તમારા માટે, તમારી સાથે, સતત…

ડેઈઝી ઈરાની છ વર્ષની વયે  બળાત્કારનો ભોગ બની હતી

એક રાત્રે તે મારી હોટલના રૃમમાં આવ્યો

0 379

ગરિમા રાવ

આજકાલ દેશભરમાં તદ્દન નાની માસૂમ બાળકીઓ બળાત્કારનો ભોગ બની રહી હોવાના સમાચાર લગભગ રોજિંદા થઈ ગયા છે. સરકાર ઉપરાંત સમાજશાસ્ત્રીઓ માટે પણ આ ચિંતાનો વિષય છે. સમાજમાં વધતા જતા આવા બનાવો માટેનું એક કારણ પોર્નોગ્રાફીની સરળ ઉપલબ્ધિનું માનવામાં આવે છે. પોર્નોગ્રાફીની લતે ચઢી ગયેલ વ્યક્તિ ઉત્તેજના અનુભવ્યા પછી આસાન શિકારની શોધમાં માસૂમ બાળકીઓને લલચાવી તેનો ભોગ લે છે. આ તર્કમાં તથ્ય હોય તો પણ માત્ર આ એક જ કારણ વધતી જતી ઘટનાઓ માટે જવાબદાર ન હોઈ શકે. કેમ કે જ્યારે પોર્નોગ્રાફી દેશમાં ઉપલબ્ધ ન હતી એવા સમયે પણ આવી ઘટના બનતી તો હતી. એ વખતના સામાજિક માહોલમાં એવા બનાવો અત્યંત અલ્પ સંખ્યામાં હોય અને ભાગ્યે જ જાહેર થતા હોય એ શક્ય છે. પચાસના દાયકાના ખ્યાતનામ બાળ કલાકાર રહી ચૂકેલી અભિનેત્રી ડેઈઝી ઈરાનીએ તાજેતરમાં એવો સ્ફોટક એકરાર કર્યો છે કે તેની છ વર્ષની વયે એક ફિલ્મના શૂટિંગ દરમિયાન તે બળાત્કારનો ભોગ બની હતી. આજે વર્ષો પછી તેમણે તેમના જીવનના એ દુઃસ્વપ્નને દુનિયા સમક્ષ જાહેર કરવાનો હિંમતભર્યો નિર્ણય કર્યો માત્ર એટલા માટે કે ફિલ્મ, ટીવી અને ટૅલેન્ટ શૉમાં મોટી સંખ્યામાં કામ કરતાં બાળકો આવી ઘટનાનો ભોગ ન બને.

એક જમાનામાં બાળ કળાકાર તરીકે ડેઈઝી ઈરાનીનો સિતારો બુલંદ હતો. મોટી આંખો અને ભરાવદાર વાંકડિયા વાળ સાથેનો હસતો માસૂમ ચહેરો ફિલ્મોમાં સૌને આકર્ષિત કરતો. ફિલ્મી દુનિયામાં તેણે લગભગ સાઠ વર્ષો પસાર કર્યાં છે. એ દરમિયાન નયા દૌર, જાગતે રહો, ધૂલ કા ફૂલ જેવી શાનદાર ફિલ્મોમાં બાળ કલાકાર તરીકેની ભૂમિકા ભજવી હતી. આ ડેઈઝી ઈરાનીએ તાજેતરમાં એવો ઘટસ્ફોટ કર્યો છે કે તે જ્યારે માત્ર છ વર્ષની હતી ત્યારે તેની પર બળાત્કાર થયો હતો. એ કહે છે કે,  ‘જે વ્યક્તિએ મારી સાથે આવું (દુષ્કર્મ) કર્યું એ મારો ગાર્ડિયન એટલે કે સંરક્ષક રહેતો હતો. મદ્રાસમાં ફિલ્મ ‘હમ પંછી એક ડાલ કે..’ના શૂટિંગ દરમિયાન એ મારી સાથે હતો. એક રાત્રે તે મારી હોટલના રૃમમાં આવ્યો અને મારા પર બળજબરી કરી. બૅલ્ટથી મને મારી અને ધમકી આપી કે જે કાંઈ થયું છે એ વિશે જો હું કોઈને કહીશ તો એ મને મારી નાંખશે.’

