તમારા માટે, તમારી સાથે, સતત…

‘હસતાં રહેજો રાજ’ – છાપાના છબરડા…

આ છાપાના છબરડા પણ રમૂજી હોય છે

0 171
  • જગદીશ ત્રિવેદી

દૈનિક સમાચારપત્રનું આયુષ્ય એક દિવસનું હોય છે. ત્યાર બાદ એ પસ્તી બની જાય છે. માણસની જિંદગી પણ સસ્તી કે પસ્તી ન બની જાય એ માટે મસ્તીનું ટકી રહેવું જરૃરી છે. આજે ડ્રોઇંગ રૃમની ટિપાઈ ઉપર વટથી પોતાનું સ્થાન ગ્રહણ કરતું ન્યૂઝપેપર બી.એસ. યેદિયુરપ્પા જેવું હોય છે. તે એક દિવસ માટે રાજા બને છે અને બીજા દિવસે એના વડે ગાડીના કાચ સાફ કરવામાં આવે છે અથવા કબાટમાં કપડાં ખરાબ ન થાય તે માટે પાથરવામાં આવે છે.

આ છાપાના છબરડા પણ રમૂજી હોય છે. એકવાર એક અખબારમાં હેડિંગ હતું કે ‘ભાવનગરની પ્રજાને સભાન થવું પડશે’ પરંતુ પ્રેસમાં થોડી ગરબડ થઈ અને છપાઈ ગયું ઃ ‘ભાનવગરની પ્રજાને સભાન થવું પડશે’. આ સમાચાર અંબાલાલે વાંચ્યા તો ગંભીર થઈને બોલ્યો કે જે પ્રજા ભાન વગરની હોય એને તો સભાન થવું જ જોઈએ. આ સમાચારમાં નવું શું છે? મેં કહ્યું કે, વિગતવાર સમાચાર વાંચીશ ત્યારે ખબર પડશે કે ‘ભાવનગર’ બદલે મુદ્રારાક્ષસે ‘ભાનવગર’ છાપી નાખ્યું છે.

એકવાર હું ભોગીલાલ અને ચુનીલાલ ચંદુભાની ચાની હોટલે બેઠા હતા અને અંબાલાલ આવ્યો.

‘સુરતથી આવી ગયો?’ ભોગીલાલે પૂછ્યું.

‘ના, હું હજુ સુરત જ છું. તમારી સામે ઊભું છે એ મારું ભૂત છે.’ અંબાલાલે કહ્યું.

અંબાલાલ ગુજરાતી ભાષાનો ખૂબ સમજી વિચારીને ઉપયોગ કરે છે, કારણ એનું માનવું છે કે ગુજરાતી પ્રજા જે વસ્તુ સામે દેખાતી હોય છતાં પૂછનારી પ્રજા છે. અંબાલાલ ઉદાહરણ સાથે સમજાવે છે કે, આપણે બહારગામ જતાં હોય, બેગ-વૉટરબેગ વગેરે સાથે હોય. આપણે મકાનને તાળું મારતા હોય છતાં પાડોશી વંડી ઉપરથી જીરાફની માફક

ડોક લાંબી કરીને પૂછશે ઃ બહારગામ

જાવ છો?’

એવા જિજ્ઞાસુને એમ કહેવાનું મન થાય કે ના, અમારે ઘેર તાળું મારીને તમારા ઘેર રોકાવા આવીએ છીએ. એક અઠવાડિયા પછી આબુ-અંબાજી ફરીને પાછા આવીએ. મકાનનું તાળું ખોલતા હોય ત્યાં ફરી પેલું જીરાફ પૂછે ઃ બહારગામથી આવી ગયા?

અંબાલાલ સામે જ ઊભો હતો છતાં ભોગીલાલે બાફી નાખ્યું એટલે થોડો અપેક્ષા બહારનો જવાબ સાંભળવો પડ્યો હતો.

‘આવ… આવ… અંબાલાલ બેસ.’ મેં આવકાર દીધો.

‘ચંદુભા, એક અડધી ચા વધારે આપજો.’ ચુનીલાલે કહ્યું.

