તમારા માટે, તમારી સાથે, સતત…

ડિજિટલ માર્કેટમાં ગુજરાતી ગીતોની બોલબાલા !

ગીતોના બદલાતાં ટ્રેન્ડને પારખનારા વીરલાઓ...

0 864

કવર સ્ટોરી – નરેશ મકવાણા

હજુ ત્રણ વર્ષ પહેલાં સુધી સરસ ગુજરાતી ગીતો પણ જે-તે વિસ્તાર પૂરતાં જ મર્યાદિત હતાં, પણ હવે ટ્રેન્ડ બદલાયો છે અને બિનફિલ્મી ગુજરાતી ગીતો ગામ-શહેરના વાડા તોડી વિશ્વસ્તરે પહોંચી રહ્યાં છે. એટલું જ નહીં, ડિજિટલ પ્લેટફોર્મ પર પણ તે વિક્રમોની હારમાળા સર્જી રહ્યાં છે, ત્યારે સવાલ એ થાય કે, આ ચાર વર્ષમાં એવું તે શું બન્યું જેના કારણે આ ગીતો ટ્રેન્ડ કરવા લાગ્યાં? શું આ બધું સાવ અણધાર્યું છે કે આયોજનપૂર્વકનું? તેની પાછળ કયા પરિબળો કામ કરી ગયાં? કોણ લોકો છે આ સફળતાની પાછળ? ‘અભિયાન’ અહીં આવા તમામ સવાલોનો જવાબ લઈને આવ્યું છે…

ચાર બંગડીવાળી ગાડી..કિંજલ દવે… (૧૦ કરોડ, ૭૫ લાખ)
રોણા શેરમાં રે…ગીતા રબારી…(૧૦ કરોડ ૭૬ લાખ)

છોટે રાજા…કિંજલ દવે..(૬ કરોડ ૫૯ લાખ)
હાથમાં છે વ્હિસ્કીને આંખોમાં પાણી…જિગ્નેશ કવિરાજ…(૫ કરોડ ૮૫ લાખ)

બેવફા તને દૂરથી સલામ.. જિગ્નેશ કવિરાજ…(૩ કરોડ ૬૪ લાખ)
અમે લેરી લાલા…કિંજલ દવે…(૩ કરોડ ૬૨ લાખ)

મા તારા આશીર્વાદ…ગીતા રબારી…(૩ કરોડ ૨૭ લાખ)
એકલો રબારી…ગીતા રબારી..(૨ કરોડ ૪૬ લાખ)

ગામડાંનું દિલ…પાર્થ ચૌધરી…(૨ કરોડ ૪૦ લાખ)
ગોગો રાણો આયા રે ગુજરાતમાં (ઓડિયો સોન્ગ)…રાકેશ બારોટ..(૮૫ લાખ ૬૦ હજાર)

થોડી મહેનત પડશે, પણ આ સ્ટોરી વાંચતા પહેલાં યુ-ટ્યૂબ પર ઉપર જણાવ્યા તે ગીતો જોઈ જશો તો વધારે મજા પડશે. ઉપર યુ-ટ્યૂબ પર સર્વાધિક વ્યૂઅર્સ મેળવનારાં ટોપ ટેન ગુજરાતી ગીતોનું લિસ્ટ છે. હા, ગીત જોતી વખતે નીચે તેના દર્શકોનો આંકડો ક્યાં પહોંચ્યો છે તે ચેક કરવાનું ભૂલતાં નહીં, કારણ તો જ તમને તેમની લોકપ્રિયતાનો ખરો અંદાજ આવશે. પેપર ફૂટી જ ગયું છે તો જણાવી દઈએ કે આ ગીતોના દર્શકોની સંખ્યા એકાદ હજાર, લાખ નહીં, પણ કરોડ, ૫ કરોડ અને ૧૦ કરોડમાં છે!

