તમારા માટે, તમારી સાથે, સતત…

કઠુઆ કાંડના કઠે તેવા પ્રશ્નો

આરોપપત્રમાં વિસંગતતાઓ ઘણી છે

0 207

કવર સ્ટોરી – જયવંત પંડ્યા

જમ્મુ-કાશ્મીરમાં પોતે સત્તા ગુમાવ્યા બાદ પૂર્વ મુખ્યપ્રધાન મહેબુબા મુફ્તીએ રાજ્યપાલને મળીને કઠુઆ સામૂહિક બળાત્કાર કેસમાં ન્યાય અપાવવાની અપીલ કરતા આ કેસ ફરીથી ચર્ચામાં આવ્યો છે. આ કેસ બન્યો જાન્યુઆરીમાં, પણ એપ્રિલમાં દેશભરમાં બહુચર્ચિત બન્યો.

કઠુઆ કાંડના સત્યને લઈને આખો દેશ અસમંજસમાં છે. મહેબુબા સરકારની કાર્યવાહી ઘણા પ્રશ્નો ઊભા કરે છે. બે પોસ્ટમોર્ટમ રિપોર્ટ છે અને બંને રિપોર્ટ જુદી વાત કહે છે. સાચા આરોપી પકડવાને બદલે યુ.પી.માંથી નિર્દોષને પકડીને આરોપી બનાવાયો છે. મહેબુબાના રાજકારણના આટાપાટામાં ગૂંચવાયેલા આ કેસની હકીકત બહાર લાવવા નિમાયેલી ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી વળી જુદું જ કહે છે. રાજ્યપાલનું શાસન આવતા હવે આ કેસમાં સત્ય બહાર આવશે એવી આશા ઉજળી બની છે. જમ્મુ-કાશ્મીર પોલીસના આરોપપત્ર મુજબ મૂળ ઘટના શું હતી? આરોપપત્ર મુજબ, જમ્મુના કઠુઆ પાસે હીરાનગર તાલુકાના રાસના ગામમાં આ ઘટના ઘટી હતી.

૧૨ જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ મહંમદ યુસુફ નામના એક વ્યક્તિએ હીરાનગર પોલીસ સ્ટેશનમાં એવી ફરિયાદ નોંધાવી હતી કે તેની આઠ વર્ષની દીકરી ગઈ હતી અને તે ગુમ થઈ ગઈ છે. ૧૭ જાન્યુઆરી એટલે કે ફરિયાદના પાંચ દિવસ બાદ આ બાળકીનો મૃતદેહ જંગલમાંથી મળી આવ્યો હતો. સાંજીરામના ઘરે તેનો ભાણેજ રોકાવા આવ્યો હતો. આ સગીર ભાણેજ કુછંદે ચઢ્યો હતો અને તેને તેની સ્કૂલમાંથી કાઢી મુકાયો હતો. તેણે કેટલાક લોકો સાથે પીડિતા પર અત્યાચાર કર્યા, વારંવાર બળાત્કાર કર્યા, કરપીણ હત્યા કરી. આરોપપત્રમાં જે વર્ણન કરાયું છે તે એટલું અને કમકમાટી ઉપજાવે તેવું છે, આરોપીઓ પ્રત્યે સખત નફરત ઉપજાવે તેવું છે.

પરંતુ અહીં પ્રશ્ન એ થાય કે જમ્મુ-કાશ્મીરના ખાસ કરીને જમ્મુના વકીલો શા માટે સીબીઆઈ તપાસની માગણી સામૂહિક રીતે કરે? શા માટે ભાજપના મંત્રીઓ પોતાના પદને જોખમમાં મૂકીને બળાત્કારનો આરોપ લાગેલા વ્યક્તિઓનું સમર્થન કરે જ્યારે કે મુખ્ય આરોપી સાંજીરામ નામની વ્યક્તિ નથી કોઈ મહત્ત્વના પદ પર, કે નથી કોઈ પ્રભાવશાળી વ્યક્તિ?

