– ધનંજય રાવલ
બીજને અંકુરિત થવાથી માંડીને એ વટવૃક્ષ થવાના ક્રમને ધ્યાનથી જોવામાં આવે તો તેનું દરેક પાંદડંુ, શાખાઓ અને પ્રશાખાઓ ખૂબ સુંદર સ્પાઈરલ પેટર્નને અનુસરતા જોવા મળશે. આ પેટર્ન કુદરતમાં ચારેબાજુએ જોવા મળશે.
એક વખત એવું બન્યું કે અમારી પ્રોડક્શન ટીમ સાયન્સ ફિલ્મ ‘કોસ્મોસ’નું નિર્માણ કરી રહી હતી. ડ્રોન દ્વારા શૂટિંગ ચાલી રહ્યું હતું. ડ્રોનને શક્ય એટલું ઉપર લઈ જઈને શૂટિંગ થયું. સ્ક્રીન પર અમારી ટીમના સભ્યો શૂટિંગ જોતા હતા ત્યારે એક સભ્યના મગજમાં સવાલ ઊભો થયો અને કહ્યું કે, ટોપ વ્યૂથી જ્યારે જમીન પર વૃક્ષો જોઈએ તો તે બધાંનો આકાર ગોળાકાર જ કેમ દેખાય છે? વિજ્ઞાન લેખક અને સાયન્સ ટીમના ડિરેક્ટર તરીકે મારા પાસે આ પ્રશ્નનો જવાબ હશે એવી અપેક્ષા હતી, પરંતુ તે વખતે મારા માટે એ સવાલ આઉટ ઓફ સિલેબસ હતો. વૃક્ષ ઉપર કંઈક અલગ રીતે વિચારવાનો ખ્યાલ આ સવાલ દ્વારા આવ્યો. આજે એ લેખ તરીકે પ્રસ્તુત છે.
જમીનમાંથી બીજ જ્યારે અંકુરિત થઈને બહાર આવે ત્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પલ્લવિત થાય છે, પર્ણ બને છે અને તેનો વિકાસ થાય છે. હવે જ્યારે બીજા પાંદડાની કૂંપળ ફૂટે ત્યારે તેને ખબર છે કે આગળના પાંદડાની નીચે ફૂટે તો સૂર્ય પ્રકાશ નહીં મળે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા નહીં થાય અને તેનો યોગ્ય વિકાસ નહીં થાય. તેથી બીજું પાંદડું બિલકુલ એની વિરુદ્ધ દિશામાં ફૂટશે અને ત્યાંથી એક નવી ડાળી બનશે. હવે પહેલી ડાળીમાંથી બે નવી ડાળી બનશે અને બીજી ડાળી આગળ વધશે. એમ એક ફૂલ ત્રણ નવી ડાળી બનશે. એ ત્રણ ડાળીમાંથી આગળ પાંચ, આઠ, તેર, એક્વીસ……. આમ દરેક ડાળીનાં પાંદડાંને યોગ્ય પ્રકાશ મળે તે માટે વૃક્ષ પોતાની ડાળીને એક બીજાથી જુદી જગ્યાએ ઉગાડે છે. આકૃતિમાં જોવાથી તે સ્પષ્ટ થાય છે. તેનો વિસ્તાર ચારે તરફ થાય છે. આમ કોઈ પણ વૃક્ષ ઉપરથી જોઈએ તો તે આકાર ગોળાકાર જ દેખાય છે.