ડિજિટલ માર્કેટના જાણકારોને ખ્યાલ હશે કે યુ-ટ્યૂબ જેવા ઓપન પ્લેટફોર્મ પર પણ એક લાખ વ્યૂઅર્સ મેળવવામાં કેવા ફાંફાં પડી જતાં હોય છે ત્યારે આ બધાં ગીતો એટલાં વ્યૂઅર્સ તો ચોવીસ કલાકમાં જ મેળવી લે છે. વિશ્વાસ ન આવતો હોય તો આ ઉદાહરણ જુઓઃ યુવા ગાયિકા કિંજલ દવેનું ‘છોટે રાજા…’ ૨૨ ડિસેમ્બર, ૨૦૧૭ના રોજ યુ-ટ્યૂબ પર મૂકાય છે અને ચાર મહિનાથી પણ ટૂંકા ગાળામાં તે આ લખાઈ રહ્યું છે ત્યારે ૬ કરોડ ૬૪ લાખ વ્યૂઅર્સ મેળવી ચૂક્યું છે. હજુ થોડા દિવસ પહેલાં જ તેનું મેગા હિટ ‘ચાર બંગડીવાળી ગાડી..’ યુ-ટ્યૂબ પર ૧૦ કરોડ દર્શકો મેળવનારું પહેલું ગુજરાતી ગીત બન્યું હતું. એ પછી કચ્છી ભજનિક ગીતાબહેન રબારીનું ‘રોણા શેરમાં…’ ગીત તેના પછી રિલીઝ થયું હોવા છતાં ૧૦ કરોડ ૭૬ લાખ વ્યૂઅર્સ મેળવીને તેનાથી પણ આગળ નીકળી ગયું. તો ઉત્તર ગુજરાતના જાણીતા ગાયક જિજ્ઞેશ કવિરાજનું ‘હાથમાં છે વ્હિસ્કી…’ અને ‘બેવફા તને દૂરથી સલામ…’ અનુક્રમે પાંચ કરોડ અને ત્રણ કરોડથી વધુ દર્શકો મેળવીને પ્રથમ પાંચમાં સ્થાન ધરાવે છે. આ બધામાં સૌથી આશ્ચર્ય નવોદિત ગાયક પાર્થ ચૌધરીના પહેલા જ ગીત ‘મારું ગામડાંનું દિલ…’નું થાય. જેણે ૨ કરોડથી વધુ દર્શકો મેળવીને પહેલા જ ઘાએ ટોપ ટેનમાં સ્થાન મેળવી લીધું છે. આવું જ અન્ય એક આશ્ચર્ય જાણીતા લોકગાયક રાકેશ બારોટના ઓડિયો ગીત ‘ગોગો રાણો આયા રે ગુજરાતમાં…’નું છે. યુ-ટ્યૂબ પર આ ગીત માત્ર ઓડિયો તરીકે જ ઉપલબ્ધ છે છતાં તે ૮૫ લાખથી વધુ લોકોએ સાંભળ્યું છે!

કહેવાનો મતલબ એટલો જ કે ગુજરાતી ગીતો હાલ ટ્રેન્ડમાં છે. હજુ ત્રણ વર્ષ પહેલાં સુધી ગુજરાતી, એમાં પણ બિનફિલ્મી ગુજરાતી ગીતો જે-તે પ્રદેશ પૂરતાં જ મર્યાદિત રહેતાં હતાં ત્યારે આજે આ ગીતોને કારણે ભાષા, બોલીના સીમાડા તૂટતાં જોવા મળે છે. અગાઉ બીબાંઢાળ ગીતો, પ્રત્યાયનના મર્યાદિત સાધનો, સીમિત ટૅક્નોલોજી, ટૂંકું બજેટ અને નબળી ગુણવત્તાના વીડિયોને કારણે લોકોએ વીડિયો ગીતોથી મોં ફેરવી લીધું હતું. જેથી ડીવીડીના વેચાણ પર જ નભતી સંગીત કંપનીઓની આવકમાં મસમોટો ઘટાડો થયો હતો. પરિણામે અનેક સંગીત કંપનીઓ નાદારીના સ્તરે આવી પડી હતી. આ બધામાં જોકે કેટલાક એવા લોકો પણ હતા જે બદલાતા ટ્રેન્ડને પારખીને યોગ્ય તકની રાહ જોતા હતા. આમાં બે કંપનીઓ મોખરે હતી. એક અમદાવાદની રાઘવ ડિજિટલ અને બીજી જૂનાગઢની સ્ટુડિયો સરસ્વતી. રહસ્ય એ છે કે સ્ટોરીની શરૃઆતમાં આપેલાં ટોપટેન ગીતો આ બે જ કંપનીઓના ફળદ્રુપ ભેજાની ઊપજ છે!