લગભગ સમગ્ર મીડિયાએ આ ઘટનાને એક તરફી રીતે રજૂ કરી છે. અપવાદ માત્ર ઝી ન્યૂઝ અને ‘દૈનિક જાગરણ’ રહ્યા. કોઈ મીડિયાએ ઘટના સ્થળ ઉપર પત્રકારને મોકલીને તપાસ કરવાનું ઉચિત સમજ્યું નહીં, પરંતુ ઝીએ ઘટનાસ્થળે જઈ ફર્સ્ટ હેન્ડ માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો. ઝી ન્યૂઝે ગામના લોકો સાથે વાતચીત કરી હતી અને ગામના લોકોએ ક્રાઇમ બ્રાંચ દ્વારા તપાસ પર વિશ્વાસ વ્યક્ત કર્યો ન હતો અને સીબીઆઈ દ્વારા તપાસની માગણી કરી હતી.

ગામના સવાલો…

*       જે મંદિરમાં પીડિતાને બંધક બનાવીને રખાઈ હોવાનો આરોપ છે તે મંદિરમાં માત્ર એક જ ઓરડો છે. તેના ત્રણ દરવાજા અને બારી છે. યાદ રહે કે આ મંદિર રાસના નામના ગામનું મંદિર છે. અહીં લોકો સવાર-સાંજ પૂજા કરવા આવતા હોય છે. વળી, આ મંદિરની ચાવી માત્ર સાંજીરામ પાસે જ રહે છે તેવું નથી, બીજા પરિવારો પાસે પણ તેની ચાવીઓ રહે છે. આ સ્થિતિમાં આવા નાનકડા મંદિરમાં કોઈ નાનકડી દીકરીને છ દિવસ સુધી બંધક રખાઈ હોય તો તે ગામના લોકોની જાણમાં આવ્યા વગર રહે નહીં.

Related Posts
1 of 262

*       શંકા ઉપજાવે તેવી બીજી બાબત એ છે કે આરોપપત્ર મુજબ બળાત્કાર સાંજીરામના ભાણેજ અને તેના દીકરાએ કર્યો હતો, પરંતુ સાંજીરામે નહીં. આવા અપરાધોના મામલામાં સાંઇરામ જેવી વ્યક્તિ પોતે બળાત્કાર ન કરે, પરંતુ પોતાના ભાણેજ અને દીકરાને બળાત્કાર કરવા પ્રેરે, છૂટ આપે તે વાત ગળે ઊતરે તેવી નથી.

*       આરોપપત્રમાં એવું કહેવાયું છે કે સાંજીરામે પોલીસ અધિકારીઓને લાખો રૃપિયાની લાંચ આપી હતી. જો આવું હોય તો શું સાંજીરામ બળાત્કાર પીડિતાની લાશ પોતાના ઘરની નજીકના વિસ્તારમાં ફેંકાવા દે જેથી તેના પર જ શંકા જાય?

*       વળી, સ્થાનિક લોકોનું એવું કહેવું છે કે ૧૫ જાન્યુઆરીએ આ મંદિરમાં ભંડારો થયો હતો એટલે કે સામૂહિક જમણવાર. આરોપપત્ર મુજબ ૧૫ જાન્યુઆરીએ બળાત્કાર પીડિતા આ મંદિરમાં હતી તો શું જમણવારમાં કોઈએ આ નાનકડા મંદિરમાં રહેલી પીડિતાને જોઈ નહીં?

*       આરોપપત્રમાં વિસંગતતાઓ ઘણી છે.  તેમાં શરૃઆતમાં કહેવાયું છે કે સાંજીરામે ૭ જાન્યુઆરીએ તેના ભાણેજને આ બળાત્કાર પીડિતાનું અપહરણ કરવા કહ્યું  હતું. આરોપપત્રના એ જ ફકરામાં આજ વાત પછી તરત જ આનાથી વિરુદ્ધ વાત આવે છે અને એ વાત એ છે કે દીપક ખજુરિયા નામના એક વ્યક્તિએ સાંજના ભાણેજને સિગરેટની લાલચ આપીને બોલાવ્યો અને તેને બોર્ડની પરીક્ષામાં પાસ કરાવી દેવાની લાલચ આપીને બળાત્કાર પીડિતાનું અપહરણ કરવા કહ્યું. તો ખરેખર અપહરણ કરવાની યોજના સાંજીરામની હતી કે પછી દીપક ખજુરિયાની? આરોપપત્રમાં એ તો કહ્યું છે કે સાંજીરામ ગામમાંથી મુસ્લિમ સમુદાયને ભગાડવા માટે આ પ્રકારની ઘટના કરવા માગતો હતો, પરંતુ અપહરણ પાછળ દીપક ખજુરિયાને કયો રસ હતો તે વાત આરોપપત્રમાં સ્પષ્ટ થતી નથી.

