્વરના ભક્તોએ નહોતો કર્યો. વૃક્ષ કાપીને આર્થિક વગેરે પ્રગતિ કરવાની નીતિએ કર્યો હતો.

વૃક્ષનાં મૂળ વર્ષો સુધી પહાડ જકડી રાખે છે. મુક્ત અર્થતંત્રમાં ગ્લોબલ હ્યુમન વૃક્ષ કાપીને એ પહાડો ચપટીમાં ખીણ ભેગો કરી દે છે. કોઈ ખજૂરના વૃક્ષને પથ્થર મારતું હતું. કેમ? તો કહે ખજૂર પાડવા. પેગંબર બોલ્યા, ‘જે ખજૂર નીચે પડી હોય તેનાથી સંતોષ માન.’ પેગંબર સાહેબ એક ખજૂરના વૃક્ષ નીચે ઊભા રહીને ઉપદેશ આપતા. કોઈએ કીધું તમારા માટે પડથાર બનાવી આપું. સાહેબ એ પડથાર પર બેસીને વાત કરવા જતાં હોય છે ત્યાં પેલું વૃક્ષ રડી પડે છે. પેગંબર સાહેબ દોડીને તેને ભેટી પડે છે, ‘ને કહે છે કે આ વૃક્ષને મારા ઉપદેશથી વંચિત રહેવાનું દર્દ છે. આપણે અર્થકારણની એવી અસરમાં આવી ગયા છીએ કે આપણે વૃદ્ધાવસ્થાની પણ કિંમત કરીએ છીએ, તેવામાં વૃક્ષાવસ્થાનું મૂલ્ય આંકતા આપણને જોર તો આવવાનું જ. જે પિરામિડ જોઈને આજના અચ્છા ભલા ઇજનેરો દંગ રહી જાય છે એ ઈજિપ્તની સંસ્કૃતિમાં ‘જીવનનું વૃક્ષ’ એક સમયે અવ્વલ મહત્ત્વ ધરાવતું હતું. મુખ્ય ૯ દેવતા તેમાંથી જન્મ્યાનું મનાતું.

ઝોરોસ્ટ્રીઅન્સમાં એવું મનાય છે કે મૂળે એક વૃક્ષ હતું જેની શાખામાંથી પ્રથમ નર અને નારી જન્મેલાં. બહાઈ લોકોમાં પણ ‘ટ્રી ઓફ લાઇફ’નો કન્સેપ્ટ છે. ચીનમાં ૧૯૯૦માં થયેલા પુરાતત્ત્વીય ખોદકામમાં ૪ બ્રોન્ઝના વૃક્ષ મળી આવેલાં. વિવિધ ચીની પરંપરામાં વૃક્ષનું સ્થાન વિશેષ રહ્યું છે. બાઇબલના જીનેસિસ ‘ને રિવિલેશન ભાગમાં ‘ટ્રી ઓફ લાઇફ’ની વાત છે, જે યહૂદીઓને પણ લાગુ પડે છે. ઇસ્લામમાં ‘અમરત્વના વૃક્ષ’ની વાત છે. બહેરીનમાં આજની તારીખે એવા એક વૃક્ષને જોવા કે નમવા લાખો પ્રવાસીઓ જાય છે. મેક્સિકો આસપાસની સંસ્કૃતિમાં પણ એવી વિભાવના હતી. માયા લોકો એક મહાકાય શિમળા જેવા વૃક્ષને જગતની ધરી માનતા, માન્યતા અનુસાર તે પોતે પૃથ્વી પર હતું તથા તેની શાખાઓ સ્વર્ગમાં જતી ‘ને તેના મૂળ પાતાળલોક વા અન્ડરવર્લ્ડમાં. ભારતમાં બદરીનાથ પાસે જોશીમઠમાં ૧૨૦૦ વર્ષ આસપાસ જૂનું એક શેતૂરનું વૃક્ષ છે, જેને લોકો કલ્પવૃક્ષ તરીકે પૂજે છે.