ગીતોના બદલાતાં ટ્રેન્ડને પારખનારા વીરલાઓ
તમને જાણીને આશ્ચર્ય થશે કે, સ્ટોરીની શરૃઆતમાં જે ટોપ ટેન ગીતોનું લિસ્ટ આપ્યું છે તે ફક્ત ચાર લોકોની મહેનતનું પરિણામ છેઃ ગીતકાર – મનુ રબારી અને દીપક પુરોહિત, સંગીતકાર – મયૂર નાડિયા અને વીડિયો ડિરેક્ટર – ધ્રુવલ સૌદાગર. આ છે રાઘવ ડિજિટલની ટીમ. અમદાવાદના વસ્ત્રાલ સ્થિત એક સાદી ઑફિસમાં તે કામ કરે છે. પહેલી નજરે વિશ્વાસ ન આવે કે ગુજરાત આખાને ઘેલું લગાડનાર ગીતો આ ૧૦ બાય ૧૫ ફૂટની ઑફિસમાં તૈયાર થાય છે. ફિલ્મ, વીડિયો, ઓનલાઇન કન્ટેન્ટના નિષ્ણાત ધ્રુવલ સૌદાગર તેના ક્રિએટિવ હેડ છે. રાઘવના ચૅરમેન દીપક પુરોહિત કે જેઓ ગીતકાર પણ છે. આશ્ચર્યની વાત એ છે કે, તેમનું વતન રાજસ્થાન છે છતાં તેમણે ગુજરાતી ભાષાના સર્વાધિક લોકપ્રિય ગીતો લખ્યાં છે. તેઓ નિખાલસતાથી સ્વીકારે છે કે, પોતે દસમું નાપાસ છે. આવું જ તેમના બીજા સાથીદાર સંગીતકાર મયૂર નાડિયાનું છે. તેઓ પણ દસમું ધોરણ નાપાસ છે. નિર્દોષ ચહેરો, ઓછા બોલા તેમને જોઈને કોઈ માની ન શકે કે શાંત સ્વભાવના આ વ્યક્તિના સંગીત પર આજે આખું ગુજરાત નાચી રહ્યું છે. ચોથી વ્યક્તિને કોઈ ઓળખાણની જરૃર નથી. કેમ કે રાઘવ ડિજિટલના તમામ લોકપ્રિય ગીતો એમની કલમમાંથી પ્રગટ થયા છે. નામ એમનું મનુ રબારી. ગુજરાતી ગીતોના ઇતિહાસમાં કદાચ આ પહેલા સેલિબ્રિટી ગીતકાર છે જેમને લોકો ચહેરાથી પણ ઓળખે છે. છેલ્લાં ચાર વર્ષમાં લોકપ્રિય ગુજરાતી ગીતોનું લિસ્ટ તૈયાર થાય તો તેમાં દસમાંથી નવ ગીતો મનુ રબારીએ લખેલાં નીકળે એ નાનીસૂની વાત નથી. સાયન્સના વિદ્યાર્થી પણ પછી માસ કમ્યુનિકેશન અને એનિમેશનની માસ્ટર ડિગ્રી મેળવીને કામ માટે મુંબઈ ગયેલા ધ્રુવલ સૌદાગર રાઘવ ડિજિટલમાં કેવી રીતે જોડાયા તેની વાત કરતાં કહે છે. ‘૨૦૧૧-૧૨માં મારું વીડિયો ગીત, ગણપતિ આયો બાપા… ભારે લોકપ્રિય થયેલું. ત્યાર બાદ ભલા મોરી રામા… અરવિંદ વેગડા સાથે આવ્યું તે પણ એટલું જ જાણીતું થયું. એ પછી અચાનક ઓડિયો-વીડિયો સીડીનું માર્કેટ મંદીમાં સપડાયું અને અમે બંનેએ આ ક્ષેત્ર છોડી દીધું. દરમિયાન યુ-ટ્યૂબ પર પંજાબી ગીતો ધૂમ મચાવતા હતા, પણ ગુજરાતીમાં આ મામલે કમાણી ઝીરો હતી. એટલે અમે આ ખાલી જગ્યા ભરીને કંઈક કરવાનું વિચારતાં હતા. અમે બધાં ફરી મળ્યાં અને એમાંથી રાઘવ ડિજિટલનો જન્મ થયો.’

