તમારા માટે, તમારી સાથે, સતત…

અમેરિકા લોહી થકી લાલ ગુલાબી થયું છે

બચ્ચાં-બચ્ચાંને ભાન છે કે વિશ્વમાં બે અણુબોમ્બ વપરાયા છે

0 295

ચર્નિંગ ઘાટ – ગૌરાંગ અમીન

પહેલા કે છેલ્લા કોઈ પણ પ્રમુખની અધૂરી વાત ના કરો
હિંસા અને શાંતિના નામે દિવસની સમૂળી રાત ના કરો

શાંતિઃ શાંતિઃ શાંતિઃ પહેલાં આપણે અઉમ ઉચ્ચારીએ છીએ. ગાંધીજી હે રામ બોલ્યા હતા. સ્મશાનયાત્રામાં લોકો શાંતિ બોલો ભાઈ શાંતિ નથી બોલતા. અમેરિકન્સ તેમના રાષ્ટ્રગીતમાં કહે છે કે અમે ભગવાનમાં વિશ્વાસ ધરાવીએ છીએ. શ્રદ્ધાની વાત નથી કરતાં. શાંતિમાં વિશ્વાસ મૂકવાની વાત નથી કરતાં. એમાં કોઈ શંકા નથી કે શાંતિમાં સામાન્યતઃ સૌને વિશ્વાસ અને શ્રદ્ધા હોય છે. કિમ અને ટ્રમ્પ મળ્યા એ સદીની મોટી ઘટનાઓમાંની એક છે. સારું થયું. ટ્રમ્પના કટ્ટર વિરોધીઓ ટ્રમ્પનાં આ પગલાંને વધાવવાનું ચૂકી ગયા. બંને નેતાઓએ ગોડ વિષે કદાચ જ વાત કરી હશે. એમની વાતોનો એક મર્મ શાંતિ છે. શક્ય છે એક અર્થ નોબેલ શાંતિ પુરસ્કાર નીકળે. કે એથી આગળ વધીને અર્ક નીકળે કે દક્ષિણ કોરિયા, અમેરિકા તથા ઉત્તર કોરિયા ખરા શબ્દમાં મિત્ર બને, પણ શું આ મેળાપનો અર્થ એ નીકળે કે મહાસત્તા કાકા સામ શાંતિ સ્વરૃપ છે? ગાંધીજી શાંતિદૂત હતા તેવું કોઈને સમજાવવું નથી પડતું. અમેરિકા શાંતિ ચાહે છે તે ભણવા-ભણાવવા માટે યુનિ.માં પાંચ વર્ષનો સ્નાતક કોર્સ શરૃ કરી શકાય.

ઇસ્લામિક રિપબ્લિક ઓફ પાકિસ્તાનમાં જેટલાં ઇસ્લામને લગતાં સંસ્થાન હશે તેની પાછળ એક કે બે કે ત્રણ મીંડા લગાડી દો એટલા અમેરિકામાં ખ્રિસ્તી સંસ્થાન હશે. પાક.માં પાક મુસ્લિમ કેટલા? એથી મોટોમસ અભ્યાસનો વિષય એ છે કે અમેરિકામાં બીજા લાફા માટે પોતાનો બીજો ગાલ ધરનાર કેટલા? સતત અને વૈવિધ્યપૂર્ણ રીતે ટ્રમ્પને ગાળો દેવાનો વ્યવસાય કરતા લોકો અમેરિકાનો ઇતિહાસ ભૂલાવવા માગે છે. ઉદારમતવાદીઓને અમેરિકામાં લિબટાર્ડ કહેવાય છે. ભારતમાં આતંકવાદી મુસ્લિમ કે મુસ્લિમ આતંકવાદીની ‘ખોટી’ ચિંતા કરનારા જ્યારે અમેરિકાની ‘સાચી’ ચિંતા કરે ત્યારે હસવું આવે. અરે જરા અમેરિકામાં એક પ્રશ્ન તરતો મૂકી જુઓ કે અમેરિકાએ પેલેસ્ટાઇન નામના સ્વતંત્ર દેશની તરફેણમાં ઇઝરાયેલ સામે વીટો વાપરવો જોઈએ? મોનિકા ફેમ પ્રમુખ ક્લિન્ટનની મધ્યસ્થીથી ‘૯૪માં અરાફત, પેરિસ ‘ને રેબિન વચ્ચે નોબેલ પીસ પ્રાઇઝ વહેંચાયું, પણ પીસ શેરિંગ ક્યાં? પીસના પિસીઝ થઈ ગયા છે. સમજોતા એક્સપ્રેસ દોડાવવા કરતાં શાંતિ લોકલ ચાલે તો ખરું એ આજે ‘૧૮માં સ્વીકારવાની જરૃર છે.