બીજને અંકુરિત થવાથી માંડીને એ વટવૃક્ષ થવાના ક્રમને ધ્યાનથી જોવામાં આવે તો તેનું દરેક પાંદડંુ, શાખાઓ અને પ્રશાખાઓ ખૂબ સુંદર સ્પાઈરલ પેટર્નને અનુસરતા જોવા મળશે. આ સ્પાઈરલ પેટર્નનો ક્રમ જોવામાં આવે તો. ૦, ૧, ૧, ૨, ૩, ૫, ૮, ૧૩, ૨૧, ૨૪, ૫૫, ૮૯, ૧૪૪….. આ પેટર્નમાં કોઈ પણ આંકડો જોવામાં આવે તો આગળના બે અંકના સરવાળા બરાબરના જોવા મળશે. આ આંકડાઓ જે ક્રમમાં મળે છે તેને ‘ફિબોનાચી’ નંબર તરીકે ઓળખવામાં આવે છે. આ પેટર્ન કુદરતમાં ચારેબાજુએ જોવા મળશે. પાણીનું ટીપું પાણીમાં ટપકે અને તરંગો ઉત્પન્ન થાય તેમાં, મનુષ્યની શરીર રચનામાં, માથું ધડ અને પગમાં, વનસ્પતિનાં પાંદડાં ખીલવવામાં, શંખમાં, જગતમાં બધે જ સ્પાઈરલ પેટર્ન વાવાઝોડાની સેટેલાઈટ ઈમેજ મળે તેમાં, પૃથ્વીની આસપાસ ફરતા સેટેલાઈટ પણ આ પેટર્નને અનુસરે છે.
ચંદ્ર, પૃથ્વીની અને પૃથ્વી સૂર્યની આસપાસ પણ આજ પેટર્નને આધારે ફરે છે. શુક્ર, બુધ અને પૃથ્વી પણ સૂર્યની આસપાસ આ પેટર્નને આધારે ગોઠવાયેલા છે. મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચ્યૂન પણ સૂર્યની ફરતે ફિબોનાચી નંબરની પેટર્નને અનુસરે છે. આપણી આખી સૂર્યમાળા જે ગેલેક્સીમાં છે તે પણ સ્પાઈરલનો આકાર ધરાવે છે. આપણા હૃદયના ધબકારા, આપણા શરીરના ડીએનએ પણ એ જ સ્પાઈરલ પેટર્ન પ્રમાણે છે. મ્યુઝિકા…. મ્યુઝિકા એ પ્રાચીન શબ્દ છે. આ શબ્દ જ્ઞાન અને સત્યને શોધવાની ક્રિયાને સંબોધવા માટે વપરાય છે. એક સામાન્ય વ્યક્તિ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ શોધવાની પ્રક્રિયામાં આટલા અદ્ભુત સત્ય અને જ્ઞાન મળે ત્યારે હું મ્યુઝિકા શબ્દ ઉચ્ચારું છું. યોગમાંથી યોગા કરતાં ઊંધો ક્રમ મ્યુઝિકામાંથી મ્યુઝિકા થઈ ગયો. આ સંગીત કુદરતની દરેક ક્રિયાઓમાં છે. પાણીનાં ટીપાં પડવાનો અવાજ, કોયલ અને મોરના ટહુકામાં, પવનમાં, વાદળની ગર્જનામાં પવન વૃક્ષના પાંદડામાંથી પસાર થવાથી ઉદ્ભવતું સંગીત.
આ થઈ વૃક્ષની અંકુરથી માંડીને વટવૃક્ષની વિકાસયાત્રા. વૃક્ષ વિષે બીજી પણ ઘણી બધી જાણવાલાયક વાતો છે જે તમને હજુ સુધી વૉટસઍપ કે ફેસબુક પર માણવા ન મળી હોય. કુદરતે આપણને આપેલી જુદી અદ્વિતીય ભેટમાં વૃક્ષને પહેલો નંબર આપવો જોઈએ. વનસ્પતિનો સૌ પ્રથમ ઉદ્ભવ દરિયામાં લીલ તરીકે થયો. કરોડો વર્ષની ઉત્ક્રાંતિ પછી એડેપ્ટેશન અને ઈવોલ્યુશનની થિયરી મુજબ વનસ્પતિ ધરતી પર આવી. ધરતી પર વનરાજી ખીલી ઊઠી. આમ પૃથ્વી પર વૃક્ષો ન હતાં ત્યારે ઓક્સિજનનું પ્રમાણ માત્ર બે ટકા હતું. ત્યાર બાદ વૃક્ષોને કારણે એકવીસ ટકા સુધી પહોંચી ગયું. મનુષ્ય અને અન્ય જીવને અનુકૂળ વાતાવરણ પેદા થયું. વૃક્ષ પાસેથી માનવ ઘણુ બધું શીખ્યો છે. માનવે ઘણુ બધંુ મેળવ્યું પણ છે. કરોડો વર્ષોના ઊથલપાથલથી દબાઈ ગયેલાં વૃક્ષોને કારણે ધરતીના પેટાળમાં ખનીજ તેલ બન્યું. લાકડાના મહેલ, સ્ટીમર, ઘર, ફર્નિચરથી માંડીને સ્મશાનમાં લાકડાંનો ઉપયોગ.
