તમારા માટે, તમારી સાથે, સતત…

કચ્છનાં મુસ્લિમ બાળકો પણ હોંશે હોંશે શીખે છે ગીતાજીના પાઠ

મુસલમાન વાલીઓ પોતાના બાળકોને અહીં મોકલે છે

0 215

સંસ્કાર -સુચિતા બોઘાણી કનર

ભગવદ્ ગીતા હિન્દુ ધર્મનો મહત્ત્વનો ગ્રંથ છે. અન્ય ધાર્મિક ગ્રંથોની જેમ જ ગીતાનું વાંચન પણ વયોવૃદ્ધો જ કરે તેવું ગૃહીત ધરી લેવાયું હોવાથી કોન્વેન્ટિયા અંગ્રેજી સંસ્કારમાં ઉછરેલી અને ઉછરી રહેલી પેઢી આ ગ્રંથની મહત્તા વિશે તદ્દન અજાણ છે, ત્યારે ભુજમાં ભારતીય સંસ્કૃતિ સેવા મંડળ સંચાલિત સંસ્કૃત પાઠશાળામાં કોઈ પણ જાતના ભેદભાવ વિના રોજ બાળકોને સંસ્કૃત, ગીતાજી શીખવાડાય છે. છેલ્લાં ૫૦ વર્ષથી ચાલતી આ પાઠશાળામાં શરૃઆતથી જ મુસ્લિમ બાળકો ભણે છે અને ગીતાજી પઠનની ગુજરાત વિદ્યાપીઠ દ્વારા લેવાતી પરીક્ષામાં મોખરે પણ રહે છે.

‘જે ગીતાજીમાં નથી તે ક્યાંય નથી’ તેવું ભારે આસ્થાપૂર્વક કહેવાય છે. જીવનની તમામ સમસ્યાઓનું સમાધાન આ ગ્રંથમાં છે, પરંતુ આજે મોટા ભાગના હિન્દુ ઘરોમાંથી ગીતાજી ભૂલાઈ ગયા છે. બાળકો તો આવા ગ્રંથના અસ્તિત્વથી પણ અજાણ હોય છે. એક જમાનામાં માત્ર કર્મકાંડી જ નહીં, પરંતુ તમામ લોકોના ઘરમાં સવારે નિયમિત રીતે ગીતાજીનું વાંચન થતું હતું. ઘરના બાળકો આ ગ્રંથ સંસ્કૃતમાં હોવા છતાં તેનાથી પૂરા વાકેફ રહેતા હતા, પરંતુ આજે જ્યાં માતા- પિતા પોતે જ ગીતાજી અને તેના માહાત્મ્યથી અજાણ હોય છે, ત્યાં બાળકોનો વાંક કઈ રીતે કાઢી શકાય?

Related Posts
1 of 142

ભુજમાં છેલ્લાં ૫૦ વર્ષથી સંસ્કૃતના પ્રચાર અને પ્રસાર માટે પ્રયત્નશીલ ભારતીય સંસ્કૃતિ સેવા મંડળ સંચાલિત સંસ્કૃત પાઠશાળા ભૂલાઈ રહેલા આ સંસ્કારોનું સિંચન બાળકોમાં કરે છે. અહીં હિન્દુ બાળકોની સાથે-સાથે મુસલમાન બાળકો પણ સંસ્કૃત અને ગીતાજીના પાઠ ભણે છે. નાની મુસ્લિમ બાળાઓ પણ ગીતાજી શીખે છે. ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા લેવાતી પરીક્ષામાં પણ આ બાળકો હરહંમેશ મોખરે રહે છે.

સંસ્કૃત પાઠશાળાના કચ્છ જિલ્લાના વ્યવસ્થાપક તરીકે છેલ્લાં ૩૫ વર્ષથી સેવા આપતા વિભાકર અંતાણીના જણાવ્યાનુસાર, ‘આ પાઠશાળા ૫૦ વર્ષથી ચાલે છે. અહીં વિદ્યાર્થીઓને બૃહદ ગુજરાત સંસ્કૃત પરિષદ અમદાવાદ દ્વારા લેવાતી સંસ્કૃતની અને ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા લેવાતી ગાંધી જીવન, ગીતાજી પઠન, હિન્દી અને ગુજરાતીની પરીક્ષાઓ માટે તૈયાર કરાય છે. પ્રારંભથી વિષારદ સુધીની પરીક્ષાની તૈયારી અહીં કરાવાય છે. પાઠશાળાની શરૃઆતથી જ અહીં કોઈ પણ જાતના ભેદભાવ વગર બાળકોને ભણાવાય છે. મુસ્લિમ બાળકો પણ શરૃઆતથી જ આવે છે. સંસ્કૃત હિન્દુઓના ધર્મગ્રંથોની ભાષા છે કે ગીતાજી હિન્દુઓનો ધર્મગ્રંથ છે તેવો વિચાર કર્યા વિના આ શિક્ષણથી બાળકોમાં સારા સંસ્કાર આવશે તેવા વિચારથી જ મુસલમાન વાલીઓ પોતાના બાળકોને અહીં અભ્યાસ કરવા મોકલે છે. બાળકોને પ્રોત્સાહિત કરવા ઇનામો આપવામાં પણ મુસલમાન દાતાઓ આગળ આવે છે. અનેક હિન્દુ બાળકો જાણતા ન હોય તેટલું મુસલમાન બાળકો સંસ્કૃત અને ગીતાજી વિશે જાણે છે. તેઓ શુદ્ધ સંસ્કૃતમાં લયબદ્ધ રીતે શ્લોકનું પઠન કરતાં હોય ત્યારે તે સાંભળતા જ રહીએ એટલું સૂરીલું લાગે છે.’

રોજ સાંજે બાળકોથી ધમધમતી
સંસ્કૃત પાઠશાળામાં ભણાવતાં પ્રતિમાબહેન ગોર અને આશાબહેન સ્વાદિયા પણ આ વાતને સમર્થન આપતાં કહે છે, ‘બધા ધર્મમાંથી સારું ગ્રહણ કરવું જોઈએ તેવું માનનારા મુસલમાન વાલીઓ પોતાના બાળકોને અહીં મોકલે છે. હાલમાં રોજ ૨૦-૨૫ બાળકો સંસ્કૃત અને ગીતાજી વિશે ભણવા આવે છે તેમાંથી ૪-૫ બાળકો તો મુસલમાન હોય છે. તેઓ પણ ખૂબ સારી રીતે સંસ્કૃત ભાષા શીખે છે. ગીતાજીના ૧૮ અધ્યાય અને ૭૦૦ શ્લોક અર્થ અને ભાષાંતર સાથે શીખવાડાય છે. ક્લાસ આખું વર્ષ ચાલે છે, પરંતુ બાળકો ગીતાજી તો ૬ મહિનામાં કડકડાટ બોલે છે.’
——————————.

 

Leave A Reply

Your email address will not be published.

Translate »