બચ્ચાં-બચ્ચાંને ભાન છે કે વિશ્વમાં બે અણુબોમ્બ વપરાયા છે. બડેબડે કો માલૂમ હૈ કે અણુબોમ્બની સ્પર્ધાના મુખ્ય ‘ને મૂળ આયોજક ‘ને પ્રાયોજક અમેરિકા છે. અમેરિકા પાસે ૪૦૦૦થી વધુ અણુશસ્ત્ર છે. ઉ. કોરિયા પાસે અંદાજે વીસ. એક દિવસમાં સરેરાશ ૮૭ વાર જ્યાં હિંસાનો પ્રયોગ થાય છે, જ્યાં દર ૨.૭ દિવસે સ્કૂલ-શૂટિંગનો બનાવ બને છે તે અમેરિકા ખ્રિસ્તી હોવા છતાં ક્યારેય ખ્રિસ્તી નહોતું. ફેસબુકે જેમ ‘ફ્રેન્ડ’ની વ્યાખ્યા બદલી તેમ અમેરિકન ચહેરા ‘ને તેમની કિતાબો દ્વારા ‘શાંતિ’ની વ્યાખ્યા બદલાતી રહી. આધુનિક ‘ને ઔદ્યોગિક દેશોમાં અમેરિકા શાંતિના મામલામાં લાસ્ટ છે. ગ્લોબલ પીસ ઇન્ડેક્સમાં અમેરિકાનો નંબર ૧૨૧મો છે. થાઈલેન્ડ, કંબોડિયા, રવાન્ડા, જ્યોર્જિયા જેવા દેશો અમેરિકા કરતાં એકથી વધુ પેરામીટર મુજબ વધુ શાંતિ ધરાવે છે. ૧૬૩ દેશોમાં ભારત ૧૩૬ ‘ને પાકિસ્તાન ૧૫૧મા ક્રમે છે. પેલેસ્ટાઇન ૧૪૧, ઇઝરાયેલ ૧૪૬ અને સીરિયા છેલ્લું.

ભારતમાં તમે મુંબઈ સાથે બોમ્બબ્લાસ્ટ બોલો કે તાજ હોટલ એટલે અરેરાટી ભરેલી શાંતિ છવાઈ જાય અને ભારતની સ્થિતિ પરિસ્થિતિથી દુઃખી હોય તે હિંસક અવાજમાં કરાંજશે કે લોહી વહાવ્યા વગર આઝાદી મળી એટલે આ હાલત છે. અલ્યા અંગ્રેજો સંસાર ત્યાગ કરી ચૂકેલા હિન્દુ તથા મુસ્લિમ સાધુ-ફકીરો પાસેથી પણ હિંસક રીતે કર વસૂલવા જતાં અને આખરે એ ત્યાગીઓ એમનો સામનો કરવો પડેલો એ ખબર છે? આઝાદીની લડાઈ દરમિયાન ભારતીયોએ ભોગવેલી હિંસાનો અંદાજ મન ફાવે તેમ લગાવનારાને કહેવું પડે કે અમેરિકા બન્યું એમાં જે હિંસાનો રોલ હતો તે ખ્યાલ હોય તો જ આજના અમેરિકાને સમજી શકશો. જેવું વાવો તેવું લણો અને જેવું ખાધું હોય તેવું શરીર બને અને એવા શરીર વડે ગલ્ફ-વૉર્સ વગેરે દરમિયાન પારકા દેશોમાં આમ ઇન્સાનના ઘર, હૉસ્પિટલ અને પર્યાવરણને ગંભીર નુકસાન કરવાનો ખેલ કર્યો હોય પછી પોતાના દેશમાં શાંતિ પોતાની સાથે રમત રમે એમાં નવાઈ નથી.

અમેરિકન ડ્રીમ નામક માયા એ ખરું વેપન ઓફ માસ-ડિસ્ટ્રક્શન છે. અમેરિકા લોહી થકી લાલ ગુલાબી થયું છે. જ્હોન કોઝી ફિલસૂફી ‘ને લોજિકના નિવૃત્ત અધ્યાપક તેમ જ સામાજિક, આર્થિક ‘ને રાજકીય વિષયના લેખક છે. એમણે અમેરિકન સૈન્યમાં કોરિયન યુદ્ધ દરમિયાન કામ કરેલું છે. ૮ નવેમ્બર નોટબંધી દિન પર ટ્રમ્પ ચૂંટાયા તેના વર્ષો પહેલાં તેમણે એક લેખ લખેલો જેમાં તેમણે સ્પષ્ટ લખ્યું છે- અમેરિકાનો ઉદ્દભવ ‘ને વિકાસ હિંસા વડે થયો છે. અમેરિકાને કોલોનાઇઝડ કરનાર યુરોપિયન્સ સહિષ્ણુ કે પ્રબુદ્ધ નહોતા. એ સમાજનો નીચે જામેલો કાદવ હતા, એકબીજાને પણ ધિક્કારતા હતા. એ ઉમેરે છે કે કોલોનાઇઝેશન પહેલાં અમેરિકાની વસ્તી ૧૨ મિલ્યનથી વધુ હતી. ચાર સદી પછી ૨ લાખ ૩૭ હજાર માત્ર. ચાર સદી દરમિયાન મૂળ અમેરિકન્સ વિરુદ્ધની સતત હિંસા, હિંસા હજુ પણ ચાલુ છે. લિંકને ગુલામોની મુક્તિ માટે જે યુદ્ધ છેડ્યું તેણે ૭ લાખ ૫૦ હજાર અમેરિકન મારી નાખ્યા. સામે લગભગ એ જ સમયે રશિયામાં ઝારે ૨૩ મિલ્યન વેઠિયાને મુક્ત કર્યા, એક પણ હત્યા વિના. છતાં ઝાર રાજાઓ ભયંકર કહેવાય છે. એ સ્પષ્ટ લખે છે કે અમેરિકન ફોરેન પોલિસી દશકાઓથી મુખ્યત્વે લશ્કરી દુઃસાહસોથી ભરેલી રહી છે, બંદૂકના નાળચાં વાટે નીકળેલી વિદેશ નીતિ.

Related Posts
1 of 57

સમસ્ત દુનિયાના ચલચિત્ર-ઉદ્યોગને હિંસા એટલે મનોરંજન એવું પાક્કું શિક્ષણ આપનાર અમેરિકા છે. અમેરિકન સાહિત્ય હોય કે વીડિયો ગેમ્સ, હિંસા વિના અમેરિકાનો પાટલો ના પડે. વેન્ડલિઝમ યાને જંગલીપણુ સહજ પ્રકૃતિ હોય તેવા અમેરિકન ટીનને શોધવો જંગલમાં ઘાસ શોધવા જેટલું સરળ કામ છે. ચોરી કરવી, દારૃ-ડ્રગ્સ ‘ને બેફામ એવં વિકૃત સેક્સ એ એવા અમેરિકન માટે જીવન જીવવાની રસમ છે. અમેરિકન નર જાતિ ‘ને એમાં પણ યુવાન લોહી ઓવરઓલ હિંસાના મોહમાં છે. યુનિ ઓફ મિનેસોટાના મનોવિજ્ઞાની ડેવિડ લાઇકેન ટિપ્પણી આપે છે કે ક્રાઇમ ઘટાડવાનો એક જ ખાતરીબંધ ઉપાય છે કે ૧૨થી ૨૮ વર્ષના કશુંક કરવાને સમર્થ એવા તમામ પુરુષને ક્રાયોજેનિક સ્લીપ અર્થાત્ યાંત્રિક શીતનિદ્રામાં મૂકી દેવા.

