તમારા માટે, તમારી સાથે, સતત…

સાપ્તાહિક રાશી ભવિષ્ય

તા. 24-06-2018 થી તા. 30-06-2018

0 857

તા. 24-06-2018 થી તા. 30-06-2018

મેષ :
સપ્તાહના આરંભે તા. 24ના રોજ આપને શુભ સમાચાર મળી શકે છે. આપના માટે ખુબ આનંદદાયી દિવસ રહેશે. તા. 25, 26 અને 27 દરમિયાન આપનો સમય સારો નથી. માનસિક અજંપો વધુ રહેવાથી મહત્ત્વના નિર્ણય લેવાનું ટાળજો. કોર્ટ-કચેરીના કાર્યમાં વિધ્ન આવશે. આપને આવકના પ્રમાણમાં જાવકનું પ્રમાણ વધુ રહેશે. આ સમય દરમિયાન યાત્રા-પ્રવાસ ટાળવો. મનમાં નકારાત્મક વિચારો વધારે આવે તેથી તમે ડિપ્રેશન અનુભવશો અને વૈરાગ્ય તરફ વધુ ધકેલાશો. તબિયત નરમ ગરમ રહે. ખાસ કરીને આંખોમાં તકલીફ થવાના યોગો છે. જલોદર થવાની પણ સંભાવના રહે. પ્રવાસ દરમિયાન નદી કે તળાવમાં ન્હાવા જવું હિતાવહ નથી. પાણીજન્ય રોગોની પણ સમસ્યા થઈ શકે છે. તા. 28 અને 29 દરમિયાન આપ ધ્યાન, પૂજાપાઠમાં વધારે સમય વ્યતિત કરશો. યોગમાં પણ રૂચિ રહેશે. ગુરુના સાનિધ્યમાં રહેવાનો લાભ મળશે. ઉચ્ચ અભ્યાસમાં સફળતા મળે. અટવાયેલા કામકાજમાં વાતચીત દ્વારા ઉકેલ આવે. તા. 30ના રોજ સમય આપને સાથ આપશે જેથી આપ બેહદ ખુશ રહેશો. પ્રેમસંબંધોમાં મધુરતા રહેશે. આપ સ્ફૂર્તિ અને તાજગી અનુભવશો. વાહન ખરીદવા માટે શુભ સમય છે. દલાલી કે કમિશનના કામથી લાભ થાય. વ્યવસાયમાં પ્રગતિ થાય. નોકરીમાં પ્રમોશન થાય. સામાજિક માન-પ્રતિષ્ઠા વધે. સરકારી કામકાજમાં સફળતા મળે. રાજકીય લોકોને મહત્તવનો હોદ્દો મળવાની શક્યતા પ્રબળ દેખાય છે.
————————————-.

વૃષભ :
તા. 24ના રોજનો દિવસ સુવિધાદાયક પસાર થશે. જીવન તમે ખૂબ સારી રીતે જીવી રહ્યા છો એવો અહેસાસ કરી શકશો. નિઃસંતાન દંપતીઓને સંતાનપ્રાપ્તિ માટેનો સારો સમય છે. શેરબજારથી લાભ થાય. હરવા ફરવા માટેનો ઉત્તમ તબક્કો ગણી શકાય. તા. 25 અને 26 દરમિયાન આપ સમાજ કલ્યાણના કાર્યોમાં ભાગ લેશો. આપનો મિલનસાર સ્વભાવ આપના માટે ઘણો ફાયદાકારક રહેશે. આપ કામનું મહત્ત્વ સમજીને સંપૂર્ણ ખંત અને ધગશથી કામ કરશો. રાજકીય કાર્યમાં સફળતા મળશે. તા. 27, 28 અને 29 દરમિયાન આપનો સમય નકારાત્મક રહેશે. સાંધાનું દર્દ કે પીઠ દર્દ થઇ શકે છે. આપ બાળકોના ભવિષ્યની ચિંતા અનુભવશો. ચંદ્ર-શનિની યુતિ થતી હોવાથી આપનું મનોબળ નબળુ પડશે. આર્થિક સ્થિતિ ડામાડોળ થઇ શકે છે. ચંદ્ર-શનિ સાથે સૂર્યની દૃષ્ટિના કારણે કાનૂની પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે. ભાઈઓ સાથે તકરાર થઈ શકે છે. તા. 30ના રોજ આપનો દિવસ સામાન્ય પસાર થશે. આપને સંપત્તિની બાબતે ભાઈઓ સાથે વાદ-વિવાદ થઇ શકે છે. શક્ય હોય ત્યાં સુધી કોઈપણ વ્યક્તિ સાથે દલીલબાજી ટાળવી. આપના સ્વભાવમાં ઉગ્રતા વધુ રહેશે. આપ સંતાન બાબતે પણ વધુ ચિંતિત રહેશો.
————————————-.

