હૃદયકુંજ – દિલીપ ભટ્ટ
રાગ અને વૈરાગ મનુષ્યમાં જ્યાં સુધી મન પ્રવૃત્ત હોય ત્યાં સુધી ટકે છે. મન નિવૃત્ત જ ન થાય એવી સ્થિતિમાં જ બધા હોય છે, ભાગ્યે જ કોઈ વિરલાઓ મનને નિવૃત્ત કરી શક્યા છે. મનની ગતિ અકળ નથી, કળી શકાય છે અને એટલે જ મન, ચિત્તો જેમ શિકારને ગીચ ઝાડીમાં અંદર ઢસડીને લઈ જાય છે તે રીતે મન પણ મનુષ્યના સૂક્ષ્મ શરીરને ચોતરફ ઉછાળે છે, ફેંકે છે અને ખરેખર જ ઢસડીને લઈ જાય છે. જો જ્ઞાન, એક્ટિવ મોડ પર ન હોય એટલે કે ચરિતાર્થ ન થયું હોય તો ઉડાઉડ કરતું મન જોઈને જ્ઞાન નિઃસહાય રીતે જોયા કરે છે. આ રીતે પછી લોકો કહેતાં થયા છે કે જ્ઞાન કંઈ કામ આવતું નથી. ક્યાંથી આવે? મનની પરતંત્રતા મીઠી લાગતી હોય છે એટલે મન જ્યાં લઈ જાય ત્યાં જવાનું સૂક્ષ્મ શરીરને ગમે છે. આયુર્વેદ આપણી ગહન વિદ્યાશાખા છે. આયુર્વેદ કહે છે કે આ જે આપણું શરીર છે તે તો સૂક્ષ્મ શરીરનો પડછાયો છે. એટલે કે મનુષ્યના શરીરમાં સર્જાતી સમસ્યાઓ મૂળભૂત રીતે તો એના સૂક્ષ્મ શરીરે મનના માર્ગદર્શન અને લોભ લાલચમાં કરાવેલા-કરેલા ઉપદ્રવો હોય છે. એકવાર મન આજ્ઞાંકિત, શાંત અને સ્થિર થઈ જાય તો સૂક્ષ્મ શરીર પણ સ્થિર થઈ જાય છે.
આખી સમસ્યા રાગ અને વૈરાગ પર આધારિત છે. તમે ઉપવાસ કરો ભલે એક દિવસ પણ એ દિવસ દરમિયાન જો માવા-મીઠાઈ તરફ અનુરાગ રહી જાય તો ઉપવાસ પાણીમાં જાય એવું મને લાગે છે. ભોજન પૂરું થયા પછી આપણે થાળ પરથી ઊભા થઈએ એટલે મન પણ ઊભું થઈ જાય એવું માનવું નહીં, ક્યારેક કોઈ એક વાનગી સાથે સૂક્ષ્મ શરીર અટવાઈ જાય છે. આયુર્વેદ કહે છે કે, કોઈ પણ શારીરિક તકલીફ પ્રથમ સૂક્ષ્મ શરીરમાં થાય છે અને પછી જ આ દેખાતા શરીરમાં એનો પડછાયો આપણને અને ડૉક્ટરને દેખાવા લાગે છે.