બીજા ધુરંધર છે સ્ટુડિયો સરસ્વતી જૂનાગઢના મનોજભાઈ જોબનપુત્રા. જેઓ છેલ્લાં ત્રીસ વર્ષથી ગુજરાતી ગીત-સંગીતના ક્ષેત્ર સાથે સંકળાયેલાં છે. કેસેટથી લઈને ડિજિટલ સુધીનો સમય તેમણે જોયો છે. ગુજરાતના લગભગ તમામ જાણીતા ગાયકો પાસે તેમણે ગવડાવ્યું છે. એ સમય પારખું મનોજભાઈની દીર્ઘદ્રષ્ટિનું જ પરિણામ હતું કે, ચાર બંગડીવાળી ગાડી…ગીત આજે

Related Posts
1 of 262

યુ-ટ્યૂબ પર સર્વાધિક વ્યૂઅર્સ મેળવનારું ગીત બની ગયું છે. સૌરાષ્ટ્રમાં ગીતોનો બદલાતો ટ્રેન્ડ પારખવામાં મનોજભાઈ સૌથી પહેલા રહ્યા. એટલે જ ત્યાંની બીજી કંપનીઓ મંદીમાં સપડાઈ ત્યાં યુ-ટ્યૂબ પર સ્ટુડિયો સરસ્વતીના સબસ્ક્રાઇબર્સની સંખ્યા ૧૦ લાખને પાર કરી ગઈ હતી. અહીં આપણે આ બંને કંપનીઓએ આપેલાં સર્વાધિક લોકપ્રિય ગીતો અને તેની રણનીતિ અંગે ચર્ચા કરીશું.

પહેલાંનાં ગુજરાતી ગીતોમાં શું ખૂટતું હતું?
અહીં સમજવા જેવી બાબત એ છે કે, ગીતો તો પહેલાં પણ આવતાં હતાં, લોકો તે જોતાં પણ હતાં. તો પછી સમસ્યા શું હતી કે લોકો તેને આ હદે અપનાવી શકતા નહોતાં? રાઘવ ડિજિટલના માલિક અને ગીતકાર દીપકભાઈ પુરોહિતનો જવાબ સ્પષ્ટ છે, ‘પહેલાંનાં મારાં જ ગીતોના વીડિયોની વાત કરું તો તેની ગુણવત્તા એ હદે નબળી રહેતી કે લોકો તેની મજાક ઉડાવતા. હું મારા પરિવારના સભ્યો કે મહેમાનોને પણ તે બતાવી શકતો નહીં. એ વખતે એક આલ્બમમાં વીસ જેટલાં ગીતો રહેતાં. મને લાગે છે એ ખોટી દિશામાં મહેનત હતી. કારણ કે લોકો એમાંથી ગમતાં એકાદ ગીતને બાદ કરતાં બીજા ભાગ્યે જ જોતાં-સાંભળતાં હતાં. એ ગાળામાં રૃ. ૩૦ હજારમાં વીસ ગીતો બનતાં એટલે તમે તેની ગુણવત્તા વિશે કલ્પના કરી શકો છો.’

