તમારા માટે, તમારી સાથે, સતત…

જેનું નામ મંગળ છે તે અમંગળ હોઈ શકે ?

તમારી દીકરીને તો મંગળદોષ છે, પણ ચિંતા કરવા જેવું નથી

0 617

કવર સ્ટોરી – દેવેન્દ્ર જાની

સોૈરમંડળનો જેને સેનાપતિ કહેવામાં આવે છે અને જેનું નામ જ મંગળ છે તેનો ભય લોકોમાં એવો છે કે જાણે તે અમંગળનો પર્યાય હોય. ખાસ કરીને જ્યારે હિન્દુ સમાજમાં યુવક-યુવતીઓ પરણવા લાયક થાય અને જીવનસાથીની શોધ ચાલતી હોય ત્યારે દિલ મળે કે ન મળે, પણ મંગળ છે કે નહીં, તેની પૂછપરછ પહેલાં કરવામાં આવે છે. મંગળના નામ માત્રથી કોડભરી કન્યા કે યુવકનું ભાવી જોખમમાં મુકાઈ જાય છે, એટલી હદે મંગળનો ભ્રામક ભય પેસી ગયો છે. આજના આધુનિક અને શિક્ષિત કહેવાતા યુગમાં પણ સમાજ જીવનની આ કડવી વાસ્તવિકતા છે. જ્યોતિષશાસ્ત્રમાં ન માનનારા પણ આવા મામલામાં પરિવારના અન્ય સભ્યો પર દબાણ લાવી શકતા નથી. હકીકતમાં મંગળ એક ઊર્જાવાન ગ્રહ છે તે મંગલકારી પણ બની શકે છે. દરેક ગ્રહના સારા – નરસા પ્રભાવ હોય છે તેમ મંગળ પણ સારો પ્રભાવ પાડી શકે છે. માંગલિક હોય તેવાં અનેક યુગલોનું લગ્ન જીવન સુખરૃપ ચાલી રહ્યું હોવાના દાખલા મોજૂદ છે. સમાજ જીવનની આ વ્યથા પર વિચારમંથન કરી હકારાત્મકતાનું અમૃત બહાર લાવવાનો અહીં પ્રયાસ કર્યો છે.

તમારી દીકરીને તો મંગળદોષ છે, પણ ચિંતા કરવા જેવું નથી. તેના જાપ અને વિધિ કરવી પડશે તેનો ખર્ચો થશે. બોલો, મંજૂર છે? જન્માક્ષર જોયા પછી ઉતાવળે એક જ્યોતિષીના આ શબ્દોએ કુંડળી જોવરાવવા આવેલા દીકરીનાં માતા હિનાબહેન અને પિતા રમેશભાઈની ઊંઘ હરામ કરી દીધી હતી. જ્યોતિષની એ.સી. ઑફિસમાં દીકરીના આ માતા-પિતાને પરસેવો વળી ગયો હતો. ચિંતા જાપ કે વિધિના ખર્ચની ન હતી, પણ દીકરીની કુંડળીમાં મંગળ છે તેની હતી. રાજકોટના એક જ્યોતિષની ઑફિસમાં બનેલી આ ઘટના એ તો માત્ર પ્રતીક સમી છે. એવાં હજારો માતા-પિતા છે કે જેમના પરણવા યોગ્ય થયેલાં  સંતાનોની કુંડળીમાં મંગળ છે તેવું સાંભળ્યા પછી તેમના મોતિયા મરી ગયા હોય.

