સાહિત્ય – -દેવેન્દ્ર જાની
ઇતિહાસ અને સંશોધનના ક્ષેત્રમાં ખેડાણ કરતા લેખકોને ખબર છે કે કોઈ ચોક્કસ માહિતી કે રેફરન્સ મેળવવા માટે કેટલી રઝળપાટ કરવી પડે છે તેમાં પણ સદી પુરાણો રેફરન્સ મળવો તો મુશ્કેલ છે ત્યારે જૂનાગઢના એક અધ્યાપકે ઇતિહાસને સાચવવા જૂના-પુરાણા પુસ્તકોની પીડીએફ કરી સોશિયલ મીડિયામાં ફરતાં કરવાનો અનોખો સેવા યજ્ઞ શરૃ કર્યો છે.
ઇતિહાસ અને સંસ્કૃતિના વારસાને સાચવવો હોય તો તેને સુરક્ષિત રાખવાની સાથે આજની પેઢી સુધી તેને પહોંચાડવો જરૃરી છે. આ જવાબદારી આમ તો યુનિવસિર્ટીઓ, વિદ્યાપીઠ કે પરિષદ જેવી સંસ્થાઓની છે. સરકાર પાસે પણ આખું મિકેનિઝમ હોવા છતાં આ વિષયમાં જેવું કામ થવું જોઈએ તે થતંુ નથી તેવો વસવસો ઇતિહાસ અને સંશોધનના ક્ષેત્રમાં કામ કરનારા વ્યક્ત કરી રહ્યા છે.
જોકે કોઈ કરે કે ન કરે શુભ કાર્યની આપણાથી શરૃઆત કરવામાં માનનારા જૂનાગઢના ઇતિહાસકાર અને અધ્યાપક ડૉ.પ્રધ્યુમન ખાચરે એક સદી પુરાણા અને જૂના થઈ ગયેલાં પુસ્તકોને પીડીએફ સ્વરૃપમાં ફેરવીને ઇતિહાસને સાચવવાનું સરાહનીય કામ છેલ્લા એકાદ મહિનાથી શરૃ કર્યું છે.
ઇતિહાસના વિષય પરના રપ જેટલાં પુસ્તકો લખનાર અને જૂનાગઢની એક કૉલેજમાં અધ્યાપક તરીકે ફરજ બજાવી રહેલા ડૉ.પ્રધ્યુમન ખાચરે ખુદ પોતાને ઇતિહાસના સંશોધનમાં જે મુશ્કેલીઓ પડી તે બીજા સંશોધકો, લેખકો કે વિદ્યાર્થીઓને ન પડે તે માટે આ કામ શરૃ કર્યું છે. તેમની પાસે ૧૦૦ વર્ષ કરતાં વધુ સમય પહેલાંનાં વીસ જેટલાં દુર્લભ પુસ્તકો પડ્યા છે. તેમાં ૧ર૦ વર્ષ પહેલાં જૂનાગઢના ઇતિહાસ પર ગુલાબશંકર વોરાએ લખેલું પુસ્તક સૌથી જૂનંુ છે. આ ઉપરાંત ૧૦૭ વર્ષ જૂનંુ ઔદિચ્ય બ્રાહ્મણોના ઇતિહાસ પરનું લેખક રેવાશંકર દવેનું પુસ્તક પડ્યું છે. આવા અલભ્ય અને જૂના પુરાણા થઈ ગયેલાં પુસ્તકોને સાચવવા એટલું જ નહીં, તેને આજની પેઢી સુધી પહોંચાડવા માટે પીડીએફ કરીને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર શેઅર કરવામાં આવી રહ્યાં છે.
પચાસ જેટલાં પુરાણા પુસ્તકોની પીડીએફ કરવાનું તેમનું આયોજન છે. ડૉ.પ્રધ્યુમન ખાચર કહે છે, ‘સમય બદલાયો છે. આજે આધુનિક ટૅક્નોલોજી આવી ગઈ છે. હવે કબાટમાં પુસ્તકો રાખવાના બદલે ડિજિટલ લાઇબ્રેરીનો જમાનો આવી ગયો છે. સમયના આ બદલાવ સાથે વિદેશની યુનિવસિર્ટીઓમાં ખૂબ કામ થયું છે. વિદેશોમાં જુદા-જુદા વિષયોનાં પુસ્તકોનું ડિજિટાઇજેશન કરવામાં આવી રહ્યું છે, પણ ગુજરાત આ મામલે હજુ ઘણુ પાછળ છે. ગુજરાતમાં એવા અનેક લોકો છે કે તેમની પાસે ઇતિહાસ કે સંશોધનનાં વર્ષો કે સદીઓ પુરાણા પુસ્તકો અને સાહિત્ય છે, પણ તેનો લાભ તે બીજા સુધી પહોંચાડી શકતા નથી. પુસ્તકોનાં પાનાં પણ ફાટી ગયા હોય તેવા પ્રાચીન પુસ્તકો કેટલાંય ઘરોમાં પડ્યાં હશે, પણ તેનો યોગ્ય દિશામાં ઉપયોગ કરવાનું સૂઝતું નથી અથવા તો તેમની પાસે સમય નથી.
આજે પીએચ.ડી. કરનારા કે ઇતિહાસ – સંશોધન પર લખવા માગતા લેખકોને માહિતી મેળવવાનું કામ ખૂબ કપરું બની ગયું છે. સંશોધનની સ્થિતિ ખૂબ ખરાબ છે. એટલું જ નહીં, સાચું માર્ગદર્શન કે સંદર્ભો મળતા નથી. ખુદ મારા આવા અનુભવો રહ્યા છે. આજે હું કોઈ સંશોધન કે ઇતિહાસ પર પુુસ્તકો લખીશ, પણ ક્યાં સુધી… ભાવી પેઢી સુધી ઇતિહાસ પહોંચતો રહેવો જોઈએ. જેના પાના પણ ખૂલી શકતા ન હોય, ફાટી ગયા હોય તેવા પુસ્તકોને પીડીએફ કરીને સાચવવા એ સસ્તો અને સહેલો ઉપાય છે અને કોઈને શેઅર પણ સહેલાઈથી થઈ શકે છે.’
ડૉ.ખાચર કહે છે, ‘કેટલાક લોકો મને સામેથી જૂના પુરાણા થયેલાં પુસ્તકો આપી જાય છે અને કહે છે, આ તમારે કામ લાગશે.જૂનાગઢના ઇતિહાસનું ૧ર૦ વર્ષ જૂનંુ પુસ્તક આવી રીતે જ મને મળ્યું હતું. મેં તેની પીડીએફ કરાવી છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજીના લગ્ન વિશેનું અદ્ભુત પુસ્તક મળ્યું છે તેની પણ પીડીએફ કરી છે. હાલ તો હું એકલો આ કામ કરી રહ્યો છું. આ કાર્યમાં વિદ્યાર્થીઓ – અધ્યાપકો મદદરૃપ થાય અને અમદાવાદ, રાજકોટ કે જૂનાગઢમાં વિદ્યાભવનોમાં બેસીને પીડીએફ કરવાનું કામ થાય તો સંસ્કૃતિને સાચવવામાં ગુજરાતમાં બારોટ, ચારણ, ગઢવી લોકો પાસે આવું ઘણુ પ્રાચીન સાહિત્ય પડ્યું છે. મારી તેમને અપીલ છે કે તેમનું આ સાહિત્ય સંશોધકો – લેખકોને ઉપયોગમાં આવે અને ઇતિહાસ સચવાતો રહે તે માટે તેનું ડિજિટાઇજેશન કરીને શેઅર કરે.’
———————-