વૈરાગ હોય તો જ સાધુ થવાય. ત્યાગ ન ટકે વૈરાગ વિના એ ઉક્તિ આપણા પૂર્વજોની અનુભવવાણી છે. એકવાર વૈરાગ ધારણ કરીએ પછી રાગ હોય નહીં ને હોય તો માત્ર પરમતત્ત્વમાં હોય. નરસૈંયાને અને મીરાંને વૈરાગ લેવાની જરૃર ન હતી, કારણ કે એમને કૃષ્ણ પ્રત્યે અનુરાગ હતો. એ અનુરાગ એટલો બધો હતો કે કૃષ્ણએ પણ પ્રસંગોપાત આ ભક્તો પ્રત્યેનો પોતાનો અનુરાગ છતો થવા દેવો પડ્યો હતો. જેને હરિનામની હેલી લાગે એને વૈરાગની શી તમા? રંગ અવધૂત મહારાજ સંસ્કૃતના વિદ્વાન પ્રોફેસર હતા છતાં આજીવન લક્ષ્મીથી અલિપ્ત રહ્યા. વિદેશથી આવતા જહાજના તૂતક પર બેસી તેમણે સાથી ભક્તોને કહ્યું હતું કે હું ત્રણ દિવસ ઉપવાસ કરીશ, કારણ કે તમે લોકો કંઈક કંઈક સાથે લઈ આવ્યા છો. તેમણે સાથીઓને મળેલી સર્વ ભેટ-સોગાદો દરિયામાં પધરાવવાનો હુકમ કરીને કહ્યું હતું કે તમે શું એમ સાબિત કરવા ચાહો છો કે ભારતીય સાધુ વિદેશમાં ઉઘરાણા કરતો ફરે છે? રાગ અને વૈરાગમાં સામાન્ય ભેદ છે અને તે અસામાન્ય કક્ષાના સાધુ જ સમજી શકે, બીજાઓને તો પોતાના દરેક રાગમાં પણ વૈરાગ જોયા કરવાની વ્યર્થ ટેવ પડી ગઈ હોય છે. શાસ્ત્રોમાં સદાવ્રતીને પરમ વૈરાગી કહ્યો છે.
જે એક પાઈ પણ લીધા વિના નિત્ય ભૂખ્યાને ભોજન આપે છે. તે ભૂખ્યાજનોને અતિથિનો દરજ્જો આપે છે. સદાવ્રતી અને અન્નના વેપારી વચ્ચે બહુ મોટો તફાવત છે. સાધુઓમાં જો અનુરાગ વિકસે તો સિદ્ધાંતોનું પતન થાય છે, પરંતુ સંસારી તો રાગમાં જ રસાયેલો-કસાયેલો હોય છે. દરેક સંસારીના ગળામાં રાગમાલા હોય છે, પરંતુ કોઈ-કોઈ સંસારી એવા જોવામાં આવે છે કે તે તે એ રાગમાલા વચ્ચે કોહિનૂર કક્ષાનો વૈરાગ પણ મણકારૃપ જાળવે છે. સાધુઓના રાગ જગજાહેર છે, પરંતુ સંસારીઓના વૈરાગ ગુપ્ત હોય છે. સંસારીનો વૈરાગ તેના યમ-નિયમ હોય છે, જેનું પાલન કોઈ ઉચ્ચ કોટિનો આત્મા જ કરી શકે. સંસારીઓનો વૈરાગ વેશધારી હોતો નથી એટલે એનો છડી પોકાર પણ ન હોય. આપણા દેશમાં એવા લાખો લોકો છે કે જેમનું બીજાઓની નાની-નાની જિંદગીમાં મહત્ યોગદાન હોય છે. તેમના અંતકાળ પછી જ સહુને એની પસાર થઈ ગયેલી જિંદગીની મહેંક અનુભવાય છે. દરેક ધર્મના દરેક સંપ્રદાયમાં એવા સંસારીઓ પણ છે જે વૈરાગી છે. ચોક્કસ પ્રકારનો ધર્મ પાળનારા સંસારીઓને અને એમના જીવનને જોવા ઉપરથી જ લોકો એ સંપ્રદાયની પ્રતિષ્ઠા બાંધતા હોય છે. સંતો પૂજનીય છે એ વાત સાચી, અમુક હદે તેઓ અનુકરણીય પણ છે, પરંતુ ધર્મની સામાજિક શાખ તો એ ધર્મના અનુયાયીઓના જીવન પરથી જ બંધાય છે. માત્ર સાધુઓ મહાન હોવાથી સંપ્રદાય મહાન નથી થઈ જતો. એટલે જ જૈન ધર્મમાં ભક્ત સમુદાયને પચીસમા તીર્થંકરનંુ પદ આપવામાં આવ્યું છે.
