તમારા માટે, તમારી સાથે, સતત…

ભૂતકાળ અનુસંધાન માટે ઠીક, પુનરાવર્તન માટે નહીં

કેટલાક લોકો જિંદગીથી એકદમ દૂર ભાગે છે

0 283

‘પંચામૃત’ – ભૂપત વડોદરિયા

પ્રાચીન ગ્રીસના કેટલાક ગુલામોનાં નામ ફિલસૂફોની યાદીમાં છે. આપણે ત્યાં કોઈ ને કોઈ પ્રકારની મજૂરી કરીને પેટગુજારો કરનારી વ્યક્તિઓનાં નામ સંતોની યાદીમાં છે. આ એવા લોકો હતા જેમના જીવનના સંજોગો પરતંત્રતાના-ગુલામીના, નિર્ધનતાના હતા, પણ એમણે પોતાનું જીવન સંજોગો નામના એક કારાવાસમાં કેદ થવા દીધું નહોતું. એમના હૃદયમાં તો અણુવિસ્ફોટ સર્જી શકે એટલી સ્વતંત્રતા ભરપૂર પડી હતી. સંજોગોની ગમે તેવી ભીંસની વચ્ચે પણ તેમણે માણસ તરીકેની પોતાની સ્વતંત્રતા ફેંકી દીધી નહોતી. જિંદગીના કપરામાં કપરા સંજોગોને તેમણે ઈશ્વરે પોતાને માટે તૈયાર કરેલા પ્રશ્નપત્રો ગણીને સ્વીકારી લીધા હતા, પણ એક પડકાર ગણીને તેની સાથે મુકાબલો કરવાની તૈયારી સાથે સ્વીકાર્યા હતા – આ સંજોગો તેમની આસ્થાને ડગાવી શક્યા નહોતા કે આ સંજોગોને લીધે તેમણે ‘પોતે માત્ર જંતુ છે’ એવો તુચ્છતાનો ભાવ અનુભવ્યો નહોતો.

કેટલાક લોકો જિંદગીથી એકદમ દૂર ભાગે છે, જિંદગીનો મુકાબલો કરતા ડરે છે. તે કોઈ સારી ક્ષણને માણી પણ શકતા નથી, કેમ કે તેમને સતત ડર રહ્યા કરે છે કે બીજી ક્ષણ નક્કી કડવી બદામ સાબિત થશે! કડવાશથી જે સતત ડર્યા કરે છે તેની પ્રત્યેક મીઠાશમાં મોટી બાદબાકી થઈ જાય છે, ઘણાબધા તો પોતાના ભૂતકાળને પોતાની જ લાશની જેમ ખભા પર રાખીને જીવે છે. નાટ્યકાર ઈબ્સને આવી એક કથનીને એના ‘ધી ઘોસ્ટ્સ’ નાટકમાં નિરૃપી છે. માણસે પોતાના ભૂતકાળને એક અતૂટ બંધનયોગ બનાવવાની જરૃર જ નથી. ભૂતકાળ ગમે તેટલો ખરાબ કે કલંકિત હોય તેનાથી ડરવાની કે તેનાથી શરમાવાની જરૃર જ નથી. માણસ પોતાના ભૂતકાળને પ્રાણઘાતક ખીણ સમજીને પાછળ જોયા કરે તે જોખમી છે. તેણે ભૂતકાળને દુર્લભ ખનિજોની એક ખાણરૃપે જોવો જોઈએ, આવી રીતે ઘણા માણસો પોતાના ભૂતકાળમાંથી ઘણુ બધું પામ્યા પણ છે.

એક સારા ઘરની દીકરી… જુવાનીના પહેલા ચરણમાં એક ખોટા માણસને પરણી બેઠી. માણસ પાસે થોડુંક સંગીત હતું, મીઠો કંઠ હતો એટલે યુવતી એના પ્રેમમાં પડી. પાંચ-છ વરસમાં બે બાળકો થયાં. પછી એ માણસ નાસી ગયો. નાસી ગયો એટલું જ નહીં, તેના અગાઉના લગ્નનું એક બાળક પણ આ યુવતીને અર્પણ કરતો ગયો! ખાનદાન કુટુંબ – ચારે તરફથી ટીકાની ઝડી વરસવા માંડી. હવે મા-બાપ તેની સાથે કોઈ સંબંધ રાખવા તૈયાર નહોતાં. સામાજિક બહિષ્કાર જેવી સ્થિતિમાં એ મુકાઈ ગઈ. સહાનુભૂતિનો દેખાવ કરતાં-કરતાં કોઈક બહેનપણીએ કહ્યું કે હવે આગળ શું? આત્મહત્યા એ જ ઇલાજ! પણ યુવતી જિંદગીથી ડરતી નહોતી. તે પોતાના આ સંજોગોને પોતાની જિંદગી પરના અંતિમ ચુકાદા તરીકે માની લેવા તૈયાર નહોતી.

