તમારા માટે, તમારી સાથે, સતત…

દિવ્યાંગ દીકરીને ભણાવવા જાતે જ શાળા શરૂ કરી

દીકરીના ભવિષ્યનાં અનેક સપનાંઓ આંજીને એક બાલમંદિરમાં પહોંચે છે.

0 428

મમતા – દેવેન્દ્ર જાની

મા શબ્દની મહત્તા જ એટલી છે કે તેનું શબ્દોમાં વર્ણન કરી શકાય નહીં. પશ્ચિમના દેશોમાં કોઈની પાસે સમય નથી એટલે માતાઓ અને સંતાનો લાગણીઓ વ્યકત કરવા મધર્સ ડે ઊજવે છે, પણ આપણી પરંપરા તો એવી છે કે માતા અને સંતાનો વચ્ચે સ્નેહની સરવાણી સતત વહેતી હોય છે. એમાં પણ સંતાન જો દિવ્યાંગ હોય તો માતાની મમતા તેના પ્રત્યે ઘટવાને બદલે વધે છે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ મોરબીમાં જોવા મળ્યું છે.

Related Posts
1 of 142

મોરબીમાં રહેતાં દુર્ગાબહેન નરેન્દ્રભાઈ કેલ્લા તેમની ત્રણ વર્ષની દીકરી નેહાની આંગળી પકડીને  દીકરીના ભવિષ્યનાં અનેક સપનાંઓ આંજીને એક બાલમંદિરમાં પહોંચે છે. બાલમંદિરમાં સંચાલકોને મળીને દીકરીના પ્રવેશ માટે વાત કરી તો સંચાલકોએ તમારી દીકરી માનસિક વિકલાંગ છે, તેમ કહીને પ્રવેશ આપવાની ના કહી દીધી. સંચાલકોના આવા વલણ અને જવાબથી દુર્ગાબહેનને ખૂબ દુઃખ થયું, પણ તેઓ હિંમત ન હાર્યાં. બીજા બાલમંદિરમાં ગયાં ત્યાં પણ એવો જ જવાબ સાંભળવા મળ્યો. તો પણ તેમણે પીછેહટ ન કરી અને ત્રીજા સ્થળે ચાલતાં બાલમંદિરમાં ગયાં. તો ત્યાં પણ સંચાલકોએ નેહાને પ્રવેશ આપવાની ના જ કહી. આ તો કુદરતની કેવી ક્રૂરતા છે એમ વિચારી એક તબક્કે તો એક માતા તરીકે દુર્ગાબહેનને કુદરત પ્રત્યે પણ આવો ભાવ જાગ્યો હતો. તેઓ દીકરીની આ સ્થિતિ જોઈને આંસુ રોકી શક્યાં ન હતાં, પણ કપરા સમયમાં તેઓ મનથી મજબૂત બન્યાં અને નક્કી કર્યું કે કોઈ પણ સંજોગોમાં મારી જ નહીં, સમાજની આવી અનેક દિવ્યાંગ દીકરીઓને ભણાવવી છે.

માત્ર ધો.૧ર સુધી જ અભ્યાસ કર્યા બાદ સાસરે આવી ગયેલાં દુુર્ગાબહેન દિવ્યાંગ દીકરી માટે ફરી ભણવા જૂનાગઢ ગયાં. છ મહિના સુધી શાળાકીય અભ્યાસની તાલીમ લઈ પરત આવ્યાં. બે દાયકા પહેલાંના સમયની સ્મૃતિમાં સરી પડતાં દુર્ગાબહેન ‘અભિયાન’ સાથેની વાતચીતમાં કહે છે, ‘પડકાર ઝીલીને મોરબીમાં સનાળા રોડ પર માત્ર દિવ્યાંગ બાળકો માટે મેં ર૦૦૪માં શાળા શરૃ કરી હતી. મારી દીકરીને બાલમંદિરમાં પ્રવેશ ન મળતાં બીજી દિવ્યાંગ દીકરીઓને આવો કડવો અનુભવ ન થાય માટે આ શાળા શરૃ કરી હતી. કોઈ પણ પ્રકારના નાત-જાતના ભેદભાવ વગર દિવ્યાંગ બાળકોને અમે અહીં પ્રવેશ આપીએ છીએ. શરૃઆતમાં શાળા ચલાવવામાં, બાળકો માટે નવાં-નવાં રમકડાં, ગેમ્સ લાવવામાં મુશ્કેલી પડતી હતી. એટલું જ નહીં, નવાં આવનારાં બાળકો ક્યારેક બીજા બાળકોને બચકાં ભરી લેતાં હતાં, પણ ધીરે-ધીરે તેઓને સમૂહમાં રહેવાની આદત પાડવામાં આવી હતી. મુશ્કેલીના સમયમાં મોરબીના અગ્રણી પ્રદીપભાઈ વોરા અને અન્ય આગેવાનોનો સાથ મળતાં એક ખાનગી બિલ્ડિંગમાં શાળા શરૃ કરવામાં આવી હતી.

‘હાલ વિશાળ ગ્રાઉન્ડ અને ત્રણ રૃમ ધરાવતી મંગલમૂર્તિ શાળા દિવ્યાંગ બાળકો માટે ચાલી રહી છે. આ શાળામાં છ વર્ષથી માંડીને ચાલીસ વર્ષ સુધીના દિવ્યાંગોને પ્રવેશ આપવામાં આવે છે. દિવ્યાંગ બાળકોમાં પણ ભગવાને કોઈ ને કોઈ શક્તિ મુકેલી હોય છે. તે બાબતને નજર સમક્ષ રાખીને આ બાળકોને સતત સ્નેહ આપીને તેમની શક્તિઓને ખીલવવા માટે અમે પ્રયાસ કરીએ છીએ. અમે શાળામાં બાળકોને તેમના આઈકયુ મુજબ યોગ, કસરત, સંગીત, નૃત્ય, શબ્દ જ્ઞાન, મૂળાક્ષરોનું જ્ઞાન, અભિનયની તાલીમ, ચિત્રકળા, ગણિત જેવા વિષયોની માહિતી શીખવીએ છીએ. સવારના ૮.૩૦થી ૧ર શાળા ચાલે છે. રોજ બાળકોને નાસ્તો અપાય છે.’ દુર્ગાબહેન કહે છે, ‘મારે બે સંતાન છે. મોટી દીકરી છે અને એક દીકરો છે. દીકરો હોશિયાર છે. તે બી.એસસી. થઈ ગયો છે. ચિંતા દીકરીની હતી, કારણ કે તે દિવ્યાંગ હતી, પણ હવે શાળામાંથી ઘણુ શીખી છે તેનો આનંદ છે.’
———————————.

Leave A Reply

Your email address will not be published.

Translate »