તમારા માટે, તમારી સાથે, સતત…

ગુરુકુલમ્ – સમાંતર શિક્ષણ પ્રણાલી વિકસાવવા પ્રયાસ

ગુરુકુલમ્ - નવી શિક્ષણ પ્રણાલી વિકસાવવાના પ્રયાસ શરૂ થયા છે.

0 930

કવર સ્ટોરી – હિંમત કાતરિયા

એક કાળે ભારતીય શિક્ષણ પદ્ધતિ નાલંદા, તક્ષશિલા, વલ્લભી અને વિક્રમશિલા જેવાં ગુરુકુલોને કારણે વિશ્વવિખ્યાત રહી હતી. વિવિધ દેશના રાજકુમારો અહીં વિદ્યાભ્યાસ માટે કતાર લગાવતા હતા. આ દેશનાં ગુરુકુલોમાં હજારો આચાર્યો લાખો વિદ્યાર્થીઓનું ૧૬ વિદ્યા અને ૬૪ કળાઓ થકી સર્વાંગી ઘડતર કરી રહ્યા હતા. દરેક ગામડાંઓમાં રહેલી પાઠશાળાઓમાં લોકોને જીવન ઉપયોગી શિક્ષણ અપાતું હતું. હવે ફરી ગુરુકુલમ્ના નામે નવી શિક્ષણ પ્રણાલી વિકસાવવાના પ્રયાસ શરૃ થયા છે. નવા સંદર્ભ અને નવા માહોલમાં ગુરુકુલ પદ્ધતિની શિક્ષણ પ્રણાલીને જીવંત કરવાના પ્રયાસ સફળ થશે?

એક મહિના પૂર્વે ઉજ્જૈનના મહર્ષિ સાંદીપનિ રાષ્ટ્રીય વેદ વિદ્યા પ્રતિષ્ઠાનમાં આંતરરાષ્ટ્રીય વિરાટ ગુરુકુલ સંમેલન ભરાયું હતું. આ સંમેલનમાં ૮૦૦ કરતાં વધુ ગુરુકુલના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. સંમેલનમાં હાજર કુલ ૩૫૦૦ લોકોમાંથી ૭૦૦ જેટલા લોકો તો આધુનિક શિક્ષણ પદ્ધતિ સાથે જોડાયેલા હતા. ભૂતાન, મ્યાનમાર, થાઈલેન્ડ, જાપાન, દુબઈ, કેનેડા, સિંગાપુર વગેરે દેશોમાંથી ૯૫ જેટલા પ્રતિનિધિઓએ સંમેલનમાં ભાગ લીધો હતો. આ દેશોમાંથી આવેલા કેટલાક ગુરુકુલ ચલાવતાં નથી, પણ ચલાવવા માંગે છે. ઇન્ડોનેશિયાની સરકારે તો ૧૫ ગુરુકુલ ખોલવાની જાહેરાત કરીને વિદ્વાન આચાર્યોની માગણી કરી છે. ભારતીય શિક્ષણ મંડળના સંગઠન મંત્રી મુકુલ કાનિટકરના કહેવા પ્રમાણે, આ સિવાય મોરેશિયસ, સાઉથ આફ્રિકા, વેસ્ટ ઇન્ડિઝ, ટ્રિનિદાદમાંથી ગુરુકુલ ખોલવાની માગ છે. આ સંમેલન બાદ દુનિયામાં ફરીથી ગુરુકુલ શિક્ષણની મુખ્ય ધારા બનવાની સંભાવનાઓ જોવાઈ રહી છે. જેમ યોગની આંતરરાષ્ટ્રીય સ્તરે છબી બની તેમ ગુરુકુલ શિક્ષણ પણ પુનઃપ્રસ્થાપિત થશે.

ઉજ્જૈનમાં ભરાયેલા વિરાટ આંતરરાષ્ટ્રીય ગુરુકુલ સંમેલન પછી વર્તમાન શિક્ષણ પ્રથામાં સુધારાની કેટલીક આશાઓ જન્મી છે. આ સંમેલનમાં હાજર શીર્ષસ્થ લોકો અને તેમના સંભાષણ ઉપરથી એટલું તો ચોક્કસ થયંુ છે કે દેશભરમાં નવાં ગુરુકુલો બનશે, વર્તમાન શિક્ષણ પ્રણાલીમાં ગુરુકુલોનો પ્રભાવ વધશે અને લોકોનો ગુરુકુલ શિક્ષણ પ્રણાલી ઉપર ભરોસો બેસે એ પ્રકારે આ શિક્ષણ પ્રણાલીનું બ્રાન્ડિંગ થશે.