દીકરા-દીકરી માટે જીવનસાથીની પસંદગી કરવાની હોય ત્યારે શિક્ષિત, સંસ્કારી પરિવાર, આર્થિક કે સામાજિક બાબત અને સૌથી મહત્ત્વની વાત એ છે કે યુવક અને યુવતીઓ એકબીજાને પસંદ છે કે નહીં, તે જોવાની હોય છે, પણ આજે પણ એવા હજારો નહીં, લાખો પરિવારો છે કે પોતાનાં દીકરા-દીકરી માટે પાત્ર શોધવા કોઈના ઘરે જાય ત્યારે કુંડળી માગે છે. અરે, કેટલાક તો સામેથી માગે છે. દીકરા-દીકરીની પસંદગીની વાત તો બીજા ક્રમે આવે છે. પહેલાં કુંડળી મળે પછી જ વાત આગળ ચાલે છે. જોકે, કુંડળી મળે તો પણ લગ્નજીવન સુખરૃપ ચાલશે તેની કોઈ ગેરંટી નથી હોતી. આમ છતાં કુંડળી મેળવવાનો રિવાજ કહો કે પ્રથા હજુ ગઈ નથી. ઊલટાનું કુંડળી જેમણે જોઈ નથી અને પ્રેમ-લગ્ન કર્યાં છે તેમનું લગ્નજીવન વધુ સુખી હોય છે તેવા પણ અનેક દાખલાઓ સમાજમાં જોવા મળી રહ્યા છે.

સામાન્ય રીતે એવું કહેવાય છે કે લગ્ન તો ઉપરવાળાની મહેરબાની તો ગોઠવાતાં હોય છે. ઉપરવાળાએ પાત્ર નક્કી જ કર્યું હોય છે. તો પછી સવાલ થાય છે કે આપણે શા માટે કુંડળી અને ગ્રહો જોઈએ છીએ?   વર-કન્યાના સંપૂર્ણ ગ્રહ મળે પછી ઉત્તમ મુહૂર્ત જોવડાવીને ધામધૂમથી લગ્ન કર્યાં બાદ પણ ટૂંકાગાળામાં છૂટાછેડા થાય તો કોને દોષ દેવો? મંગળે અમંગળ કર્યું એમ કહેવું. એક જ્યોતિષ નિખાલસતાથી કહે છે કે ભગવાન રામ અને સીતાના ગ્રહોનો મેળાપક ખૂબ સારો હતો. રામ-સીતાની જોડી તમામ રીતે યોગ્ય હતી છતાં પણ ૧૪ વર્ષનો વનવાસ વેઠવો પડ્યો હતો અને એટલું જ નહીં, સીતાજીને અગ્નિપરીક્ષા આપવાની નોબત આવી હતી. હા, જ્યોતિષ એક વિજ્ઞાન છે. તેના પર શ્રદ્ધા રાખો, પણ અંધશ્રદ્ધા નહીં.

મંગળના નામે ભય ઊભો કરવામાં આવે છે
અમે મંગળદોષને લઈને સમાજમાં કેવી ચર્ચાઓ થઈ રહી છે તેનો પ્રભાવ અને પ્રસન્નતા માટે કેવા ઉપાયો કરવામાં આવી રહ્યા છે તે જાણવા માટે કેટલાક જ્યોતિષીઓ, મેરેજ બ્યુરોના સંચાલકો, સમાજના આગેવાનો અને યુવાનો સાથે વાત કરી વર્તમાન સ્થિતિને જાણવા પ્રયાસ કર્યો હતો. મોટા ભાગનાનો સૂર એવો હતો કે મંગળના નામે સાચી માહિતી આપવાને બદલે યુવક-યુવતીઓના વાલીઓને ભ્રમિત કરી ભય ઊભો કરવાનો પ્રયાસ થાય છે. કુંડળીમાં એક વાર મંગળ છે એવું કહી દે પછી કોણ મા-બાપ એવું ઇચ્છે કે પોતાના વહાલા સંતાનોને ભવિષ્યમાં પસ્તાવંુ પડે તેવુું પગલું ભરવા તૈયાર થાય. હકીકત તો એ છે કે કુલ નવ ગ્રહ છે અને દરેકની કુંડળીમાં આ ગ્રહો કોઈ ‘ને કોઈ સ્થાન પર તો હોવાના જ છે. મંગળ પર અમુક સ્થાનમાં હોય તો તે નુકસાનકારક નથી તેવું સમજાવવું જોઈએ. અથવા તો માની લઈએ કે અમુક સ્થાન પર રહેલો મંગળ ગ્રહ નુકસાન કારક છે તો તેનો પ્રભાવ ખાળવા માટેના ઉપાયો કહેવા જોઈએ જેથી તેનો ભય ન રહે. દરેક ગ્રહનાં લક્ષણો મુજબ તેના નામ રાખવામાં આવ્યા હોય છે ત્યારે જે ગ્રહનું નામ મંગળ હોય તો તે કેવી રીતે કોઈનું અમંગલ કરી શકે.

Related Posts
1 of 262

મુસ્લિમ કે ખ્રિસ્તી સમાજમાં મંગળદોષ જોવાતો નથી
એક વાત વિચારવા જેવી એ પણ છે કે ગ્રહોની અસર દુનિયા આખી પર થતી હોય છે, તે કોઈ ચોક્કસ દેશ કે સમાજ પર થતી નથી. મતલબ કે ભારતમાં જ અને એ પણ હિન્દુ સમાજના રીતરિવાજોમાં જ લગ્ન માટે કુંડળીને મેળવવામાં આવે છે. આટલી મોટી દુનિયા છે, પણ ભારતમાં જ દીકરા-દિકરીનાં લગ્ન માટે યોગ્ય પાત્રની શોધ કરવાની થાય એટલે મંગળની વાત કરવામાં આવે છે, પણ અન્ય દેશોમાં આવંુ થતું નથી. એક મેરેજ બ્યુરોના સંચાલક કહે છે, ‘એનઆરઆઈ પણ જ્યારે ભારતમાં જીવનસાથીની શોધ માટે ભારત આવે છે તો તો મંગલ દોષ કે કુંડળીમાં પડવા માગતા નથી. સ્થાનિક હિન્દુ સમાજમાં હજુ મંગલદોષ હોય તો લગ્ન કરાય નહીં તેવી માનસિકતા દૂર થતી નથી. જ્યારે મુસ્લિમ કે ખ્રિસ્તી સમાજમાં મંગળદોષ જોવામાં આવતો નથી આમ છતાં તેમનાં લગ્નજીવન સુખી હોય છે. સુખી લગ્નજીવન માટે ગ્રહોની દશા કરતાં બંને પક્ષની સમજદારી વધુ મહત્ત્વની છે. પરસ્પર એકબીજાની વફાદારી અને મેચ થવાનો સ્વભાવ, એકબીજાના વ્યવહારમાં વિશ્વાસ અને ઓળખવાની ખૂબી એ જ સુખી લગ્નજીવનની ચાવી છે. બાકી તો ગ્રહોનો વ્યક્તિ પર સારો પ્રભાવ હોય તો પણ ક્યારેક માઠા પરિણામ ભોગવવા પડે છે. આવું જ્યારે થાય છે ત્યારે એ સાબિત કરવું અઘરું હોય છે કે ગ્રહ દશાને કારણે આવું થયું કે અન્ય કોઈ કારણોસર.’

મંગળ ઊર્જાવાન અને શક્તિવાન ગ્રહ
છેલ્લા ચાર દાયકા કરતાં વધુ સમયથી જયોતિષવિદ્યા સાથે માત્ર સેવાભાવથી જોડાયેલા ઘનશ્યામ ઠક્કર કહે છે, ‘મંગળ કોઈનું અમંગળ કરે જ નહીં, પણ તેનો કાલ્પનિક ભય લોકોમાં છે. હકીકતમાં તો મંગળ એ ઊર્જાવાન અને શક્તિવાન ગ્રહ છે. મંગળધારી જાતક તેની કરિયરમાં ખૂબ આગળ વધતા હોય છે. હા, મંગળ ગ્રહના જાતક એ ઉગ્ર સ્વભાવના હોય છે એ જિદ્દી હોય છે. મંગળનો પ્રભાવ રહેતો હોય છે, પણ મંગળ ખરાબ જ કરે તેવી માન્યતામાંથી લોકોએ બહાર આવવું જોઈએ. મંગળથી ભયભીત થવાની જરૃર નથી. માની લો કે કોઈની કુંડળીમાં મંગલ છે તો તેની વિધિ કરવાથી તેના પ્રભાવમાંથી મુક્તિ મળે છે. મારી પાસેે અનેક લોકો આવે છે તેમાં જો મંગળવાળા હોય તો હું તેને સરળ વિધિ બતાવું છું. તેનામાં ભય ઊભો કરતો નથી. મંગળનો પ્રભાવ ખાળવા માટે ગણેશજી કે હનુમાનજીની આરાધના કરવામાં આવે છે. મંગળને ભોમ પણ કહે છે. મંગળવાર કરવામાં આવે તો પણ સારા પરિણામ મળે છે. બીજું, સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે, મંગળ ૧ – ૪ – ૭ – ૮ અને ૧રમા સ્થાને હોય તો અશુભ કહેવાય છે, પણ લગ્નની બાબતમાં સામેના પાત્રમાં જો મંગળ આવા જ સ્થાનમાં હોય તો અથવા શનિ કે રાહુ હોય તો મંગળદોષ રહેતો નથી. લગ્ન કરી શકાય છે. આ બહુ ઓછા લોકો જાણતા હોય છે.’

જ્યોતિષી કુમાર ગાંધી કહે છે, ‘મંગળ કોઈને નડતો નથી. આ માત્ર એક હાઉ સિવાય કશું જ નથી. મંગળદોષ વાળાએ સામેનું પાત્ર મંગળવાળું શોધવું એવું જરૃરી નથી. કર્કનો મંગળ તો ખૂબ લાભદાયક હોય છે. આવા ગ્રહવાળા જાતક ઊર્જાવાન બને છે. હા, મંગળ જો અસ્તનો હોય કે વક્રી હોય તો કોઈ પણ નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી, પણ તેનો કોઈ ડર રાખવાની જરૃર નથી. મંગળ એ મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી છે. કોઈ જન્માક્ષર બનાવવા આવે અને તેને કહેવામાં આવે કે મંગળ છે તો તે ભડકે છે, પણ ખરેખર તો ભાગ્યશાળીની કુંડળીમાં જ મંગળ હોય છે.’

મેરેજ બ્યુરોમાં મંગળની અલગ માહિતી રાખવામાં આવે છે
રાજકોટમાં નિવૃત્ત અધિકારીઓ એકત્ર થઈને માત્ર મદદની ભાવનાથી શ્રદ્ધા મેરેજ બ્યુરોનું સંચાલન કરે છે. આ મેરેજ બ્યુરોના આગેવાન જનાર્દન આચાર્ય કહે છે, ‘અમારે ત્યાં વાલીઓ યુવક-યુવતીઓના ડેટા મેળવવા આવે છે. તેઓ પહેલાં એ પૂછે છે કે મંગળ છે? અમે મંગળવાળા મુરતિયાની માહિતી અલગ જ રાખીએ છીએ. માન્યમાં ન આવે તેવા શિક્ષિત પરિવારોમાં પણ આજે મંગળનો ભય જોવા મળે છે. અમારો અનુભવ એવો રહ્યો છે કે મોટા ભાગનાં માતા-પિતાને જ્યોતિષશાસ્ત્રનું જ્ઞાન હોતંુ નથી. મંગળની ખબર પડે એટલે તેઓના ચહેરાની રેખાઓ બદલાઈ જાય છે. અમે તેમને ખૂબ સમજાવવા પ્રયાસ કરીએ છીએ, પણ ભાગ્યે જ કોઈ વાત માને છે. યુવક કે યુવતી દરેક રીતે યોગ્ય હોય, પણ જો મંગળ હોય તો તેને જીવનસાથી શોધવા માટે ખૂબ સંઘર્ષ કરવો પડે છે. એક કિસ્સો તો એવો અમારા ધ્યાનમાં આવ્યો હતો કે એક યુવક વૈજ્ઞાનિક છે અને તે મંગળ ગ્રહના સંશોધન સાથે જોડાયેલી સંસ્થામાં નોકરી કરે છે, પણ તેના વાલીઓ મંગળદોષમાં માને છે.’

યુવા પેઢી વિજ્ઞાનમાં માને છે પણ..
આજની યુવા પેઢીનું મન જાણવા અમે પ્રયાસ કર્યો તો મોટા ભાગના યુવાનો કહે છે, અમે કુંડળી કે મંગળમાં માનતા નથી. અમને વિજ્ઞાનમાં વિશ્વાસ છે અને જીવનસાથીની પસંદગીમાં સામેવાળાનો સ્વભાવ અને કરિયર જેવી બાબતો જોવામાં માનીએ છીએ. યુવા તબીબ ક્રિષ્ના નથવાણી કહે છે, ‘આજની યુવતી લગ્નની બાબતમાં સામેના પાત્રનો સ્વભાવ, તે અમારાં માતા-પિતા કે પરિવાર સાથે કેવો વ્યવહાર રાખે છે?, ભવિષ્યમાં કરિયર સહિતની બાબતમાં તે સહયોગ આપશે કે નહીં, તેવી બાબતો જુએ છે. મંગળ છે કે નહીં, કુંડળી મળે છે કે નહીં? તે ગૌણ બાબત બની રહે છે.’ વકીલાતનો વ્યવસાય કરતો યુવાન ઉત્સવ પંડ્યા કહે છે, ‘આજનો યુવાન વિજ્ઞાનમાં વધુ વિશ્વાસ રાખે છે. મંગળદોષમાં માનતો નથી. પણ હા, મોટા ભાગે એવું બને છે કે મા-બાપની ઇચ્છા વિરુદ્ધ યુવાનો જવા માગતા નથી હોતા. એટલે જીવનસાથીની પસંદગીમાં પોતે જ્યોતિષશાસ્ત્ર કે મંગળમાં માનતા ન હોવા છતાં માતા-પિતા કહે તેમ કરવા તૈયાર થઈ જાય છે.’

પલક (નામ બદલાવ્યંુ છે) નામની યુવતી કહે છે, ‘મારા માટે યોગ્ય મુરતિયાની શોધ ચાલી રહી છે. માતા-પિતા એક સંબંધીને લઈને એક ઘરે મુરતિયો જોવા ગયા હતા. ઘર સારું હતું, છોકરો પણ એન્જિનિયર હતો. બધી રીતે ઘર અને મુરતિયો અનુકૂળ હતા, પણ જ્યારે છોકરાની કુંડળી જોઈ તો તેમાં મંગળ હતો. બસ, વાત અહીંથી જ આગળ વધતી અટકી ગઈ હતી. માતા-પિતા એવું માને છે કે, દીકરીના ભવિષ્યની વાત છે એટલે ઉતાવળ કરવી યોગ્ય નથી. દીકરી તરીકે હું પણ તેમને એવું ન લાગે કે ઉપરવટ થઈને મુરતિયો નક્કી કરી રહી છું. એટલે તેમના વિચારને સાથ આપી રહી છું.’ આવા પ્રકારની લાગણી મોટા ભાગની યુવતીઓની હોય છે………

માંગલિક કુંડલીની વધુ વિગતો વાંચવા અભિયાન સબસ્ક્રાઇબ કરો…

Leave A Reply

Your email address will not be published.

Translate »