Related Posts
1 of 281

તે સુશિક્ષિત હતી. સામાજિક બહિષ્કાર જેવી સ્થિતિમાં પણ તે ભાંગી ગઈ નહીં. તેણે પુરુષોની ભૂખી નજરોની ભીડની વચ્ચે પણ પોતાનો માર્ગ કાઢ્યો – બાળકોનો બોજો બરોબર ઉપાડ્યો અને ફરી લગ્ન કર્યાં! એક વરસના અનુભવે તેણે જોયું કે પુરુષને માત્ર એક સ્ત્રી – પોતાના જેવી દેખાવડી સ્ત્રી જ જોઈએ છે. આ બાળકો નથી જોઈતાં! તે એ પુરુષની સુખસલામતીની દુનિયામાંથી પણ બહાર નીકળી ગઈ. બાળકો મોટાં થયાં. પોતાનું સ્વતંત્ર જીવન અને પુરુષાર્થના માર્ગે જવા તૈયાર થઈ ગયાં. તે મોટી ઉંમરે ત્રીજા પુરુષને પરણી. સુખી થઈ. કોઈએ ટકોર કરી – પુરુષ નામના પ્રાણીનો એક અનુભવ તમને પૂરતો ન લાગ્યો?

એ સ્ત્રીનો જવાબ સાચો હતો. તેણે કહ્યું કે હું હંમેશાં પ્રેમ શોધતી હતી. પહેલી શોધમાં કાંઈ ન મળ્યું એમ લાગ્યું, પણ તેમાંથી કાંઈક મળ્યું જ હતું – મારાં બે મજાનાં બાળકો. બીજી ખોજમાં કાંઈ ન મળ્યું – એ પણ સાચું નહોતું. બીજી ખોજમાં પણ મને કાંઈક મળ્યું જ હતું. ત્રીજા પુરુષ પાસેથી મને બધું જ મળ્યું ઃ મને કાંઈક ને કાંઈક મળ્યું, કારણ કે હંમેશાં આપવા માટે તત્પર હતી. તમે હૃદયમાં ભરપૂર પ્રેમ લઈને નીકળ્યા હો તો તમને ક્યાંક અધૂરો ઉત્તર મળે. ક્યાંક મુદ્દલ ઉત્તર નહીં મળે તો પણ તમે નાસીપાસ ન થઈ જાઓ! ભૂતકાળ એક એવો અરીસો છે જેમાં પાછળનો રસ્તો તમે જોઈ શકો, પણ તેમાં તમે આગળનો રસ્તો જોવા કોશિશ કરો તો અકસ્માત જ સર્જાય! ભૂતકાળનું ભૂત માથા પર રાખીને સ્વતંત્રપણે જીવી જ ન શકાય! ભૂતકાળ અનુસંધાન માટે ઠીક, પણ તે પુનરાવર્તન માટે નથી.

માણસને તેના સંજોગો જુદી-જુદી ભૂમિકામાં ઢાળે છે, પણ પોતાની ભૂમિકામાં પણ પોતાની મૂળભૂત સચ્ચાઈ પ્રગટ કરી શકે છે. આમ બને ત્યારે તે ભૂમિકા પણ તેના રૃપના વૈવિધ્યનું જ એક અંગ બની જાય. પોતાની જાતને સંતાડવા માટે અને માત્ર બીજાઓને રીઝવવા માટે માણસ એક બનાવટી ભૂમિકા ભજવે ત્યારે તેને આમાંથી કશું જ હાંસલ થતું નથી. તે ખુદ પોતાના વિશે ભ્રમમાં પડી જાય છે.

‘પંચામૃત’માં બહુશ્રુત લેખક સ્વ. ભૂપત વડોદરિયાના પસંદ કરેલા લેખનોનો સંગ્રહ ‘અભિયાન’ નિયમિત પ્રકાશિત કરે છે. ‘પંચામૃત’માં જીવનઘડતર માટેના લેખો પ્રકાશિત કરાય છે. આ લેખો નિયમિત વાંચવા ‘અભિયાન’ સબસ્ક્રાઇબ કરો.

—————————-.

Leave A Reply

Your email address will not be published.

Translate »