તમારા માટે, તમારી સાથે, સતત…

કચ્છી બોલીની પણ  પોતાની લિપિ હોવી જોઈએ

કચ્છી બોલી પણ ખમીરવંતી છે

0 1,173

પાંજો કચ્છ – સુચિતા બોઘાણી કનર

લિપિ ભાષાને અમરત્વ બક્ષે છે. લિપિ વગરની ભાષા સમય સાથેની રેસમાં જલદી હારી જાય છે. તેથી જ કચ્છી બોલીને લિપિ હોવી જોઈએ તેવું માનનારો એક વર્ગ કચ્છી લિપિના સંશોધનમાં રત છે, પરંતુ આજના સમયમાં કચ્છી સાહિત્ય, કવિતા ગુજરાતી લિપિમાં લખાય ત્યારે નવી કચ્છી લિપિ કોણ શીખશે?, તે વ્યવહારમાં ઉપયોગી બનશે ખરી? તેવા સવાલો કરીને અમુક સાક્ષરો ગુજરાતી લિપિને જ કચ્છી લિપિ તરીકે માન્ય રાખવા વિચારે છે.

ભાષા એ દરેક વિસ્તારની પ્રજાની આગવી ઓળખ હોય છે. ભારતમાં અસંખ્ય ભાષાઓ બોલાય છે. તેમાંની અમુક ભાષાને લિપિ છે તો અમુક માત્ર બોલી ભાષા છે. જેવી રીતે મરાઠી ભાષાની ભગિની બોલી કોંકણી છે તેવી રીતે ગુજરાતીની ભગિની ભાષા તરીકે કચ્છીને ગણી શકાય. કચ્છી બોલનારા લોકો આજે આખી દુનિયામાં ફેલાયેલા છે. કચ્છી સાહિત્ય પણ સદીઓથી સમૃદ્ધ છે. આમ છતાં આ બોલીને પોતાની લિપિ નથી. તેથી જ તે સંપૂર્ણ ભાષા ગણાતી નથી. જે બોલીને લિપિ ન હોય, જે લખી શકાતી ન હોય તે બોલી સમય જતાં નામશેષ થવાની ભીતિ હોય છે, પરંતુ કચ્છના માડુઓની જેમ જ કચ્છી બોલી પણ ખમીરવંતી છે. સદીઓનો સમય વીતી ગયો, પરંતુ કચ્છી બોલી જીવંત છે, નિત્યનવા સાહિત્યથી તે વધુ સમૃદ્ધ થતી જાય છે. ત્યારે આ બોલીને પોતીકી લિપિ હોય તેવું અમુક લોકો માને છે અને તેઓ આ દિશામાં સંશોધનમાં વ્યસ્ત છે, પરંતુ સદીઓથી લિપિ વગર પણ વિકસતી આ બોલીએ જ્યારે ગુજરાતી લિપિમાં સાહિત્ય સર્જન કરવાનું ચાલુ રાખ્યું છે ત્યારે નવી લિપિ શોધ્યા પછી પણ તે શીખશે કોણ અને તે વાપરશે કોણ? તેને વ્યવહારુ ક્યારે બનાવી શકાશે? જેવા પ્રશ્નોની માયાજાળમાં સપડાવાના બદલે ગુજરાતી લિપિમાં જ સાહિત્ય સર્જન કરવાનું ચાલુ રાખવાનું અમુક વર્ગ ઇચ્છી રહ્યો છે.

સદીઓથી અસ્તિત્વ ધરાવતી કચ્છી બોલીનું સાહિત્ય કંઠોપકંઠ સચવાયેલું છે. કચ્છ રાજના સમયમાં રાજ વ્યવહાર પણ કચ્છીમાં ચાલતો હતો. તેને રાજભાષાનો દરજ્જો અપાયો હતો અને તે ‘જાડેજી’ ભાષા તરીકે પણ ઓળખાતી હતી. સાહિત્ય ભાષાને જીવંત રાખવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. ધર્મગુરુઓએ આ બોલીને પ્રયોજી અને સંગ્રહી હતી. કચ્છની અનેક જાતિ, કોમના લોકો કચ્છી બોલે છે. મુસ્લિમો, મેઘવાળ, રાજપૂત જાડેજા, ભાનુશાળી, લોહાણા, રાજગોર બ્રાહ્મણ, વિસા ઓસવાળ અને દસા ઓસવાળ જૈન, ભાટિયા, રબારી વગેરે બધા જ લોકો કચ્છીનો રોેજબરોજની ભાષા તરીકે પ્રયોગ કરે છે.

Related Posts
1 of 142

સદીઓ પહેલાં કચ્છી લિપિ અસ્તિત્વમાં હતી તેવો દાવો ઇતિહાસકાર સ્વ. રામસંગજી રાઠોડે કર્યો હતો. મુંબઈથી પ્રસિદ્ધ થતાં ‘કચ્છ રચના’ નામના સામાયિકના વર્ષ ૧૯૭૬ના દીપોત્સવી કચ્છી ભાષા ગૌરવ વિશેષાંકમાં તેમણે ‘છે, કચ્છી ભાષાની લિપિ’ નામનો એક લેખ લખ્યો હતો. તેમાં તેમણે અનેક પુરાવા આપીને સિદ્ધ કર્યું હતું કે કચ્છી માત્ર બોલી નથી, પરંતુ ૧૨૦૦ વર્ષથી કચ્છી ભાષાની લિપિ અસ્તિત્વમાં છે. સંસ્કૃત ભાષા અને દેવનાગરી લિપિ કચ્છી બોલી અને લિપિની જનેતા છે. સિંધ પ્રાંત (હાલના પાકિસ્તાન)માં આવેલા ભંભોરમાં ૧૯૬૦માં ડૉ. એફ.એ. ખાનના માર્ગદર્શન તળે થયેલા ઉત્ખનન દરમિયાન આઠમી સદીના અરસાના માટીના માપિયાના પુરાવશેષો પર પ્રાચીન કચ્છી લિપિ પૂર્વ નાગરી શૈલીના અક્ષરો જોવા મળ્યા હતા. ‘મામૈદેવ’ની વાણીના અસલી ફકરાઓમાં પણ આ પ્રાચીન કચ્છી લિપિ વપરાઈ હોવાનો દાવો તેમણે કર્યો હતો. તો કેટલાક કચ્છી લુહાણા, ભાટિયા વેપારીઓ તેમના ચોપડા લખવામાં આ લિપિનો ઉપયોગ પણ કરતા હતા. તે ભાષા વણિક વખર કે હટાઈ ભાષા તરીકે ઓળખાતી હતી. આ ઉપરાંત નારાયણ સરોવરના ગોરના જૂના ચોપડામાં યાત્રિકોની નોંધમાં આ લિપિમાં કરાયેલી સહીઓ તેમણે પોતે જોઈ હોવાનું પણ નોંધ્યું હતું.

જોકે રામસિંહજી રાઠોડનું કથન સાચું માનીએ તો પણ કાળબળે આ લિપિ અગોચર બની ગઈ છે. આજે તેના અંશો પણ શોધ્યા જડતાં નથી. આથી જ ૧૯૪૮ની આસપાસ તેરા ગામના લાલજી નાનજી વકીલ નામના ગૃહસ્થએ પણ લિપિ રચવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે સમયે કચ્છમાં પ્રિન્ટિંગ પ્રેસનો અભાવ હતો, લોકોમાં શિક્ષણ ન હતું, ભાષા કે લિપિ પ્રત્યેની જાગૃતિ ન હતી, લખવા- વાંચવાવાળો વર્ગ ઘણો ઓછો હતો, આથી આ પહેલો પ્રયત્ન યશસ્વી નિવડ્યો ન હતો. ત્યાર પછી ભુજના કવિ અને સાહિત્યકાર વ્રજ ગજકંધે પણ કચ્છી લિપિ વિકસાવી છે, ધ્રોલના હાજી મહમદ નામના વિદ્વાને પણ આ દિશામાં પ્રયત્ન કર્યો છે જ્યારે ગ્રાફોલોજિસ્ટ ડૉ. રાજુલ શાહે પણ નવી કચ્છી લિપિ બનાવી છે અને તે કોમ્પ્યુટરમાં વાપરી શકાય તેવા તેના ફોન્ટ પણ તૈયાર કર્યા છે.

કચ્છી લિપિ તૈયાર કરનારા ભુજના વયોવૃદ્ધ સાહિત્યકાર, કવિ વ્રજ ગજકંધ જણાવે છે કે, ‘કચ્છી બોલી એ માત્ર બોલી ન રહેતા સંપૂર્ણ ભાષા બને તે હેતુથી જ મેં તેની લિપિ બનાવવા પ્રયત્નો કર્યા છે. મેં પૃથ્વીને આધાર બનાવીને અક્ષરો બનાવ્યા છે. તેના ગોળાર્ધ, ધરી, અક્ષાંશ- રેખાંશ, ઉત્તર અને દક્ષિણ ધ્રુવ, દિશાઓ, નૈઋર્ત્ય, વાયવ્ય, ઇશાન, અગ્નિ જેવા ખૂણાઓ તથા ચંદ્રાકાર, સર્પાકાર, પટાકાર, ઉઠાકાર, ઇનાકાર વાપરીને અક્ષરો બનાવ્યા છે. કોઈ પણ ભાષામાં વ્યંજન કરતાં સ્વરનું મહત્ત્વ વધુ હોય છે. સ્વર વિના વ્યંજનો ખોડા થઈ જાય. આથી મેં પહેલાં સ્વર બનાવ્યા. કચ્છી બોલીમાં અમુક અક્ષરો એવા છે જેના માટે ગુજરાતી ભાષામાં કોઈ અક્ષર નથી. જેમ કે અઙ, ભમ્, મું જેવા અક્ષરોનો ઉચ્ચાર તે લખાય છે તે કરતાં અલગ રીતે જ થાય છે. તેથી મેં ત્રણ પ્રકારના ઇ, ઉ અને એ બનાવ્યા છે જ્યારે બે પ્રકારના ઓ અને બાકીના સ્વર એક પ્રકારના બનાવ્યા છે. ગુજરાતીમાં ઇ અને ઉ બે જ સ્વર બે પ્રકારના હોય છે, જેમ કે નાનો- હ્રસ્વ ઇ અને ઉ, મોટા- દીર્ઘ ઈ અને ઊ. વ્યંજનો બધા એક જ પ્રકારના છે. તેમ જ અર્ધ વ્યંજન પણ કેવી રીતે લખાય તે જણાવ્યું છે.’….
————————-

કચ્છ પંથકની સામાજિક, રાજકીય અને આર્થિક વિષયે બનતી મહત્વની ઘટનાઓનું ત્વરિત-રોચક-માહિતીપ્રદ લેખો વાંચવા તેમજ કચ્છની બોલીની લિપિ માટે જનઅાંદોલન ચાલ્યું તેના પરિમાણો અને કચ્છી લોકો પોતાની લિપિ માટે શું વિચારી રહ્યા છે તેની વિગતો માટે ‘અભિયાન’ સબસ્ક્રાઇબ કરો.

Leave A Reply

Your email address will not be published.

Translate »