ના, વાત એવી નથી કે અમેરિકન નામ માત્રથી હિંસક હોય. ઢગલો અમેરિકન્સ શાંતિપ્રેમી છે. સીધી વાત એ છે કે ‘હવે અમેરિકા પહેલાં જેવું નથી રહ્યું, ટ્રમ્પ આવ્યા પછી બહુ ખોટું થાય છે’ એવી વાતો ફક્ત આડી નહીં, ઊંધી પણ છે. ટ્રમ્પ જ્યારે કહે છે કે, ચીન અમેરિકા પાસેથી દર વર્ષે ૫૦૦ બિલ્યન ડૉલર્સ લઈ જાય છે, અમેરિકાએ ચીનને રિબિલ્ટ કર્યું છે ત્યારે સામ્યવાદીઓએ દોઢા થયા વિના યથાર્થતા સમજવાનો સમય કહેવાય. આપણી પાર્ટી ઝિંદાબાદવાળાઓને અમારી સરકારમાં જ રસ હોય. એમને આપણો દેશ કે આપણો સંસાર ના ગમે. ગ્લોબલ પીસ ઇન્ડેક્સ -૨૦૧૮ના સો પેજના રિપોર્ટમાં બીજું બધું ઠીક, જેને આપણે ત્યાં નોર્મલ આદમી અમેરિકાના એક પ્રકાર તરીકે જ હકારાત્મક રીતે ઓળખે છે તે કેનેડા વિશ્વમાં છઠ્ઠા નંબરનો શાંતિમય દેશ કહ્યો છે. બંને દેશ વચ્ચે ખરેખર એક મોટી સરહદ છે! શું અમેરિકનો પાસે આ ઇન્ફો નથી? કાયદા બદલવાથી કે નવા કાયદા ઘડવાથી સ્વભાવ ‘ને ચારિર્ત્ય ના બદલાય. ટ્રમ્પ એક આમ અમેરિકનનું સચિત્ર પ્રક્ષેપણ છે. ટ્રમ્પ પ્રોઅમેરિકન ‘ને એન્ટિઅમેરિકન નથી, ટ્રમ્પ સિમ્પ્લી નોર્મલ અને રિયલ અમેરિકન છે અને તે સાથે એ પણ સત્ય છે કે ટ્રમ્પ અમેરિકાનો કાયદેસર પ્રમુખ છે.

ઓફ કોર્સ, ‘૯૦ના દસકામાં અમેરિકામાં જે ક્રાઇમની તેજી હતી તેવી હવે નથી રહી. ભલે ઉતાર-ચઢાવ ચાલુ છે, પરંતુ એ તમામ આંકડાઓની માયાજાળમાં બે વાત ધ્યાન ખેંચે તેવી છે. ઘણા ક્રાઇમ રિપોર્ટ જ નથી થતા. અને રિપોર્ટ થયેલા ક્રાઇમમાંથી ઘણાનો ઉકેલ જ નથી આવતો. છેલ્લા જાણીતા આંકડા મુજબ માત્ર ૪૨% વાયોલન્ટ ક્રાઇમ અને ૨૬% પ્રોપર્ટી ક્રાઇમ રિપોર્ટ થાય છે. આ રિપોર્ટ થયેલા ક્રાઇમમાંથી ૪૬% વાયોલન્ટ ક્રાઇમ અને ૧૮% પ્રોપર્ટી ક્રાઇમ જ ક્લિઅર થાય છે. હવે ઘરમાં આવી-આવી વાસ્તવિકતા હોય અને ઘરની બહારની હકીકત તેથી વધારે લોહિયાળ કરતા હોય છે છતાં અમેરિકન મોજ મસ્તીથી કેવી રીતે જીવી શકે છે?

