પ્રણવદા અને સંઘઃ રાજકારણ એ વિસંગત લોકો વચ્ચેનું હનીમૂન છે
પ્રણવદાએ ભારતના રાષ્ટ્રવાદમાં કોંગ્રેસના ફાળાનો ખાસ ઉલ્લેખ કર્યો
- કવર સ્ટોરી – વિદ્યુત જોેશી
અંગ્રેજીમાં એક જાણીતી કહેવત છે, ‘પોલિટિક્સ મેક્સ સ્ટ્રેન્જ બેડ ફેલોઝ.’ વી.પી. સિંઘે એક વખત કહ્યું હતું, ‘પોલિટિક્સ ઇઝ મૅનેજમૅન્ટ ઓફ કોન્ટ્રાડિક્શન્સ’ જ્યારે તદ્દન વિરોધી લાગતા લોકો એકબીજા સાથે સંવાદ કરવા લાગે ત્યારે તેનું નામ મુત્સદ્દીગીરીનું રાજકારણ. સીધી વાત છે કે અહીં ભારતીય રાજકારણના બે ધ્રુવો – બે સમાંતરો મળતા હતા. જ્યારે આપણે સરખા લોકોને મળતા જોઈએ છીએ ત્યારે આપણને નવાઈ નથી લાગતી, પરંતુ વિરુદ્ધ સ્વરૃપના લોકોને મળતા જોઈએ છીએ ત્યારે આપણને જરૃર નવાઈ લાગે છે. અહીં પણ એવું જ થયું. આથી તો પ્રણવદાના સંઘના કાર્યક્રમની ચર્ચા ખૂબ જ થઈ અને તેના શક્ય અર્થો પણ લોકોએ તારવ્યા. પ્રણવદા અને મોહન ભાગવત જે બોલ્યા અને જે ન બોલ્યા તે બંનેના વિવિધ અર્થો નીકળે છે. જે બોલ્યા તે તો હવે સ્પષ્ટ છે.
મોહન ભાગવતે સંઘ કઈ રીતે રાષ્ટ્રવાદી છે તેની વાત કરતા રેડિકલ હિન્દુ રાષ્ટ્રવાદની વાત ન કરી. આ તો અપેક્ષિત હતું, પરંતુ સવાલ એ થાય છે કે સંઘે તેના હરીફ પક્ષના સિનિયર નેતા એવા પ્રણવદાને કેમ બોલાવ્યા? રાજકીય પંડિતો કહે છે કે છેલ્લા કેટલાક સમયથી મોદી સંઘ અને બીજેપી કરતાં વધુ શક્તિશાળી બનતા જતા હતા. સંઘની ૩૭૦મી કલામ, હિન્દુ રાષ્ટ્રવાદ, રામ મંદિર, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ, સ્વદેશી વ. મુદ્દાઓ પાછા પડતા જતા હતા અને સંઘના સિનિયર નેતાઓને પણ ટેકન ફોર ગ્રાન્ટેડ કરવામાં આવી રહ્યા હતા. ગુજરાતના લગભગ એક ડઝન સંઘ કાર્યકરો મોદીથી નારાજ છે. એવું જ સમગ્ર ભારત સ્તરે પણ છે. આથી સંઘે પ્રણવદાને બોલાવીને એક ઇશારો કર્યો છે. સંઘ જો પ્રણવદાને મહત્ત્વ આપે તો મોદીનો પ્રભાવ એટલા પ્રમાણમાં ઓછો કરી શકાય અને તેમના પર અંકુશ મૂકી શકાય તેવી ગણતરી પણ હોઈ શકે.
તો બીજી બાજુ પ્રણવદા સંઘની બેઠકમાં જઈને શું બોલશે તેની જ્યારે ચર્ચા ચાલતી હતી ત્યારે પ્રણવદાએ કહ્યું હતું કે મારે જે કહેવાનું છે તે હું બેઠકમાં જ કહીશ. પ્રણવદાએ પોતાની વાત ખાસ નિભાવી. પ્રણવદા જે બોલવાના હતા તે તરફ જગતના માધ્યમોનું ધ્યાન હતું અને તેથી તમામ ચેનલોએ તેમના ભાષણનું જીવંત પ્રસારણ કર્યું. પોતાના ભાષણમાં પ્રણવદાએ ભારતના રાષ્ટ્રવાદમાં કોંગ્રેસના ફાળાનો ખાસ ઉલ્લેખ કર્યો, પરંતુ નહેરુના સેક્યુલારિઝમ અને સમાજવાદનો ઉલ્લેખ ન કર્યો. ભારતની સંસ્કૃતિની વાત કરતા નાલંદા, તક્ષશિલા વ. ભારતીય સંસ્કૃતિના સ્થાનકોનો ઉલ્લેખ કર્યો. આમ કરીને પોતે કોંગ્રેસી છે, પરંતુ નહેરુ-ગાંધી પરિવારથી દૂર છે તેવું પ્રણવદાએ ચોખ્ખું બતાવ્યું. પ્રણવદાએ અહીં દાવ લીધો. ઇન્દિરાનાં
મૃત્યુ પછી સિનિયર પ્રણવદાને બદલે રાજીવ ગાંધીને પ્રધાન મંત્રી બનાવ્યા ત્યારે પ્રણવદા નારાજ થયા હતા તે ન કહી નહેરુ-ગાંધી પરિવારથી અંતર બનાવેલું તેની છાપ અહીં દેખાણી. સ્વાભાવિક છે કે આટલા સિઝન્ડ મુત્સદ્દી પુરુષ સીધી વાત તો ન જ કરે. એટલે આડકતરી રીતે નહેરુની વિચારસરણીથી પોતાને અલગ તારવ્યા, પરંતુ નહેરુ-ગાંધી પરિવારથી પોતાની જાતને અલગ બતાવીને પ્રણવદાએ સંઘની હિન્દુવાદી વિચારસરણી નથી સ્વીકારી. તેમણે પોતાના ૩૫ મિનિટના બંગાળી ઉચ્ચારોવાળી અંગ્રેજી ભાષાના ભાષણમાં રાષ્ટ્રવાદ, ધર્મ, ભાષા, શિક્ષણ વ.ના ઉલ્લેખો કર્યા. ભારતના રાષ્ટ્રવાદને ૧૮૮૫માં કોંગ્રેસની સ્થાપના સાથે જોડતા તેમણે સંઘનો હિન્દુ રાષ્ટ્રવાદ પાછળથી જન્મ્યો છે તેવું ઇંગિત કર્યું. રાષ્ટ્રવાદ એટલે હિન્દુ રાષ્ટ્રવાદ નહીં તેવી છાપ ઊભી કરવાની કોશિશ કરી.
