તમારા માટે, તમારી સાથે, સતત…

હસતાં રહેજો રાજ – સફરમાં સત્સંગ…

મને આ ઉંમરે ઝાડ ઉપર ચડીને આ બધું કરવાનો શોખ નથી

0 392

– જગદીશ ત્રિવેદી

માણસે દિવસ એવી રીતે પસાર કરવો જોઈએ કે રાત્રે પથારીમાં પડતાં જ ઊંઘ આવી જાય અને જીવન એવી રીતે પસાર કરવું જોઈએ કે ઊંઘ આવતી હોય એટલી સરળતાથી મોત આવી જાય. જે રીતે દિવસની ત્રણ અવસ્થા સવાર, બપોર અને સાંજ છે તેવી જ રીતે જીવનની ત્રણ અવસ્થા બચપન, યુવાની અને બુઢાપો છે. બાળપણ એ જીવનનું પ્રભાત છે, યુવાની એ જીવનનો મધ્યાહ્ન છે અને બુઢાપો જીવનની સંધ્યા છે.

હું એક દિવસ પોરબંદર જતો હતો. ભોગીલાલે કહ્યું કે, ‘તું મારી બસમાં આવ તો તને મફત લઈ જઉં.’ મેં કહ્યું કે, ‘એ અંબાલાલનું કામ ખરું, પરંતુ મને એ રીતે પ્રવાસ કરવાનું ફાવશે નહીં.’

અમે હાઈસ્કૂલમાં ભણતા હતા ત્યારે થાનગઢમાં વિજ્ઞાન પ્રવાહ નહોતો. અમને પણ ખબર નહોતી કે અમે વિજ્ઞાનના વિદ્યાર્થી નથી, પરંતુ અજ્ઞાનના વિદ્યાર્થી છીએ. ત્યારે અમે વાંકાનેરની અમરસિંહજી હાઈસ્કૂલમાં અગિયાર-બાર બે ધોરણ ભણવા ટ્રેનમાં અપડાઉન કરતા હતા. સવારે ફાઈવ ડાઉન મેલમાં જતા અને સાંજે સિક્સ-અપ મેલમાં પાછા આવતા હતા. ત્યારે અમે વિદ્યાર્થી કન્સેશન મંથલી પાસની તારીખમાં સુધારો કરી એક મહિનાનો પાસ ત્રણ-ત્રણ મહિના ચલાવતા હતા. પિતાજી પાસેથી રેલવે પાસ માટે મળેલી રકમનો અમે સિનેમા જોવામાં સદુપયોગ કરતા હતા. આમ ભૂતકાળમાં અમને મફત મુસાફરીનો મબલક મહાવરો હતો, પરંતુ હવે એ ગમતું નથી.

મેં ભોગીલાલને કહ્યું ઃ ‘તારી કંપની માટે હું તારી બસમાં આવું, પણ વગર ટિકિટે આવીશ નહીં.’ એણે અનિચ્છાએ હા પાડી અને અમે સુરેન્દ્રનગર-પોરબંદર બસમાં રવાના થયા. રાજકોટ એસ.ટી. ડેપો ઉપર ભોગીલાલ ડેપો મેનેજરને મળવા ગયો અને હું બાથરૃમ જવા માટે નીચે ઊતર્યો. અચાનક મારી નજર સવિતામાસી પર પડી. અમે થાનગઢ રહેતા હતા ત્યારે સવિતામાસી અમારી પાડોશમાં જ રહેતાં હતાં. એમનો દીકરો શાંતિલાલ મારો મિત્ર હતો. મેં માસીને ‘જયશ્રી કૃષ્ણ’ કહ્યું એટલે એ રડવા માંડ્યા. માસીને રડતાં જોઈ મને શંકા થઈ એટલે લઘુશંકાની ઇચ્છા મરી ગઈ.

‘માસી કેમ રડો છો?’ મેં પૂછ્યું.

મારો સવાલ સાંભળી માસી નિરુત્તર રહ્યાં. ત્યાં શાંતિલાલ વૉટરબેગ ભરીને આવી ચડ્યો. મેં શાંતિલાલને પૂછ્યું કે, ‘માસી કેમ રડે છે?’

‘હું એમને વૃદ્ધાશ્રમમાં મૂકવા જઉં છું એટલે.’ શાંતિલાલે મહાપરાણે જવાબ આપ્યો.

‘હેં…?’ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ.

‘જગદીશ, તું શાંતિયા ઉપર ખીજાતો નહીં.’ સવિતામાસી બોલ્યાં.

‘કેમ? કેમ ન ખીજાઉ?’ મેં પૂછ્યું.

‘એમાં એનો કશો વાંક નથી, મારો વાંક છે.’ માસીએ કહ્યું.

‘માસી, તમારો વાંક ક્યાંથી હોય? આ શાંતિયો નાનો હતો ત્યારે મારા માસા ગુજરી ગયા. તમે પારકા ઘરનાં કામ કર્યાં છે. તમે અમારા ઘેર કપડાં ધોવા આવતાં, મનુમામાને ત્યાં વાસણ ઉટકવા જતાં અને નટુકાકાને ત્યાં સંજવારી-પોતા કરતાં હતાં. તમે પેટે પાટા બાંધીને શાંતિયાને ભણાવ્યો છે. એ ભણતો એ નિશાળમાં પણ તમે મધ્યાહ્ન ભોજનની રસોઈ કરવા જતાં હતાં. ઘોડિયામાં સૂતેલા દીકરાને ઘોડે ચડે એવો યુવાન કરવામાં તમે તમારી વિધવા જવાનીને જલાવી દીધી હતી એ મને ખબર છે. તમે અગરબત્તીની માફક જાતે સળગીને શાંતિયાને સુવાસ આપી છે.’ હું એક જ શ્વાસે ઇતિહાસ બોલી ગયો. અમારી ચર્ચા ચાલતી હતી ત્યાં ભોગીલાલ પણ રૃપિયા રાખવાનો ચામડાનો થેલો ખભે ટીંગાડીને હાથમાં ટિકિટના મશીન સાથે અમારી બાજુમાં આવી ઊભો.

‘શું વાત છે?’ ભોગીલાલે સ્વાભાવિક પૂછ્યું.

‘આ અમારા જૂના પાડોશી છે. આ મારો મિત્ર શાંતિલાલ છે. એની માતાને ઘરડાઘરમાં મૂકવા જાય છે?’ મેં કહ્યું.

‘અત્યારે એક મા-બાપ સાત દીકરાને જન્મ આપીને ઉછેરી મોટા કરી શકે છે, પરંતુ સાત દીકરા ભેગા થઈ એક મા-બાપને સાચવી શકતા નથી.’ ભોગીલાલ બોલ્યો.

‘દીકરા, વાંક મારો છે.’ માસી બોલ્યાં.

‘તમારો વાંક કેવી રીતે હોય માસી?’ મેં પૂછ્યું.

‘આ કપાતર ઘોડિયામાં સૂતો હતો અને એના બાપુ ગુજરી ગયા. તે વખતે મેં શાંતિયાને અનાથાશ્રમમાં ન મુક્યો. એટલે આજે મારે

વૃદ્ધાશ્રમમાં જવું પડે છે.’ માસીથી ડૂસકું મુકાઈ ગયું.

મને મનમાં તો થયું કે શાંતિલાલને એક તમાચો એવો મારું કે એની ગુંજથી આખો એસ.ટી. ડેપો ગુંજી ઊઠે, પણ હું લાચાર હતો. મને લઈને ભોગીલાલ પોરબંદરની બસમાં ચડ્યો તથા સવિતામાસીને લઈને શાંતિલાલ અમદાવાદની બસમાં ચડ્યો.

ગોંડલ આવ્યું છતાં હું ગુમસૂમ હતો. ભોગીલાલ ટિકિટનો વહીવટ પતાવી મારી પાસે આવ્યો અને મારો મૂડ બદલવા માટે હળવી વાત શરૃ કરી.

‘બધા વડીલો સરખા હોતા નથી.’ ભોગીલાલે શરૃ કર્યું.

‘કેવી રીતે?’ મેં એની સામે જોયા વગર પ્રશ્ન કર્યો.

‘મારી પાડોશમાં એક કાકા સવારના પહોરમાં પપૈયાના ઝાડ ઉપર ચડી ગયા. મેં કહ્યું કે કાકા, પપૈયો સાવ બટકણો હોય. નીચે પડશો તો દવાખાને લઈ જવા પડશે. તો એમણે મને શું કહ્યું એ ખબર છે?’ ભોગીલાલે પૂછ્યું.

‘ના…’

‘કાકો બોલ્યો, કે હું દવાખાનેથી આવીને તો પપૈયા ઉપર ચડ્યો છું. મને ડૉક્ટરે કહ્યું કે તાવ આવે છે તો ત્રણ દિવસ પપૈયા પર રહેજો.’ આટલું બોલી ભોગીલાલ ખી… ખી… કરીને ખડખડાટ હસવા લાગ્યો. મને કોણ જાણે કેમ હસવું આવતું જ નહોતું. મને યાદ આવ્યું કે, મારી બા મને કહેતાં હતાં કે, થાનગઢની હાઈસ્કૂલમાં એક વિધુર શિક્ષક હતા. એમણે મારા પિતાજી મારફત સવિતામાસી સમક્ષ પ્રસ્તાવ મોકલ્યો હતો કે તમે વિધવા છો અને હું વિધુર છું. તમારે એક દીકરો અને મારે એક દીકરી છે. તમે હા પાડો તો હું લગ્ન કરવા તૈયાર છું. મારા પિતાજીએ મારા માતુશ્રીની રૃબરૃમાં સવિતામાસીને મારા ઘેર બોલાવીને આ વાત કરી એ મેં ઊંઘરેટી આંખે સાંભળી હતી. જો માસીએ પ્રસ્તાવ સ્વીકારી લીધો હોત તો અત્યારે એમની આ દશા ન હોત.