‘ચા સાથે નાસ્તો કરવો છે?’ મેં પૂછ્યું.

‘ભજિયા મંગાવીએ.’ ભોગી બોલ્યો.

‘ભજિયાનું તો નામ ના લેશો.’ અંબાલાલને કરંટ લાગ્યો હોય એમ બોલ્યો.

‘કેમ?’ મેં કારણ જાણવા માટે પૂછ્યું.

‘ગઈકાલે સુરત રેલવે સ્ટેશને મેં અઢીસો ગ્રામ ભજિયા લીધા. એણે છાપામાં બાંધી દીધા. હું અને તમારા ભાભી ગઈકાલના છાપામાં આજના ભજિયા ખાતા હતાં. મેં એક ભજિયાના બે ભાગ કર્યા અને ભજિયાના અડધિયા ઉપર ચટણી લેવા માટે છાપામાં રહેલી ચટણીને અડધિયા પર ચડાવી ત્યાં તો ગજબ થયો.’ અંબાલાલ અટક્યો.

‘શું થયું?’ ચુની કૂદી પડ્યો.

‘ચટણી દૂર થઈ તો છાપામાં સમાચારનું વિમોચન થયું. મેં સમાચાર વાંચ્યા ન હોત તો વાંધો નહોતો.’ અંબાલાલ ફરી અટક્યો.

‘શું સમાચાર હતા?’ આ વખતે હું અધીરો થયો.

‘સમાચાર હતા કે સુરતમાં ભજિયા ખાવાથી ઝાડા-ઊલટી.’ અંબાલાલે ખુલાસો કર્યો.

‘અંબાલાલ… ભારે થઈ દોસ્ત.’ ભોગીલાલે કહ્યું.

‘પછી શું કર્યું? ભજિયા ખાધા કે નહીં?’ ચુનીલાલે પૂછ્યું.

‘મોંઘા ભાવના ભજિયા ફેંકી દેવાય છે? મેં ભજિયા વડે એ સમાચારને ચટણીથી ઢાંકી દીધા અને ત્યાંથી ચટણીને સ્થાનભ્રષ્ટ કર્યા વગર એકલા ભજિયા ખાધા.’

‘જો અંબાલાલે ગઈકાલે જ ભજિયા ખાધા હોય વળી આવી કસોટી સાથે ખાધા હોય તો આજે હવે ભજિયા મંગાવશો નહીં.’ મેં ના પાડી.

‘તો કંઈક બીજું મંગાવીએ.’ ચુની બોલ્યો.

‘કશું મંગાવવું નથી. એકલી ચા પીએ.’ અંબાલાલે નિર્ણય જાહેર કર્યો.

‘કાલ હું દ્વારકા-સુરેન્દ્રનગર થઈને રાત્રે બાર વાગે આવ્યો. તારા ઘર પાસેથી નીકળ્યો તો ઉપરના માળે લાઈટ ચાલુ હતી.’ ભોગીલાલે મને કહ્યું.

‘હું વિનોદભાઈ ભટ્ટ વિશે લેખ લખતો હતો.’ મેં કહ્યું.

‘વિનોદ ભટ્ટનું અવસાન દરેક ગુજરાતી માટે દુઃખની વાત છે, પરંતુ હાસ્યકારો માટે તો અતિશય દુઃખની વાત છે, કારણ તમે સાધર્મિક થયા.’ ચુનીલાલ બોલ્યો.

‘હા… અમારો ધર્મ એક અને તે હસાવવાનો.’ મેં સ્વીકાર્યું.

‘છાપાના છબરડાના સમાચાર મળ્યા?’ ભોગીલાલે પૂછ્યું.

Related Posts
1 of 19

‘ના…’ મેં કહ્યું.

‘એક જાણીતા અખબારમાં વિનોદ ભટ્ટના અવસાનના સમાચાર હતા અને ફોટો વિનોદ ભટ્ટના બદલે રતિલાલ બોરીસાગરનો હતો.’ ભોગીલાલે કહ્યું.

‘શું વાત કરે છે?’ મને આશ્ચર્ય થયું.