દહેરાદૂનમાં આવેલી ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટની મુલાકાત લેવા જેવી છે. ‘મહોબ્બતેં’ ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ અહીં થયેલું છે. ભારતમાં કેવાં-કેવાં પ્રકારનાં વૃક્ષો હતાં, તે કેટલાં વર્ષ જૂના હતાં તે બધું અહીં સાચવી રખાયેલું છે. તેમાંથી કઈ-કઈ વસ્તુઓ બનતી હતી તેના સેમ્પલ પણ અહીં મૂકેલા છે. વિમાનના પ્રોપેલર પણ ભારતમાં ઊગતાં વૃક્ષોનાં લાકડાંમાંથી બનાવવામાં આવતા હતા. ડેલહાઉસીમાં પાણીનું એક ઝરણું છે. વન વગડામાંથી વહેતું આ ઝરણાનું પાણી પીને સુભાષચંદ્ર બોઝે ટીબીનો રોગ મટાડયો હતો. ઘણા વર્ષો પહેલાં મારું પુસ્તક ‘આઝાદી કે દીવાને’ લખતો હતો ત્યારે સુભાષચંદ્ર બોઝે જે ઘરમાં નિવાસ કર્યો હતો તે જોવા ગયો ત્યારે આ વાત જાણી હતી.
અજન્ટાની ગુફામાં દોરેલાં ચિત્રો બારસો વર્ષથી વધુ જૂનાં છે. તે ચિત્રો બનાવવા માટે ત્યાંના જંગલોમાં ઊગેલાં વૃક્ષોના રસમાંથી જુદા-જુદા રંગો બનાવ્યા હતા. તે ચિત્રોમાં આજે પણ રંગની ચમક દેખાય છે. ગુફાની બહાર એ જગ્યાએ જુદા-જુદા રંગને રાખવા માટે નાના-નાના ગબ્બા બનાવેલા છે. જુદા-જુદા કલર મિક્સ કરવા માટે મોટો ગબ્બો બનાવ્યો છે. કલર ટ્રેનો આઈડિયા અહીંયા ઉદ્ભવ્યો છે. બે મહિના પહેલાં હું યુ.એસ. સિલિકોન વેલી ખાતે ફેસબુકની મુલાકાત લઈ આવ્યો. ત્યાં એમણે સોલાર ટ્રી બનાવ્યા છે. તેની ડિઝાઇન તૈયાર કરતી વખતે ઑરિજિનલ વૃક્ષમાં જોવા મળતી સ્પાઈલર પેટર્નને અનુસર્યા તો તેમાં મેક્સિમમ વીજળી ઉત્પન્ન થયેલી જોવા મળી.
ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલના રાજમાં દુકાળ પડયો હતો. એ વખતે મોટા પાયે વૃક્ષારોપણ થયું હતું. ગાંધીનગર માથાદીઠ સૌથી વધુ વૃક્ષો ધરાવતું શહેર જાહેર થયું હતું. અમદાવાદ અને ગાંધીનગરના ઉષ્ણતામાનમાં મોટો તફાવત જોવા મળતો હતો. ગાંધીનગરમાં વરસાદ હોય ત્યારે અમદાવાદ કોરુંકટ જોવા મળતું હતું, પરંતુ ગ્લોબલાઈઝેશને પત્તર ખાંડી નાખી. રસ્તા મોટાં થયાં. વૃક્ષો કપાયાં. કાળો ડામર પથરાયો. તેથી ગરમી વધારે શોષાઈ. બંધ ઓરડાને ઠંડા કરવા ઍરકન્ડિશનર અને પ્લાન્ટ નંખાયા. અંદરની હવા બહાર ઠલવાઈ. પરિણામે આજે અમદાવાદ અને ગાંધીનગરના તાપમાનમાં કંઈ ફરક ન રહ્યો.
