તમારા માટે, તમારી સાથે, સતત…

મનની સોયમાં તબિયતનો દોરો…

ઉપચાર કરો પણ તબિયતની ચિંતા છોડો!

0 270

આજે આપણે બધા લોકોને તેમની તબિયત વિશે જાતજાતની ફરિયાદો કરતાં સાંભળીએ છીએ. એક મિત્રે હમણાં હસતાં-હસતાં એવી ટકોર કરી કે આજકાલ હું તો કોઈને ‘કેમ છો? મજામાં છો ને?’ એવા ખબર શિષ્ટાચાર ખાતર પણ પૂછતાં ખચકાટ અનુભવું છું. કેમ કે ‘કેમ છો?’ એવો પ્રશ્ન કર્યો નથી અને તબિયતની નાની-મોટી તકલીફોનાં લાંબાં બયાનનાં હેલ્થ બુલેટિન બહાર પડ્યાં નથી! ગેરસમજ ન કરશો – મિત્ર કે સંબંધીની તબિયતમાં રસ જ નથી તેવી વાત નથી – તેના પ્રત્યે સહાનુભૂતિ નથી એવું પણ નથી, પણ તબિયત અંગે આ પ્રકારનો માનસિક વળગાડ મને ગમતો નથી! ‘મારી તબિયત, મારી તબિયત’ એ શરીરના મોહની પરાકાષ્ઠા જેવું લાગે છે.

આપણે જાણે કે ભૂલી ગયા છીએ કે માનવનું શરીર ‘જીવંત’ છે અને શરીરની અંદર રોગની સામે લડનારાં સલામતી દળો પણ છે, પણ આપણે તો શરીરને એક ‘જીવંત શક્તિ’ માનવાને બદલે માત્ર એક નિર્જીવ યંત્ર માનીએ છીએ અને તેને એવું વાહન ગણીએ છીએ કે આપણે તેલ-પાણી તેમાં બરોબર પૂરીને બધા ભાગોની મરામત કરીને જ તેને ‘ચાલુ’ હાલતમાં રાખી શકીએ. નહીંતર તો જાણે ગેરેજમાં જ ‘નોન-યુઝ’માં પડ્યું રહે! આપણો શ્વાસ જાગતાં-ઊંઘતાં ચાલ્યા જ કરે છે, કાન સાંભળે છે, આંખ જુએ છે, મગજ વિચાર કરે છે, લોહીનું પરિભ્રમણ ચાલે છે. શરીરનાં બધાં જ અંગો તેનું કામ કર્યા જ કરે છે અને તે માત્ર આપણી સ્પષ્ટ આજ્ઞાની રાહ જુએ છે તેવું તો નથી! કોઈ માણસ શ્વાસ લેવાનું ભૂલી ગયો એથી મૃત્યુ પામ્યો હોય એવું બન્યું નથી. માણસો બેભાન અવસ્થામાં દિવસોના દિવસો સુધી જીવતા રહ્યા હોય એવું બન્યું છે. આફ્રિકામાં ગરીબ લોકો વચ્ચે વર્ષો સુધી તબીબી સેવાઓ આપનારા ડૉ. આલ્બર્ટ સ્વાઇઝર જેવાએ કહ્યું છે કે હું નિદાન કરું છું, દવા આપું છું પણ દર્દીને સાજા કરે છે તેનામાં બેઠેલો ઈશ્વર! તમારામાં બેઠેલી આ શક્તિ આત્મબળ-મનોબળરૃપે તમને પૂછ્યા કે જાણ્યા વગર અનેકાનેક કાર્યો બજાવે છે. તબીબી વિજ્ઞાને આશ્ચર્યજનક રીતે પ્રગતિ કરી છે અને એક સમયે જે રોગો અસાધ્ય હતા તેની અત્યંત અસરકારક દવાઓ આજે આપણને મળી શકે છે. આ કંઈ નાનોસૂનો આશીર્વાદ નથી. જ્યારે અને જ્યાં તેની જરૃર હોય ત્યાં તેનો ઉપયોગ ચોક્કસ કાળજીપૂર્વક કરવો જોઈએ. દવા જ ન કરવી, સારવાર ન લેવી, તબિયતની કાળજી ન લેવી એવું કહેવાનો અહીં આશય નથી.

અહીં મુદ્દો એક જ છે કે જરૃર પડે તો દવા લો, ઉપચાર કરો, પણ મનની સોયમાં તબિયતનો દોરો જ સતત પરોવેલો ન રાખો – એવી રીતે ન પરોવી રાખો કે રોજેરોજની જિંદગીનું કંઈ ભરતગૂંથણ તમે કરી જ ન શકો! ઉપચાર કરો પણ તબિયતની ચિંતા છોડો! છેવટે ઉત્તમમાં ઉત્તમ ઔષધી માત્ર દારૃગોળો છે, લડવાનું તો તમારે જ છે! રોગના ગમે તેવા મોટા શત્રુને હરાવવાનું કામ તમારે જ કરવાનું છે. શત્રુને માત કરવાના કાર્યમાં શસ્ત્રસરંજામ, દારૃગોળો કે આવશ્યક સાધનો-હથિયારો બની શકે-લડવાની શક્તિ અને હિંમત તો તમારે જ બતાવવાં પડશે. આપણે જાણીએ જ છીએ કે શ્રેષ્ઠ શસ્ત્રો અને બેસુમાર દારૃગોળો છતાં ડરપોક સૈન્ય હારી જાય છે અને ઓછાં શસ્ત્રો અને ઓછો દારૃગોળો છતાં બહાદુર સૈનિકો જંગ જીતી જાય છે.

Related Posts
1 of 281

તબિયતની તકેદારી એ પણ સોનાની કટારી જેવી છે – તે ભેટમાં શોભે, પેટમાં નાખીએ તો મરી જવાય! છેવટે તબિયત – સારી તબિયત, સારી રીતે જીવવા માટે છે. માત્ર તબિયત ટકાવવા માટે કંઈ જીવવાનું નથી. આપણે જાણીએ જ છીએ કે નબળી તબિયત સાથે ઘણા લોકો લાંબું જીવ્યા અને સુખેથી જીવ્યા અને ઘણુ કાર્ય કરી ગયા છે. બીજી બાજુ સંપૂર્ણ નીરોગી એવા કેટલાય લોકો ખાસ કશું જ કર્યા વગર માત્ર ‘હાજરી’ પૂરાવતા રહ્યા છે. આયુષ્યને તબિયતની સાથે થોડો સંબંધ છે – ખરેખર ઝાઝો સંબંધ નથી! એક માણસ હૃદયરોગના પાંચ હુમલા છતાં ટકી રહે અને બીજો માણસ પહેલા જ હુમલામાં ખપી જાય! આનો ભેદ આપણે જાણતા નથી.

ફિલસૂફ સ્પીનોઝાની તબિયત તદ્દન ખરાબ હતી. તેણે પોતાની તબિયતનો વિચાર કર્યો હોત તો તે કશું જ કરી શક્યો ન હોત. કદાય જીવી પણ શક્યો ન હોત. આવા ધર્માત્માઓને અગર તત્ત્વચિંતકોને બાજુએ મુકીને તમે મહાન યોદ્ધાઓ-સેનાપતિઓની જિંદગી વિશે પણ જાણકારી મેળવશો તો તમને નવાઈ લાગશે કે આમાં ઘણાખરાને તો તબિયતના ગંભીર પ્રશ્નો હતા! અમેરિકાના સરસેનાપતિ અને પ્રમુખ આઇઝનહોવરના ચરિત્રમાં યુરોપની યુદ્ધભૂમિ પર હિટલરની સામે તેણે મેળવેલ વિજયની વાત તો ઠીક છે, વધુ નોંધપાત્ર વિજય તો એણે પોતાની પર હૃદયરોગના થયેલા પ્રચંડ હુમલા વખતે રોગ સામે જે બહાદુરી બતાવી તેમાં સમાયેલો છે…

——————————.

Leave A Reply

Your email address will not be published.

Translate »