‘હા, મેં મારી સગી આંખે બોરીસાગર સાહેબનો ફોટો જોયો. હું બસમાં એક પેસેન્જરના હાથમાં રહેલા છાપામાં જોઈ ગયો. પહેલા તો ફોટો જોઈને મને ધ્રાસ્કો પડ્યો. મને થયું કે વિનોદ ભટ્ટ સાથે રતિલાલ બોરીસાગરને ખૂબ જ આત્મીયતા હતી એટલે વિનોદભાઈના અવસાનના સમાચાર સાંભળીને બોરીસાગર પણ ગયા કે શું?’ ભોગીલાલે હકીકત રજૂ કરી.

‘એવું બોલીશ નહીં… બકુલ ત્રિપાઠી, તારક મહેતા અને વિનોદ ભટ્ટના ગયા પછી ગુજરાતી હાસ્યસાહિત્યમાં વડીલ કહી શકાય તેવા રતિલાલ બોરીસાગર અને નિરંજન ત્રિવેદી બે બચ્યા છે. ભગવાન બંનેને સો વરસનાં કરે.’ મેં કહ્યું.

‘આ તો મને ક્ષણવાર માટે એવો વિચાર આવ્યો પછી મેં ઝીણવટથી જોયું ત્યારે ખબર પડી કે આ તો છાપાનો છબરડો છે. સમાચાર વિનોદ ભટ્ટના છે અને ફોટો રતિલાલ બોરીસાગરનો છે. ભોગીલાલે ખુલાસો કર્યો.

‘બોરીસાગર સાહેબ ભાગ્યશાળી કહેવાય.’ અંબાલાલે કહ્યું.

‘કેવી રીતે ભાગ્યશાળી?’ મેં પૂછ્યું.

‘માણસ બધું જોઈ શકે, પરંતુ પોતાના જીવતે જીવ છાપાની શ્રદ્ધાંજલિમાં પોતાનો ફોટો જોઈ શકે ખરો?’ અંબાલાલે પૂછ્યું.

‘કદાપિ ન જોઈ શકે.’ ભોગી બોલ્યો.

‘એ બોરીસાગર સાહેબે પોતાની સગી આંખે જોયો.’ અંબાલાલે સિક્સર ફટકારી.

‘છાપાના છબરડાના પ્રતાપે આ પ્રકારની ઘટના ભૂતકાળમાં પણ બની છે અને તે મહાન માણસોના જીવનમાં બની છે. ઉદાહરણ તરીકે જ્યોર્જ ડબલ્યુ. બુશ, જેકી ચાન, આર્થર સી.ક્લાર્ક, હિલેરી ક્લિન્ટન, પ્રિન્સ ફિલીપ, ક્વીન એલિઝાબેથ જેવા એક-બે નહીં, પરંતુ સો કરતાં પણ વધુ મહાન માણસોને અખબારોએ જીવતે જીવ શ્રદ્ધાંજલિ આપી દીધી છે. આપણા બોરીસાગર સાહેબ મહાન લેખક તો છે જ, પરંતુ આ રીતે સરતચૂકથી ફોટો છપાવાથી મેં ઉપર લખ્યા એ મહાન માણસોની યાદીમાં પણ એમનો સમાવેશ થયો છે.’ મેં વિસ્તૃત વાત કરી.

‘છાપાવાળા પણ ગજબ કરે છે.’ ભોગી બોલ્યો.

‘કેમ?’ ચુનીલાલે પૂછ્યું.

‘એકવાર એક ઉદ્યોગપતિનું નામ સરતચૂકથી મરણનોંધમાં છપાઈ ગયું. પેલા ઉદ્યોગપતિએ તંત્રીશ્રીને ફોન કર્યો કે હું સ્વર્ગ કે નર્કમાંથી બોલતો નથી, પરંતુ મારા ઘેરથી બોલું છું. તમે આજના છાપામાં મારંુ નામ મરણનોંધમાં છાપી નાખ્યું છે.’ ભોગીલાલે છણાવટ કરી.

‘પછી? ‘ મેં પૂછ્યું.

‘તંત્રીએ ખૂબ ઠંડા કલેજે કહ્યું કે ચિંતા ન કરો, આવતીકાલે આપનું નામ જન્મનોંધમાં છાપી નાખશું.’ ભોગીલાલે વાત પૂરી કરી.

