તમારા માટે, તમારી સાથે, સતત…

ઉનાળાની આ વહેલી-વહાલી શીતળ સવાર સહુને માટે નથી

ઉનાળામાં સવારનો પવન હજુ સુગંધિત છે.

0 539

હૃદયકુંજ –  દિલીપ ભટ્ટ

ગ્રીષ્મ ઋતુ હવે ઢળતા ઢાળે આવી પહોંચી છે. સોહામણી રાત્રિઓ એના અંતકાળે ઠંડી પડતી જાય છે. ગ્રીષ્મની વહેલી સવારે પંખીઓ બહુ વહેલા જાગીને કૂજન શરૃ કરે છે. પંખીનાં ગીતો આત્મગાન છે કે કોઈને સંબોધન?  નિજાનંદ છે કે જનરંજન એ કેમ ખબર પડે? પંખી હોવાનો એક અર્થ ગાન પણ છે. માત્ર ઉડ્ડયન કે ગણગણાટ તો એને જંતુ બનાવી મૂકે. બહુ ઓછા લોકોના કંઠમાં જિંદગીનાં ગીતો રમતાં હોય છે. બાકી ગણગણાટ તો સહુને મનુષ્યાવતારના મહાવિઘ્નરૃપે મળ્યો જ હોય છે. જિંદગીનાં ગીતો કંઈ રાગ મેઘ મલ્હારની જેમ આલાપવાના હોતાં નથી. મા પોતાનો ભોજનથાળ સન્મુખ આવે એટલે વિચારે ને કહે કે બેટા તેં જમી લીધું? નોકરી કરતી પત્ની ઘરે આવે ત્યારે પતિ ચા બનાવી આપે એ છે મધુર ગાન. મા માટે સુરતથી આવતો દીકરો સ્ટીલની નવી બજારની ડબી લેતો આવે કે પૈસા બચતના વધે ત્યારે વહુ સાસુને પૂછે કે બા, હવે આ પૈસાનું શું કરીશું તે તમે કહો – આ જીવનગાન છે.

પંખીઓ આવા જ કોઈ જીવનગાન દરરોજ વહેલી સવારે છેડતા હશે. સાંજ પડે છે ને વિક્ટરના દરિયા કિનારે કુંજડીઓની લાંબી હાર પશ્ચિમથી પૂર્વ તરફ ઊડતી જોવા મળે છે. આકાશમાં ક્યાં જગ્યા ઓછી છે તે એમણે લાઇનમાં ઊડવું પડે, પણ કુંજ પક્ષીઓનો સ્વભાવ સંપીલો અને શિસ્તપૂર્ણ છે. એમને લાઇન બહારનું આકાશ પારકું લાગે છે. આકાશ તો જોઈએ એટલું હોય. આપણે શું? કુંજડીએ આપણા ‘પોતાના’ અને એકબીજાની પાસપાસેના આકાશમાં ઊડવાની વાત કરી છે. એક જ ફળિયામાં કાકા દાદાના ખોરડાઓ હતા જ ને પહેલાં? પરંતુ પહેલા મન નોખા થયા ને પછી ખોરડા. જુદે છત્રે રહીનેય પરિજનો સાથે મન એક થઈ રહેતું હોય તો એ જીવન સાધના અને સાધ્ય બંને છે. કુંજડીએ લાંબી હારમાં રહેવાનું સ્વીકારીને પોતાની ઉડ્ડયન વ્યક્તિમત્તાને જતી કરી છે. એટલે કે એના અહંકારે હાર સ્વીકારી છે ને હારમાં સહુની હારોહાર રહેવાનું પસંદ કર્યું છે.

ઉનાળામાં સવારનો પવન હજુ સુગંધિત છે. હવામાં ગઈ વસંતઋતુની ખુશનુમા છે. કેટલાક લોકો સવારના ઊઠતા નથી એના એમની પાસે સાચા કારણો છે. તેઓનો એ કોઈ અપરાધ નથી કે તેઓ વહેલા ઊઠી શકતા નથી, પણ જેઓ વહેલા જાગે છે ને તરત મીઠા લાગતા શય્યાસુખને ખંખેરીને ઊઠી પણ જાય છે તેમને માટે આ સવાર અમૃત કુંભ લઈને આવે છે. એ અમૃત આપણે કાયમ ઝંખીએ છીએ એવું કોઈ બાહરી રસાયણ નથી. એ તો ભીતરની ભોગળ ખૂલવાથી જ મળે છે. ભીતરી કમાડ ખોલવાનું કામ તે આ પ્રાતઃકાળને મન રમત વાત છે.

મધ્ય રાત્રિ પછી વૃક્ષના આશ્રયે રહેવાનો પણ આનંદ હોય. જે વૃક્ષ પર પંખી રાતવાસો ન કરતા હોય એના આશ્રયે રાતવાસો ન કરાય. પંખી સહી કરી આપે એ વૃક્ષો જ મનુષ્ય માટે કુદરતે મંજૂર કરેલાં વૃક્ષ છે. એવા કોઈ ઝાડનું નૈકટ્ય પ્રાપ્ત કરવું એક લહાવો છે. ગ્રીષ્મની રાત વનશ્રી સાથે શાંત ધીમે પ્રવાહે વાતો કરે છે. પાંદડે- પાંદડે પવન-પર્ણ ટોળે વળે છે. ઝાડના થડ પર એની લીલાનો અભિષેક થાય છે. આ રાસ વૃંદાવનની શાખા-પ્રશાખામાં રમાય છે. એનો જે સાક્ષી હોય તે જ ખરો રસરાજ છે. સવારે ઊઠીને જુઓ તો ચમેલી ને મોગરો રાતભર પવનસંગે હીંચકા લઈને હિલ્લોળે ચડેલા દેખાય છે. કોઈ વનમાલિકાના હાથે ચૂંટાઈને એ ફૂલો શૃંગારનાં દર્શન વેળાએ ઠાકોરજીના કંઠની જયજયવંતી મલ્લિકા બની શોભી ઊઠે છે.

Related Posts
1 of 281

વાંચન અને લેખનની તો બારે માસ વહેલી સવારની દુનિયા છે. રાત રહે જ્યાહરે પાછલી ખટઘડી, સાધુપુરુષે સૂઈ ન રહેવું….એવો આજ્ઞાર્થ ગિરિ તળેટીએથી મહેતાજીએ અમથો તો નહીં ઉચ્ચાર્યો હોય. ત્યાગ અને યોગને નરસૈંયાએ એક જ પંગતમાં બેસાડીને સંસારીઓને મોટું આશ્વાસન આપ્યું છે. જોગિયા હોય તેણે જોગ સંભારવા એ તો સમજ્યા, પણ ભોગિયાઓએ શું કરવું? નરસૈંયો કહે છે કે ભોગિયાઓ વહેલી સવારે ભોગ જેવા કે શયન, પ્રમાદ, સ્વપ્ન અને કલ્પના કે તરંગોનો ત્યાગ કરે તો એ પણ યોગની બરાબર જ છે. ભોગિયા હોય તેણે ભોગ ત્યજવા.

વહેલી સવારે જાગૃતિ તો પ્રકૃતિના તમારા પરના આશિષનું એક શુભચિહ્ન છે, પણ આ વહેલી અને વહાલી સવાર સહુને માટે નથી. જેઓ પાસે સંસારની એવી કોઈ જંજાળ નથી કે જે એમને મોડી રાત સુધી વ્યસ્ત રાખે, તો કદાચ તેમને પંખીઓના ગાન સાંભળવા મળે. વાર્તાઓમાં કોઈ-કોઈ રાજકુમાર પંખીઓની ભાષા સમજતા હોય છે. એ કંઈ સમજવી અઘરી નથી. થોડા દિવસ સાંભળતા રહો તો સમજાવા લાગે. ભાષા સાથે પંખીઓની પ્રવૃત્તિઓ પણ જુઓ તો બે વરસનો પંખીભાષા શિક્ષણ પાઠ્યક્રમ એક વરસમાં પૂરો થાય. આમ આપણો જૂની પેઢીનો ગ્રામ સમાજ શીખવાડે છે. આજે ભલે ખેડૂતોએ જાતે જ ખેતરાઉ વૃક્ષોનું સ્વકુઠારે નિકંદન આચર્યું હોય, પણ જ્યારે આપણી ભોમકા પર ખેતરે-ખેતરે ઘટાટોપ દેશીકુળનાં ઝાડ હતાં ત્યારે તો પંખીઓના સ્વરગુંજન જ કૃષિકારના સંગાથી હતા. વહેલી સવાર જિંદગીમાં વહેલો કલશોર લઈ આવે તો પછી ક્લેશ બહુ આઘો રહે છે ને આ કલશોરનું જ આપણને જિંદગીમાં અફીણ જેવું વ્યસન થઈ જાય છે.

એક જમાનામાં નિત્યનું નૂતન પ્રભાત જ જિંદગીની હિરણ્યમય શરૃઆત હતી. રોજ સવારે એક નવી સફરમાં જતો હોય એમ મનુષ્ય દોડી નીકળતો. ત્યારે એ નદીઓ, પહાડો એને ગિરિકંદરાઓ ખૂંદી વળતો અને જે કંઈ પ્રાપ્તવ્ય હોય એ લઈ ઘરભણી સમી સાંજે પાછો ફરતો. વૃદ્ધજનો અને રોગગ્રસ્તો સૂર્યોદય પછી દિવસની શરૃઆત કરતા. આજે કોની સંખ્યા વધારે છે? પગમાં જે જોમ હોય છે એમાં વહેલી સવારનું વિશેષ જોમ ઉમેરાય છે. અંતઃકરણની તાજગીમાં પણ વાતાવરણ કંઈક વધારાની ભેટ આપે છે. કામકાજનો અરધો થાક પ્રકૃતિ પોતાના પર લઈ લે છે. એક અજાયબ હળવાશનો અનુભવ રહે છે. વહેલી સવારનો જ એ જાદુ છે કે ચિત્ત કોઈ ઉત્પાત મચાવતું નથી. શાંત રહે છે. એથી જીભ કદી લપસતી નથી ને ન બોલવાના વેણ ભૂલમાં બોલાઈ જતા નથી. આપોઆપ સંયમશ્રીથી બુદ્ધિ દેદીપ્યમાન થાય છે જેની આ વાંકાચૂકા વ્યવહાર જગતમાં વારંવાર જરૃર પડે છે.

વહેલી સવાર આયોજનની એક અપ્રતિમ ક્ષમતા આપે છે, કારણ કે તમે સહુથી એડવાન્સ હોવાના સ્વાભિમાનથી મુખરિત હો છો.  તમને આવનારા આખા દિવસના સમયપટ પર એક નિરાંતની નજર નાંખવાનો મોકો મળે છે. તમે કામકાજનું થોડું એડવાન્સ મિકેનિઝમ ગોઠવી શકો છો. તમે તમને જોઈ શકો છો, કારણ કે વહેલી સવારે તમે એક ચોક્કસ ઊંચાઈએ હો છો. આ ભૌગોલિક ઊંચાઈ નથી, પણ તમારી વ્યક્તિગત જિંદગીને એક નવા ઝરૃખેથી જોવાની દરરોજ એક વાર પ્રાપ્ત થતી તક છે. પોતાની સાત વાર અને સાત વખત ગરજ હોય એમને માટે જ વહેલી સવાર છે. એ સહુને માટે તો કદાપિ ન હતી અને નથી.

રિમાર્કઃ  To become great one, you need to do great things – one of which is waking up early in the morning, which is too much difficult.

Leave A Reply

Your email address will not be published.

Translate »