‘હું તને બીજા કાકાની વાત કરું. એક કાકો લીમડાના ઝાડ પર ચડી ગયો. ત્યાં પણ કાકો સખણો ન રહ્યો. કાગડાનો માળો લઈને હોલાના માળામાં મૂકે અને હોલાનો માળો લઈને કાબરના માળામાં મૂકે. મેં કાકાને પૂછ્યું કે આ શું કરો છો? તો એણે શું કહ્યું તેની ખબર છે?

‘ના…’ મેં ફરી એકાક્ષરી જવાબ આપ્યો.

‘કાકો કહે, ભાઈ ભોગીલાલ. મને આ ઉંમરે ઝાડ ઉપર ચડીને આ બધું કરવાનો શોખ નથી. હું કાલે કથા સાંભળવા ગયો હતો તો કથાકારે કહ્યું કે તમે પંચોતેર વરસના થયા. હવે કાલથી પાંચ માળા ફેરવજો.’ આટલું બોલી ભોગીલાલ ફરી ખડખડાટ હસવા લાગ્યો. આ વખતે તો બે-ચાર પેસેન્જર પણ હસવા લાગ્યા, પરંતુ મને હસવું આવતું નહોતું.

Related Posts
1 of 29

‘વૃદ્ધોએ ઘડપણમાં દુઃખી ન થવું હોય તો ઘરેણા, મકાન, રોકડ જેવી જણસ જીવનના અંત સુધી પોતાના કબજામાં રાખવી જોઈએ.’ મારાથી બોલાઈ ગયું.

‘ઘરેણા, મકાન કે રોકડ કશું ન હોય એણે શું કરવું?’ એક પેસેન્જરે પૂછ્યું.

‘તમારો સવાલ વિચારવા જેવો છે.’ મેં કહ્યું.

‘સાહેબ, સંપત્તિ કરતાં સંસ્કાર વધુ મહત્ત્વના છે. સંતાનોમાં સંસ્કાર હશે તો બધંુ આપી દીધું હશે તો પણ મા-બાપની સેવા કરશે. બાકી સંસ્કાર નહીં હોય તો ભલે કશું જ આપ્યું ન હોય છતાં ઘરની બહાર કાઢી મૂકશે.’ એ મુસાફરે લાખ રૃપિયાની વાત કીધી.

‘મેં અંબાલાલને કહ્યું કે, ભૂલો ભલે બીજું બધું મા-બાપને ભૂલશો નહીં. તો મારો દીકરો મને કહે, આ વાક્ય મા માટે લખ્યું છે. આ વાક્યમાં કવિ એમ કહે છે કે ભૂલો ભલે બીજંુ બધું મા-બાપને ભૂલશો નહીં. એણે મા અને બાપને જુદા પાડી ઓળિયો-ઘોળિયો મા ઉપર નાખી દીધો.’ ભોગીલાલે વાતાવરણ હળવું કરવા માટે ત્રીજો પ્રયત્ન કર્યો. એ ત્રીજા પ્રયત્ને સફળ થયો.

‘હવે હું તને એક વાત કરું.’ મેં કહ્યું.

‘એક નહીં, પણ બે વાત કર.. હવે વિરપુર સુધી કંઈ જ કામ નથી.’ ભોગી બોલ્યો.

‘એક દંપતીના દાંપત્યજીવનનાં પચીસ વર્ષ પૂરાં થયાં એટલે પુત્રવધૂએ પોતાની સાસુને કહ્યું કે બા, મેં તમારા દીકરા સાથે પરણવાની ભૂલ કરી એને પચીસ વર્ષ થઈ ગયાં. થોડા મહિના પછી મને પણ સાસુનું પ્રમોશન મળશે. હવે તમે મારી સિનિયોરિટીને ધ્યાનમાં લઈને તિજોરીની ચાવીઓનો ઝૂડો મને સોંપો તો વધુ સારું.’ મેં વાત માંડી.

‘બરાબર છે. વહુની માગણી સાવ સાચી છે.’ પેલો પેસેન્જર બોલ્યો.