મિથુન :
વિદ્યાર્થી જાતકોને સપ્તાહના આરંભે થોડા કપરાં ચઢાણ દેખાય છે. તા. 24ના રોજ અભ્યાસમાં એકાગ્રતા રાખવી જરૂરી છે. જોકે તમે નિયમિત મેડિટેશન સાથે અભ્યાસમાં ધ્યાન આપશો તો ઉત્તમ સફળતાની મનોકામના પણ પૂર્ણ થશે. પરિવાર સાથે ફરવામાં તેમજ આનંદપ્રમોદની પ્રવૃત્તિઓમાં સમય વિતાવી શકશો. તા. 25 અને 26 દરમિયાન ઉત્તમ સંપત્તિદાયક તબક્કો રહેશે. આપ પોતાના વિચારોમાં સકારાત્મકતાના કારણે વિધ્નો દૂર કરી સફળતા મેળવશો. નોકરીમાં રહેલી સમસ્યાઓ સફળતાપૂર્વક દૂર કરશો. આપ શત્રુ પર વિજય મેળવશો. અવિવાહિતોને યોગ્ય સાથીનો ભેટો થવાની સંભાવના છે. જો કોઈ જગ્યાએ અગાઉથી વાત ચાલતી હોય તો તેમાં સકારાત્મક જવાબ આવી શકે છે. જીવનસાથી જોડે સંબંધોમાં મધુરતા વધે. જોકે, કુંટબના વાદવિવાદના કારણે કોર્ટ કચેરીના યોગો બને છે. તા. 27, 28 અને તા. 29 દરમિયાન સમય શાંતિપૂર્વક પસાર થશે. જુના મિત્રો સાથે મુલાકાતના કારણે સુખદ અનુભૂતિ થશે. આપને બહાર ફરવા જવાનું થશે. આપનું ચિત્ત ધાર્મિક કાર્યોમાં વધુ કેન્દ્રિત રહેશે. જીવનસાથી જોડે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખવું, પાર્ટનરશીપના ધંધામાં નુકસાન થવાના યોગો છે. હાલમાં નવા કરારો કરવામાં પણ સાચવીને આગળ વધજો. તા. 30ના રોજ આપના સ્વાસ્થ્યમાં તકલીફ આવવાની શક્યતા છે. આપને શરીરમાં કળતર કે પછી માથાના દુખાવાની તકલીફનો સામનો કરવો પડી શકે છે. સંતાન સંબંધી કોઈ ચિંતા સતાવ્યા કરે.આપની લાગણીને કોઈ ઠેસ પહોંચાડશે.
————————————-.

