તમારા માટે, તમારી સાથે, સતત…

અલગ મુંબઈ રાજ્યનું શું થયું?

આઝાદી પછી ભાષા પ્રમાણે રાજ્યો બનાવવાની પૉલિસી નક્કી થઈ

0 778

કવર સ્ટોરી – હિંમત કાતરિયા

૧લી મે, ૧૯૬૦ના રોજ બોમ્બે રિઓર્ગેનાઈઝેશન એક્ટ, ૧૯૬૦ હેઠળ દ્વિભાષી મુંબઈ રાજ્યના બે ભાગલા મહારાષ્ટ્ર અને ગુજરાત તરીકે કરવામાં આવ્યા. એ દિવસ ગુજરાતનો સ્થાપના દિવસ, એને આપણે ગુજરાત ગૌરવ દિવસ તરીકે પણ ઊજવીએ છીએ. આ દિવસે સમાચાર માધ્યમોમાં છવાયેલા રહેતા મહાગુજરાત આંદોલન અને એના લડવૈયાઓ વચ્ચે ગુજરાતનું હતું તે મુંબઈ શહેર મહારાષ્ટ્રમાં કેમ ભળી ગયું? એ પ્રશ્નનો જવાબ શોધવાની કોઈ તસ્દી લેતું નથી. કાવાદાવાથી ભરેલી એ મુંબઈને મહારાષ્ટ્રમાં ભેળવવાના કથામાં અને ગુજરાતના નેતાઓ માટીપગા સિદ્ધ થયા હતા. એ પ્રતિબંધિત દસ્તાવેજો મેળવ્યા, તેનો અન્ય સંદર્ભો સાથે અભ્યાસ કર્યો અને આખરમાં ગુજરાતે મુંબઈ ગુમાવ્યું તેની સનસનીખેજ હકીકતો આ કવર સ્ટોરીમાં પ્રસ્તુત છે. એમ પણ બને કે આ સ્ટોરી વાંચ્યા બાદ તમારો ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીનો ઉન્માદ શમી જાય.

ભાષાના આધારે મુંબઈમાંથી બે રાજ્યો મરાઠીભાષી મહારાષ્ટ્ર અને ગુજરાતીભાષી ગુજરાત બનાવવામાં મુખ્ય સમસ્યા મુંબઈ શહેરની હતી. જો આ સમસ્યા ન્યાયી રીતે ઉકેલાઈ હોત તો મુંબઈ મહારાષ્ટ્રની નહીં પરંતુ ગુજરાતની રાજધાની હોત. ભાષાથી લઈને મુંબઈને વિકસાવવામાં મરાઠી કરતાં ગુજરાતીઓનું પ્રમાણ વધુ હતું.

