તમારા માટે, તમારી સાથે, સતત…

સૌરાષ્ટ્ર સરકારના પહેલા મુખ્યપ્રધાન ઢેબરભાઈ ભાડાના મકાનમાં રહેતા હતા

સૌરાષ્ટ્ર સરકારની રચના વખતનો સમય અલગ હતો

0 985

અતીત – દેવેન્દ્ર જાની

આજે કોઈ મુખ્યમંત્રી કે મંત્રી બને તો સોૈથી પહેલા મોંઘી ગાડીઓ, આલીશાન બંગલો –  ઓફિસની સોૈ પહેલા માગણી કરે છે. આવા રાજાશાહી ઠાઠમાં રહેવા માગતા પ્રજાના સેવકો માટે સોૈરાષ્ટ્ર સરકારના પહેલા મુખ્યપ્રધાન બનેલા ઢેબરભાઈએ સાદાઈની એક મિસાલ પૂરી પાડી હતી. ગુજરાતના સ્થાપના દિવસે આવો જોઈએ ઢેબરભાઈની કેવી હતી જીવનશૈલી?

આજે કોઈ મુખ્યપ્રધાનને મળવું હોય તો લાંબી સરકારી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. ગામડાનો સીધો સાદો માણસ તો આ પ્રક્રિયા જાણતો પણ હોતો નથી. એટલું જ નહીં, મુખ્યપ્રધાનનો કાફલો પસાર થાય તો રસ્તાઓ બંધ કરી દેવામાં આવે છે. કોઈ જાહેર સમારંભોમાં સામાન્ય માણસ નેતાઓને મળવાની કોશિશ કરે તો સુરક્ષા જવાનો ધક્કા મારીને કાઢી મુકે છે. ગુજરાતના પ૮મા સ્થાપના દિવસના અવસરે રાજ્યના રાજકીય ઇતિહાસ પર એક નજર કરીએ તો એવા મુખ્યપ્રધાનો પણ મળ્યા છે કે જે ખરા અર્થમાં કોમનમેન હતા. તેમની સાદગી અને જીવનશૈલી જ આમ આદમીને પ્રભાવિત કરતી હતી. સૌરાષ્ટ્ર સરકાર રચાઈ ત્યારે પહેલા મુખ્યપ્રધાન બનેલા યુ.એન. ઢેબરનું સાદું જીવન અને સરળ વ્યક્તિત્વ હતું. સૌરાષ્ટ્ર સરકારના પહેલા મુખ્યપ્રધાન અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા તો પણ તેમની જીવનશૈલીમાં કોઈ બદલાવ આવ્યો ન હતો.

ઢેબરભાઈ અને તેમના જીવન વિશે જાણતા પહેલા એક નજર સૌરાષ્ટ્ર સરકારની રચના થઈ તેના પર કરીએ તો જામનગર, ભાવનગર, ગોંડલ, રાજકોટ, ધ્રાંગધ્રા, પાલિતાણા જેવાં મોટાં રજવાડાંઓનું વિલીનીકરણ કરી સંયુક્ત સૌરાષ્ટ્ર સંઘની રચના કરવામાં આવી હતી. શરૃઆતમાં યુનાઇટેડ સ્ટેટસ ઓફ કાઠિયાવાડ એવા નામે પણ આ સંઘ ઓળખાયો હતો. સૌરાષ્ટ્રમાં નાનાં-મોટાં રરર જેટલાં રજવાડાંઓ હતાં. રાજવીઓની સંમતિ બાદ એકીકરણનું કાર્ય આગળ વધ્યું અને તા.૧પ ફેબ્રુઆરી ૧૯૪૮ના દિવસે સૌરાષ્ટ્ર સરકારની રચના કરવામાં આવી હતી અને જાન્યુઆરી ૧૯પ૬ સુધી સૌરાષ્ટ્રની અલગ સરકારનું અસ્તિત્વ રહ્યું હતું. રાજધાની રાજકોટ હતી. સૌરાષ્ટ્ર સરકારના કાર્યકાળમાં બે મુખ્યપ્રધાનો રહ્યા હતા. યુ.એન. ઢેબર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ રસિકલાલ પરીખ મુખ્યપ્રધાન બન્યા હતા. એ વખતે ગવર્નર જેવો હોદ્દો ન હતો, પણ સૌરાષ્ટ્ર સરકારની રચના વખતે સરદાર વલ્લભભાઈ પટેલની હાજરીમાં જામનગરના રાજવી દિગ્વિજયસિંહને સૌરાષ્ટ્ર સંઘના રાજપ્રમુખ જાહેર કરવામાં આવ્યા હતા. સરદારની હાજરીમાં પ્રધાનોએ શપથ લીધા હતા. પ્રધાનોની પસંદગીમાં એ વખતે જ્ઞાતિ કે જિલ્લાનું પ્રતિનિધિત્વ એવું જોવાતું નહીં. માત્ર સાત સભ્યોનું સૌરાષ્ટ્ર સરકારનું પહેલું પ્રધાનમંડળ હતું.

Related Posts
1 of 262

વાત કરીએ સૌરાષ્ટ્ર સરકારના પ્રથમ મુખ્યપ્રધાનની તો ઉછંગરાય નવલશંકર ઢેબરનો જન્મ તા. ર૧મી સપ્ટેમ્બર, ૧૯૦પના રોજ જામનગર જિલ્લાના અલિયાબાડા પાસે આવેલા નાના એવા ગંગાજળા ગામમાં થયો હતો. નાગર જ્ઞાતિના ઢેબરભાઈનો જન્મ મોસાળમાં થયો હતો. તેમની માતાનું નામ ઉજમબહેન હતંુ. તેમને એક મોટા ભાઈ મહાસુખભાઈ અને નાનાભાઈ ગુણવંતભાઈ અને ચાર બહેનો હતી. ઢેબરભાઈનાં પત્નીનું નામ મંદાકિનીબહેન હતું. પુત્ર પ્રફુલ્લભાઈ નાના હતા ત્યારે જ તેમની માતાનું અવસાન થયું હતું. પ્રફુલ્લભાઈ મુંબઈમાં ઢેબરભાઈના મોટાભાઈની સાથે રહેતા હતા. ઢેબરભાઈ બાહોશ વકીલ હતા તેેઓ વકીલાતનો વ્યવસાય છોડીને જાહેરજીવનમાં આવ્યા હતા.

ઢેબરભાઈ સાથે જેમને રાજકોટ અને દિલ્હીમાં કામ કરવાની તક મળી હતી અને ‘સૌરાષ્ટ્રના ઘડવૈયા – ઢેબરભાઈ’ નામનું પુસ્તક લખનાર પીઢ ગાંધીવાદી અગ્રણી દેવેન્દ્રભાઈ દેસાઈ ‘અભિયાન’ સાથેની મુલાકાતમાં સ્મૃતિઓમાં સરી પડતા કહે છે, ‘અત્યારના નેતાઓને શાહી ઠાઠમાઠ જોઈએ છે, પણ સૌરાષ્ટ્ર સરકારની રચના વખતનો સમય અલગ હતો. સૌરાષ્ટ્ર સરકારના પ્રથમ મુખ્યપ્રધાન બન્યા બાદ ઢેબરભાઈએ સાદાઈની મિસાલ પૂરી પાડવાની કોશિશ કરી હતી. ઢેબરભાઈએ રાજકોટના મજૂરોના રહેણાકવાળા એવા વિસ્તારમાં આવેલા એક દેશી નળિયાવાળા બેઠાઘાટના ડૉ. નરસીભાઈ મહેતાના સેનેટોરિયમ તરીકે ઓળખાતા સાદા મકાનમાં રહેવાનું પસંદ કર્યું હતંુ. વીસેક રૃપિયાના ભાડાનું એક મકાન હતું. અત્યારે કોઈને કહીએ તો નવાઈ લાગે, પણ એ મકાનમાં પંખા પણ ન હતા. કોઈ રાચરચીલંુ ન હતું. એટેચ બાથરૃમ કે ટોઇલેટ પણ ન હતા. ચાર ભીંતડા અને ઉપર દેશી નળિયાનું આ સાવ સાદા મકાનમાં બે નાના કમરા હતા.’

વધુ રોચક વિગતો વાંચવા ‘અભિયાન’ સબસ્ક્રાઇબ કરો.

——————–.

Leave A Reply

Your email address will not be published.

Translate »