કર્ક :
તા. 24ના રોજ આપના પ્રયત્નો છતાં આપના કાર્યમાં અપેક્ષિત સફળતા નહીં મળે. ધન હાનિનો યોગ છે માટે આર્થિક આયોજનમાં ખૂબ જ સાવચેત રહેવું. માનસિક સ્થિતિ વધુ ડામાડોળ રહેવાથી શક્ય હોય ત્યાં સુધી મહત્વના નિર્ણયો લેવું ટાળજો. યુવાનો યોગ્ય માર્ગદર્શનના અભાવે કોઈ ખોટો નિર્ણય ન લે તેનું ધ્યાન રાખવું. તા. 25 અને 26 દરમિયાન કોઈ નોકરીના ઇન્ટરવ્યુ માટેનો પત્ર મળશે કે પછી જવાનું થશે. પરિવારના સંબંધોમાં મજબૂતી અને સુધારો આવશે. સમય એકંદરે શાંતિપુર્વક પસાર થશે. સંતાનના વિવાહ માટે વાત થઇ શકે છે. પ્રણય પ્રસંગોમાં સાવધાની રાખવી જરુરી છે, અન્યથા ભંગાણ થઈ શકે છે. ગુપ્ત રાખેલા સંબંધો જાહેર થવાની પણ શક્યતા છે. વિદ્યાર્થીઓને જો સફળતા મેળવવી હોય તો મહેનત કરવી જ પડશે. તા. 27 થી 29 દરમિયાન શત્રુઓ આપને હરાવવા માટે ધમપછાડા કરશે પરંતુ સફળ નહીં થઇ શકે. કોઈ જમીન-મિલકતનો સોદો થઇ શકે છે. કામ-કાજમાં મન લાગશે. જીવનસાથી જોડે અગાઉ કોઈ મુદ્દે ગેરસમજ હશે તો દૂર થશે. ઘર-પરિવારમાં સ્થિતિ એકંદરે સંતોષજનક રહેશે. આપના આત્મવિશ્વાસમાં વધારો થશે જેથી અઘરા કાર્યો પણ સરળ લાગશે. તમે પાર્ટી અથવા જાહેરજીવનમાં સક્રીય થઈને મન પ્રફુલ્લિત કરવાનો પણ પ્રયાસ કરશો. તા. 30ના રોજ સ્થિતિ અનુકૂળ રહેશે. આપનું ધારેલું કાર્ય પૂર્ણ થવાની સંભાવના છે. નાણાંના નવા સ્ત્રોતો ઉભા કરવા માટે તમે સક્રીય થશો અને તેમાં મહદ અંશે સફળતા મળે.
————————————-.

સિંહ :
નવા પ્રોફેશનલ સાહસો કરવા માટે અથવા કામકાજમાં ધરમૂળથી પરિવર્તન કરવા માટે શરૂઆતનો સમય સારો જણાઈ રહ્યા છે. તા 24ના રોજ વ્યાપાર અને કાર્યમાં નવા નવા પ્રયોગ કરશો. આપ પોતાની અનોખી કાર્યશૈલીના કારણે લોકપ્રિયતા મેળવશો. ભાગીદાર સાથેના સંબંધોમાં ગેરસમજનું નિરાકરણ આવશે. કમિશન કે દલાલીના વ્યવસાયથી આર્થિક લાભ થવાની શક્યતા રહેલી છે. બેન્કિંગ અને શિક્ષણના કાર્યોમાં પણ સારી સ્થિતિની અપેક્ષા રાખી શકો છો. તા 25 અને 26 દરમિયાન કોઈ સંબંધી કે કુટુંબની વ્યક્તિ સાથે એવી વાત થશે જેથી આપનું મન દુઃખી થશે. આપે ઘણા સમયથી જે મહેનત અને પરિશ્રમ કર્યો હશે એનું ફળ નહીંવત મળતા મનમાં થોડો વસવસો થશે. આપ પરિવાર પ્રત્યે આપની જવાબદારી ખુબ સારી રીતે નિભાવશો પણ એનાથી પરિવારના લોકોને સંતોષ નહીં થાય. આપ એકલતા અનુભવશો. તા 27, 28 અને 29 દરમિયાન વિદ્યાર્થીઓને અભ્યાસ સંબંધિત કાર્યોમાં સારી પ્રગતી થઈ શકે છે. ખાસ કરીને આ સમયમાં ભાવી કારકિર્દીની પસંદગી અથવા એડમિશન જેવા કાર્યોમાં તમારી દોડધામ રહેશે. આપે લક્ષ્યને પામવા માટે યોગ્ય દિશા નક્કી કરવી પડશે. જૂની પરેશાનીથી છુટકારો મળશે. અજાણી વ્યક્તિથી મદદ મળશે. તા 30ના રોજ ધાર્મિક કાર્ય કરશો. નવું વાહન ખરીદવા માટે શુભ યોગ છે. સપ્તાહનો અંતિમ દિવસ અકંદરે સફળતાનું સુચન કરે છે.
————————————-.

Related Posts
1 of 13

કન્યા :
સપ્તાહના પ્રારંભમાં આપ પારિવારિક બાબતોને વધુ ધ્યાનમાં રાખશો. માતા સાથેના સંબંધોમાં મધુરતા રહેશે. ભાઇ- ભાંડુઓથી લાભ થાય. ઘરમાં નવું ફર્નિચર વસાવો, રંગરોગાન કરાવો અથવા વાહન ખરીદો વગેરે શક્યતા રહે. સપ્તાહના મધ્યમાં આપ બૌદ્ધિક કાર્યો અને સાહિત્‍ય સર્જન કે લેખનપ્રવૃત્તિમાં ગુંથાયેલા રહેશો. નવા કાર્યના શ્રીગણેશ કરી શકો છો. લાંબી મુસાફરી પર જવાનો કે પરિવાર સાથે વેકેજનની મજા માણવા પ્રવાસે જવાનો તખ્‍તો ઘડાય. વ્યવસાયિક મોરચે ખાસ કરીને સરકારી અને બેંકિંગના કામકાજોમાં આપને સાનુકૂળતા રહેશે. જેઓ યોગ્ય જીવનસાથીની શોધમાં છે તેમના માટે ખૂબ સાનુકૂળ સમય છે. માર્કેટિંગ અને કમ્યુનિકેશનમાં જોડાયેલા જાતકો આ સમયમાં સારી પ્રગતિ કરી શકશે. વિદેશ કે દૂરના અંતરના આપના સંપર્કો તાજા થશે અને તેનો આપ આર્થિક લાભ મેળવી શકશો. સંતાન સુખ આપને સારું મળશે. જોકે આ બધા વચ્ચે આપનો ગુસ્સો સાતમા આસમાને રહેશે. આપ શક્ય હોય ત્યાં સુધી વાહન સંભાળીને ચલાવજો. વિદ્યાર્થીઓ માટે પ્રગતિકારક સમય છે. તબિયત મામલે ખાસ કરીને પેટ અને સાંધાની સમસ્યા થઈ શકે છે.
————————————-.

તુલા :
તા 24ના રોજ ઘર માટે તેમજ પોતાના માટે ખરીદી કરશો. ખર્ચા પણ રહેશે અને સારું રોકાણ પણ કરશો. આ સમયમાં તમે જે પણ ખર્ચ કરો તે સારી બાબતો માટે હોવાથી મનમાં કોઈ અફસોસ નહીં હોય તેમજ તેના માટે તમે અગાઉથી આયોજન પણ કરી રાખશો. તા 25 અને 26 દરમિયાન સમય મિશ્ર ફળદાયી રહેશે. મહેમાનનું આગમન થશે જેથી કામમાં મન નહીં રહે. આપને પણ કોઈના ત્યાં મળવા જવાનું થશે. કામકાજ અને મહેમાનની ભાગ-દોડ વચ્ચે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. સંતાન સંબંધી ચિંતા દૂર થશે. તા 26 થી બુધ આપની રાશિથી દસમાં સ્થાનમાં ભ્રમણ કરશે જેથી કોઈ પણ કાર્યમાં ઉતાવળ કરવી નહીં. વિચાર કરીને નિર્ણય લેવાથી કાર્યમાં સફળતા મળશે. કોઈ નવી ઓળખાણ થશે. તા 27,28 અને 29 દરમિયાન કામકાજ અને વ્યવસાયમાં આગળ વધવાની તક મળશે. આજીવિકા અને કાર્ય માટે ગંભીર રહેશો. સંતાન સંબંધી કોઈ મહત્ત્વપૂર્ણ કાર્ય સારી રીતે પાર પડશે. તા 30ના રોજ મહત્ત્વના કાર્યમાં ખોટા નિર્ણય લેવાશે. પરિસ્થિતિ ચિંતાજનક રહેશે.
————————————-.

વૃશ્ચિક :
સપ્તાહના આરંભે કામકાજના સ્થળે તમારે વધુ સાવચેતી રાખવી પડશે. તા 24ના રોજ શત્રુઓ અને વિરોધીઓ આપના પર હાવી થશે. જો તમે કામકાજ સાથે કોઈ બાંધછોડ કરશો અથવા સાવચેતી નહીં રાખો તો તમને આર્થિક નુકસાન અથવા પ્રતિષ્ઠા ખંડિત થવાની સંભાવના રહેશે. મિત્રો સાથેના સંબંધમાં ખટાશ આવશે. તા 25 થી બુધ આપની રાશિથી નવમાં સ્થાનમાં ભ્રમણ કરશે જેથી વ્યવસાયમાં નુકસાન થઇ શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ભોજનની અનિયમિતતા અને અપુરતો આરામ તમારા સ્વાસ્થ્યને જોખમમાં મુકી શકે છે. ગરમીજન્ય રોગોથી બચવું. અત્યારે તમારા એવા ખર્ચ વધશે જેમાં વળતરની કોઈ જ આશા ન હોય. તમે કોઈનું ભલું કરવા જાવ પણ બીજાને જે ગેરસમજ થાય તેનાથી અપયશ મળી શકે છે. ભાઈઓ સાથે અણબનાવ થઇ શકે છે. તા 25 અને 26 દરમિયાન જે વિપરીત અને નકારાત્મક પરિસ્થિતિ છે તેને અનુકૂળ કરવાનો પ્રયત્ન કરશો. કોઈ નવા કાર્યની શરૂઆત કરશો. આપની મહત્વાકાંક્ષા પુરી કરવામાં સફળ થશો. તા 27, 28 અને 29 દરમિયાન આર્થિક સ્થિતિ સંતોષજનક રહેશે. સંતાનને લઇને જે ચિંતા હશે તેનું નિવારણ આવશે. ઘર માટે નવી વસ્તુની ખરીદી કરશો આપના ધાર્યા કરતા ખર્ચ વધી જશે. તા 30ના રોજ સાહસમાં વધારો થશે. ઉપરી અધિકારી આપનાથી ખુશ રહેશે.
————————————-.