સંઘના મંચ પરથી આ વાત કરવી તે મોટું સાહસ ગણાય.તેમણે રાષ્ટ્ર, રાષ્ટ્રવાદ અને દેશભક્તિ એ ત્રણેય એકબીજા સાથે સંકળાયેલ છે તેમ કહ્યું અને ભારત જેવા બહુવિધ પરંપરા ધરાવતા દેશમાં દેશભક્તિ બાબતે સંકુચિતતા નહીં ચાલે તેવું ઇંગિત કર્યું. વિવિધ સમુદાયોના સહઅસ્તિત્વની વાત કરી હિન્દુ આધિપત્યનો છેદ ઉડાવી દીધો. જો આ સહઅસ્તિત્વ ટકાવી રાખવું હશે તો તે શાંતિમય સહ અસ્તિત્વ જ હોઈ શકે તેવું પણ કહ્યું. આમ હિન્દુ કે કોઈ પણ પ્રકારની હિંસાનો છેદ ઉડાવી દીધો. તેમણે સ્પષ્ટ કહ્યું કે રાષ્ટ્રવાદ કોઈ એક ધર્મ, ભાષા કે જાતિ સાથે બંધાયેલો ન હોવો જોઈએ. રાષ્ટ્રવાદ માટે ભારતના નાગરિક હોવું એ એક ઓળખ કાફી છે. સંઘના ઘરમાં જઈને સંઘની વિચારસરણી ખોટી છે તેમ કહેવું એ મોટી દાદ માંગી લેતી વાત છે.
આમ પોતાના ભાષણમાં પ્રણવદાએ નહેરુની કોંગ્રેસથી સહેજ જુદા પડીને પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ સાબિત કર્યું તો પોતે સંઘી નથી તે છાપ સ્પષ્ટપણે છોડી, પરંતુ પ્રણવદાએ જે કહ્યું તેના કરતાં જે નથી કહ્યું તેને પણ કતારની વચ્ચે (બિટ્વિન ધ લાઇન્સ) વાંચવું જોઈએ. આ ન બોલાયેલી વાતોનું પણ વિશ્લેષણ થવું જોઈએ, તો પ્રણવદાએ સંઘનું આમંત્રણ સ્વીકાર્યું અને કોંગ્રેસના ન જવાના અનુરોધને ન સ્વીકાર્યો તે બાબત પોતે નહેરુ-ગાંધી પરિવારથી જુદા પડે છે તેમ સંદેશો આપ્યો. ભારતના રાજકારણમાં અને કોંગ્રેસમાં કેટલાંક વર્ષોને બાદ કરતાં નહેરુ-ગાંધી પરિવારનું વર્ચસ્વ રહ્યું છે. પ્રણવદા એ પરિવારવાદથી અલગ છે તેવું તેમણે સ્પષ્ટ બતાવ્યું.
દૂર જતા જાય છે. જો મોદી પર સંઘનું દબાણ લાવવું હોય તો કોઈ આવો પ્રભાવ ઊભો કરવો પડે. જેથી કરીને ચૂંટણી સમયે મોદી સંઘની વધુ નજીક આવે. સન ૧૯૭૭ના મધ્યમાં કટોકટી તેના અંતિમ તબક્કામાં હતી ત્યારે આટલી જ પ્રવાહી સ્થિતિ હતી. કોણ કઈ બાજુ જશે તેની ખબર નહોતી. અત્યારે ઘોષિત કટોકટી નથી, પરંતુ રાજકીય દબાણ તો એટલું જ છે. આથી અત્યારે બધું દબાયેલું છે. જેવો ચૂંટણીનો સમય નજીક આવતો જશે તેમ વિકલ્પો ખુલ્લા પડતા જશે અને ત્યારે પ્રણવદાની ભૂમિકા વધુ મહત્ત્વની બનશે. આજે પ્રણવદા અને સંઘ કજોડું જણાય છે તે ત્યારે કદાચ ગાઢ પ્રેમ કરનાર જોડું પણ બની જાય. સાચે જ પોલિટિક્સ મેક્સ સ્ટ્રેન્જ બેડ ફેલોઝ.
———————– વધુ વિગતો વાંચવા અભિયાન સબસ્ક્રાઇબ કરો.. ———————–