અમારી ચર્ચા ચાલુ હતી ત્યાં ચાની હોટલના માલિક ચંદુભા અમારી ચર્ચામાં જોડાવા માટે અમારી સામે આવીને બેઠા. થોડીવારમાં ચંદુભાનો નોકર કાગળની પ્યાલીમાં ચાર અડધી ચા મુકી ગયો. મેં ચંદુભાને પણ અમારી સાથે ચા પીવા માટે આગ્રહ કર્યો. નોકર આવીને સ્ટીલની પ્યાલીમાં ચંદુભા માટે ચા આપી ગયો.

‘આ તમે જે વાત કરો છો એવો એક અનુભવ મને પણ થયો છે.’ ચંદુભાએ વાત માંડી.

‘બાપુ તમે જીવતા હતા અને છાપાવાળાએ મારી નાખ્યા?’ અંબાલાલે ઉતાવળ કરી.

‘મરે મારા દુશ્મન… એવું નહીં, પરંતુ જુદંુ થયું હતંુ.’ બાપુ ઉવાચ.

‘તમે માંડીને વાત કરો તો ખબર પડે.’ મેં કહ્યું.

‘મેં વરસો પહેલાં અગરબત્તીનું કારખાનું કર્યું હતું. એ પહેલાં હું અત્તર વેચતો હતો. મારી ઇચ્છા સમાજમાં સુગંધ ફેલાવવાની હતી.’ ચંદુભાએ ચા પીતા પીતા વાત માંડી.

‘મારો એક મિત્ર છે. પહેલા બંગડીની દુકાન કરી, તેમાં મઝા ન આવી તો મેંદીની દુકાન કરી અને અત્યારે જ્યોતિષી છે.

એણે મહિલાઓના હાથ સાથેનો સંપર્ક

અકબંધ રાખ્યો છે.’ અંબાલાલે દાખલો આપ્યો.

‘આપણુ કામ તો સમાજમાં સુવાસ ફેલાવવાનું છે. મેં અત્તરનો ધંધો બંધ કરી અગરબત્તીનું કારખાનું કર્યું. મને કસરતનો શોખ અને એ વખતે બધા મને પહેલવાન કહેતા. મેં નામ રાખ્યંુ ઃ પહેલવાન છાપ અગરબત્તી.’ ચંદુભાએ ચુસ્કી ભરવા માટે વિરામ લીધો.

‘વાહ… ખૂબ સરસ નામ… પહેલવાન છાપ અગરબત્તી’ મેં અનુમોદના આપી.

‘અમદાવાદ અગરબત્તીના બોક્ષ છપાવવા આપ્યા. મારે હજાર બોક્ષ છપાવવા હતાં, પણ પ્રિન્ટિંગ પ્રેસવાળો મને કહે બાપુ, દસ હજાર બોક્ષ છપાવો તો સસ્તા પડશે.’

‘એની વાત સાચી છે.’ ભોગી બોલ્યો.

‘મેં દસ હજાર બોક્ષનો ઓર્ડર આપ્યો. એક મહિના પછી ટ્રાન્સપોર્ટમાં બોક્ષ આવ્યા. કારખાને લઈ જઈને ખોલ્યા તો ગજબ થઈ ગયો.’ ચંદુભા બોલ્યા.

‘શું થયું બાપુ?’

‘ગોલીનાએ’ પહેલવાન છાપ અગરબત્તી બદલે ‘અગરબત્તી છાપ પહેલવાન’ છાપી નાખ્યું હતું. મારા નસીબ નબળા કે હું બધા રૃપિયા એડવાન્સ આપીને બેઠો હતો. હજુ મારા ઘરે માળિયામાં ‘અગરબત્તી છાપ પહેલવાન’ લખેલા બોક્ષ પડ્યા છે.’ ચંદુભાએ ચા સાથે વાત પુરી કરી.

અમે ચારે મિત્રો મુદ્રારાક્ષસના છબરડા ઉપર ખડખડાટ હસી પડ્યા.
—————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »