તમારા માટે, તમારી સાથે, સતત…

સંસાર વૃક્ષ-જેનાં મૂળ ઉપર છે અને ડાળ-પાંદડાં નીચે છે

આપણે સંસારમાં ગમે તેટલા દૂર નીકળી જઈએ, આપણે તેની સાથે જોડાયેલા જ રહીએ છીએ.

0 493

– ઓશો

અર્જુન! ઉપર પરમાત્મા જ જેનું મૂળ છે. નીચે પ્રકૃતિ જેની શાખા છે આવા સંસારરૃપી પીપળાના વૃક્ષને અવિનાશી કહેવામાં આવ્યું છે. (વૃક્ષ તો કાલ સુધી પણ રહેનારું નથી. ગમે ત્યારે તે કપાઈ જાય, પરંતુ તે અવિનાશી છે.) શ્રીકૃષ્ણના કહેવા પ્રમાણે અવિનાશી બે વસ્તુ છે. એક સંસારરૃપી વૃક્ષ અવિનાશી છે અને બીજું એનાથી પર પરમતત્ત્વ અવિનાશી છે. વેદને આ અવિનાશી  સંસારવૃક્ષનાં પાંદડાં કહેવામાં આવ્યાં છે. જે વ્યક્તિ આ સંસારરૃપી વૃક્ષને (જોતો હોવા છતાં) જાણી લે છે, તે વેદનો જ્ઞાતા છે.

આ સંસારરૃપી વૃક્ષની ત્રણે ગુણો દ્વારા વિકસેલી વિષય અને જીવરૃપી કૂંપળોવાળી શાખાઓ નીચે અને ઉપર સર્વત્ર ફેલાયેલી છે. નીચેની તરફ ડીકા પતંગિયા સુધી અને ઉપર દેવભાવથી બ્રહ્માપર્યંત સર્વત્ર ફેલાયેલી છે તથા માત્ર મનુષ્ય યોનિમાં કર્મો અનુસાર બાંધનારી છે. અન્ય તમામ યોનિ ભોગ ભોગવવા માટે છે. મનુષ્ય-યોનિને જ કર્મો અનુસાર બંધન છે.

 

આ સૂત્રમાં પ્રવેશ કરતા પહેલાં કેટલીક વાતો સમજવી જરૃરી છે. પહેલી વાત. આધુનિક સમયના મોટા ભાગના વિચારકો માને છે કે જગતનો વિકાસ નિમ્નથી શ્રેષ્ઠ તરફ થઈ રહ્યો છે. ડાર્વિન અથવા માર્ક્સ, બર્ગસન વગેરે. જેમ-જેમ આપણે પાછળ જઈએ છીએ તેમ-તેમ વિકાસ ઓછો અને આગળ જઈએ છીએ તેમ વિકાસ વધુ. અતીત પછાત હતું, વર્તમાન વિકાસમાન છે. ભવિષ્ય હજુ વધુ આગળ જશે. આ સમગ્ર વિચારસરણીનો મૂળ સ્ત્રોત, ઉદ્દગમને નાનું સમજવું અને વિકાસના અંતિમ શિખરને શ્રેષ્ઠ માનવું એ છે, પરંતુ ભારતની મનીષા બિલકુલ વિપરીત છે.