ના, ટ્રમ્પની વાહવાહી કરીને કે ટ્રમ્પને એકતરફી ગાળો દઈને નહીં. ટ્રમ્પ તો હમણા આયો! જેમ હિંસા એ અમેરિકાના ડીએનએમાં છે તેમ અમેરિકાના જનીનમાં એક કોડ ઓફ કંડક્ટ કંડારાયેલો છે. ગીતામાં કૃષ્ણએ નિઃસ્પૃહી થવાની સલાહ આપેલી. અમેરિકનો વિઃસ્પૃહી થયા. એ એમના સ્વપ્નમાં એટલા મદમસ્ત છે કે એમને નરી આંખે જે દેખાય છે તે ના જોવાની કળા વડે ચાલ્યા જ કરે છે, દોડ્યા જ કરે છે. અંગ્રેજીમાં સ્ટોઇકસિઝમ નામનો શબ્દ છે. ભારે સંયમ કે ધૈર્ય પાલન કરવાના મતને પ્રબોધતો વાદ/માણસ. સુખદુઃખ પ્રત્યે સમદૃષ્ટિ રાખનારને સ્ટોઇક કહે છે. ઉદાસીન. ઈ.સ. ૩૦૦ની આસપાસમાં એથેન્સમાં થઈ ગયેલા ઝીનો નામના દાર્શનિક મૂળે એ વાદના પ્રણેતા. અમેરિકન્સ પોતાનામાં એટલા રત છે કે એ બનતી કે બની ગયેલી કોઈ પણ દુર્ઘટના બાજુમાં કે પાછળ મૂકી ઊડ્યા કરે છે. જી, સદેહે નહીં પણ સમને પલાયનવાદી. સમાચાર માથે પછડાયા કરે કે આંખ સામે હોય ત્યાં સુધી ઠીક, બાકી તો અમેરિકન નાસતો ભલો ભાગતો ભલો!

આ નેચરને કારણે અમેરિકા બીજા દેશો પર આંગળી કરે કે બંદૂક ધરે ત્યારે અમેરિકનોને એ ક્રિયા સાધારણ કે પછી સારી લાગે છે. એક પછી એક સ્કેન્ડલ ભૂલીને પોતાની જાત ‘ને ઘર-કુટુંબની સારસંભાળ ‘ને મજામાં આળોટ્યા કરવાનો આદર્શ અમેરિકનોએ જગતને આપ્યો છે. આજકાલ અમેરિકામાં ખ્રિસ્તી-ખ્રિસ્તી રમત ચાલી છે. ઘણા કહે છે કે ટ્રમ્પ બોગસ ખ્રિસ્તી છે. અરે, તમે ટ્રમ્પને હવે ખ્રિસ્તીપણાનો માપદંડ બનાવશો? અને ખ્રિસ્તી થવું કે હોવું ફરજિયાત છે? જો તમે પાડોશીની તકલીફ સમજો તો પોતાના સો કૉલ્ડ અમેરિકન ડ્રીમમાંથી બહાર આવીને ખુલ્લી આંખે તમારા દેશમાં વ્યાપેલી સમસ્યાઓ જુઓ. તમારા દેશ થકી વિશ્વમાં હરતી-ફરતી સમસ્યાઓ જુઓ. તે માટે કશું કરો. કમ સે કમ સમસ્યાઓ યાદ રાખો અને માણસ બન્યા વિના ખ્રિસ્તી કેવી રીતે બનશો? માણસાઈ એટલે શું એ પહેલાં શીખો તમારા ઇતિહાસમાંથી. ૧૧ વર્ષના વોશિંગ્ટનને ૧૦ ગુલામ વારસામાં મળેલા. ૧૭૫૯માં પૈસાદાર વિધવા માર્થા જોડે લગ્ન કર્યાં ત્યારે તે કમ સે કમ ૮૦ ગુલામ લઈને આવેલી. અમેરિકન ક્રાંતિ વખતે તે ૧૫૦ ગુલામની પ્રોપર્ટી ધરાવતા હતા. ૧૭૮૯માં અમેરિકન ક્રાંતિના નાયક જ્યોર્જ વોશિંગ્ટન અમેરિકાના પ્રથમ પ્રેસિડેન્ટ બન્યા ‘ને ગુલામીને મંજૂરી આપનાર. આખરે પોતાની સંપત્તિ, જીવન શૈલી ‘ને પ્રતિષ્ઠા સાચવવા તેમને ગુલામોની જરૃર હતી.

