તમારા માટે, તમારી સાથે, સતત…

નવજાત શિશુઓ માટે યમનગરી બની ભુજની જનરલ હૉસ્પિટલ

તપાસ સમિતિનો અહેવાલ હજુ જાહેર કરાયો નથી. તે સાર્વજનિક કરવાની જરૃર છે.

0 127

સ્વાસ્થ્ય – 

અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં પાંચ માસમાં ૧૧૧ નવજાત શિશુઓનાં મોત થયાં, તેમાં પણ મે માસમાં ૧૭ દિવસમાં ૨૬થી વધુ બાળકોનો જીવનદીપ બુઝાયો. જ્યારથી અદાણીએ ભુજની જી.કે. જનરલ હૉસ્પિટલનો કબજો લીધો છે ત્યારથી સતત વિવાદ સર્જાય છે. અહીં લોકોને પૂરતી અને નિઃશુલ્ક સુવિધા મળતી નથી, દવાઓ બહારથી લાવવી પડે છે, અસ્થિભંગના દર્દીઓ માટે પણ પૂરતી સુવિધા નથી જેવી ફરિયાદો વધી રહી છે.

માત્ર ૧૭ દિવસમાં ૨૬થી વધુ બાળકોનાં અને પાંચ મહિનામાં ૧૧૧ નવજાત શિશુઓનાં મોત થાય અને તે પણ નવજાત બાળકોને સારવાર આપતાં સુસજ્જ ઇન્ટેસિવ કૅર યુનિટમાં, ત્યારે પ્રશ્ન એ થાય કે આટલાં બાળકોનાં મોત પાછળ કુદરતનો માર નહીં, પણ માનવીય બેજવાબદારી જ જવાબદાર તો નથી ને? જોકે માત્ર જી.કે.જનરલ હૉસ્પિટલમાં જ બાળકોનાં મોત થયાં છે એવું નથી. જિલ્લાના સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં પણ ૨૦૧૭-૧૮ના વર્ષ દરમિયાન ૯૦૧ નવજાત શિશુઓનાં મોતના આંકડા બહાર આવ્યા છે.

કચ્છ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં તબીબી સારવાર દોહ્યલી છે. તેમાં ગરીબ દર્દીઓ માટે ભુજની જી.કે. જનરલ હૉસ્પિટલ એકમાત્ર આશાનું કિરણ છે. આ હૉસ્પિટલ સાથે મેડિકલ કૉલેજ પણ છે. હૉસ્પિટલ અને કૉલેજનું સંચાલન અદાણી ગ્રુપ કરે છે. જ્યારથી અદાણી ગ્રુપને હૉસ્પિટલનું સંચાલન સોંપાયું છે ત્યારથી જ હૉસ્પિટલ સતત વિવાદમાં ઘેરાયેલી રહે છે. તેવામાં બાળકોનાં મોતનો મામલો પ્રકાશમાં આવતા હૉસ્પિટલ ચર્ચાના ચકડોળે ચડી છે.

આ મામલે કોંગ્રેસે ભારે હોબાળો મચાવતાં સરકારે ત્રણ સદસ્યોની એક ટીમ મોકલી, પરંતુ આ ટીમે માત્ર કાગળ પર જ તપાસ કરી અને અદાણીને ક્લીનચીટ આપી હોવાનો આક્ષેપ કોંગ્રેસ કરી રહી છે.

Related Posts
1 of 142

આ ટીમે રિપોર્ટ આરોગ્ય વિભાગને સોંપવાનો હતો, પરંતુ રિપોર્ટની સત્તાવાર રીતે જાહેરાત કરવાના બદલે હૉસ્પિટલના  સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. જ્ઞાનેશ્વર રાવે ટીમે તેમને ક્લીન ચીટ આપી હોવાનું જણાવી, જાહેર કર્યું હતું કે કમિટી એવાં તારણો પર આવી છે કે તમામ દર્દીઓની સારવાર નિયત ધારાધોરણ મુજબ જ કરાઈ હતી. નિયોનેટલ ઇન્ટેન્સિવ કૅર યુનિટમાં તમામ માળખાગત સુવિધાઓ પૂરતી છે અને વોર્મર્સ માટે પૂરતી જગ્યા છે. બાળકોની સારવારમાં કોઈ બેદરકારી દાખવવામાં આવી હોય તેમ જણાતું નથી.

આરોગ્ય કમિશનર જયંતી રવિએ પણ કમિટીના રિપોર્ટ અંગે સ્પષ્ટ ખુલાસો કરવાના બદલે બાળકોનાં મોત કુપોષણ અને હૉસ્પિટલમાં દર્દી બાળકોને મોડેથી લઈ આવવાના કારણે થતાં હોવાની વાત કરીને કમિટીએ નર્સિંગ અને પેરામેડિકલ સ્ટાફને વધુ ટ્રેનિંગ આપવાની ભલામણ કરી હતી. અદાણી હૉસ્પિટલ મૅનેજમેન્ટ કમિટીના ચૅરપર્સન જિલ્લા કલેક્ટર હોય છે, પરંતુ અત્યાર સુધી ક્યારેય મૅનેજમેન્ટ કમિટીની બેઠક મળી નથી. આ બાબતે કંઈ પણ કહેવાનો કચ્છ કલેક્ટર રેમ્યા મોહને ઇન્કાર કર્યો હતો.

પ્રદેશ કોંગ્રેસના જનરલ સેક્રેટરી આદમ ચાકીએ કહ્યું કે, ‘પાંચ મહિનામાં ૧૧૧ અને ૧૭ દિવસમાં ૨૬ મોત એ વાત જ સારવારની બેદરકારી છતી કરે છે. હૉસ્પિટલમાં બાળ રોગ તજજ્ઞ હાજર હોતા નથી. અહીં કોઈ કાયમી તબીબો નથી, ખાનગી તબીબોથી કામ લેવાય છે. આ બાળકોનાં મોત માટે હૉસ્પિટલનું મૅનેજમેન્ટ જ સીધી રીતે જવાબદાર છે. તપાસ માટે આવેલી કમિટીનો રિપોર્ટ પણ જાહેર કરાયો નથી. જો આ બાબતે વધુ નિષ્પક્ષ તપાસ નહીં થાય તો ફરીથી કન્ટેમ્ટ ઓફ કોર્ટ દાખલ કરશે.’

જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નરેશ મહેશ્વરીએ જણાવ્યું કે, ‘પાંચ માસમાં ૧૧૧ બાળકોનાં મોતનો મામલો ખૂબ ગંભીર છે, પરંતુ તેની તપાસ પૂરતી ગંભીરતાથી થઈ નથી. અમે આ અંગે કચ્છ કલેક્ટરને પણ આવેદનપત્ર આપીને નિષ્પક્ષ તપાસની માગણી કરી છે. વાલીઓની મુલાકાત લઈને તપાસ કરવી જરૃરી છે. જો ખરેખર નિષ્પક્ષ તપાસ થાય તો આનાથી વધુ ગંભીર બાબતો બહાર આવી શકવાની શક્યતા છે. તપાસ સમિતિનો અહેવાલ હજુ જાહેર કરાયો નથી. તે સાર્વજનિક કરવાની જરૃર છે. તેમ જ લોકોના આરોગ્ય પ્રશ્નો સાંભળવા દર મહિને લોકદરબાર યોજાય તે જરૃરી છે.’

વધુ વિગતો વાંચવા ‘અભિયાન’ સબસ્ક્રાઇબ કરો….

———————————–.
(સુચિતા બોઘાણી કનર)

Leave A Reply

Your email address will not be published.

Translate »