આપણે માનીએ છીએ કે મૂળ શ્રેષ્ઠ છે, જે સ્ત્રોત છે એ શ્રેષ્ઠ છે. આદમી શ્રેષ્ઠ નથી, પરંતુ ગર્ભમાં છૂપાયેલ જે બીજ છે એ શ્રેષ્ઠ છે. જેને પશ્ચિમમાં વિકાસ કહે છે. તેને આપણે પતન કહીએ છીએ. વિકાસની વાત સાચી હોય તો અંતિમ શિખર પર પરમાત્મા પ્રગટ થશે, પરંતુ ભારતીય દ્રષ્ટિ કહે છે કે પરમાત્મા પ્રથમ છે.  જેને આપણે સંસાર કહીએ છીએ એ વિકાસ નહીં, પતન છે. આપણે જ્યાંથી આવ્યા છીએ ત્યાંથી ક્યારેય ઉપર ઊઠી શકીએ નહીં. મૂળ સ્ત્રોતથી ઉપર જવાનો કોઈ ઉપાય પણ નથી. એથી જ્યારે કોઈ વ્યક્તિ જીવનની શ્રેષ્ઠતમ સમાધિસ્થ અવસ્થાને પ્રાપ્ત કરે છે ત્યારે એક બાળક જેવો થઈ જાય છે. જે પરમ પ્રાપ્તિ છે, શાંતિની, નિર્વાણની, મોક્ષની એ સ્થિતિ છે.

જગતનો વિકાસ રેખાબદ્ધ નથી, લીનિયર નથી. એક રેખાની માફક નથી થતો, એક વર્તુળની માફક વિકાસ થાય છે. તેમાં પ્રથમ અંતિમ થઈ જાય છે. જે અંતિમને મેળવવા ઇચ્છે છે, તેણે પ્રથમ જેવી અવસ્થા મેળવવી પડશે. જગત પરમાત્માનું પતન છે અને જગતમાં વિકાસનો એક જ ઉપાય છે કે આ પતન ખોવાઈ જાય અને આપણે ફરી મૂળસ્ત્રોતને પ્રાપ્ત કરી શકીએ. આ વાત સમજીશું ત્યારે જ ઉલટા વૃક્ષનું રૃપક સમજાશે.

કોઈ ઊલટું વૃક્ષ જગતમાં હોતું નથી. અહીં બીજ વાવવું પડે છે. ત્યારે વૃક્ષ ઉપરની તરફ ઊગે છે અને વિકાસમાન થાય છે. વૃક્ષ બીજનો વિકાસ છે, અભિવ્યક્તિ છે, તેની સર્વોચ્ચ પ્રસન્નતા છે, પરંતુ ગીતાએ અને ઉપનિષદોએ જગતને ઊલટું વૃક્ષ કહ્યું છે. ઊંચાઈ ગુમાવવાની છે, નીચે ઊતરવાનું છે, ઊંચાઈ મેળવવાની નથી. જેવી રીતે વૃક્ષ ઉપરની તરફ વધે છે એવી રીતે આપણે સંસારમાં ઉપરની તરફ વધતા નથી. આપણે સંસારમાં જેટલા વધીએ છીએ તેટલા નીચેની તરફ વધીએ છીએ. આપણે જે જોઈએ છીએ તેનાથી તદ્દન વિપરીત અવસ્થા છે. જેને આપણે વિકાસ કહીએ છીએ, એ પતન છે. આ કારણસર જ પૂર્વનું સમગ્ર ચિંતન ત્યાગવાદી થઈ ગયું. પશ્ચિમમાં ભેગું કરવું એ વિકાસ છે, પૂર્વમાં છોડવું એ વિકાસ છે. ઊલટા વૃક્ષની ધારણામાં આ બધી બાબતો સમાવિષ્ટ છે.

આ સંસાર વૃક્ષ ગમેતેટલું ઊલટું હોય, પરંતુ એ પરમાત્મા સાથે જોડાયેલું છે. એ ગમે તેટલું દૂર ફેલાયેલું હોય, પણ આ વૃક્ષની શાખા-પ્રશાખાઓમાં તેનો જ પ્રાણ પ્રવાહિત થાય છે. સંસાર વિપરીત હોઈ શકે છે, પરંતુ પરમાત્માનું અભિન્ન અંગ છે. આપણે સંસારમાં ગમે તેટલા દૂર નીકળી જઈએ, આપણે તેની સાથે જોડાયેલા જ રહીએ છીએ.