મલેશિયાની સેનોઈ પ્રજામાં એક વ્યક્તિ ‘ને એક વૃક્ષ વચ્ચે અતૂટ નાતો હોય છે. જે-તે વૃક્ષના વંશજ સાથે પણ જે-તે વ્યક્તિનો નાતો આગળ વધે છે. એ વૃક્ષમાંથી બીજ ગમે તેટલું દૂર પડીને છોડ ઊગે, પણ સેનોઈ વ્યક્તિને તેના અંતર્નાદ થકી માલૂમ થઈ જાય કે આ ‘મારા’ વૃક્ષનું સંતાન છે, આ ‘મારું’ છે. મલેશિયામાં ઘણા ઘરની દીવાલ કે અન્ય ભાગ યા વસ્તુના ભોગે વૃક્ષને મહત્ત્વ આપે છે. કબ્રસ્તાનમાં પણ વૃક્ષને સહજ રીતે જીવવા દેવાય છે. કબરને નુકસાન જાય તેવું માનવાને બદલે ત્યાં એવું મનાય છે કે વૃક્ષ ત્યાં સૂતેલા જીવો માટે ઉપરવાળાને પ્રાર્થના કરતું હોય છે.

સ્વિડનમાં અમુક વૃક્ષને વૉર્ડન અર્થાત્ ગૃહપતિ ગણવામાં આવે છે. લોકો માને છે કે પોતાના ઘરની નજીકનું એ વૃક્ષ ઘરની રક્ષા કરતું હોય છે. ઘણા કુટુંબ એ વૃક્ષના નામ પરથી પોતાની અટક રાખે છે. આઇરિશ ‘ને ઇંગ્લિશ લોકવાયકા મુજબ અમુક વૃક્ષ હોય ત્યાં પરી આવે. અમુક વૃક્ષ નકારાત્મક શક્તિઓ સામે રક્ષણ કરે. અમુક વૃક્ષ પરના ઝાકળથી અમુક સમયે લેપન કરવાથી સુંદરતા વધે. પુરુષો એ ઝાકળથી ત્યારે હાથ સ્વચ્છ કરે તો એ બેમિસાલ કારીગર બને. જાપાનમાં આજની તારીખે ‘ફોરેસ્ટ બાથિંગ’નું કલ્ચર છે.

સંસ્કૃત સુભાષિત ગાગરમાં સાગર જેવું જ્ઞાન પીરસવા સાથે અક્કલને કસીને વાપરવી પડે એવી ભાષામાં વાત કરવા માટે જાણીતા છે. કિન્તુ, આ એક સુભાષિત જુઓ કેટલી પ્રત્યક્ષ ‘ને પૂર્ણ વાત કરે છે- જે વૃક્ષ ચંદ્રકિરણ તથા ચંદન સમાન શીતળ છાયા પ્રદાન કરે છે, સુંદર તેમ જ મનને મોહિત કરનાર પુષ્પ દ્વારા વાતાવરણ સુગંધિત કરે છે, આકર્ષક તથા સ્વાદિષ્ટ ફળ મનુષ્ય જાત પર ન્યોછાવર કરે છે એ વૃક્ષને જંગલી ‘ને અસભ્ય લોકો કાપે છે, મનુષ્યની આ તે કેવી કૃતઘ્નતા છે? નિઃસંદેહ અહીં ‘જંગલી ‘ને અસભ્ય’ વાસ્તવમાં જંગલ બહાર સમાજમાં રહેતાં લોકોને કીધાં છે! વૃક્ષ પોતાના પોષણ માટે મહદ્અંશે પ્રકાશ પર નિર્ભર છે. પાણી ‘ને પૃથ્વીના ખનિજ તો વૃક્ષના ભોજનના માત્ર ૩૦% ભાગ જ હોય છે. છતાં વિચારો કે

વૃક્ષ કેટલાં વિસ્તૃત થાય છે? કેટલું જીવે છે? વિજ્ઞાને તો એ પણ વિચારવાનું છે કે ૩૦% ૩૦% કરીને હજારો વર્ષથી એક પર્વત પર અનેકો વૃક્ષ ઊભા થયાં હોવા છતાં તે પર્વતની ઊંચાઈ કેમ ઘટતી નથી?