વિશ્વામિત્રને તો વન જ પોતાના આશ્રમ જેવું લાગે છે. એનું ધ્યાન એકવાર મેનકા તરફ જાય છે. ઇન્દ્રનું તો કામ જ પાંચેય ઇન્દ્રિયોને એક્ટિવ રાખવાનું છે. વિશ્વામિત્ર જેવા ગાયત્રી મંત્રના સર્જક વૈરાગીને મેનકા તરફ અનુરાગ કેમ પ્રગટ થયો તે એક રહસ્ય જ છે. અખંડ તપશ્ચર્યા અને અનેક વિદ્યાઓ છતાં વૈરાગમાંથી તેઓ રાગમાં ઢળી પડ્યા. શકુંતલાનો જન્મ થયો ત્યાં સુધી એમને હોશ ન આવ્યો. અનુરાગ એક અફીણી તત્ત્વ છે. તમારું મૂળભૂત કામ પડતું મૂકીને તમે જે ‘અન્ય’ તરફ આકર્ષાઈ જાઓ તે એલિમેન્ટ એટલે જ મેનકા! આપણા હાથનો મોબાઇલ ફોન કદાચ મેનકાની લઘુ આવૃત્તિ પુરવાર ન થઈ જાય! જિંદગીમાં મનુષ્ય અનન્યભાવે જે કંઈ કરે છે તે ભલે ભક્તિ ન હોય ‘ને સાંસારિક કામકાજ હોય, પણ એનાં ફળ બહુ મહત્ હોય છે. આ અનન્યભાવ એ જ ખરા વિશ્વામિત્ર છે જેનાથી ઇન્દ્રનું આસન ડોલવા લાગ્યું. મનુષ્યની ખરી જિદ પોતાનામાં અનન્યભાવ શોધવાની હોવી જોઈએ. એના બદલે આપણે અન્યતાને જ આધીન થઈને ધન્યતાની પ્રતિક્ષા કરીએ છીએ જે હાસ્યાસ્પદ છે. માત્ર નારદજીને વ્યર્થ રાગ ઉત્પન્ન થવાથી મુખારવિંદ વાનર જેવું થઈ ગયું હતું એવું નથી! કોઈ જેમ નારદજીને કહેતું ન હતું કે આપ મોહવશ કેવા લાગો છો, તે રીતે આપણને પણ કોઈ કહેવાનું તો નથી. એમ માનીને જ મોહમાં પડતા અટકવું જોઈએ. સાધુઓના રાગ એમને લજ્જિત કરે છે અને સંસારીઓના વૈરાગ, સંસારીઓની શોભા બની રહે છે. જિંદગીમાં જેટલો અધિક વૈરાગ એડમિટ કરી શકાય એટલો આનંદ વધે છે, આ જ વાત દરેક ધર્મમાં વિવિધ રીતે કહેવામાં આવી છે. મેનકાની ઉપેક્ષા કરવી કે મેનકા એલિમેન્ટથી દૂર રહેવું એ મહારથીનું કામ છે. રામ-લક્ષ્મણ જેવા અનેક રાજકુમારોનું ગુરુપદ શોભાવનારા વિશ્વામિત્ર વિચલિત કેમ થયા એનું રહસ્ય મેનકા પોતાની સાથે સ્વર્ગમાં જ લઈ ગઈ છે.
સાધુઓનો રાગ જ્યાં સુધી બ્રહ્મ જિજ્ઞાસાથી પ્રજ્વલિત ન થાય ત્યાં સુધી અગ્નિના ભગવા રંગની એમને દીક્ષા મળતી નથી. સાધુઓ માટે વિશ્વામિત્રનો બોધ જ એ છે કે આ જગતમાં મેનકાઓથી બચવાનું કામ સહેલું નથી. નરસૈંયા અને મીરાંના સંસારમાંથી શીખવાનું એ જ છે એને આત્મભાવે પૂછવાનું છે કે નિત્યની ઘટમાળમાંથી કેમ છટકવું?
રિમાર્કઃ A close door is an invitation card you can knock if you find a guest within you.