ગુરુકુલની વાત કરતાં આપણા મનમાં પહેલો સવાલ એ થાય છે કે તો શું આવા ગુરુકુલમાં ભણીને બાળકો માત્ર કર્મકાંડ જ કરશે? ના, આ ગુરુકુલોને આધુનિક યુગને અનુકૂળ બનાવાશે. તેમાં બાળકોને સંસ્કૃત, વેદ-વેદાંગનો અભ્યાસ કરવાની સાથે કોમ્પ્યુટર વગેરેનું યંત્રવિજ્ઞાન પણ ભણાવાશે. કાનિટકર કહે છે, ‘ભવિષ્યમાં અમારું સ્વપ્ન આઇઆઇટી ગુરુકુલનું છે, જે પૂરું થશે.’

વિરાટ ગુરુકુલમ્ સંમેલનમાં પરસ્પર વિમર્શથી ગુરુકુલોએ એકબીજાની શ્રેષ્ઠ પદ્ધતિઓ શીખી. આપણે આધુનિક શિક્ષણ પ્રણાલીને પગલે ચાલીને ઉત્તરોત્તર નૈતિક હીન સમાજ બનાવી રહ્યા છીએ. વર્તમાનમાં નૈતિક શિક્ષણ ન અપાતું હોવાથી સમાજમાં અપરાધ અને હિંસા વધી રહ્યા છે. મેકોલે શિક્ષણનાં પરિણામોથી હવે આપણે સારી પેઠે અવગત થઈ ગયા છીએ. ગુરુકુળ પ્રણાલી સમાજને આદર્શ જીવન પદ્ધતિ તરફ દોરવાનું કામ કરે છે. હવે એ સમય આવી ગયો છે કે યોગની જેમ વિશ્વ ગુરુકુળનું મહત્ત્વ સમજે અને ભારત તેનો માર્ગદર્શક બને. દુનિયાભરમાંથી માત્ર વેદ-ગ્રંથના અધ્યયન માટે વર્ષે ૨ હજાર લોકો ભારતમાં આવે છે. દુનિયાના ઘણા દેશો પોતાના દેશમાં ગુરુકુલોની સ્થાપના કરવા માગે છે. ભારત આગેવાની લે તો આખી દુનિયામાં ગુરુકુલો ખૂલી શકે છે.

ગુરુકુલમ્ શિક્ષણ પદ્ધતિ એટલે આખા દેશમાં એક સમાજનું શિક્ષણ એવું નથી. આઈઆઈએમ, આઇઆઈટીની જેમ વિવિધ ગુરુકુલ પોતાની એક્સપર્ટાઇઝ પ્રમાણે શિક્ષણ આપે. જેમ કે કોઈ ગુરુકુલ માત્ર વેદ અને શાસ્ત્રોના અધ્યયન અને સંશોધન ઉપર જ કામ કરે છે તો અન્ય કોઈ સંગીત, નૃત્ય જેવી કલાઓનું શિક્ષણ આપે છે. કોઈ ન્યાય વિશારદો તૈયાર કરે છે તો કોઈ કુશળ ગાણિતજ્ઞો. કોઈ ૧૬ વિદ્યા પૈકી કેટલીક શીખવતાં હોય તો કોઈ ૬૪ કલાઓ પૈકી કેટલીક શીખવે. વિદ્યાર્થીઓ મોટા થઈને પોતાની રસ-રુચિ પ્રમાણેના ગુરુકુલમાં પ્રવેશ મેળવે અથવા જે-તે ગુરુકુલ વિદ્યાર્થીની પ્રતિભા પ્રમાણે તેમને અનુરૃપ ગુરુકુલમાં પ્રવેશ અપાવી દે.

આજકાલ સા વિદ્યા યા વિમુક્તયેની કલ્પના જ સમાપ્ત થઈ ગઈ છે. કેમ કે મુક્તિ અપાવતી શિક્ષા સ્વયં મુક્ત નથી. આજનું શિક્ષણ મહત્ સરકાર કે વેપારીઓના હાથમાં છે. પુરાતન કાળના ગુરુકુલો આ બધાથી નિરપેક્ષ રહ્યા છે અને સમાજ પોષિત રહ્યા છે. ગુરુકુલો સમાજ પોષિત, આચાર્ય કેન્દ્રિત, સરકાર નિરપેક્ષ, પુસ્તક નિરપેક્ષ અને વર્ગ ખંડ નિરપેક્ષ રહ્યા છે.