‘વહુની વાત સાંભળીને સાસુ બોલી કે બેટા, તારી વાત સાવ સાચી છે. હું પણ બને તેટલી ઝડપથી તને આખા ઘરની ચાવીઓનો ઝૂડો સોંપી દેવા માગું છું. મારી એક નાનકડી સમસ્યા છે.’

‘શું સમસ્યા છે?’ ભોગી કૂદી પડ્યો.

‘મારી સમસ્યા એટલી જ છે કે મારી સાસુ મને ઝૂડો આપે એટલે હું તને આપું.’ મેં કહ્યંુ.

‘ઓહ માય ગોડ… ઝૂડો હજુ વડસાસુ પાસે જ હતો એમ?’ પેસેન્જર ઉવાચ.

‘હા…’

‘આવી સાસુ હોય ત્યાં વહુ બિચારી કૂવો જ પૂરે..’ ભોગીલાલ બોલ્યો.

‘ના. હવે કૂવો પૂરવાનો, ઝેર પીવાનો, ગળે ફાંસો ખાવાનો, સળગી મરવાનો કે પડતું મૂકવાનો યુગ નથી. હવે તો અધિકાર માગવાનો યુગ છે…મેં કહ્યું.

આપણા સમાજમાં બે પ્રકારના વૃદ્ધો છે. એક સવિતામાસી જેવા છે જે વગર વાંકે હેરાન થાય છે અને બીજા પેલી વડસાસુ જેવા છે જે વગર વાંકે પોતાના પરિવારને હેરાન કરે છે. એક વડીલને મેં પૂછ્યું કે તમે સફેદ વાળને કાળા શા માટે કરો છો? એમનો જવાબ ખૂબ ગમ્યો.

‘શું કહ્યું વડીલે?’ ભોગી ફરી ઘાંઘો થયો.

‘મારા ધોળામાં ધૂળ ન પડે એટલે…’

‘તારી વાત સાવ સાચી છે. માથે ધોળા વાળ અને ધોળી દાઢી હોય, પોતાની જાતને સંત કહેવડાવતા હોય અને વૃદ્ધાવસ્થા જેલમાં વીતે તો માનવું કે ધોળામાં ધૂળ પડી છે.’ ભોગીલાલે મભમમાં વાત કરી, પરંતુ શ્રોતાઓ સમજી ગયા કે કંડક્ટરનો ઇશારો કોની તરફ છે?

‘બાળપણ યુવાની અને વૃદ્ધાવસ્થામાં બુઢાપો સૌથી વફાદાર છે.’ મેં કહ્યું.

‘એ કેવી રીતે ભાઈ?’ એક વયોવૃદ્ધ મુસાફરે ચર્ચામાં પ્રવેશ કર્યો.

‘બાળપણ આ શરીરનો સાથ છોડીને જતું રહે છે, યુવાની પણ જતી રહે છે, કારણ એનું નામ જ જવાની છે. જ્યારે બુઢાપો સ્મશાન સુધી કે કબ્રસ્તાન સુધી સાથ છોડતો નથી.’ મેં સ્પષ્ટતા કરી.

‘તમારી વાત સાચી છે, પણ દાંત જતા રહે, કાન જતા રહે, આંખ જતી રહે પછી જીવવાની મઝા જતી રહે છે.’ પેલા વયોવૃદ્ધ મુસાફરે સ્વાનુભવ રજૂ કર્યો.

‘જુઓ દાદા… બહુ મોટો માણસ પરદેશ જાય તો પહેલાં એનો સામાન રવાના થાય. એનાં કપડાં, પુસ્તકો, દવા, રસોઇયા વગેરે… ત્યાર બાદ સાહેબ રવાના થાય.. આપણો આત્મા સાહેબ છે. પહેલા વાળ જાય, દાંત, કાન જાય, આંખ જાય, શરીરની શક્તિ જાય. ધીરે-ધીરે બધો સામાન પહોંચી જાય પછી સાહેબ રવાના થાય…’ મેં ફિલસૂફી રજૂ કરી.

‘લોકો કન્યાનું દાન કરે, કોઈ પુત્રનું દાન કરે, પણ કોઈ પત્નીનું દાન કરે?’ ભોગી બોલ્યો.

‘ના.’

‘જલારામબાપા જીવનથી કેટલા અસંગ હશે કે ઈશ્વરને પત્નીનું દાન કરી દીધું.

વૃદ્ધાવસ્થામાં આ રીતે નિર્મોહી થઈ જાવ તો જીવન જીવવાની મઝા પડશે.’ ભોગીલાલે ખૂબ મહત્ત્વની વાત કરી. અમે

જલારામબાપાનું સ્મરણ કર્યું અને વિરપુર આવ્યું.
———————–

Leave A Reply

Your email address will not be published.

Translate »