સંવાદની ભૂમિકા ઊભી કરનારી પ્રણવ મુખરજીની સંઘ મુલાકાત
દરેક વ્યક્તિને વિચાર કરવાનો અને પોતાના વિચારો વ્યક્ત કરવાનો મૂળભૂત માનવ અધિકાર છે
કવર સ્ટોરી – હેમંતકુમાર શાહ
ફ્રેંચ દાર્શનિક વોલ્ટેર દ્વારા જે વાક્ય કહેવાયું હોવાનું કહેવાય છે તે એ છે કે ‘તમે જે કહો છો તેની સાથે હું અસંમત હોઈ શકું છું, પણ તમારા એ કહેવાના અધિકારનું હું મૃત્યુપર્યન્ત રક્ષણ કરીશ.’ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા લગભગ આજીવન નખશિખ કોંગ્રેસી રહેલા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને પોતાના તૃતીય સંઘ શિક્ષા વર્ગના પૂર્ણાહુતિ પ્રસંગે ભાષણ આપવા બોલાવીને સંઘે શું વોલ્ટેરના આ મંતવ્યનો સ્વીકાર કર્યો? અને જો હા, તો જેઓ આજકાલ બીજાનાં મંતવ્યોને સહેજ પણ સહન કરી શકતાં નથી તેવા સંઘીઓ અને પોતાની જાતને હિન્દુત્વ અને હિન્દુ ધર્મના એકમાત્ર રખેવાળ માનતા સંઘમાં ના હોય તેવા સવાયા સંઘીઓ આ નુક્તેચીનીને સમજવા જેટલી બુદ્ધિનું પ્રદર્શન કરશે તો ખરેખર ભારતમાં લોકશાહીનું ભવિષ્ય તેમના દ્વારા તો નહીં જ જોખમાય.
ઘણા કોંગ્રેસી નેતાઓે પ્રણવ સંઘના વડા મથકે જાય તેનો જ વિરોધ કરતા હતા અને એમ કહેતા હતા કે તેનાથી સંઘને અને સંઘની વિચારધારાને માન્યતા મળશે. તેઓ એ ભૂલી ગયા હતા કે ગાંધીજી પણ સપ્ટેમ્બર-૧૯૪૭માં સંઘીઓને સંબોધવા ગયા હતા. દરેક વ્યક્તિને વિચાર કરવાનો અને પોતાના વિચારો વ્યક્ત કરવાનો મૂળભૂત માનવ અધિકાર છે એમ સતત જેઓ છેલ્લાં ચાર વર્ષથી ગાઇવગાડીને કહે છે તે કોંગ્રેસીઓ એ કેમ ભૂલી ગયા કે પ્રણવ મુખરજીને પણ એ અધિકાર તો છે જ. એમણે પોતાના વિચારો પોતાનાથી તદ્દન વિપરીત વિચારધારા ધરાવનારા લોકોને કહેવાની તક ઝડપી લીધી એ જ સારું કર્યું. કોઈ પણ કોંગ્રેસી નેતાએ એમ જ કરવું જોઈએ.
લોકશાહી સંવાદ ઉપર ચાલવી જોઈએ અને એ રીતે જ વિવાદોનો ઉકેલ આવવો જોઈએ અને જર્મન દાર્શનિક જુર્ગેન હેબરમાસ કહે છે તેમ આ સંવાદ અહિંસક હોવો જોઈએ, કોઈ પૂર્વગ્રહોથી બંધાયેલો ના હોવો જોઈએ. આંબેડકર કોંગ્રેસી નહોતા અને છતાં બંધારણ ઘડવા માટેની મુસદ્દા સમિતિના અધ્યક્ષ અને પ્રધાનમંડળના સભ્ય બનાવવા જેટલી ઉદારતા જવાહરલાલ નહેરુ અને તે સમયના સરદાર પટેલ સહિતના કોંગ્રેસીઓમાં હતી. એ કોંગ્રેસીઓને પ્રણવ મુખરજી પર વિશ્વાસ નહોતો અને તેમાંના કેટલાક તો એમ જ માનતા થઈ ગયા કે પ્રણવ વટલાઈ ગયા. સંઘ તે જે પ્રકારના હિન્દુત્વમાં માને છે તેમાં તમને વટલાવવા ઇચ્છે પણ ખરો, પણ તમારે વટલાવવું નહીં એ તો તમારે જાતે નક્કી કરવાનું છે. પ્રણવ મુખરજીએ એમ સાબિત કર્યું કે તેઓ વટલાયા નથી, પણ સંવાદની ભૂમિકા ઊભી કરવા જેટલું સૌજન્ય ચોક્કસ દાખવવું જોઈએ. અલગતાવાદીઓને ટેકો આપનારા પીડીપી સાથે કે તેના નેતાઓને જમ્મુ-કાશ્મીરમાં ભાજપ અને કોંગ્રેસ બંને વારાફરતી સીધો કે આડકતરો ટેકો રાજ્યમાં કે કેન્દ્રમાં આપી શકતા હોય અને લઈ શકતા હોય તો કોઈની પણ સાથે સંવાદની ભૂમિકા તો રાખી જ શકાય. કોંગ્રેસના નેતાઓ એ સાવ જ ભૂલી ગયા એમ લાગે છે.