હવે એક પ્રયોગ કરો. મોઢું ખુલ્લું રાખીને હવા બહાર કાઢો તો ગરમ હવા નીકળે, પરંતુ ફૂંક મારીને હવા બહાર કાઢો તો તે હવા ઠંડી નીકળે છે. વિજ્ઞાનમાં આને ‘કેપેલરી એકશન’ કહે છે. કોઈ પણ મોટી જગ્યામાંથી હવા દબાણપૂર્વક નાના વિસ્તારમાંથી હવાને બહાર કાઢવામાં આવે તો તે ઠંડક ઉત્પન્ન કરે છે. ઍરકન્ડિશનરમાં કમ્પ્રેસર દ્વારા આવંુ જ કરવામાં આવે છે, પરંતુ એ પહેલાં લીમડાનાં વૃક્ષો વાવીને ઠંડક મેળવવાનુું કામ વર્ષોથી કરતા આવ્યા છે. લીમડાનાં વૃક્ષોનાં પાંદડાં પ્રમાણમાં નાનાં હોય છે. તેના પરથી જ્યારે હવા પસાર થાય ત્યારે પાંદડાં વચ્ચે રહેલી નાની-નાની જગ્યા કેપેલરી એકશન દ્વારા ઠંડક ઉત્પન્ન થાય છે. વૃક્ષોનું પ્રમાણ વધુ હોય તો ઠંડક પણ વધુ ઉત્પન્ન થાય છે. મહેલોમાં પણ ઝીણી-ઝીણી જાળીઓ એટલે જ બનાવવામાં આવતી હતી. જયપુરનો હવા મહેલ તેનું ઉત્તમ ઉદાહરણ છે. ન્યૂયૉર્કના સ્ટેચ્યુ ઓફ લિબર્ટીના ટાપુ પર ફરો તો એટલી બધી ઠંડી નહીં લાગે, પરંતુ તેની સામે આવેલા બહુમાળી મકાનોની ગલીઓમાં ઠંડી ખૂબ જ લાગવાનું કારણ પણ એ જ છે. શહેરની બહારથી હવા ગલીમાં પસાર થાય ત્યારે કેપેલરી એકશન ઉદ્દભવતી હોવાથી ઠંડક ઉત્પન્ન થાય છે.
ઘણા બધા દેશો હવે બહુમાળી મકાન બનાવવાની પરમિશન આપતા નથી. વધુમાં વધુ બે માળ. ઘરની આજુબાજુ પુષ્કળ પ્રમાણમાં વૃક્ષો પણ સરકાર વાવે છે, કારણ કે વૃક્ષો વરસાદ તો લાવે જ છે, પરંતુ તેમાંથી ચડાઈને આવતી હવા ઉષ્ણતામાન ઘટાડે છે. હવામાં રહેલા પ્રદૂષિત રજકણો વૃક્ષની છાલ અને પાંદડાં પર ચોંટી જાય છે. વૃક્ષો કુદરતી ફિલ્ટરનું કામ કરે છે અને આપણને ચોખ્ખી હવા આપે છે. ઘરની આજુબાજુ વૃક્ષોથી બીજો ફાયદો એ થાય છે કે આજુબાજુથી આવતો અવાજ વૃક્ષો શોષી લે છે. વૃક્ષો નેચરલ નોઈઝ કેન્સલર પણ છે. શ્વાસના અને મગજના રોગો ઘટાડવા માટે આ ખૂબ જ જરૃરી છે. આ બધાને કારણે ગ્લોબલ વૉર્મિંગની અસર ભારત જેટલી દેખાતી નથી. વળી, વારંવાર પડતા વરસાદને કારણે વૃક્ષો કુદરતી રીતે ધોવાઈ જાય છે. ફિલ્ટર સાફ થઈ જાય છે. ઍરકન્ડિશનરમાં તો તેને સર્વિસ કરવું પડે છે. એટલે પશ્ચિમના દેશોમાં ફરવા જઈએ ત્યારે ત્યાંના ફોટા પણ સરસ આવે છે.
વૃક્ષના આવા અનેક ફાયદાઓ જાણીને કવિએ ‘તરુનો બહુ આભાર, જગતમાં તરુનો બહુ આભાર’ નામનું સુંદર કાવ્ય પણ રચ્યું છે. કુદરતે જગતમાં બધી જ વસ્તુઓ સુંદર બનાવી છે. કુદરતે ખુશ થઈને મનુષ્યમાં બુદ્ધિનું પ્રમાણ વધારે મૂકયું. મને લાગે છે અગાઉ જોઈ ગયા એ સ્પાઈરલ પેટર્નમાં કંઈક ગરબડ થઈ ગઈ છે. ત્યારથી મનુષ્ય કુદરતની વિરુદ્ધ કામ કરતો થઈ ગયો છે.
વૃક્ષની કોઈ ડાળી સડી જાય તો તે આપોઆપ પડી જાય છે. આપણા શરીરમાં કોઈ ખરાબી, ખીલ કે ગૂમડા દ્વારા ઓટોમેટિક બહાર નીકળી જાય છે. ગુનેગારને ફાંસી આપવામાં આવે છે તેમ મને લાગે છે, કુદરતને વૃક્ષના નિકંદનની પીડા ઊપડશે ત્યારે તે મનુષ્યનો સોથ વાળી નાખશે. કરોડો વર્ષો પહેલાં પૃથ્વી પર ઉલ્કાપાત કરી જે ડાયનોસોર જેવા મહાકાય પ્રાણીઓનો કચ્ચરઘાણ વાળ્યો હતો તેવી પરિસ્થિતિ સર્જાશે? મનુષ્યજાત, પ્રાણીજગત અને બાકી રહેલાં વૃક્ષો ફરીથી પૃથ્વીના પેટાળમાં ધરબાઈ જશે. તેનું ખનીજ તેલ બનશે. અત્યારે ખોદકામ થાય ત્યારે ડાયનોસોરનાં હાડકાં અને ઈંડાં મળી આવે છે તેમ એ વખતે ખોદકામ થશે એટલે સભ્ય મનુષ્યના હાડપિંજરને જોવા કોઈ નવો ઈમ્પ્રુવ્ડ સ્પાઈરલ સિક્વન્સવાળો જીવ જોવા આવશે અને વાતો કરશે કે આ મનુષ્યએ વૃક્ષોનું જતન ન કર્યું એટલે તેનું નિકંદન નીકળ્યું. વૈજ્ઞાનિકો જુદી-જુદી રીતે ગણતરી કરીને આવી ભયસૂચક પરિસ્થિતિની ઘંટડી વગાડી ચૂક્યા છે.
પ્રખ્યાત વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝે તો સાબિત કરી આપ્યું છે કે વૃક્ષોમાં જીવ છે છતાં મરઘીના ફાર્મ હાઉસમાં ઈંડાંની સલામતી માટે મરઘી પર જે રીતે અત્યાચાર ગુજારવામાં આવે છે એમ વૃક્ષોનાં ફળ મેળવવા માટે તેને રીબાવી રીબાવીને કાચા ફળ તોડી લેવામાં આવે છે. આવા ફળ આરોગવાથી આરોગ્ય બગડે છે અને બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. ખરેખર તો પાકીને નીચે પડેલાં ફળ ખાવાં એવું શાસ્ત્રમાં લખેલું છે.
ડાળખી – તમે કોણ હલાવે લીમડી ‘ને કોણ ઝૂલાવે પીપળી, છેલ્લે કયારે સાંભળ્યું? તમે આંબલી-પીપળી છેલ્લે ક્યારે રમ્યા? તમે છેલ્લે વૃક્ષારોપણ ક્યારે કર્યું?
——————————