વાત તો સાચી છે, કેમ કે ગીતો તો અગાઉ પણ સારાં લખાતાં હતાં, પણ વીડિયોની કોઈ કક્ષા જ નહોતી. નિર્માતા હીરો-હીરોઇનને બોલાવી લેતાં અને તેમને ગીત પ્રમાણે ડાન્સ કરવાનું કહીને ફિક્સ કેમેરા મૂકી દેવાતો. એ ગીતો પણ ઠીકઠીક ચાલતાં, પણ તેમાં શહેરી ઓડિયન્સ ક્યાંય ચિત્રમાં નહોતું. અંતરિયાળ ગામડાંઓમાં આવાં ગીતો પ્રત્યાયનના મર્યાદિત સાધનોને કારણે ચાલતાં.

આ મામલે ગીતકાર મનુ રબારી જરા જુદો અભિપ્રાય ધરાવે છે. તેમના મતે, ‘એ સમયના ગુજરાતી ગીતોમાં ટહુકે કોયલડી..બોલે મોરલિયો..ચૂંદડી ચટકે.. માથે ટીલડી શોભે જેવા શબ્દો સતત વપરાતાં. એમાં પણ ગીતનું મુખડું ગમે તે હોય છેલ્લે તો મારા મૈયરના કડલાં લઈ આલો.. ઉતારા દેશું ઓરડાં..એમ એકની એક જ વાત રહેતી. આવું આપણા મોટાભાગનાં ગીતો, લોકગીતો અને ગરબામાં હતું. અમે લોકોએ વિચાર્યું કે, આનાથી એકદમ જુદા પ્રકારનું કંઈક કરવું. મેં આનાથી જુદા પ્રકારનાં ગીતો લખ્યાં જેને ધ્રુવલભાઈ અને મયૂરભાઈએ યોગ્ય ન્યાય આપ્યો જેથી તે લોકોને ગમ્યાં.’

આ મામલે યુવાવર્ગમાં સૌથી લોકપ્રિય ગાયિકા કિંજલ દવેનો મત કમ્યુનિકેશનના સાધનોની મર્યાદા તરફનો છે. કિંજલ દવે કહે છે, ‘જૂના ગીતોમાં મને સૌથી મોટો ફાળો કમ્યુનિકેશનનાં સાધનોની મર્યાદાનો લાગે છે. ઇન્ટરનેટ કે સોશિયલ મીડિયા નહોતું જેના કારણે લોકપ્રિય ગીતોનો ફેલાવો પણ આજની ઝડપે થઈ શકતો નહીં. જ્યારે આજે સ્માર્ટફોનના કારણે ગામડાંના લોકો સુધી ઇન્ટરનેટ પહોંચ્યું છે. જેના કારણે આ ગીતો તેમના સુધી સહેલાઈથી પહોંચી શક્યાં છે. હા, સીડી, કેસેટ કે ડીવીડીના વેચાણમાંથી જે કમાણી થતી હતી તેટલી કમાણી કંપનીઓને, કલાકારને આજે થતી નથી, પણ તેની લોકપ્રિયતામાં ખાસ્સો વધારો થાય છે.’

એકલો રબારી.., મા તારા આશીર્વાદ.., રોણા શેરમાં જેવા ત્રણ રેકોર્ડબ્રેક વ્યૂઅર્સ મેળવનારાં ગીતોનાં ગાયિકા ગીતા રબારી જોકે પહેલાંનાં ગીતો માટે આલ્બમની લંબાઈ અને સંખ્યાને જવાબદાર માને છે. તેમના મતે, ‘અગાઉ આખા આલ્બમ હતા, જેમાં વીસ જેટલાં ગીતો રહેતાં. જેમાંથી લોકો ક્યારેક જ બધાં ગીતો સાંભળતા. એમાં બીજી ખામી એ રહેતી કે વચ્ચે ક્યાં સારું સંગીત કે સારી કડી આવી તે લોકોને ખબર પડતી નહોતી. જ્યારે આજના સિંગલ ગીતોના આ ટ્રેન્ડમાં બધી બાબતોનું ધ્યાન રખાય છે. સીમિત સમયના, સરળ ગીતોને પરદે ઉતારવા નિર્માતાઓ ગાયક, ગીત, સંગીતથી લઈને વીડિયો ડિરેક્શન સુધીનાં તમામ પાસાંઓ પર ચીવટથી કામ કરતાં હોય છે. જેનું પરિણામ આપણી સામે છે.’