દુનિયાભરમાં કોઈ પણ સમસ્યાનો ઉકેલ છેવટે તો સંવાદથી જ વધારે સ્વીકૃત રીતે આવી શકે છે એ સમજવાની આવશ્યકતા છે. કિમ જોન્ગ ઉન અને ડોનાલ્ડ ટ્રમ્પ શાંતિ માટે વાતો કરી શકતા હોય તો કોઈ પણ લોકો શાંતિ અને સૌહાર્દ માટે સંવાદ સાધી શકે છે. હા, કોઈ સંવાદ ઊભો કરવા માટે જ તૈયાર ના હોય અને હિંસાનો જ રસ્તો અપનાવે તો વાત જુદી છે. સંઘે એવી ભૂમિકા તો અપનાવી છે જ નહીં ત્યારે તેની સાથે સંવાદની ભૂમિકા અપનાવવાની કોશિશ કરવી જોઈએ એવો સંદેશો પ્રણવ મુખરજીએ સૌ ધર્મનિરપેક્ષ લોકોને આપ્યો છે એમ જ કહેવાય.
પ્રણવ મુખરજીએ રાષ્ટ્ર, રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રભક્તિની વ્યાખ્યાઓ આપીને ધર્મનિરપેક્ષતા, બહુત્વવાદ, સહિષ્ણુતા અને સમાવેશિતામાં ભારતનો આત્મા રહેલો છે અને રાષ્ટ્રવાદ જો આદર્શ હોય તો પણ તે આ તત્ત્વોમાં નિહિત છે અને તે જ બંધારણ દ્વારા પ્રણીત છે એમ સંઘના મંચ પર જઈને કહ્યું, આ જ ખરેખર તો મોટી ઘટના છે અને તેથી ભારતના તાજેતરના ઇતિહાસની આ એક અવિસ્મરણીય ઘટના બની રહેશે. સંઘના નિમંત્રણનો સ્વીકાર કરીને પ્રણવ મુખરજીએ વાસ્તવમાં સંઘીઓને એક પ્રકારની શીખ આપવાની તક ઝડપી લીધી. એમ લાગે છે કે એમાં તેમણે કશું ખોટું કર્યું નથી અને તેથી જ તેમની ટીકા કરનારા કોંગ્રેસીઓ પણ તેમના નાગપુરના પ્રવચનની પ્રશંસા કર્યા સિવાય રહી શક્યા નહીં.
સંઘ જેની સતત યાદ દેવડાવ્યા કરે છે તે ભારતના ભવ્ય ભૂતકાળની સુપેરે વિસ્તારપૂર્વક નોંધ લઈને પ્રણવ મુખરજીએ તેમના મુખેથી જે કહેવાવાનું અપેક્ષિત હતું તે જ કહ્યું. તેની શું સંઘના નેતાઓને ખબર નહિ હોય? તેમ છતાં તેમણે તેમને નિમંત્રણ આપ્યું એ જેમ તેમની મોટાઈ છે એ જ રીતે કોંગ્રેસીઓએ પણ મન મોટું રાખવાની જરૃર હતી. સંઘે પ્રણવ મુખરજીને સાંભળ્યા ખરા, પણ તે તેમણે બતાવેલા માર્ગ પર કેટલો ચાલશે તે તો સમય જ કહેશે.
એમ તો કોંગ્રેસીઓ હંમેશાં બંધારણને અને તેમાં દર્શાવેલા ધર્મનિરપેક્ષતા, સમાનતા અને ન્યાયના સિદ્ધાંતોને વળગેલા રહ્યા જ છે એવું તો કહી શકાય તેમ છે જ નહીં. તેથી એક વાત નક્કી છે કે પ્રણવ મુખરજીના સંઘ કાર્યાલયમાં જવા માત્રથી જ સંઘની રાજકીય અસ્પૃશ્યતા દૂર થઈ જશે એમ માની લેવાની જરૃર પણ નથી. પરસ્પર બાપે માર્યા વેર ધરાવતા નેતાઓ અને પક્ષો શા માટે ભાજપ સામે એક થાય છે અને વિચારે છે તે ભાજપે અને સંઘે બંનેએ સમજવાની જરૃર છે. એમાં માત્ર સત્તા પ્રાપ્ત કરવાનો તકવાદ છે એવું નથી, પણ ભાજપ અને સંઘની વિચારધારા અને તેને આધારે થતાં તેમના રાજકીય વર્તન સામે જ વિરોધ છે……..
———————– વધુ વિગતો વાંચવા અભિયાન સબસ્ક્રાઇબ કરો.. ———————–