સાહિત્ય પરિષદના ગ્રંથાલયમાં દર મહિને પુસ્તક પ્રદર્શન
ગ્રંથાલયમાં ઈ-મેઇલ, ફોન, વૉટસ્ઍપ માધ્યમોથી સંદર્ભ સેવા
સાહિત્ય – પરીક્ષિત જોશી
પુસ્તકને માત્ર ઈ-બુક સ્વરૃપે વાંચનારા વધ્યા છે, પણ પ્રકાશિત પુસ્તક તરીકે વાંચનારાઓની અને એમાંય ગુજરાતી પુસ્તકો વાંચનારાઓની સંખ્યા બિલકુલ ઘટી છે, એવી એક માન્યતાનો છેદ ઉડાવે છે દર મહિને ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપક્રમે યોજાતું પુસ્તક-સામયિક પ્રદર્શન…
ગુજરાતી સાહિત્ય પરિષદના ગ્રંથાલયની સ્થાપના તા. ૧૭ માર્ચ, ૧૯૮૦ના રોજ થઈ, એ નિમિત્તે માર્ચ-૨૦૧૮માં એ વાર્ષિક ઉજવણીને દર મહિને એકાદ અઠવાડિયા સુધી કરવાના ખ્યાલથી પુસ્તક-સામયિક પ્રદર્શનની શરૃઆત થઈ. દર મહિનાની ૧૭મીએ સાહિત્યના કોઈ એક વિષય કે પ્રકારને લઈને, એના જૂનામાં જૂના પ્રકાશિત પુસ્તકથી માડીને તાજ્જા પ્રકાશિત પુસ્તક સુધીના, પસંદગીના દોઢસોએક પુસ્તકોનું પ્રદર્શન પરિષદ ગ્રંથાલયમાં જ કરવામાં આવે છે. આ ઉપક્રમમાં માર્ચ-૨૦૧૮માં અલભ્ય પુસ્તકો-સામયિકો અને એપ્રિલ-૨૦૧૮માં વિવિધ ભાષાઓમાંથી ગુજરાતીમાં અનુદિત પુસ્તકોના પ્રદર્શન યોજાઈ ચૂક્યાં છે. આ મહિને, મે-૨૦૧૮ની ૧૭મી તારીખથી એક અઠવાડિયા માટે આત્મકથાઓ અને જીવનચરિત્રોનું એક પ્રદર્શન યોજાનાર છે.
પરિષદ ગ્રંથાલયમાં ૮૦,૦૦૦ ઉપરાંત પુસ્તકો છે, જેમાં ૧,૪૮૯ દુર્લભ પુસ્તકો, ૨૪૯ હસ્તપ્રતો, ૭૮ જેટલાં સાહિત્યિક સામયિકોની ફાઇલ્સ, પ્રથમ આવૃત્તિના ઘણાબધાં પુસ્તકો સંગ્રહિત છે. કોઈ પણ વ્યક્તિ ઘરેબેઠાં ઇન્ટરનેટના માધ્યમથી પુસ્તકાલયની સંપૂર્ણ યાદી જોઈ શકે છે. એ માટે આ લિન્કનો ઉપયોગ કરી શકાય છે ઃ રંંૅ//ખ્તેદ્ઘટ્ઠટ્ઠિંૈજટ્ઠરૈંઅટ્ઠૅટ્ઠિૈજરટ્ઠઙ્ઘ.ર્ષ્ઠદ્બ/ઙ્મૈહ્વટ્ઠિિઅ/
ગ્રંથાલયને ઘણા પ્રખ્યાત સાહિત્યકારોએ પોતાનું અંગત પુસ્તકાલય અને એનાં પુસ્તકો ભેટ આપેલાં છે. બાલાશંકર કંથારિયા, પ્રહલાદ પારેખ, નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયાની રોજનીશીઓ, બ.ક. ઠાકોર, કિશોરલાલ મશરૃવાળા વગેરેના પત્રોની હસ્તપ્રત ગ્રંથાલય પાસે છે. વિખ્યાત તસવીરકાર જગન મહેતા દ્વારા લેવાયેલી ૧૦૬ સાહિત્યકારોની તસવીરોનો સંગ્રહ પણ ગ્રંથાલય પાસે સુરક્ષિત છે. ગ્રંથાલયમાં સવાસો વર્ષ જૂનાં સંદર્ભ પુસ્તકો અને અલભ્ય સામયિકો ઉપલબ્ધ છે.
જેના સંશોધકો પોતાના સંશોધન કાર્યમાં વિશેષ ઉપયોગ કરે છે. બાળવિભાગની અંદર, પરિષદ દ્વારા અત્યાર સુધીમાં થયેલાં પુસ્તક પ્રકાશનોનો એક કાયમી પ્રદર્શન વિભાગ સહ સંદર્ભકોપીરાઈટ-અદેય વિભાગ ઊભો કરવામાં આવ્યો છે. જેમાં હાલ કુલ ૧૪૪ પુસ્તકો પ્રદર્શિત કરેલાં છે.
બાળકો માટે જ્ઞાન સાથે ગમ્મત તથા રમતગમતનાં સાધનો ઉપરાંત વિવિધ ૪૭ પ્રકારની બાળભોગ્ય સીડી-ડીવીડીનો સંગ્રહ પણ પરિષદ ગ્રંથાલય પાસે છે. જેનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ માટે વિવિધ પ્રકારના ફિલ્મ શૉનું આયોજન થાય છે.
ગ્રંથાલયમાં ઈ-મેઇલ, ફોન, વૉટસ્ઍપ જેવા અનેકવિધ માધ્યમોથી સંદર્ભ સેવા આપવામાં આવે છે. ગુજરાતી ભાષા-સાહિત્યનો અભ્યાસ અને સંશોધન કરતાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકો આ ગ્રંથાલયનો ભરપૂર ઉપયોગ કરે છે. પરિષદના ચી.મં.ગ્રંથાલયમાં ઇશ્યૂ થયેલાં પુસ્તકોને ઈ-મેઇલ સેવા દ્વારા રિન્યૂઅલની વ્યવસ્થા વિશિષ્ટ પ્રકારની સેવા પણ ઉપલબ્ધ છે. કદાચ, આ પ્રકારની સેવા આપતું ગુજરાતનું અને ગુજરાતી ભાષાનું આ પહેલું ગ્રંથાલય છે. એ માટેનું ઈ-મેઇલ આઇડી છે: chimgranthalayagsp2018@gmail.com