અમેરિકાએ જણેલા ઉપભોક્તાવાદની જાણે પૂર્વ શરત છે કે હે પ્રજા, તું આંખે ડાબલા બાંધીને ગોળગોળ ફર્યા કર અને એક પછી એક પ્રમુખો બદલીને અમેરિકા પોતાની સાથે વિશ્વને આશા, વિશ્વાસ ‘ને ઉત્સાહ પીવડાવતું રહે. લોકોમાં કેવી રીતે ધીરજ ટકાવવી એ રાજકારણની સૌથી છેલ્લી અને મુખ્ય આવડત સાબિત થઈ છે. શાંતિ સ્થાપિત થઈ છે કે નહીં એ કોઈ શોધી કાઢે તે પહેલાં તેને બીજે ‘પોતાની’ અશાંતિ બતાવી દો. સાત જન્મમાં ના ખરીદી શકાય એટલી ચીજવસ્તુઓનો મોહ પહેરાવી એટલા અને એવા-એવા કરવેરા નાખો કે માણસ ઉર્ફે નાગરિક ચક્કી પિસ્યા જ કરે. વધુમાં સુરક્ષા માટે ખર્ચો કર્યા કરવાનો. એન્ટિ-થેફ્ટ એલાર્મ પર લોકોએ ટેક્સ ભરવાનો? પોતાને કોઈ લૂંટવા કે મારી નાંખવા પ્રગટ થાય ત્યારે સ્વબચાવ કરવા માટે બંદૂક ખરીદવાની? જનતામાં વ્યાપેલા ગુના કે હિંસા રોકવા માટે લોકોએ મત અને પૈસા બંને આપેલા છે. એ લોકોને શાંતિ આપવાને બદલે વિશ્વમાં યુદ્ધ કરીને શાંતિ ફેલાવવા જવાનું? ભારત ‘ને ભારતીયોએ અમેરિકા અને અમેરિકનો અંગે ઘણુ જાણવા સમજવાનું છે. ટ્રમ્પ આવો કે તેવોની વાતોમાં કપટભરી ચાલાકીથી જે દબાવી દેવામાં આવે છે તે બધું પહેલાં પામવાનું છે. બાકી, અમેરિકા એ આપણો દેશ નથી ‘ને ટ્રમ્પ એ આપણો પ્રમુખ નથી એ સચ્ચાઈ છે અને આપણે નિઃસ્પૃહી થઈએ તો નો વરિઝ, પણ આપણે અમેરિકન-સ્ટોઇક માને વિઃસ્પૃહી તો નથી જ રહેવું કે થવું.

બુઝારો – અમેરિકામાં પબ્લિક રિલિજિયન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ૨૦૧૬માં થયેલા એક સરવે મુજબ કુલ ગોરાઓના ૫૭% અને વર્કિંગ-ક્લાસ ગોરાઓના ૬૬% એવું માને છે કે કાળાઓ સામે થતાં ભેદભાવ જેટલી જ મોટી સમસ્યા ગોરાઓ સામે થતાં ભેદભાવની છે.
———————-

Leave A Reply

Your email address will not be published.

Translate »