ધન :
તા. 24 દરમિયાન સમય અતિ શુભ રહેશે. આપના માટે પ્રસન્નદાયી દિવસો રહેશે. કાયદાકીય કોર્ટ કેસ તથા કાનૂની દાવા બાબતમાં પરિણામ આપના તરફી રહેશે. વારસાગત મિલકતો અને વડીલોપાર્જિત ધનના પ્રશ્નોનું પણ આપની તરફેણમાં સમાધાન આવશે. આપ સંતાન બાબતમાં રાહત અનુભવશો. તેઓ આપની આજ્ઞામાં રહેશે. આપ સંતાનના ભાવી અભ્યાસ અંગે મહત્ત્વનો નિર્ણય લેશો. જમીનના પૈતૃક સંપત્તિનો ઉકેલ આવે. તા. 25 અને 26 આપના માટે ચિંતાદાયક રહેશે. આપ કોઈ જગ્યાએ છેતરામણીનો ભોગ બનશો માટે ખાસ કરીને આર્થિક લેવડ-દેવડમાં સાવચેતી રાખવી. કોર્ટ કેસની બાબતમાં આપના માટે નિર્ણય સંતોષકારક નહીં હોય આંખાનો રોગના કારણે ઓપરેશનના યોગો બને. સરકારી કામકાજમાં અપજશ મળે. આર્થિક સમસ્યાઓ વધે. ઘરમાં શુભ કાર્યેના લીધે ખર્ચઓનું પ્રમાણ વધે. ભાઇ-બહેના સાથેના સંબંધોમાં તિરાડ આવે તા. 27, 28 અને તા. 29 દરમિયાન આર્થિક બાબતમાં તકલીફ થશે. આપની આળસમાં વધારો થશે. તા. 30 રોજ દિવસ લાભદાયક રહેશે. આપ પરિવાર સાથે સારો સમય વ્યતીત કરી શકશો.
————————————-.

મકર :
સપ્તાહનો આરંભ આપ પ્રોફેશનલ બાબતોમાં એકાગ્રતા સાથે કરશો. તમારું ધ્યાન વ્યવસાયિક બાબતોમાં અથવા નોકરિયાતોને વધુ ઉન્નતિની દિશામાં કેન્દ્રિત હોવાથી કદાચ પરિવારને ઓછો સમય આપી શકશો. જોકે તમારી સફળતા અને કામ પ્રત્યેની નિષ્ઠા જોઈને તેઓ સહકાર આપશે. તા. 24ના રોજ વેપાર અર્થે મુસાફરી કરવાના યોગ છે. આપનામાં પરોપકારની ભાવના વધવાથી અન્‍ય લોકોને મદદરૂપ થવાનો પ્રયત્‍ન કરશો. તા. 25 અને 26 ના રોજ પિતા અથવા પિતાતુલ્ય વ્યક્તિ, મોટા ભાઈબહેન અને મિત્રો સાથે નીકટતા વધશે અને તેમના સહકારથી પ્રગતિ થાય. આ દિવસોમાં તમે જાહેરજીવનમાં વધુ સક્રીય બનશો. આપ પરિવારજનો સાથે મળીને ઘરની બાબતો અંગે અગત્‍યની ચર્ચા વિચારણા કરશો. તા. 27,28 અને તા. 29 વધુ પડતા કાર્યબોજથી તબિયતમાં અસ્‍વસ્‍થતા રહે. શરીર માટે થોડો આરામ પણ જરૂરી છે માટે સપ્તાહના અંતે જીવનસાથી જોડે ઘરનું બંધિયાર વાતાવરણ છોડી બહાર ફરવા જશો. તા. 30ના રોજ સ્થિતિ અનુકૂળ રહેશે. આપનું ધારેલું કાર્ય પૂર્ણ થવાની સંભાવના છે. દિવસ ઉત્તમ ફલદાયક છે. આપના જુના ફસાયેલા નાણાં પરત મેળવી શકશો.
————————————-.

