તમારા માટે, તમારી સાથે, સતત…

વિપક્ષી છાવણીમાં વડાપ્રધાનપદના દાવેદારોની લાંબી લાઇન છે

મનમોહનસિંહનું ઝીણા સાથેનું સંસ્મરણ

0 53

રાજકાજ

કર્ણાટકમાં જનાદેશને અનુરૃપ સરકાર રચાશે?
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો મહદ્અંશે અપેક્ષા મુજબના આવ્યાં, પરંતુ પંદરમી મેની બપોર સુધીમાં જ્યાં ભાજપની સ્પષ્ટ બહુમતીનું ચિત્ર ઉપસતું હતું ત્યાં સાંજ સુધીમાં ત્રિશંકુ વિધાનસભાનું ચિત્ર દેખાવા લાગ્યું. સૌથી મોટા પક્ષ તરીકે ભાજપ એકસોથી વધુ બેઠકો મેળવીને ઉપસી આવ્યો હોવા છતાં લગભગ ત્રીસ બેઠકોનાં પરિણામ જાહેર થવાના બાકી હતાં ત્યારે માત્ર સરસાઈના આધારે કોંગ્રેસે જનતા દળ (એસ)ના એચ.ડી. કુમારસ્વામીને મુખ્યપ્રધાનપદની ઑફર કરીને બંને પક્ષની સંયુક્ત સરકાર રચવાની વાત વહેતી મુકી દીધી. બંને પક્ષોેએ એકબીજાના સમર્થન અને ગઠબંધનના પત્રો રાજ્યપાલને પહોંચાડ્યા હોવાનો દાવો કરાયો ત્યારે કોંગ્રેસની ૭૮ બેઠકો સરસાઈ સાથે હતી અને જનતાદળ (એસ)ની ૩૮ બેઠકો હતી. નજીવા તફાવત સાથે છેલ્લી ૨૮-૩૦ બેઠકોની મતગણતરીમાં કોઈ મોટા બદલાવની સંભાવના ન હોવાની સ્થિતિમાં લગભગ ૧૦૫ બેઠકો સાથે ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે સરકાર રચવાનો દાવો રાજ્યપાલ સમક્ષ કરવા જઈ રહ્યો હતો. કોંગ્રેસે કર્ણાટક કબજે કરવાના ભાજપના ઇરાદાને નિષ્ફળ બનાવવા માટે મુખ્યપ્રધાનપદનો ભોગ આપીને પણ સત્તા ટકાવી રાખવાનો આખરી દાવ અજમાવ્યા પછી આખરે તો રાજ્યપાલ વજુભાઈ વાળાની ભૂમિકા મહત્ત્વની બની રહી છે. રાજ્યપાલ સૌથી મોટા પક્ષ તરીકે સૌ પ્રથમ ભાજપને સરકાર રચવાની તક આપે તો રાજ્યપાલના નિર્ણય સામે વાંધો લઈ શકાય નહીં. કોંગ્રેસ અને જનતાદળ (એસ)નું  ગઠબંધન ચૂંટણી પછીનું હોવાથી રાજ્યપાલ તેમની વાત સ્વીકારવા બંધાયેલા નથી. એક વખત ભાજપને સરકાર રચવાની તક મળે પછી વિધાનસભા ગૃહમાં બહુમતી પુરવાર કરવાની રહે છે. રાજ્યપાલ તેને માટે દિવસ મુકરર કરી શકે છે. ટૂંકમાં ચૂંટણી પછી કર્ણાટકનું રાજકારણ નવા વળાંકોની સંભાવના ધરાવતું થયું છે, પરંતુ ખંડિત જનાદેશની સ્થિતિમાં પણ ભાજપ માટે આવેલાં પરિણામ આશાસ્પદ સંકેત છે.

કર્ણાટકની વિવિધ  છ પ્રદેશો છે અને આ બધા પ્રદેશો એકબીજાથી ભિન્ન પ્રકારે મતદાન કરવા ટેવાયેલા છે. કદાચ એટલે જ કર્ણાટકનાં ચૂંટણી પરિણામો વિશે અનુમાન કરવાનું સૌથી વધુ મુશ્કેલ બની રહે છે. જે પ્રકારનાં પરિણામો આવ્યાં છે એ જનાદેશ ભાજપ તરફી હોવાનો સંકેત છે, પરંતુ સરકાર રચવામાં અને બહુમતી પુરવાર કરવામાં કોણ સફળ થાય છે એ જ મહત્ત્વનું છે. ભાજપના ત્રણ દિગ્ગજ કેન્દ્રીય નેતાઓ બેંગ્લુરુ પહોંચી ગયા છે. હાથમાં આવેલા રાજ્યને ભાજપ કોઈ પણ ભોગે જવા દેવા તૈયાર નહીં થાય એ નિશ્ચિત છે. મતપેટીના જંગ પછી હવે કર્ણાટકમાં નવા પ્રકારનો રાજકીય મુકાબલો શરૃ થયો છે. પરિણામોની પેટર્ન કેટલીક વાતો સ્પષ્ટ કરે છે તે એ છે કે રાજ્યમાં વ્યાપક પ્રમાણમાં એન્ટિ-ઇન્કમબન્સીનું ફેક્ટર કામ કરી રહ્યું હતું, જેનો સ્વીકાર કોંગ્રેસના નેતાઓ કરતા ન હતા. ભાજપને મળેલી બેઠકો અને જનતાદળ (એસ)ના દેખાવને સંયુક્ત રીતે જોતા આ વાત સ્પષ્ટ થાય છે. રાજ્યના કોંગ્રેસી મુખ્યપ્રધાન સિદ્ધરામૈયાની ભ્રષ્ટાચારી સરકાર સામે લોકોમાં સ્પષ્ટ નારાજગી જોઈ શકાતી હતી. લિંગાયતોને લઘુમતીનો દરજ્જો આપવાનો સિદ્ધરામૈયાનો દાવ પણ બહુ સફળ થયો નહીં. લિંગાયતોએ કોંગ્રેસની રાજરમતમાં અટવાયા વિના મતદાન કર્યું હોવાનું જણાય છે. આ બાબત લઘુમતી દરજ્જાના હિમાયતી લિંગાયત ધર્મગુરુઓ માટે પણ બોધપાઠ રૃપ બની રહેવી જોઈએ. અન્ય એક મહત્ત્વની વાત એ રહી કે કેટલાક મુસ્લિમ બહુલ વિસ્તારોમાં પણ ભાજપના ઉમેદવારો વિજય મેળવવામાં સફળ થયા છે. ભાજપને લઘુમતીના મતો મળે નહીં એવા દાવા અને માન્યતાને છેદ ઉડાડતી આ ઘટના છે.

કોંગ્રેસને માટે ‘એટીએમ’ સમાન ગણાતા કર્ણાટક રાજ્યને ગુમાવવાનું પોષાય તેમ ન હોવાને કારણે જ ચૂંટણી ઝુંબેશના છેલ્લા તબક્કામાં શ્રીમતી સોનિયા ગાંધીને મેદાનમાં ઉતારવામાં આવ્યાં હતાં. આમ છતાં કોંગ્રેસ પરાજયને ખાળી શકી નહીં. રાજ્યમાં સૌથી વધુ રેલીઓ અને સભાઓ રાહુલ ગાંધીએ સંબોધી હતી, પરંતુ કોંગ્રેસ પરાજય માટે રાહુલ ગાંધીને જવાબદાર ગણી શકે નહીં. કોંગ્રેસના લોકોની એ મજબૂરી હોઈ શકે, પણ રાહુલની નેતાગીરી વિશે કર્ણાટકની ચૂંટણીએ પણ પ્રશ્નાર્થ ખડો કરી દીધો છે એ સ્વીકારવું રહ્યું. ૨૦૧૯માં વડાપ્રધાનપદના ઉમેદવાર બનવાની તેમની ક્ષમતા અને તેમના દાવાને અન્ય વિપક્ષો સહેલાઈથી સ્વીકારવાની સ્થિતિમાં નહીં હોય.

Related Posts
1 of 25

કર્ણાટક વિધાનસભાની આ ચૂંટણીની પ્રચાર-ઝુંબેશ સૌથી વધુ ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ રહી. આપેક્ષો-પ્રતિઆક્ષેપો અને જૂઠાણાઓનો મારો ચલાવવામાં આવ્યો, નેતાઓની ભાષા અત્યંત નિકૃષ્ટ રહી. કોંગ્રેસના નેતાઓની ટીકા માટેની ભાષા અને શબ્દપ્રયોગો સામે રાષ્ટ્રપતિ સમક્ષ રજૂઆત કરી. કોંગ્રેસની આવી ફરિયાદ સામે ભાજપના નેતાઓને પણ એવો જ વાંધા-વિરોધ રહ્યો છે. એક પક્ષ મર્યાદા તોડે એ સ્થિતિમાં બીજો પક્ષ પણ એ રસ્તે આગળ વધે ત્યારે ફરિયાદનો કોઈ અર્થ રહેતો નથી. બંને પક્ષે સમજદારીની જરૃર હોય છે.

દેશમાં કોંગ્રેસની ચાર રાજ્યોમાં સરકાર છે. તેમાં મોટા ગણી શકાય તેવાં બે રાજ્યોમાં પંજાબ ઉપરાંત કર્ણાટકનો સમાવેશ થતો હતો. કર્ણાટક કોંગ્રેસને ગુમાવવું પડે પછી તો દેશમાં પંજાબ સિવાય કોંગ્રેસની ઉપસ્થિતિ નગણ્ય બની રહે છે. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ક્યા આધારે સારો દેખાવ કરવાનો દાવો કરી શકે એ સમજવું મુશ્કેલ બન્યું છે. દેશનાં વિવિધ રાજ્યોના પ્રાદેશિક પક્ષો પણ કોંગ્રેસથી અંતર રાખવા લાગ્યા છે. લોકસભાની આગામી ચૂંટણી પહેલાં કર્ણાટક વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ માટે અને ખાસ કરીને રાહુલ ગાંધી માટે મહત્ત્વની ગણાતી હતી. પક્ષના પ્રમુખ બન્યા પછી તેમને માટે નેતૃત્વને પુરવાર કરવાની તક હતી. કોંગ્રેસને સિદ્ધરામૈયા સરકારની કામગીરીના આધારે ચૂંટણી જીતવાની આશા હતી, પણ કોંગ્રેસ માને છે એવી સારી કામગીરી રાજ્ય સરકારની ન હતી. તેની સામે ભાજપે યુદિયુરપ્પાને પક્ષમાં પાછા લઈને તેમને મુખ્યપ્રધાનપદના ઉમેદવાર બનાવવાનો વ્યૂહ અપનાવ્યો એ ઘણે અંશે સફળ રહ્યો. યેદિયુરપ્પા પણ લિંગાયત છે અને લિંગાયત સમુદાય પર વર્ચસ્વ ધરાવે છે. લિંગાયતને લઘુમતી દરજ્જાનું પ્રલોભન આપીને સમાજની મત બેન્ક ભાજપ પાસેથી આંચકી લેવાનો સિદ્ધરામૈયાનો પ્રયાસ સફળ બન્યો નહીં. સમાજને જાતિ-પંથના આધારે વિભાજિત કરવાના ચૂંટણીલક્ષી રાજકીય પેંતરાઓ અજમાવવાથી રાજકારણીઓએ દૂર રહેવું જોઈએ. એ સરવાળે સમગ્ર સમાજ અને દેશ માટે હાનિકર્તા બની રહે છે. લોકો પણ આવી હરકતને સ્વીકારતા નથી એ કર્ણાટકના પરિણામોએ પુરવાર કર્યું છે. કર્ણાટકનો જનાદેશ પરિવર્તન માટેનો છે. સરકારની રચનામાં આવા જનાદેશનું કેવું પ્રતિબિંબ પડે છે એ જોવાનું રસપ્રદ બનશે. કર્ણાટકમાં કોંગ્રેસ પણ ભાજપ પાસેથી રાજકારણના નવા પાઠ શીખી રહી હોવાનો ચૂંટણીનાં પરિણામો પછીના ઘટનાક્રમનો સંકેત છે.
—————————….

મનમોહનસિંહનું ઝીણા સાથેનું સંસ્મરણ
પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ બોલે છે બહુ ઓછું, પરંતુ જ્યારે પણ બોલે છે ત્યારે તેમાં કશુંક રસપ્રદ હોય છે. પોતાના પક્ષ કોંગ્રેસ માટે પ્રચાર કરવાની પણ મનમોહનસિંહની આગવી શૈલી હોય છે. તેઓ જાહેરસભા કે રેલી દ્વારા પ્રચાર કરતા નથી. તેઓ જ્યાં ચૂંટણી હોય એ રાજ્યમાં જઈને પત્રકાર પરિષદ યોજે છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની પ્રચાર ઝુંબેશ દરમિયાન મનમોહનસિંહે બેંગ્લુરુમાં પત્રકારો સાથે વાતચીત કરતાં એક રસપ્રદ ઘટના વર્ણવી હતી. કોઈ એક પત્રકારે તાજેતરમાં અલિગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં મહંમદ અલી ઝીણાની તસવીર અંગે સર્જાયેલા વિવાદનો ઉલ્લેખ કર્યો ત્યારે મનમોહનસિંહે પાકિસ્તાનના સ્થાપક ઝીણા સાથેના તેમના એક પરોક્ષ ટકરાવને યાદ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ૧૯૪૫માં તેઓ વિદ્યાર્થી તરીકે પેશાવરમાં એક હૉકી મેચ રમતા હતા ત્યારે તેમનાથી બાજુમાં ઊભેલા વ્યક્તિને બોલ વાગ્યો હતો. તેમણે પાછા વળીને જોયું તો એ મહંમદ અલી ઝીણા હતા.
—————————….