Related Posts
1 of 281

આ સંસારનું વૃક્ષ તદ્દન ઊલટું છે. અહીં જે સફળ દેખાય છે એ પોતાની નિષ્ફળતાને છૂપાવીને બેઠા છે. અહીં જે ધનવાન દેખાય છે, એ બિલકુલ નિર્ધન છે. અહીં જે બહારથી હસતા અને ખુશખુશાલ જણાય છે, ભીતરમાં દુઃખથી ભરેલા છે. અહીં બધું જ ઊલટું છે. પરંતુ થોડી ગહન નજર હોય તો એ દેખાવા લાગે છે અને જે દિવસે આપને એ દેખાવા લાગે કે સંસારનું વૃક્ષ ઊલટું છે, એ દિવસે આપના જીવનમાં ક્રાંતિની ક્ષણ આવી ગઈ. આપ બદલાઈ શકો છો.

શ્રીકૃષ્ણ કહે છે કે જેનું મૂળ ઉપરની તરફ અને શાખાઓ નીચે છે એવા સંસારરૃપી પીપળાના વૃક્ષને અવિનાશી કહે છે, તેના પાનને વેદ કહેવાય છે, એ સંસારરૃપી વૃક્ષને જે પુરુષ મૂળ સહિત તત્ત્વથી જાણે છે, એ વેદના તાત્પર્યને જાણનાર છે. બહુ ક્રાંતિકારી વચન છે, પરંતુ એવી રીતે કહેવાયું છે કે તેના સમગ્ર અર્થમાં પ્રવેશવાનું મુશ્કેલ છે.

પહેલી વાત જેના મૂળ ઉપર છે. મૂળ સદા નીચે હોય છે. સંસારમાં તો એવું જ હોય છે. જરૃર આપણે ક્યાંક ભૂલ કરીએ છીએ. પૂર્વ સદા માતા-પિતાને આદર આપે છે. પશ્ચિમમાં એવો આદર નથી. કેમ કે મૂળને આપણે ઉપર માનીએ છીએ. પુત્ર ગમે તેટલો મોટો થઈ જાય, એ બુદ્ધ થઈ જાય તો પણ તે માતાનાં ચરણ સ્પર્શ કરશે. કેમ કે મૂળથી ઉપર જવાનો કોઈ ઉપાય નથી. પશ્ચિમમાં મૂળને શ્રેષ્ઠ માનવાની વૃત્તિ નથી.

એથી કૃષ્ણ કહે છે કે આ સંસાર ઊલટું  વૃક્ષ છે. મૂળ ઉપર છે અને યાદ રહે, માતા-પિતા ઉપર નથી, શ્રેષ્ઠ નથી તો પરમાત્મા પણ ઉપર ન હોઈ શકે. કેમ કે તે જગતનું મૂળ છે. ગીતાનું સૂત્ર કહે છે કે મૂળ ઉપર છે. ઉપરની તરફ મૂળ છે અને સમગ્ર ધારા નીચેની તરફ વહે છે. આ વાત યોગ્ય જણાય છે. કેમ કે વહેણ માત્ર નીચેની તરફ જ હોઈ શકે. આપણે બીજ વાવીએ અને વૃક્ષ ઉપરની તરફ વધે છે. ખરેખર વૃક્ષ ઉપરની તરફ વધે છે? કહેવું મુશ્કેલ છે. કેમ કે આ વિરાટ બ્રહ્માંડની દૃષ્ટિએ તો ઉપર-નીચે જેવું કશું છે જ નહીં.

આ સંસારરૃપી વૃક્ષનાં મૂળ ઉપર છે અને શાખાઓ નીચે છે, તે વૃક્ષને અવિનાશી કહે છે. આ સંસાર ક્યારેય નષ્ટ થતો નથી, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે એ પ્રતિક્ષણ વિનષ્ટ પણ થાય છે. સર્જાય છે અને નાશ પામે છે. પરમાત્મા પણ અવિનાશી છે, પરંતુ તેમના અવિનાશી હોવાનો અલગ અર્થ છે. એ ક્યારેય સર્જાતા નથી. એ સદા છે, એ નાશ પામતા નથી. સંસાર પણ અવિનાશી છે, પરંતુ જુદા અર્થમાં. તેના સર્જન-વિસર્જનની પ્રક્રિયાનો કોઈ અંત નથી. એ ચક્ર ફરતું રહે છે.