કુંભ :
આપની અંદર રહેલી સાહિત્‍ય કે કલાસૂઝને બહાર લાવવા માટે યોગ્‍ય સમય છે. પરિવારજનો તરફ વિશેષ ધ્‍યાન આપશો. શુભ કે માંગલિક પ્રસંગોમાં જવાનું જાય. ભાગ્‍યવૃદ્ધિની તકો સાંપડશે. આર્થિક આયોજનોમાં થોડા અવરોધો બાદ ગાડી પાડે ચડવા લાગશે. સરકારી બૉન્ડ, બેંકમાં ડિપોઝિટ, ડિબેન્ચર કે શેરમાં મૂડીરોકાણ કરશો. જોકે રોકાણ માટે કોઈની સલાહ પર આધાર રાખવાના બદલે દરેક પાસાની જાતે જ ચકાસણી કરવી. મૃદુવાણીથી નવા સંબંધો બાંધી શકશો અને વિશાળ મિત્રમંડળને પ્રેમ આપી શકશો તેમજ તેમનો પ્રેમ પામી શકશો. લાંબા અંતરની મુસાફરી કે વિદેશગમનનું આયોજન કરી શકશો. વડીલો સાથે યાત્રાધામની મુલાકાત થાય. અભ્યાસમાં સંતાનોની પ્રગતિ આપના મનને પ્રસન્ન કરશે. વાણી અને વર્તન પર સંયમ રાખજો અન્યથા કોઈની મજાક મશ્કરી કરતાં હસવામાંથી ખસવું થઈ જવાની પરિસ્થિતિ સર્જાય. ગેરસમજ ઊભી થતા સંબંધોમાં તિરાડ પડશે. વેપારીઓને ઉઘરાણી વસૂલ થાય. નોકરી વ્‍યવસાયમાં લાભદાયક પરિણામો મળે. બઢતીનો માર્ગ મોકળો થાય. વેપારમાં નવી દિશાઓ ખુલતી જણાય. અટવાઇ ગયેલાં કાર્યો પૂરાં થાય. આંખોને લગતી સમસ્યા થાય. પરિવારના સભ્‍યો તરફથી ઘરમાં વિરોધનો સામનો કરવો પડશે. વિવાહિત જાતકોનું દાંપત્યજીવન મધુરતાભર્યું રહેશે. આપના મનગમતાં મિત્રો, સ્‍વજનો સાથે બહાર હરવા ફરવાથી આપ ખૂબ જ આનંદમાં હશો. સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે. ઉપરી અધિકારીઓ સાથે ઘર્ષણ ટાળવું.
————————————-.

મીન :
સપ્તાહના આરંભે તા 24ના રોજ આપનું મનોબળ કમજોર થશે. આર્થિક સદ્ધરતામાં કમી આવશે. કોઈ ખોટો નિર્ણય લઇ શકો છો. તા 25થી બુધ આપની રાશિથી પંચમ સ્થાનમાં ભ્રમણ કરશે જેથી સંતાન અને પત્ની સાથે મનદુઃખ થઇ શકે છે. પ્રણયમાં નિષ્ફળતા મળી શકે છે. મન ચિંતિત રહેશે. આપના લીધેલા નિર્ણયો ખોટા સાબિત થઇ શકે છે. તા 25 અને 26ના રોજ મિત્રો અને સહયોગીઓનો સાથ મળશે. આપ શાંત ચિત્ત રહેશો. આપના કરેલા કાર્યોની પ્રસંશા થશે. આપના કાર્યક્ષેત્રમાં વિશેષ ધ્યાન આપશો. તા 27, 28 અને 29ના રોજ સ્થિતિ થોડી સારી હશે. સંતાન સાથેની આત્મીયતામાં વધારો થશે. સંતાન આપની લાગણીને સમજશે. સંતાનના શિક્ષણની વાતમાં આપને સંતોષ રહેશે. કોઈ નવા કાર્યની પ્રેરણા મળશે. આર્થિક ક્ષેત્રમાં સફળતા મળશે. તા 30ના રોજ સમાજકલ્યાણના કાર્યમાં ભાગ લેશો. અચાનક ધનલાભ થશે. કોઇક ચિંતા અને ઉપાધિ આપને પરેશાન કરે. શરીરમાં થાક, આળસ અને અશક્તિ રહેવાના કારણે કામ કરવામાં ઉત્‍સાહ ન જણાય. રાજકીય મુશ્‍કેલીઓ નડે. જોકે, એકમાત્ર પ્રણય સંબંધો આ સમયે રણમાં મીઠી વીરડી સમાન પુરવાર થશે અને આપને રાહત આપશે.
————————————-.

Leave A Reply

Your email address will not be published.

Translate »