વિપક્ષી છાવણીમાં વડાપ્રધાનપદના દાવેદારોની લાંબી લાઇન છે
કર્ણાટકની પ્રચાર ઝુંબેશ દરમિયાન કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ શહેરના નાગરિકો સાથેના સંવાદમાં એવું જાહેર કર્યું હતું કે ૨૦૧૯ની સંસદીય ચૂંટણીમાં તેમનો પક્ષ સૌથી મોટા પક્ષ તરીકે ઉપસી આવશે તો તેઓ વડાપ્રધાન બનવા તૈયાર છે. ૨૦૦૯ની ચૂંટણી દરમિયાન રાહુલે આવી વાત કરી હોત તો તેમને વડાપ્રધાન બનતાં કોઈ અટકાવી શકે તેમ ન હતું, પરંતુ ૨૦૧૯ની ચૂંટણીમાં તો વડાપ્રધાન બનવા ઇચ્છનારાઓની વિપક્ષી છાવણીમાં જ લાંબી લાઇન છે. કોંગ્રેસ વિપક્ષી છાવણીનું નેતૃત્વ કરી શકે તેમ નથી અને વિપક્ષો કોંગ્રેસના નેતૃત્વને સ્વીકારવા તૈયાર થાય તેમ નથી. ગઈ તા. બીજી મેના રોજ મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી માટે વડાપ્રધાને યોજેલી સર્વપક્ષીય બેઠકમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ઇરાદાપૂર્વક અનુપસ્થિત રહ્યાં હતાં. તેઓએ એ બેઠકમાં ગુલામ નબી આઝાદ અને મનમોહનસિંહને કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે મોકલ્યા હતા. જ્યારે નવીન પટનાયક અને મમતા બેનરજી સ્વયં હાજર રહ્યાં હતાં. તૃણમૂલ કોંગ્રેસ, આરજેડી, બીજેડી, ડીએમકે અને અન્ના ડીએમકેએ ડાબેરી પક્ષો અને કોંગ્રેસ દ્વારા પ્રેરિત મુખ્ય ન્યાયાધીશ સામેની ઇમ્પિચમેન્ટની દરખાસ્તનું સમર્થન કરવાનો ઇનકાર કરી દીધો હતો. કર્ણાટકમાં જનતા દળ(એસ)ના નેતા એચ.ડી. કુમારસ્વામીએ ગત સપ્તાહે જાહેર કર્યું હતું કે ૨૦૧૯માં વડાપ્રધાનપદ માટે અમારી પસંદ માયાવતીની રહેશે. મમતા બેનરજી અને ટીઆરએસના પ્રમુખ કે.ચંદ્રશેખર રાવ પણ પોતાને વડાપ્રધાનપદના દાવેદાર ગણાવે છે.
—————————….

શત્રુઘ્ન સિંહાને મમતાની ઑફર
ભાજપના બળવાખોર સાંસદ શત્રુઘ્ન સિંહા તેમના ટ્વિટ અને વિધાનો દ્વારા ભાજપના અગ્રણી કરતાં કોંગ્રેસી વધુ જણાય છે. જોકે, તેઓ વિધિવત્ ભાજપ છોડી શકે તેમ નથી. કેમ કે એમ કરવા જતાં તેમને લોકસભાનું સભ્યપદ ગુમાવવું પડે, પરંતુ ૨૦૧૯ની ચૂંટણી માટે સિંહા કોઈ નવા પક્ષની શોધમાં છે. તૃણમૂલ કોંગ્રેસનાં સર્વેસર્વા મમતા બેનરજીના ધ્યાનમાં આ વાત આવતાં તેમણે શત્રુઘ્ન સિંહાને આસનસોલ બેઠક પરથી તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર બનવાની ઑફર કરી છે. પશ્ચિમ બંગાળની આ બેઠક હાલ ભાજપના કબજામાં છે અને ત્યાંથી બાબુલ સુપ્રિયો ચૂંટાયા છે. જોગાનુજોગ તેઓ પણ મનોરંજનની દુનિયાના વ્યક્તિ છે. જોકે, શત્રુઘ્ન સિંહાને બિહારની તેમની પટના સાહિબ બેઠકમાં જ વધુ રસ છે અને લાલુપ્રસાદે તેમને આ બેઠક પર સમર્થન આપવાનું વચન આપ્યું છે.
—————————….

 

Leave A Reply

Your email address will not be published.

Translate »