દેશમાં અત્યારે કુલ કેટલાં ગુરુકુલો છે અને તેમાં કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે? પ્રશ્નના જવાબમાં ભારતીય શિક્ષણ મંડળના ગુરુકુલ પ્રકલ્પના પ્રમુખ અને સાબરમતી ગુરુકુલમ્ના પ્રધાનાચાર્ય દીપક કોઇરાલા કહે છે, ‘અમારો લગભગ ૧૨૦૦ ગુરુકુલો સાથે સંપર્ક થયો છે. આ ગુરુકુલોમાં ક્યાંય ૧૦૦ વિદ્યાર્થી તો ક્યાંય ૩૦૦ વિદ્યાર્થીઓ છે. એકાદ-બે શિક્ષક અને એકાદ-બે વિદ્યાર્થીઓવાળા ગુરુકુળોને પણ જોડી દેવામાં આવે તો ભારતમાં લગભગ ૪૦૦૦ ગુરુકુલો છે. નેપાળમાં ૨૫૦ જેટલાં ગુરુકુલ છે. વિક્રમ સંવત ૨૦૪૬ સુધી નેપાળના મુખ્ય શિક્ષણ પ્રવાહમાં ગુરુકુલ શિક્ષણ પણ હતું. ભુતાન અને મ્યાનમારમાં પણ કેટલાંક ગુરુકુલ છે. ઇન્ડોનેશિયામાં ચાલતાં ગુરુકુલોને ડિસ્કૂલિંગ કહે છે. ભારત સહિત દુનિયાભરમાં બૌદ્ધ ધર્મના ગુમ્ફા કામ કરે છે. તેમની પરંપરા પણ ભારતીય ગુરુકુલ જેવી જ છે.’

Related Posts
1 of 262

વિરાટ ગુરુકુલ સંમેલનની પરિકલ્પના મુકુલ કાનિટકરની જ હતી. વર્તમાન શિક્ષણ પદ્ધતિમાં ખામી અને તેમાં સુધાર વિશે વાત કરતાં કાનિટકર કહે છે, ‘આજે આપણે સ્વતંત્ર છીએ, પણ તંત્ર વિદેશી અપનાવવામાં આવી રહ્યંુ છે. જ્યાં સુધી તંત્ર આપણુ નહીં અપનાવાય ત્યાં સુધી આપણે વાસ્તવમાં સ્વતંત્ર નહીં થઈ શકીએ. વર્તમાન શિક્ષણ પ્રથા એક ફેક્ટરીની જેમ કામ કરે છે. તેનાથી વ્યક્તિત્વ વિકાસ યોગ્ય રીતે થતો નથી. આજના યુવાનો સફળતા પાછળ ભાગે છે, જીવનને સાર્થક બનાવવાની તેમની દ્રષ્ટિ વિકસતી નથી. આજે વિદ્યાર્થીઓને વૈકલ્પિક, બહુ વૈકલ્પિક વગેરે પ્રશ્નો પૂછવામાં આવે છે, પણ જીવનના આધાર રૃપ અને જીવન સાથે જોડાયેલા પ્રશ્નો તેમાં હોતા નથી. જીવિકા સાથે જીવનનું પણ શિક્ષણ મળવું જરૃરી છે. ગુરુકુલ શિક્ષણ પ્રથા જ તેનો ઉકેલ છે. શિક્ષણ પ્રથા સરકાર દ્વારા નહીં, પણ સમાજ દ્વારા પોષિત બનાવવી પડશે. કૃષ્ણ હોય કે સુદામા, બધા માટે શિક્ષણ નિઃશુલ્ક હોવું જોઈએ અને આ માટે શિક્ષણને સામાજિક કાર્ય સમજીને સમાજના લોકો કામ કરે તે જરૃરી છે.

આ સંમેલનથી બીજો ફાયદો એ થયો કે દેશમાં સંચાલિત ગુરુકુલોને પરસ્પરની જાણકારી નથી. અલગ-અલગ રીતે ચાલતાં ગુરુકુલોને એક મંચ ઉપર લાવવા અને ગુરુકુલોની આધુનિક સમય પ્રમાણે શિક્ષણ પદ્ધતિ તૈયાર કરવા, સંમેલન તેમને યોગ્ય માર્ગદર્શન માટેનું બન્યું છે.

ભારતીય શિક્ષણ મંડળ શિક્ષણ ક્ષેત્રે કામ કરતી સ્વયંસેવી સંસ્થા છે. કાનિટકરના કહેવા પ્રમાણે, ગુરુકુલને લઈને ભારતીય શિક્ષણ મંડળ ત્રણ સ્તરે કામ કરી રહ્યંુ છે. પહેલી યોજના અંતર્ગત નવા ગુરુકુલોની માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવશે. તેનાથી જે લોકો ગુરુકુલ ખોલવા માગે છે તેમના માટે યોગ્ય અને જરૃરી માર્ગદર્શન મળી રહેશે. બીજી યોજના છે દેશભરમાં ૫૦૦ કરતાં વધુ આચાર્યોને તૈયાર કરવા. આ માટે યોગક્ષેમ નિધિની યોજનાનો પ્રસ્તાવ મુક્યો છે. ત્રીજી યોજના છે દેશમાં વધુ ‘ને વધુ યુગાનુકુલ ગુરુકુલોનું નિર્માણ કરવું.

ગુરુકુલો દેશમાં સંસ્કૃત અને સંસ્કૃતિની દરકાર લેવાનું મોટું માધ્યમ છે. ગુરુકુલ શિક્ષણની વ્યવસ્થા દરેક જિલ્લામાં હોવી જોઈએ અને તેમાં સમાજના દરેક વર્ગના લોકો સામેલ હોવા જોઈએ. ડૉ.મોહન ભાગવતે કહ્યું હતું કે, ‘શિક્ષણ સ્વતંત્ર અને સમાજ આધારિત હોવું જોઈએ. સરકાર તેને પોષે અને બાધાઓને દૂર કરવાનું કામ કરે, પરંતુ સમાજે સરકાર પાસેથી અપેક્ષા ન રાખવી એ જ શ્રેષ્ઠ વ્યવસ્થા છે.’ ગોવિંદદેવ ગિરીએ બીજી આઝાદી પર ભાર મૂકતા કહ્યંુ હતું કે, મેકોલેના શિક્ષણમાંથી દેશને આઝાદ કરાવવા બીજી ક્રાંતિની જરૃર છે. અઢારમી સદીમાં આપણી પૂર્વની શિક્ષણ પ્રણાલીને બદલી દેવામાં આવી. અંગ્રેજોએ ભારતને સાક્ષર બનાવ્યો પણ સુશિક્ષિત નથી બનાવ્યો. રાહુલ ભદંતે બોધીએ કહ્યું કે, પ્રાચીન શિક્ષણ પદ્ધતિને કારણે જ બુદ્ધે કરેલા ધર્મનો પ્રચાર આજે ૧૨૦ દેશોમાં ફેલાઈને યશ પતાકા લહેરાવી રહ્યો છે.

સંમેલનના સમાપનમાં દેશમાં ગુરુકુલ શિક્ષણ પદ્ધતિ સ્થાપિત કરવા આડે આવતી બાધાઓ દૂર કરવા માટે કેન્દ્ર સરકારને અપેક્ષા પત્ર મોકલવાની વાત થઈ. આખરમાં બધાએ મંથનના નિષ્કર્ષ રૃપ આ ૧૦ સંકલ્પો લીધાઃ ગુરુકુલ શિક્ષા પ્રણાલીને પ્રોત્સાહન આપવા મન, વચન અને કર્મથી પ્રયત્ન કરીશું, પોતપોતાના વિસ્તારમાં સંચાલિત ગુરુકુલોને સ્વાવલંબી અને સમાજ સંચાલિત બનાવવામાં યોગદાન આપીશું, ગુરુકુળ શિક્ષણને સમયને અનુરૃપ બનાવીશું, આધુનિક શિક્ષણ સંસ્થાનોમાં ગુરુકુલ શિક્ષણનાં તત્ત્વોને સામેલ કરવાના પ્રયત્નો કરીશું, નવા ગુરુકુલો સ્થાપવા માટે ઉદાર હાથે દાન આપીશું, પોતાનાં બાળકોના સર્વાંગી વિકાસ માટે ગુરુકુલમાં દાખલ કરાવીશું વગેરે.

ઉજ્જૈન સંમેલનના અંતે દેશભરના ગુરુકુલોના અનુભવમાંથી પ્રેરણા લઈને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સમગ્ર દેશમાં આવા લાખો ગુરુકુલોની સ્થાપના કરવાની તૈયારી કરી રહ્યો છે. તેનું અલગથી શિક્ષણ બોર્ડ સરકારી સ્તરે પણ બને અને તેમાં મેકોલેનું શિક્ષણ ન ભળે તેની તકેદારી રાખવામાં આવી રહી છે.