મૂળની તરફ પરમાત્મા છે, શાખાઓ તરફ સંસાર છે. આ વૃક્ષનાં પાંદડાંને વેદ કહ્યાં છે, એ જ્ઞાન છે. જ્ઞાન પરમાત્માથી બહુ દૂર છે. કોઈ વેદને કંઠસ્થ કરી લે મતલબ તેણે પાંદડાં એકઠાં કરી લીધાં. મૂળ સાથે તેને કોઈ નિસ્બત નથી. વેદનું તાત્પર્ય વેદમાં છૂપાયેલું નથી. સંસારની સમગ્ર અભિવ્યક્તિમાં છૂપાયેલું છે અને જે વ્યક્તિ આ વૃક્ષને મૂળ સહિતનાં તત્ત્વોથી જાણે છે, તેનાં મૂળને, ડાળીઓને, ફૂલોને, બીજને, પાનને બધાને સંપૂર્ણપણે જાણી લે છે એ જ વ્યક્તિ વેદના તાત્પર્યને જાણનારો છે. મૂળ સહિત આ સમગ્ર સંસારને જે જાણી લે છે એ વેદના તાત્પર્યને જાણી શકે. આ જે વૃક્ષ છે, જે સંસાર છે,

તેમાં વાસનાઓ નીચેની તરફ લઈ જાય છે, પરંતુ એથી તમે એવા ભ્રમમાં ન રહેશો કે તમે ઉપરની તરફ જવાનું શરૃ કરશો તો વાસનાઓથી છુટકારો થઈ જશે. મૂળનું સ્મરણ રહે તો શાખા નીચેની તરફ વધે તેનાથી કોઈ ફરક પડતો નથી. હવે તમે મૂળ તરફ સરકવા લાગ્યા. તો ત્યાગ જરૃરી નથી. મૂળનું સ્મરણ થતું રહેવું જોઈએ. તો ભોગમાં પણ રહી શકો છો. કૃષ્ણ ખુદ પણ એવા જ વ્યક્તિ છે, જેમણે શાખાઓની દિશા બદલી નથી, પરંતુ શાખાઓની ભીતર જે પ્રાણની ધારા વહી રહી છે તેની દિશા બદલાઈ ગઈ. એ હવે મૂળ તરફ વહી રહી છે. તેને ઉદ્દગમનું સ્મરણ છે. શાખા વધતી રહે, સંસાર ચાલતો રહે, પરંતુ ચેતના હવે પ્રથમની તરફ, મૂળની તરફ જઈ રહી છે.

જ્યાં મૂળ છે, ત્યાં જ વૃક્ષના અંતિમ ફૂલ છે. વૃક્ષમાં ફૂલ ઊગે છે ત્યારે આખરે શું થાય છે. અંતમાં વૃક્ષનાં ફૂલ ખરવા લાગે છે. વર્તુળ પૂર્ણ થાય છે. બીજ આપણે વાવ્યું હતું. બીજમાંથી વૃક્ષ મોટું થયું. ફૂલ આવ્યાં. ફળ આવ્યાં. બીજ ફરી આવી ગયાં. ફળ પાકીને તૂટવા લાગે છે. ફૂલ ખરવા લાગે છે. બીજ ફરી જમીન પર પડે છે. જ્યાંથી યાત્રા શરૃ થઈ હતી. ત્યાં જ યાત્રા પૂરી થઈ. બીજથી આરંભ, બીજમાં જ અંત. પરમાત્માથી આરંભ, પરમાત્મા પર અંત. પ્રથમ છે એ જ અંતિમ છે.
—————————————————-.

Leave A Reply

Your email address will not be published.

Translate »