એક મત જોકે એવો પણ કહેવાય છે કે, અગાઉનાં ગીતોમાં કોઈ ખામી નહોતી. એ સમયે ટીવીના કારણે સીડી, ડીવીડીનું વેચાણ મોટાપાયે થતું જ હતું, પણ યુ-ટ્યૂબના દર્શકોની જેમ તેનો ચોક્કસ આંકડો સામે આવી શકતો નહોતો.

નવાં ગીતોમાં નવું શું છે?
લાખો-કરોડો વ્યૂઅર્સ મેળવનારાં આ ગીતોની હવે તો લોકો લગ્નપ્રસંગે, પાર્ટી, ફંક્શન, વરઘોડા વગેરેમાં રીતસરની ડિમાન્ડ કરતાં થઈ ગયા છે ત્યારે સવાલ એ થાય કે, એવું તે શું છે આ ગીતોમાં જેના કારણે તે આ હદની લોકપ્રિયતાએ પહોંચ્યાં છે? બીજો સવાલ એ પણ થાય કે પહેલાંનાં ગીતોમાં એવું ક્યું તત્ત્વ ખૂટતું હતું જે આ ગીતોએ ભરપાઈ કરી આપ્યું છે?

આ મામલે લોકોની નાડ પારખવામાં પાવરધા સ્ટુડિયો સરસ્વતી જૂનાગઢના ચૅરમેન મનોજભાઈ જોબનપુત્રાનો અભિપ્રાય ઘણી સ્પષ્ટતાઓ કરી આપે છે. મનોજભાઈ કહે છે, ‘ચાર બંગડીવાળી ગાડી.. અગાઉ પણ અમે ઘણા લોકપ્રિય ગીતો આપ્યાં છે, પણ આ ગીત જરા જુદી રીતે બન્યું હોઈ લોકોએ તેને સ્વીકારી લીધું છે. આ ટ્રેન્ડ પાછળ મને સૌથી મોટું કારણ તેમાં રહેલી નવીનતા લાગે છે, કારણ કે અગાઉ મેં કીર્તિદાન ગઢવીને લઈને ‘ટહુકાર’ સિરીઝ કરેલી, જે સારી એવી હિટ રહી છે. તેમાં ઉત્તર ગુજરાતી બોલી અને નવા શબ્દોનું મિશ્રણ હતું જે લોકોને ગમ્યું હતું. પછી થયું એવું કે લોકો તેમને ભજન કરતાં પણ વધુ આ બધાં ગીતોને કારણે ઓળખવા માંડ્યાં. અહીં સમજવું જોઈએ કે ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ મોટા ભાગે યંગસ્ટર્સ કરે છે અને તેમણે આ ભાષા, તાલ, સંગીત, ગાયકી સ્વીકારી લીધી છે.’

અહીં એ નોંધવું રહ્યું કે, ગુજરાતી ગીતોની આ સફળતાના પરિણામે આજે દરરોજ ૧૫થી ૨૦ નવાં ગીતોના શૂટિંગ થાય છે. ૨૦ જેટલી મોટી ગુજરાતી મ્યુઝિક કંપનીઓ હવે ડિજિટલ માર્કેટના ઊભા થવાથી યુ-ટ્યૂબ ચેનલમાં ફેરવાઈ ગઈ છે. એક અંદાજ પ્રમાણે આ તમામ ચેનલોનો બિઝનેસ વર્ષે ૨૫થી ૩૦ કરોડ આસપાસ થવા જાય છે. આ સફળતાથી પ્રેરાઈને કોમેડી પ્રકારની બીજી યુ-ટ્યૂબ ચેનલોને પણ પ્રોત્સાહન મળ્યું છે. ગુજરાતમાં ડિજિટલ માર્કેટ ધીમેધીમે વિકસી રહ્યું છે એનો અંદાજ એના પરથી પણ લગાવી શકાય છે કે પહેલાં યુ-ટ્યૂબ પર દસ લાખ વ્યૂઝ આવે એ બહુ મોટી વાત ગણાતી. આજે રાઘવ જેવી કંપનીનું નવું ગીત અપલોડ થાય કે ગણતરીના દિવસોમાં જ એટલા વ્યૂઅર્સ મેળવી લે છે. રાઘવ ડિજિટલના વીડિયો ડિરેક્ટર ધ્રુવલ સૌદાગર આ નવા ઊભરી રહેલા માર્કેટ માટે માત્ર યુવાવર્ગને જ ટાર્ગેટ કરે છે. તેની પાછળનું કારણ આપતાં તેઓ કહે છે, ‘આ લોકો સૌથી વધુ ઇન્ટરનેટ વાપરે છે અને તેમના માટે કશું ફિક્સ નથી હોતું. તેમને ગમે, મજા આવે એવી રીતે તૈયાર કરીને રજૂઆત કરીએ તે બધું તે સ્વીકારી લેતાં હોય છે. જોકે અમે એ બાબતે સભાન છીએ કે તેમને ક્યાંય ગેરમાર્ગે ન દોરીએ. હાથમાં છે વ્હિસ્કી…માં અમે તેની લાગણીને સ્પર્શવાનો પ્રયત્ન કર્યો છે. છતાં તેમાં આત્મહત્યા, દારૃની લત, બ્લેડ મારીને રોષ વ્યક્ત કરતો બતાવતા નથી. મારું ટાર્ગેટ ઓડિયન્સ સામાન્ય યુવાનો છે અને તેમાં ગામડાનો યુવાન એકદમ ફિટ બેસે છે.’

હાલ ટ્રેન્ડ કરી રહેલાં તમામ ગીતોમાં તેનું ધમાકેદાર સંગીત બહુ અગત્યનું છે. સંગીત તો આ પહેલાંનાં અનેક ગીતોમાં પણ સારું એવું હિટ હતું. તો પછી આ ગીતોમાં એવું અલગ શું છે? ટોપટેન ગીતોના એકમાત્ર સંગીતકાર મયૂર નાડિયા આ બાબતે ખુલાસો કરતાં કહે છે, ‘અમારાં ગીતો ચાલ્યાં તેની પાછળ સૌથી મોટું કારણ અમારી ટીમ છે. યોગ્ય લાયકાત અને આવડત ધરાવતા લોકો એકસાથે આવ્યાં તેનું આ પરિણામ છે. રહી વાત મારા સંગીતની તો મેં એ વાતનું ખાસ ધ્યાન રાખ્યું છે કે મારું સંગીત વાગતાંની સાથે જ સાંભળનારના મનમાં એક ઉત્સાહનો સંચાર કરે. બીમાર માણસ પણ એ સાંભળીને થિરકવા મજબૂર થાય એવા સંગીતનો હું આગ્રહ રાખતો હોઉં છું. જેનો મેં મારાં ગીતોમાં ભરપૂર ઉપયોગ કર્યો છે. એટલે જ તમે જોઈ શકો છો કે ગીત ભલે કરુણ હોય, છતાં તે આગળ જતાં એક ચોક્કસ ડાન્સ રિધમ પર આવી જશે. આ જાણીજોઈને કરાયેલો ફેરફાર છે જે કામ કરી ગયો છે.’

કવરસ્ટોરીની વધુ વાંચવા ‘અભિયાન’ સબસ્ક્રાઇબ કરો.

—————-.

Leave A Reply

Your email address will not be published.

Translate »