મુંબઈના અસ્તિત્વનું વિહંગાવલોકન કરીએ તો વિકાસ થયો તે પહેલાંનું મુંબઈ નાના-નાના ટાપુઓનું બનેલું હતું અને ત્યાં સૌરાષ્ટ્રના માછીમારો રહેતા હતા. મુંબઈની સ્થાપક માતા મુંબાદેવી તે સૌરાષ્ટ્રમાં પૂજાતી મોમાઈ માતા છે. મોમાઈ માતા મહારાષ્ટ્રમાં ક્યાંય નથી પૂજાતી. સલ્તનત કાળ સુધી મુંબઈ ગુજરાતમાં હતું, ત્યાં સિદ્ધરાજ જયસિંહનું શાસન હતું. ૧૫૩૪ના અરસામાં મુંબઈ પોર્ટુગીઝને આપ્યું. ૧૭૬૦માં પોર્ટુગીઝ સરકારે બ્રિટનના ચાર્લ્જ બીજાને લગ્નમાં દહેજરૃપે મુંબઈ આપ્યું. ચાર્લ્જ બીજાએ મુંબઈ ઇસ્ટ ઇન્ડિયા કંપનીને આપ્યું. ઇસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા મુંબઈને વિકસાવવા માટે ગુજરાતમાંથી, ખાસ કરીને સૌરાષ્ટ્રમાંથી મોટાપાયે મેમણ, ભાટિયા, લુહાણા, પારસી જેવી બિઝનેસ કોમ્યુનિટીને વસાવવામાં આવી. મુંબઈમાં ઉદ્યોગો સ્થપાયા એ પછી રેલવે નંખાઈ. કાપડ મિલો અને બાંધકામ ઉદ્યોગને ચલાવવા મોટાપાયે મજૂરોની જરૃર પડી. મજૂર તરીકે મોટી સંખ્યામાં મરાઠી કામદારોને મુંબઈમાં વસાવવામાં આવ્યા. કેમ કે ગુજરાતીઓ મજૂરી કામ નહોતા કરતા. ઉદ્યોગો સ્થપાયા ત્યાં સુધી મુંબઈમાં મરાઠીઓની વસ્તી નહિવત્ હતી. એ અર્થમાં મુંબઈ ઉપર ગુજરાતનો અધિકાર સિદ્ધ થતો હતો. આંકડો જોઈએ તો પણ ૧૯૪૮માં પણ મુંબઈમાં મરાઠીઓની વસ્તી ૪૨ ટકા જેટલી જ હતી. ભાષાકીય રાજ્યરચનાના ધોરણે પણ મુંબઈ મહારાષ્ટ્રનું છે અને ગુજરાતનું નથી એવું સાબિત થતું નહોતું. ૧૯૫૬ સુધીમાં મરાઠી વસ્તીનું મુંબઈમાં સ્થળાંતરણ થયું તે પછી પણ તેના ઉપર મહારાષ્ટ્રનો દાવો મજબૂત નહોતો બનતો. પરિણામે એવી પૉલિસી બનાવી કે એકલું મહારાષ્ટ્ર રાજ્યની માગણી કરવામાં આવે તો તેની રાજધાની પુના બને તેમ હતી. જૂના સમયમાં પણ સતારા પછીની તેમની રાજધાની પુના જ હતી.

આઝાદી પછી ભાષા પ્રમાણે રાજ્યો બનાવવાની પૉલિસી નક્કી થઈ હતી. ત્યારે મરાઠી નેતાએ સંયુક્ત મહારાષ્ટ્રનું આંદોલન શરૃ કર્યું. જેમાં મધ્યપ્રદેશમાં આવતો વિદર્ભ અને હૈદરાબાદમાં આવતો મરાઠાવાડને મરાઠીભાષી ગણાવીને મહારાષ્ટ્ર રાજ્ય બનાવવાની માગ ઊઠી અને તે વખતે મહારાષ્ટ્રની રાજધાની બનાવવા માટે મુંબઈની માગણી શરૃ થઈ. સામે ગુજરાતીઓની રજૂઆત હતી કે મુંબઈ ઉપર જેટલો હક્ક મરાઠીઓનો છે એ કરતાં વધુ ગુજરાતીઓનો છે. મુંબઈને ગુજરાતીભાષી ગણાવવાની ઝુંબેશ ચલાવનારામાં અગ્રીમ પંક્તિમાં હતા આપણા લોકલાડીલા સાહિત્યકાર અને કુશળ રાજનીતિજ્ઞ કનૈયાલાલ મુન્શી. મુંબઈ પરનું સૌથી અધિકૃત તેમનું પુસ્તક ‘લિંગ્વિસ્ટિક પ્રોવિન્સ એન્ડ ફ્યૂચર ઓફ બોમ્બે’ દુર્લભ અને અપ્રાપ્ય છે. તેમના આ પુસ્તકમાં નકશામાં થાણે સુધીનો મુંબઈનો વિસ્તાર ગુજરાતીભાષીઓના બહુમતવાળો ગણાવ્યો છે.

Related Posts
1 of 262

કેમ કે છેક ત્યાં સુધી મુંબઈના બધા જ મેયર ગુજરાતી હતા. સરદાર પટેલ અમદાવાદના મેયર બન્યા તેના મહિના બાદ વિઠ્ઠલભાઈ મુંબઈના મેયર બન્યા હતા. દાદાભાઈ નવરોજીથી માંડીને વિઠ્ઠલભાઈના પુત્ર ડાહ્યાભાઈ સુધીના મુંબઈના બધા મેયરો ગુજરાતી, બધી સખાવતો, સંસ્થાઓ ગુજરાતની. મુંબઈની કોંગ્રેસ સમિતિના વડાઓ ગુજરાતીઓ જ રહ્યા છે. આજે પણ તળ મુંબઈ એટલે કે દક્ષિણ મુંબઈ જુઓ તો મોટાભાગની જમીન ગુજરાતીઓની માલિકીની છે. પછી મરાઠી વસ્તી વસતી ગઈ તેમ મુંબઈમાં પરાઓ વધતા ગયા. આજની તારીખે પણ તળ મુંબઈ ગણાતા દક્ષિણ મુંબઈની દાદર સિવાયનો ૯૦ ટકા જેટલી જમીન ગુજરાતીઓની માલિકીની છે. મુસ્લિમ વિસ્તારોમાં પણ ગુજરાતના જ કચ્છી મેમણ, ખોજા અને વ્હોરા છે. મુંબઈ શહેરને અને મરાઠી કલ્ચરને કોઈ સંબંધ નહોતો. મુંબઈ શહેર તો સીધેસીધું ગુજરાતીઓએ જ વસાવ્યંુ, વિકસાવ્યું હતું. મુંબઈમાં ઇન્ડસ્ટ્રીઝ ન નંખાઈ હોત તો મરાઠીઓની સંખ્યા હોત જ નહીં. કેમ કે તેઓ સહ્યાદ્રિ ઓળંગીને આ બાજુ આવતા જ નહોતા. કેમ કે એ કોંકણનો ભાગ હતો. ત્યાં મરાઠી નહીં, કોંકણી ભાષા બોલાતી હતી. ચાલુક્ય અને કોંકણ એક જ હતા.

તે વખતે મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી મોરારજી દેસાઈ હતા. મોરારજીભાઈ અને ગુજરાત કોંગ્રેસના નેતાઓનો મત હતો કે મુંબઈ મહારાષ્ટ્રમાં ન જવું જોઈએ. મોરારજીભાઈનો સ્પષ્ટ મત હતો કે મુંબઈ સહિતનું ગુજરાત રાજ્ય મળે તો જ આપણને ગુજરાત ખપે, નહિતર નહીં. દરમિયાન કેન્દ્રીય કોંગ્રેસ કારોબારીએ જાહેર કર્યું કે કોઈ કોંગ્રેસ એકમોએ પક્ષની વિરુદ્ધમાં ન જવું. આ આદેશને પગલે ગુજરાતી નેતાઓ ચુપ થઈ ગયા. જ્યારે મરાઠી નેતાઓએ સંયુક્ત મહારાષ્ટ્રની માગ ચાલુ રાખી અને તેના સમર્થનમાં મંત્રી પદેથી રાજીનામા પણ આપ્યા. કેન્દ્રીય મંત્રી સી.ડી. દેશમુખે મહારાષ્ટ્રની તરફેણમાં રાજીનામું આપ્યું. નહેરુ ઉપર પણ મુંબઈમાં પથ્થરમારો કર્યો હતો અને મુંબઈમાં નહેરુની સભા પણ નહોતી થવા દીધી. ગુજરાતના કોઈ કોંગ્રેસી નેતા પાર્ટીની વિરુદ્ધમાં ન ગયા અને બોલ્યા પણ નહીં. મુંબઈમાં ગુજરાતીઓ વિરુદ્ધ રમખાણો થયાં જેમાં ગુજરાતીઓની માલમિલકતને મોટાપાયે નુકસાન થયું. મુંબઈમાં થયેલાં તોફાનોમાં ૭૧ જણાનાં મોત થયાં. નાસિકમાં ઘણા ગુજરાતીઓની દુકાનો બાળી નાખી. ગુજરાતની ત્રણ સ્ત્રીઓને નગ્ન કરીને રસ્તા ઉપર દોડાવવાનો ઘૃણાસ્પદ કિસ્સો રેકોર્ડમાં છે. ઘણા ગુજરાતી પરિવારોએ સ્થળાંતર કર્યું હતું એની તસવીરો પણ છાપાંઓમાં છપાઈ હતી.

મોરારજી દેસાઈ તે વખતે મુખ્યમંત્રી હતા. તેમણે કડક હાથે તોફાનો દબાવી દીધા તો તેમની સામે તપાસપંચ નિમાયંુ હતું. ત્યાર બાદ ૧૯૫૬માં બંનેનું સંયુક્ત રાજ્ય મુંબઈ બન્યું એ તત્પૂરતંુ સમાધાન હતું, કાયમી સમાધાન નહોતું. તે પછી પણ સંયુક્ત મહારાષ્ટ્રની ઝુંબેશ ચાલુ રહી, તોફાનો પણ ચાલુ જ રહ્યાં. અંતે એવી ફોર્મ્યુલા પર મોરારજીભાઈ અને કોંગ્રેસીઓ સંમત થયા કે મહારાષ્ટ્ર અને ગુજરાત બંને અલગ રાજ્યો બને પણ મુંબઈ કોઈની માલિકીનું નહીં. મુંબઈને થાણે સુધીના વિસ્તાર સાથે સિટી સ્ટેટ ડિક્લેર કરવામાં આવે. આ ફોર્મ્યુલા ઉપર પાર્લામેન્ટમાં ચર્ચા થઈ. ઠરાવ પણ થઈ ગયો. અહીં સુધી ગુજરાતી નેતાઓ એમ માનીને સંતોષ માનતા હતા કે મુંબઈ અલગ રાજ્ય બનશે તો ગુજરાતનો તેના ઉપર સંપૂર્ણ અધિકાર નહીં રહે તો પણ સાવ અધિકાર નહીં જાય અને મરાઠીઓની દાદાગીરી અને મારફાડમાંથી મુક્તિ મળશે.

સંશોધક અને રિટાયર્ડ આર્કાઇવ્ઝ ડૉ. દિનેશભાઈ ભટ્ટ કહે છે, ‘કમભાગ્યે દરમિયાન, જુદંુ જ રાજકારણ રમાઈ ગયું. અહીં મહાગુજરાતની ચળવળ ચાલુ થઈ. આમ જુઓ તો મહાગુજરાત ચળવળની અહીં કોઈ આવશ્યકતા જ નહોતી. સંયુક્ત મહારાષ્ટ્રનું હિંસક આંદોલન મોટાપાયા પર ચાલતું હતું એટલે મહારાષ્ટ્ર અલગ બનતા ગુજરાત આપોઆપ અલગ રાજ્ય બની જવાનું હતું અને તે ઓલરેડી સ્વીકારી લેવામાં આવ્યું હતું. એ અંગેના બધા ઠરાવો મારી પાસે છે. સવાલ માત્ર મુંબઈનો હતો. આવશ્યકતા હતી મુંબઈ માટે લડવાની.’ ‘સમયને સથવારે’ પુસ્તકમાં કુંદનલાલ ધોળકિયા લખે છે, ‘મુંબઈ રાજ્ય આમ સાડાત્રણ વર્ષ ભોગવવાનું હતું તો શા માટે આવું બધું સીદી ભાઈના ડાબા કાન જેવું થયું? ૧૯૫૬માં મહાગુજરાત અને મહારાષ્ટ્રની માગણી થઈ ત્યારે જ તે સ્વીકારાઈ. ગુજરાત અને મહારાષ્ટ્ર રચાયા હોત તો કેટલો બધો રક્તપાત અટકાવી શકાયો હોત.’……..

 કવરસ્ટોરી  આગળ વાંચવા તેમજ  ગુજરાત 1960માં મુંબઇ રાજ્યથી અલગ થયું તેની દસ્તાવેજી નોંધ અને મુંબઇ ગુજરાતમાં કેમ ના સમાવાયું તેનો રોચક ઇતિહાસ  વાંચવા  અભિયાન સબસ્ક્રાઇબ કરો.

—————–.

Leave A Reply

Your email address will not be published.

Translate »