ભારતમાં ગુરુકુલનો યુગ પુનઃ ચાલુ થાય એવી આશા ભારતીય શિક્ષણ મંડળના સંગઠન મંત્રી મુકુલ કાનિટકરે જગાવી છે. તેઓ આ દિશામાં ભારે પુરુષાર્થ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, ગુરુકુલોનો આધાર આચાર્ય છે અને ભારતીય શિક્ષણ મંડળ આચાર્યોને તૈયાર કરવા માટે વિધિવત્ કેન્દ્રો બનાવશે. ભારતીય શિક્ષણ મંડળ ૪૦૦ આધુનિક આચાર્યો તૈયાર કરશે અને એ માટે ૧૫૦ કરોડ રૃપિયાનું ફંડ એકત્ર કરવામાં આવી રહ્યું છે.

એક કાળે દુનિયાભરના લોકો ભારતના ગુરુકુલોમાં શિક્ષણ મેળવવા આવતા હતા. આ સ્થિતિ ૧૮૨૩ સુધી ચાલી. ૧૮૨૩માં અંગ્રેજ અધિકારી થોમસ મુનરોએ સર્વેક્ષણમાં લખે છે કે ભારતમાં ૧૦૦ ટકા સાક્ષરતા છે અને તેમાંથી ૭૬ ટકા પૂર્ણ રૃપે શિક્ષિત છે. એનું કારણ એ હતું કે શિક્ષણ શાસન પર આધારિત નહીં, પણ સમાજ પર આધારિત હતું. ભારતમાં લાખોની સંખ્યામાં ગુરુકુલ હતાં, જેમાં અલગ-અલગ વિદ્યાઓના વિદ્વાન તૈયાર કરવામાં આવતા હતા. ૧૧૯૩માં મુઘલ આક્રાંતા ખિલજીએ નાલંદા વિદ્યાપીઠને સળગાવી દીધી અને એ સાથે ગુરુકુલ પદ્ધતિ ક્ષીણ થતી ચાલી. એ પછી આજે, ૧૨૦૦ વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય ગુરુકુલનું આયોજન થયું. આ સંમેલનમાં આવા જ ગુરુકુલની પરિકલ્પના કરાઈ હતી. અમદાવાદના સાબરમતી ગુરુકુલમ્ (હેમચંદ્રાચાર્ય સંસ્કૃત પાઠશાળા), પુણેના મહર્ષિ વેદ વ્યાસ પ્રતિષ્ઠાન, સમરસતા ગુરુકુલ, કર્ણાટકના વૈદ વિજ્ઞાન ગુરુકુલ, બેંગલુરુના નિત્યાનંદ ગુરુકુલમ્ વગેરે આ સંમેલનની પ્રેરણા રૃપ હતા.

નમૂના રૃપ એવા અમદાવાદના સાબરમતી ગુરુકુલમ્ની પ્રવૃત્તિઓને સમજીએ તો આ ગુરુકુલમ્માં અત્યારે ૯૦ વિદ્યાર્થીને ૧૦૦ શિક્ષકો વિદ્યાભ્યાસ કરાવે છે. ૧૪ વિદ્યા અને ૬૪ કલામાંથી ઘણી અહીં શીખવવામાં આવે છે. ગુરુકુલની ગૌશાળામાં ૬૦ ગાયો છે. ગાયોનું ધારોષ્ણ દુધ બાળકોને પિવડાવવામાં આવે છે. વલોણાનું ઘી ખવડાવવામાં આવે છે. આયુર્વેદમાં માત્ર તલ અને સરસવના તેલને જ ખાદ્ય ગણ્યા હોઈ અહીં માત્ર તલના તેલનો જ ઉપયોગ થાય છે. રસોઈ લાકડાના ચૂલે બને છે. મીઠું નથી વપરાતું, પણ સિંધાલૂણ વપરાય છે. રસોઈમાં વપરાતી તમામ વસ્તુ ઓર્ગેનિક હોય તેવો આગ્રહ રખાય છે. ગુરુકુલમ્માં ૧ લાખ લિટરનો ભૂગર્ભ ટાંકો છે જેમાં વિશિષ્ટ નક્ષત્રમાં વરસેલા પાણીનો જ સંગ્રહ થાય છે. શિક્ષણનો વ્યાપાર ન થાય એ સિદ્ધાંત ઉપર ચાલતાં આ ગુરુકુલમ્માં શિક્ષણ સાવ નિઃશુલ્ક છે. આ ગુરુકુલમ્માં ઝીણી-ઝીણી બાબતોની ચીવટ રખાય છે.

ગુરુકુલમ્ – સમાંતર શિક્ષણ પ્રણાલી વિકસાવવાના પ્રયાસરૂપ લેખની આગળની વિગતો વાંચવા ‘અભિયાન’ સબસ્ક્રાઇબ કરો.

Leave A Reply

Your email address will not be published.

Translate »