*       આ દુર્ઘટનાની તપાસ માટે મહેબુબા મુફ્તી સરકારે કાશ્મીરના ઇરફાન વાની નામના એક પોલીસ અધિકારીને વિશેષ તપાસ ટુકડી (સિટ)ના સભ્ય તરીકે નીમ્યા. આ પોલીસ અધિકારી પોતે ૨૦૦૭ના વર્ષમાં હત્યા અને બળાત્કારના આરોપસર જેલમાં જઈ આવેલા છે.

*       ગામના લોકોનો એવો આરોપ પણ છે કે જ્યારે ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી ત્યારે તેણે ગામના લોકોને પોલીસ સ્ટેશનમાં ખૂબ જ યાતના આપી હતી.

*       આરોપપત્રમાં બીજી વિસંગતતા એ છે કે ૧૧ જાન્યુઆરીએ સાંજે પાંચ વાગે મુખ્ય આરોપી સાંજીરામનો ભાણેજ દીવાબત્તી કરવા માટે આ મંદિરમાં આવે છે તેમ લખેલું છે. તે પછી તે તેના મામાના દીકરા વિશાલ જંગોત્રા જે મેરઠમાં છે તેને તેની કામવાસના સંતોષવા રાસના આવવા આમંત્રણ આપે છે. વિશાલ બીજા દિવસે સવારે ૬.૩૪ મિનિટે આવી પહોંચે છે. આરોપપત્ર લેખકોએ આ લખતી વખતે કદાચ ગૂગલ સર્ચ કરી જોયું હોત તો પણ તેમને ખબર હોત કે મેરઠથી કઠુઆની કોઈ સીધી બસ કે ફ્લાઈટ નથી. કઠુઆથી પાછું રાસના ૨૬ કિમી દૂર છે. આથી વિશાલને રાસના આવવું હોય તો તેણે ટ્રેનમાં જ આવવું પડે. ટ્રેનમાં પણ તરત જ ટિકિટ મળવી અને સમયસર પહોંચવું તને આ બધું પાર પડે તો પણ બીજા દિવસે સવારમાં ૬.૩૦એ પહોંચવું શક્ય તો નથી જ. આરોપ પત્ર મુજબ ૧૫ કે ૧૬ જાન્યુઆરીએ બળાત્કાર કરી ને પછી મેરઠ જવા રવાના થયો હવે વિશાલના પરિવારના કહેવા મુજબ, તે ૧૫મીએ તો મુઝફ્ફરાબાદમાં પરીક્ષા આપી રહ્યો હતો તેની ઉત્તરવહી પણ પ્રાપ્ય છે તેણે એટીએમમાંથી નાણા ઉપાડ્યા હોવાના અહેવાલ છે તો તે એક જ સમયે બે સ્થળે કઈ રીતે હોઈ શકે?

*       કોઈ કેસમાં આરોપીઓ પોતે તેમના નાર્કો ટેસ્ટની માગણી કરે? આ કેસના આરોપીઓ કરી રહ્યા છે!

‘દૈનિક જાગરણ’ના અહેવાલ મુજબ તો પીડિતા બાળકી પર બળાત્કાર નથી થયો! જમ્મુથી અવધેશ ચૌહાણે લખેલા આ અહેવાલ મુજબ આરોપપત્રમાં જે તથ્યો અને પ્રમાણો આપવામાં આવ્યાં છે તેમની વચ્ચે ઘણી કડી બેસતી નથી. કઠુવા જિલ્લા હૉસ્પિટલ સિટને બે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આપ્યા છે. સામાન્ય રીતે એક જ રિપોર્ટ આપવામાં આવે છે. બંને ડૉક્ટરોના રિપોર્ટ વચ્ચે પણ તફાવત છે. ચોંકાવનારી વાત, આ અહેવાલ મુજબ એ છે કે આ બંને રિપોર્ટમાં બળાત્કારની કોઈ વાત જ નથી.
————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »