તમારા માટે, તમારી સાથે, સતત…

ગુજરાતનો સુરતી ગોલ્ડન બોય હરમીત દેસાઈ

હરમીતની ટેબલ ટેનિસમાં સુવર્ણ ચંદ્રક જીતવાની સાધનાની શરૃઆત તો વીસ વર્ષ અગાઉથી શરૃ થઈ ચૂકી હતી.

0 250

સ્પોર્ટ્સ – ‘અભિયાન’ ડેસ્ક

ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટ ખાતે રમાયેલ રાષ્ટ્રમંડળ ખેલોત્સવ ઘણા ખરા અંશે ભારતીયો માટે ગૌરવવંતો અને આનંદ આપનારો રહ્યો. કોમનવેલ્થ ગેમ્સમાં જેટલાં પણ ભારતીય ખેલાડીઓ ચંદ્રક જીતવામાં સફળ રહ્યાં છે તેમાં એક છોગું ગુજરાતનું પણ છે. યેસ, ચંદ્રકો જીતનારા ખેલાડીઓની યાદીમાં ગુજરાતના ટેબલટેનિસ ખેલાડી હરમીત દેસાઈનું નામ પણ સામેલ છે. હરમીતે ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટમાં સુવર્ણચંદ્રક જીતીને ભારતને ગૌરવ અપાવ્યું છે અને આ જીતની સાથે જ તે લાઇમલાઇટમાં આવી ગયો છે અને કેટલાંય ટેબલ ટેનિસ ખેલાડીઓ માટે આઇકોન પણ બની ગયો છે. સુરત લોચા, તાપી, ડુમસ, ડાયમન્ડ અને ટેક્સટાઇલ માટે જાણીતું હતું, પરંતુ હવે આ યાદીમાં લેટેસ્ટ નામ ઉમેરાયું છે હરમીત દેસાઈનું.

હરમીતની ટેબલ ટેનિસમાં સુવર્ણ ચંદ્રક જીતવાની સાધનાની શરૃઆત તો વીસ વર્ષ અગાઉથી શરૃ થઈ ચૂકી હતી. હરમીત છ વર્ષનો હતો ત્યારથી તે ટેબલ ટેનિસ રમતો આવ્યો છે. જોકે, હરમીત અનાયાસે જ ટેબલ ટેનિસના ક્ષેત્રમાં આવી ગયો છે એવું તેનાં માતા-પિતાનું કહેવું છે. હરમીતના પિતા રાજુલભાઈ હરમીતના મોટાભાઈ હૃદય માટે ટેબલ લાવ્યા હતા અને ભાઈને ટેબલ ટેનિસ રમતો જોઈને હરમીતના મનમાં પણ ટેબલ ટેનિસ રમવાની ધૂન સવાર થઈ ગઈ. મહત્ત્વની વાત એ છે કે હરમીતનાં માતા-પિતાએ પોતાના દીકરા હરમીતના ટેબલ ટેનિસ માટેના પ્રેમ કે ઝનૂન તરફ અકળાવવાને બદલે, એ ક્ષેત્રમાં આગળ વધવા પ્રોત્સાહન પૂરું પાડ્યું અને નાવ, રેસ્ટ ઇઝ ધ હિસ્ટ્રી.

Related Posts
1 of 142

છ વર્ષની ઉંમરે સુરત સિટી જિમખાનામાં ક્લબ લેવલે ટેબલ ટેનિસ રમવાની શરૃઆત કરનાર હરમીતે ખૂબ નાની ઉંમરે વિવિધ સ્પર્ધાઓમાં જીત મેળવાની શરૃઆત કરી હતી. ચોવીસ વર્ષીય હરમીતના ટેબલ ટેનિસ માટેના પ્રેમને પ્રોત્સાહન આપવા માટે તેની માતા અર્ચના દેસાઈ અનેે પિતા રાજુલ દેસાઈએ તેમજ તેના મોટાભાઈ અને કોચ એવા હૃદય દેસાઈનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે. વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવાને કારણે હરમીત રોજ શાળાએ નહોતો જઈ શકતો. પરિણામે શાળામાં તેની હાજરી ખૂટતી. જો બીજા કોઈ માતા-પિતા હોય તો એમ વિચારે કે ભણતરના ભોગે બાળકને રમતગમતના ક્ષેત્રમાં ન મોકલી શકાય. જોકે, હરમીતનાં માતા-પિતા આ વિષયમાં જરા જુદી વિચારસરણી ધરાવે છે. તેઓ કહે છે, ‘હરમીતના પિતાએ શાળાની હાજરીની પરવા કર્યા વિના ટીટી(ટેબલ ટેનિસ)માં આગળ વધવામાં મદદ કરી અને આ માટે બારમા ધોરણ સુધીમાં તો હરમીતે દસ જેટલી શાળાઓ બદલવી પડી- કારણ, શાળામાં ખૂટતી હાજરી.

હરમીતના ટેેબલ ટેનિસ માટેના પ્રેમનું ઉદાહરણ આપતાં તેની માતા અર્ચના કહે છે કે તેઓ એક વાર દાર્જિલિંગ ફરવા ગયા હતા. ત્યાં તેમના ધ્યાનમાં આવ્યું કે દાર્જિંલિંગમાં ટેબલ ટેનિસનું કોચિંગ સેન્ટર છે. બસ, હરમીત તો ત્યાં ટેબલ ટેનિસ રમવા માટે જામી પડ્યો અને અન્ય સ્થળોએ ફરવાના બદલે તેમણે દસ દિવસ દાર્જિલિંગમાં જ પસાર કર્યા. આ પ્રસંગ યાદ કરતાં અર્ચનાબહેન કહે છે, ‘હરમીતની દાર્જિલિંગની રમત જોઈને જ તેનું નેશનલ ટીમમાં સિલેક્શન થયું હતું એટલે એવું લાગ્યું કે દાર્જિલિંગનો પ્રવાસ ફળ્યો.સ્વાભાવિક રીતે હરમીત ગુજરાતનો ફૂટડો યુવાન ખેલાડી છેે ત્યારે એવો વિચાર આવે કે તેને પણ અન્ય યુવાનોની જેમ કોઈ મનગમતા પાત્ર સાથે રોમાન્સ કરવાનું મન થતું હશે કે નહીં. શરમાળ પ્રકૃતિના હરમીત માટે આ જવાબ આપવો સરળ છે. શાહરુખ ખાન અને આલિયા ભટ્ટના પ્રશંસક એવા હરમીતનું સ્વપ્ન છે વર્ષ ૨૦૨૦માં ટોકિયોમાં આયોજન પામનારી ઑલિમ્પિક સ્પર્ધામાં ભારતની ટીમમાં સ્થાન મેળવવું અને ચંદ્રક જીતવો તેમજ દેશ માટે ચંદ્રક જીતીને અર્જુન ઍવૉર્ડ મેળવવો અને તેથી જ તે કહે છે કે તેની પાસે રોમાન્સ કરવાનો સમય નથી કે તેને એવા કોઈ સ્વપ્ન પણ નથી આવતા. તે માત્ર ટેબલ ટેનિસના ક્ષેત્રમાં સારામાં સારું પરફોર્મ કરીને દેશ અને ગુજરાતને ગૌરવ અપાવવા ઇચ્છે છે. આપણે આશા રાખીએ કે ગુજરાતનો આ હોનહાર ખેલાડી તેનું લક્ષ્ય પાર પાડવામાં સફળતા મેળવે અને દેશ-દુનિયામાં પોતાના માતા-પિતાની સાથે ગુજરાતનું નામ પણ રોશન કરે.

——————————-.

Leave A Reply

Your email address will not be published.

Translate »