ફરહાન અખ્તર અને જોયા અખ્તરની માસી ડેઈઝી ઈરાનીએ આટલાં વર્ષો પછી પોતાની વેદનાને યાદ કરતાં કહ્યું હતું કે, ‘એ વ્યક્તિ હવે મૃત્યુ પામ્યો છે. તેનું નામ નજર હતું. ખ્યાતનામ ગાયિકા જોહરાબાઈ અંબાલેવાલીનો એ સંબંધી હતો. એટલે સ્પષ્ટ છે કે ફિલ્મ ઉદ્યોગમાં પણ તેના સંપર્કો હતા. મારી મા મને કોઈ પણ સંજોગોમાં સ્ટાર બનાવવા ઇચ્છતી હતી. મેં મરાઠી ફિલ્મ ‘બેબી’થી શરૃઆત કરી. ‘હમ પંછી એક ડાલ કે’ના શૂટિંગ દરમિયાન અંકલ નજર મારી સાથે મદ્રાસ આવ્યા હતા. મને એ ઘટનાની ઝાંખી સ્મૃતિ છે, પરંતુ એ ભયાનક વેદના અને બૅલ્ટનો માર આજે પણ સારી રીતે યાદ છે. બીજા દિવસે સવારે હું જાણે કાંઈ જ બન્યું ન હોય એ રીતે સ્ટુડિયો પહોંચી હતી. વર્ષો સુધી હું મારી માને આ વાત કહેવાની હિંમત કરી શકી નહીં. પછીથી મારી માને એ વાતની ખબર પડી, પરંતુ કશું કરી શકાય તેમ ન હતું.’

Related Posts
1 of 142

ડેઈઝી ઈરાનીને બે બહેનો હની (ફરહાન અને જોયા અખ્તરની માતા) અને મેનકા (ફરાહ અને સાજિદની ખાનની માતા) છે અને તેઓએ પણ ફિલ્મી દુનિયામાં પદાર્પણ કર્યું હતું. તેમના પ્રત્યે ડેઈઝી ખૂબ પ્રોટેક્ટિવ રહી.

ડેઈઝી ઈરાની જીવનના ભૂતકાળનાં પાનાં ખોલે છે ત્યારે તેમાં ભારોભાર વ્યથા દેખાય છે. તેમના કહેવા પ્રમાણે અમે બાળકો હતાં ત્યારે અમારું જીવન ક્યારેય પૂરી ન થાય એવી એક બ્લેક કોમેડી જેવું હતું. એક વધુ કિસ્સો વર્ણવતાં એ કહે છે, ‘હું જ્યારે લગભગ પંદર વર્ષની આસપાસની હતી ત્યારે મારી માએ મને સાડી, પેડેડ સ્પોન્જ પહેરાવી એકલા જ ફિલ્મ પ્રોડ્યુસર મલિકચંદ કોચર પાસે મોકલી દીધી. એ ત્યારે ‘મેરે હઝુર’ ફિલ્મનું પ્લાનિંગ કરતા હતા. તેઓએ મારી સાથે સોફા પર બેસીને મને સ્પર્શ કરવાનું શરૃ કર્યું. મને ખબર હતી કે તેમના દિમાગમાં શું ચાલે છે. મેં સ્પંજ કાઢીને તેમના હાથમાં આપી દીધા. એ જોઇને તે ગુસ્સે થઈ ગયા.’ ડેઈઝી કહે છે – ‘હું અને મારી બહેન હની પર એક કોમન ભૂત સવાર હતું કે લગ્ન કરીને વહેલી તકે ઘર છોડીને નીકળી જઈએ. મારા પૂજનીય પિતાજી ખૂબ ક્યૂટ હતા. અમને ખૂબ પ્રેમ કરતા, પણ તેઓ કામમાં બહુ વ્યસ્ત રહેતા. મને મારી માતા પ્રત્યે પણ પ્રેમ છે, પરંતુ મને લાગે છે કે મને તેના પ્રત્યે નફરત પણ છે.’

ડેઈઝી ઈરાનીએ તેમના નાનપણના આ હૃદયવિદારક અનુભવને જાહેર કર્યા પછી તેમના ભત્રીજા અભિનેતા ફરહાન અખ્તરે ટ્વિટર પર પ્રતિક્રિયા આપી હતી કે આ દર્દનાક કિસ્સો સાંભળી હું દુઃખી છું, પરંતુ સાથોસાથ મને મારી માસી પર ગર્વ પણ છે કે તેમણે આ વાત જાહેર કરી. આ વાતની ગુંજ ટીવી અને ફિલ્મ જગતના ખૂણે-ખૂણે પહોંચવી જોઈએ, જેથી બધા સાવચેત રહે.

——————-.

Leave A Reply

Your email address will not be published.

Translate »