ટેક્નિકલ મનન કરવું હોય તો વૃક્ષ તથા અવકાશી તત્ત્વોનો શું સંબંધ છે એ દિશામાં પણ કરી શકાય. ભારતીય શાસ્ત્રો મુજબ દરેક નક્ષત્રની સાથે કમ સે કમ એક વૃક્ષ ગાઢ રિશ્તો ધરાવે છે. પ્રત્યેક ગ્રહ સાથે એક કે વધુ વૃક્ષ સીધો ‘ને મજબૂત સંપર્ક ધરાવે છે. વૃક્ષ એ એન્ટેનાની જેમ કામ કરે છે. બીજી શાખામાં તો હશે જ પણ વૈષ્ણવ તંત્રમાં વૃક્ષ પર ધ્યાન ધરવાની એક પ્રાચીન વ્યવસ્થા છે. વિજ્ઞાન ભૈરવમાં વૃક્ષની આગોશમાં બેસીને દૂર-દૂર સુધી જે દેખાય તે બધું જ એ વૃક્ષમાં આવીને મળી જાય છે તેમ ધારણા ધરીને ધ્યાન કરવાની એક રીત છે. ફક્ત ઓક્સિજન એટલે જ પ્રાણ હોય ‘ને વૃક્ષ ફક્ત ઓક્સિજનના જ કામના હોય તો ઓક્સિજન પર જીવતાં માનવીઓમાં અન્ય માનવીઓની સરખામણીમાં જે-તે રોગ કે સમસ્યાને બાદ કરતાં કોઈ હકારાત્મક વિશેષતા દેખાય જ.

માનવજાતના ઇતિહાસમાં વૃક્ષજાતના ઉપયોગ થકી જીવન મળ્યું હોય ‘ને જીવન સુધર્યું હોય તેવા અબજો ઉદાહરણ છે. માણસના શરીરમાં રહેલી ગૂઢ ગ્રંથિ પિનિઅલ તથા અમર વૃક્ષ કહેવાતાં પાઇનના કોન વચ્ચે યુરોપ હોય કે હિમાલય, જૂનાં લોકોને કોઈ ખાસ સંબંધ દેખાયો હતો. પાઇનની જિનોમ સિક્વન્સ લાંબામાં લાંબી હોય છે. ચાલો આપણે અમર નથી થવું, પણ જીવવું તો છે કે નહીં? ઉદ્યોગીકરણ ‘ને ડૉલર ડૉલર કરવામાં વિશ્વના બહુમત પ્રભાવી લોકો વૃક્ષની લાશો પર જ્યાફત ઉડાવતા રહ્યા. પ્લાસ્ટિકને બલિનો બકરો બનાવવામાં ખોટું નથી, પણ તેથી આપણુ કામ નહીં પતે.

વૃક્ષ ફક્ત ગ્લોબલ-વોર્મિંગ ‘ને ઓક્સિજન માટે કામના છે એવા ટૂંકા ચિંતન ‘ને વેપારી સ્વાર્થમાંથી બહાર આવીને ઘણુ ઊંચે જવાનું બાકી છે. વૃક્ષનું માત્ર અસ્તિત્ત્વ નહીં, તેમની વિપુલ વસ્તી એ જ મનુષ્ય જાતના સારા જીવનનો સાચો આધાર છે એ પહેલા સ્વીકારવાનું છે, પછી તે માટેનાં કારણો શોધવાના છે. અંગ્રેજી શબ્દ ટ્રીના મૂળમાં સંસ્ક્ૃત શબ્દ દારૃ અર્થાત્ ઇમારતી લાકડું છે. ના, આપણે એવા અહંકાર ‘ને અહોભાવના કૂવામાં તર્યા નથી કરવું. ભાઈ અરવિંદનું દિલ્હી હોય કે આપણુ ગુજરાત, એક-એક વૃક્ષ સાક્ષાત્ વિજ્ઞાન છે કે જીવંત સંત છે તેવો વિચાર આપણા વર્તનમાં આપણે વણી લઈએ ત્યારે ખરું. બાકી વૃક્ષનું નિકંદન નીકળશે ‘ને માણસો મજા કરશે એ વાતમાં તસુ ભાર પણ માલ નથી.

બુઝારો
‘૮૯ની ફિલ્મ ‘હીરો હીરાલાલ’માં નાયક-નાયિકા વટવૃક્ષને હગ કરીને શાંતિ મેળવતાં બતાવે છે. ‘બ્લાઇન્ડેડ બાય સાયન્સ’ બુકના લેખક મેથ્યુ સિલ્વરસ્ટોન આધાર સાથે માહિતી આપે છે કે વૃક્ષને આલિંગન આપવાથી માનસિક આરોગ્ય ઘણુ સુધરે છે. વારુ, વૃક્ષને ભેટો, હાય હલો કરો એવી ખાસ સૂચના ડોક્ટર્સ પ્રિસ્ક્રિપ્શનમાં ક્યારે લખતાં થશે?
—————————————————-.

Leave A Reply

Your email address will not be published.

Translate »