તમારા માટે, તમારી સાથે, સતત…

‘સ્પર્શ’ – પ્રાણીમાત્રની પહેલી ભાષા

આલિંગન પ્રેમ અને મિલનની ખુશીને વ્યક્ત કરે છે

0 535

અભિવ્યક્તિ – નરેશ મકવાણા

રમેશ પારેખની એક મસ્ત પંક્તિ છે, ‘સ્પર્શ દઈ પાણી વહી જાતું હશે, ત્યારે આ પથ્થરોને કંઈક તો થાતું હશે..’. સ્પર્શની પોતાની એક ભાષા હોય છે એવું આપણે મોટા ભાગે કવિતાઓમાં વાંચ્યું છે, પણ તેની વૈજ્ઞાનિક સમજ બાબતે આપણે તસ્દી લેતાં નથી. આ લખાઈ રહ્યું છે ત્યારે કેલેન્ડરમાં હેલન કેલરનો જન્મદિવસ કોતરાયેલો જોઈ શકાય છે. ત્યારે ‘સ્પર્શ’ જેવા વિષય માટે આનાથી ઉત્તમ સમય બીજો ક્યો હોઈ શકે ?…

દેખ્યાનો દેશ ભલે લઈ લીધો, નાથ !
પણ કલરવની દુનિયા અમારી !

વાટે રખડ્યાની મોજ છીનવી લીધી
ને તોય પગરવની દુનિયા અમારી !

કલબલતો થાય જ્યાં પ્હેલો તે પ્હેરો
બંધ પોપચામાં રંગોની ભાત,

લોચનની સરહદથી છટકીને રણઝણતું
રૃપ લઈ રસળે શી રાત !

લ્હેકાએ લ્હેકાએ મ્હોરતા અવાજના
વૈભવની દુનિયા અમારી !

ફૂલોના રંગો રિસાઈ ગયા, જાળવતી
નાતા આ સામટી સુગંધ,

સમા સમાના દઈ સંદેશા લ્હેરખી
અડક્યાનો સાચવે સંબંધ !

ટેરવાંને તાજી કૈં ફૂટી તે નજરુંના
અનુભવની દુનિયા અમારી !

કાઠિયાવાડી કવિ ભાનુપ્રસાદ પંડ્યાની રચના અંધજનોનું રાષ્ટ્રગીત હોય તેમ લગભગ દરેક અંધશાળાઓની પ્રાર્થનામાં વાગતું રહે છે. આમ તો કુદરતે માણસને આપેલી એકેય ચીજ વચ્ચે સરખામણી ન હોઈ શકે. દરેકનું આગવું મહત્ત્વ છે. છતાં જો કહેવું હોય તો આંખને કુદરત તરફથી માણસને મળેલી સૌથી મોટી ભેટ ગણી શકાય. એનો ખ્યાલ ત્યારે જ આવે જ્યારે અચાનક કોઈની દૃષ્ટિ ચાલી જાય. અહીં કવિએ કહ્યું છે તેમ દેખ્યાનો દેશ જ્યારે જતો રહે છે ત્યારે જ તેની મહત્તાનું ભાન થાય છે. દૃષ્ટિ ગુમાવ્યાનો સાહજિક સ્વીકાર એ આ ગીતનો હાર્દ છે. જોકે અહીં સવાલ એ થાય કે અંધજનો પ્રકૃતિના સૌંદર્યનું પાન કેવી રીતે કરતાં હશે ? પ્રેમ, ભય, ક્રોધ, ગમો – અણગમો જેવી લાગણીઓ ઉપરાંત સવાર, બપોર, સાંજ, ઠંડી, ગરમી, વરસાદ જેવા કુદરતી, ઋતુ પરિવર્તનને તેઓ કેવી રીતે અનુભવતા હશે ? આટલા વિવિધતાભર્યા સવાલનો એક શબ્દનો જવાબ છે, ‘સ્પર્શ’.અહીં યોગાનુયોગ એ છે કે, બધિર અને અંધ હોવા છતાં સ્પર્શની તાકાતનો જેમના થકી દુનિયાભરને પરચો મળ્યો તે હેલન કેલરનો જન્મદિવસ હાલમાં જ ગયો છે. હેલનની જિંદગીમાં ‘સ્પર્શ’નું આગવું મહત્ત્વ હતું અને આપણે અહીં પણ તેની જ વાત કરવાના છીએ.

Related Posts
1 of 142

માણસ અને સ્પર્શ
માણસ પાસે જ્યારે શબ્દભંડોળ ખૂટી પડે ત્યારે સ્પર્શની ભાષા કામે લાગતી હોય છે. એક સામાજિક પ્રાણી તરીકે આપણને દરરોજ સ્પર્શની ભાષાનો અનુભવ મળતો રહે છે. નારાજ દોસ્તારને સમજાવવામાં જ્યારે શબ્દોના કાલાવાલા ઊણાજ ઊતરે ત્યારે હૂંફાળા સ્પર્શ સાથે તેનો હાથ પકડીને જો સંવાદ કરવામાં આવે તો તેના માની જવાના ચાન્સ વધી જતા હોય છે. રીસાયેલી પત્નીને મનાવવામાં દરેક શસ્ત્રો નાકામ પુરવાર થાય ત્યારે તેના ખભા પર એક પ્રેમભર્યો મૌન સ્પર્શ બાજી મારી જાય છે. સ્પર્શની તાકાત જુઓ, બાળક માનો સ્પર્શ પામીને પોતાને સુરક્ષિત અનુભવે છે, નિરાશ થયેલી વ્યક્તિની પીઠ પર સ્પર્શીને સાંત્વના આપી શકાય છે, પીઠ થાબડીને કોઈને બિરદાવી શકાય છે, તો ચરણસ્પર્શ થકી વડીલો તરફ સન્માન અને આદર વ્યક્ત કરવાની સર્વકાલીન અને સર્વસામાન્ય રીતથી કોઈ અજાણ નથી.

લાંબા સમય બાદ કોઈ ગમતું મળે ત્યારે તેને કરવામાં આવતું આલિંગન પ્રેમ અને મિલનની ખુશીને વ્યક્ત કરે છે. દુઃખી વ્યક્તિને ગળે લગાડવું એ ‘ચિંતા ન કર હું છું ને.’ એમ કહેવાનું સર્વોત્તમ માધ્યમ છે. કોઈ બીમારના હાથ પર માત્ર આપણો હાથ રાખવા માત્રથી તેને ઘણુ આશ્વાસન મળે છે. સાસરે જતી દીકરીને વિદાય આપતી વખતે એક પિતા દ્વારા કરવામાં આવતું આલિંગન, ‘મને તારી ફિકર છે’નો મેસેજ પહોંચાડવા માટે પૂરતું છે. અંધજનોની તો આખી દુનિયા જ સ્પર્શ પર અવલંબે છે. ટૂંકમાં, સ્પર્શનાં અનેક ઉદાહરણો આપણી વચ્ચે મોજૂદ છે.

મહિલાઓ સમજે છે ‘ગુડ ટચ’ અને ‘બેડ ટચ’નો ભેદ
વૈજ્ઞાનિક સંશોધન મુજબ માનવસ્પર્શ અણુઓના સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્તરનો પણ ફરક અનુભવવા સંવેદનશીલ છે. સમસ્યા એ છે કે ઉંમર વધતાની સાથે તેની અન્ય ઇન્દ્રિયો વધુ કાર્યરત થતાં તે સ્પર્શશક્તિને નજરઅંદાજ કરતો થઈ જાય છે. જોકે અંધજનો અને મહિલાઓ સ્પર્શની ભાષા ઓળખવામાં પુરુષની સરખામણીએ વધુ સજાગ હોય છે. ગુડ ટચ અને બેડ ટચ વચ્ચેનો ભેદ તે કાચી સેકન્ડમાં પકડી પાડે છે. એક કૉલેજ ફ્રેન્ડ સાથે બનેલી ઘટના અહીં યાદ આવે છે. તેના પિતાને મળવા તેમના એક પરિચિત ઘેર આવ્યા હતા. વડીલ હોઈ તેણીએ નમીને તેમનું અભિવાદન કર્યું. તો સામે તેમણે તેનો ગાલ થપથપાવી દીધો! વડીલના અણધાર્યા એ વર્તનથી તે ગુસ્સે ભરાઈ, પણ પિતાના મિત્ર હોવાથી કશું બોલી નહીં.

આ મામલે તેણે કહ્યું, ‘તમે વિશ્વાસ નહીં કરો, પણ હું તરત મારા રૃમમાં ગઈ અને અનેક વખત મારા ગાલ ધોયા. છતાં અણગમતા એ સ્પર્શથી સ્વયંને મુક્ત કરવામાં મને ઘણો સમય લાગ્યો.’ અગાઉ તામિલનાડુના રાજ્યપાલે એક મહિલા પત્રકારનો આવી જ રીતે ગાલ થપથપાવ્યાના સમાચારે ભારે હોબાળો મચાવી દીધો હતો. તે મહિલા પત્રકારે પણ કહ્યું હતું કે, તેને રાજ્યપાલનું આવું વર્તન જરાય ગમ્યું નહોતું અને અકારણ કરાયેલા એ સ્પર્શથી તે ઘણી વિચલિત થઈ ગઈ હતી. આખી ઘટના જ્યારે સોશિયલ મીડિયા પર આવી ત્યારે તે મહિલા પત્રકારના મત સાથે સહમત થનારાઓની સંખ્યા ઘણી વધારે હતી. બીજી બાજુ એવા લોકો પણ હતા જેમને રાજ્યપાલના આ સ્પર્શ પાછળ ખરાબ આશય હોવાનું લાગતું નહોતું. એમનું કહેવું હતું કે, એક આદરણીય વડીલે પોતાની પુત્રી કે પૌત્રીના ભાવ કે ભાવના સાથે જો તે મહિલા પત્રકારના ગાલને થપથપાવ્યા તો એમાં એટલું ખોટું લગાડવાની અને તેનો ઈશ્યૂ બનાવવાની કોઈ જરૃરિયાત નહોતી.

અહીં કહેવાનો અર્થ એટલો જ કે આજકાલ સ્પર્શને લઈને લોકો ઘણા ગંભીર થઈ રહ્યા છે. સ્કૂલ કૉલેજોમાં બનતી દુષ્કર્મ સહિતની ઘટનાઓને લઈને માતાપિતાને પણ કહેવામાં આવી રહ્યું છે કે તેઓ પોતાનાં બાળકોને ‘ગુડ ટચ’ અને ‘બેડ ટચ’ વિશે જણાવે. જો કોઈ વ્યક્તિ, પછી તે પરિવારની પરિચિત કે સંબંધી જ કેમ નથી, જો તે બાળકોને સ્પર્શ કરે એટલે કે ગાલ થપથપાવે અથવા બીજી કોઈ રીતે તેને અડકવાની કોશિશ કરે તો બાળકે તરત માતાપિતાને જણાવવું જોઈએ, કારણ કે આજકાલ પરિચિતો દ્વારા જ આ પ્રકારની દુર્ઘટનાઓ બાળકીઓ સાથે ઘટી રહી છે. એવી જ રીતે કાર્યસ્થળ પર પણ પુરુષ સહકર્મી કે બોસ બિનજરૃરી રીતે સાથી મહિલા કર્મચારીને સ્પર્શ કરી લેવાની છૂટ લેતા હોય છે. ઘણીવાર કામની પ્રશંસા પણ આ રીતે સ્પર્શીને કરાતી હોય છે. આ પ્રકારનું વર્તન મનોમન યુવતીઓ અને મહિલા કર્મચારીઓને વિચલિત કરી દે છે. તેઓ તેને પોતાની પ્રાઇવસીના ભંગ તરીકે જોતી હોય છે. ભલે સ્પર્શની પાછળ કોઈ ખરાબ મનોભાવ ન હોય તો પણ યુવતીઓ ઇચ્છતી નથી કે કોઈનો હાથ તેમની પીઠ કે ખભા પર પડે.

આ મામલે પેપ્સીકો જેવી આંતરરાષ્ટ્રીય કંપનીની સીઈઓ ઇન્દ્રા નૂયીનું કથન તો આનાથી પણ એક સ્ટેપ આગળ જાય છે. તેમનું કહેવું છે કે, અમેરિકામાં વાતવાતમાં સ્ત્રીમિત્ર કે પત્નીને ‘સ્વિટી’ કે ‘હની’ કહેવામાં આવે છે જે તેમને બિલકુલ પસંદ નથી. આ સંબોધનોથી તેમને સખત ચીડ ચડે છે, પણ છતાં સાંભળવા પડે છે. તેમણે કહ્યું કે, એક અધિકારીની સાથે પોતે એક પ્રતિષ્ઠિત પદ પર હોવાને કારણે તેમને સન્માનીય રીતે સંબોધવા જોઈએ, પરંતુ ઘણીવાર સ્વિટી, હની, બેબ વગેરે સંબોધનો સાંભળવા પડે છે જે ઘણુ અશિષ્ટ લાગે છે. મહિલાઓ, યુવતીઓ કોઈ પુરુષને મળતી વખતે કે ઓળખાણ કરાવતી વખતે હાથ મિલાવવાનું તો પસંદ કરે છે, પણ શરીરના અન્ય કોઈ ભાગ પર તેનો સ્પર્શ જરા પણ સાંખી નથી શકતી. સ્પર્શની ભાષાનું આનાથી મોટું ઉદાહરણ બીજું ક્યું આપી શકાય?

સ્ત્રીઓની સ્પર્શ સંવેદનશીલતા મામલે અમદાવાદ અંધજન મંડળના પૂર્વ આચાર્ય જશુભાઈ કવિના અનુભવો સમજવા જેવા છે. તેઓ કહે છે, ‘આપણે બોલચાલની ભાષામાં જેને ‘છઠ્ઠી ઇન્દ્રિય’ કહીએ છીએ તે કુદરતે સ્ત્રીઓને આપી છે. એને આંખ ઓળખવાની, સ્પર્શ ઓળખવાની ઈશ્વરી બક્ષિસ હોય છે. આ સેન્સ સામાન્ય મહિલાઓ કરતાં અંધ મહિલાઓમાં વધુ પાવરફુલ હોય છે. એક તો સ્ત્રી તરીકે કુદરતી રીતે જ તેનામાં એ સેન્સ રહેલી હોય છે અને અંધત્વને પરિણામે તે વધારે શક્તિશાળી બનીને તેના વર્તનમાં નજરે ચડે છે. અમારા એક ઓફિસર કક્ષાનાં બહેનની ઑફિસમાં હું પહેલીવાર મારા એક મિત્ર સાથે ગયો ત્યારનો એક પ્રસંગ છે. જેવો દરવાજો ખોલીને અમે ઑફિસમાં પ્રવેશ્યા કે તરત તેમણે મારું નામ દઈને આવકારો આપ્યો. સાથે સવાલ કર્યો કે, બીજું તમારી સાથે કોણ છે? મેં પૂછ્યું કે, તમને કેવી રીતે ખબર પડી? તો તેમનો જવાબ હતો કે, તમે જ્યારે અંદર આવ્યા ત્યારે બે માણસની હવાનો ધક્કો મને લાગ્યો! તમે કલ્પી શકો છો કે આટલી સૂક્ષ્મ બાબત કે જેની આપણે ક્યારેય કલ્પના પણ નથી કરી તેનો બહેન ઉપયોગ કરતાં હતાં. આ સ્પર્શની જ એક વાત છે.’

‘સ્પર્શ’ એટલે અંધજનોની દૃષ્ટિ
સ્પર્શની પોતાની એક ભાષા છે, ખાસ કરીને અંધજનો અને મલ્ટિપલ ડિસેબલ વ્યક્તિઓ માટે તે દૃષ્ટિનું કામ કરે છે. જ્યારે આંખ, કાન, ગળા જેવી મહત્ત્વની ઇન્દ્રિય કામ ન કરતી હોય ત્યારે કુદરત તેને બીજી ઇન્દ્રિયો થકી ભરપાઈ કરી આપતી હોય છે એવું આપણે માનીએ છીએ. એટલે જ્યારે આંખની અવેજીમાં તે કાન, નાક અને સ્પર્શ પાસેથી વધુ સારી રીતે કામ લેવાની અંધજનને કુદરતી રીતે આદત પડી જતી હોય છે. જશુભાઈ કવિ ઉદાહરણ આપતાં જણાવે છે કે, ‘તમે કોઈ સામાન્ય વ્યક્તિ સાથે હસ્તધૂનન કરો તો તેે તમને જોવામાં, તમારી આંખો વાંચવામાં કે તમારી શારીરિક ભાષા સમજવામાં અટવાઈ જશે અને તેથી તમારા સ્પર્શની ઉષ્માને જલદી ઓળખી નહીં શકે, પણ મારો કોઈ અંધ વિદ્યાર્થી હું જ્યારે પણ તેની સાથે હાથ મિલાવીશ કે તરત કહી આપશે કે આજે મારો હાથ થોડો ગરમ છે અથવા રોજ કરતાં ઠંડો છે. માણસ ઉપરાંત હવા, વાતાવરણ, ગંધ અને અવાજને પણ અંધજનો જલદી પામી જતાં હોય છે.’

પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં આજની તારીખે દરરોજ રાતના એક વાગ્યા સુધી બ્રેઇલલિપિમાં પુસ્તકો વાંચતા અંધજન મંડળના ટૅક્નિકલ વિભાગના હેડ રણછોડભાઈ સોની પ્રજ્ઞાચક્ષુઓની સ્પર્શની દુનિયા વિશે વાત કરતાં કહે છે, ‘સ્પર્શ એ મૂળ તો પ્રાણી માત્રની સંવેદનાનો વિષય છે. આમ જોવા જઈએ તો જીવનના દરેક આત્યંતિક અનુભવો સ્પર્શ પર અવલંબે છે. જેમાં માણસના કામ સંબંધોનો પણ સમાવેશ થઈ જાય છે. કોઈ પણ અંધજન માટે સ્પર્શ એ વૈકલ્પિક ઇન્દ્રિય છે. સામાન્ય માણસ જે વસ્તુ આંખથી જુએ છે તેને અંધજનો સ્પર્શ થકી અનુભવીને મનમાં ઉતારે છે. કોઈ વ્યક્તિને ઓળખવા માટે તે સ્પર્શથી તેની આકૃતિ મગજમાં તૈયાર કરે છે. શક્ય છે તેના મગજમાં તૈયાર થયેલું સામેની વ્યક્તિનું ચિત્ર હકીકત કરતાં જુદું હોય, છતાં તેના માટે તે ખોટું નહીં પડે. સ્ત્રી માટે સાવચેતીની સમસ્યા વધારે છે માટે તે સ્પર્શનો વધારે ઉપયોગ કરે છે. જ્યારે પુરુષે તેની એ સેન્સ કેળવવાની જરૃર ઓછી પડે છે. કેમ કે તેને એ પ્રકારની સુરક્ષાનો પ્રશ્ન ઓછો સતાવે છે. જરૃરિયાતોને આધારે આપણી ઇન્દ્રિયો વિકસેલી હોય છે એટલે જ અંધ પુરુષ સ્પર્શની બાબતે સ્ત્રીઓ જેટલો જ પાવરફુલ હોય છે.

અંધજનો આ રીતે સ્પર્શને સમજે છે
આગળ એકથી વધુ નિષ્ણાતોએ બાળકમાં સ્પર્શની સમજણ સૌથી વધુ હોવાની વાત કરી છે. ત્યારે અહીં તેના વિશે વિગતે જાણકારી મેળવવી જરૃરી બની જાય છે. ગુજરાતના પ્રથમ પ્રજ્ઞાચક્ષુ ફિજિયોથેરાપિસ્ટ તૈયાર કરનાર અંધજન મંડળના ફિજિયોથેરાપી વિભાગના કો-ઓર્ડિનેટર બાબુભાઈ પંચાલ સ્પર્શ અને બાળકો વચ્ચેનો સંબંધ સમજાવતા કહે છે, ‘દેખતા બાળકની શીખવાની એંસી ટકા પ્રક્રિયા દૃષ્ટિથી થાય છે. એવામાં બાળક અંધ થઈ જાય અથવા અંધ જન્મે તો દૃષ્ટિના અભાવને લીધે તેની શીખવાની પ્રક્રિયા અટકી જતી હોય છે. આપણે જે પુસ્તકો વાંચીએ છીએ તે દૃષ્ટિથી વાંચીએ છીએ જ્યારે અંધજનો સ્પર્શથી વાંચે છે. સામાન્ય રીતે સ્પર્શની શક્તિ બાળકમાં ચાર વર્ષની ઉંમર સુધી સો ટકા હોય છે. કેમ કે એ સમયે તેની ચામડી પાતળી, સુંવાળી અને સંવેદનશીલ હોય છે, પણ જેમ જેમ ઉંમર વધે અને જુદાં-જુદાં કામ કરતું થાય તેમ-તેમ તે બરછટ થતી જાય છે.

વધુ વિગતો વાંચવા અભિયાન સબસ્ક્રાઇબ કરો

Leave A Reply

Your email address will not be published.

Translate »