તમારા માટે, તમારી સાથે, સતત…

તોગડિયા આદર્શ બનવાની ક્ષણ ચૂકી ગયા…

તેઓ પોતાનો ચોકો સર્જવાની દિશામાં આગળ વધી રહ્યા છે.

0 217

કવર સ્ટોરી – તરુણ દત્તાણી

વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષપદની ચૂંટણીમાં પોતાના ઉમેદવારના પરાજયને ડૉ. પ્રવીણ તોગડિયા ખેલદિલીપૂર્વક સ્વીકારી શક્યા નથી. લોકતાંત્રિક વ્યવસ્થાની વિભાવનાને દિગ્ગજ લોકો સમજવામાં ભૂલ કરે છે ત્યારે ખાનાખરાબી સર્જાય છે. પ્રવીણ તોગડિયા વિશ્વ હિન્દુ પરિષદના સંગઠનના માળખામાં રહેવાને બદલે પોતાનો ચોકો સર્જવાની દિશામાં આગળ વધી રહ્યા છે. તોગડિયાએ પરિષદમાં રહીને લાખો કાર્યકર્તાઓના આદર્શ અને પ્રેરણાપુરુષ બનવાની તક ગુમાવી દીધી છે. ભારતની સદીઓની ગુલામીના ઇતિહાસ-બોધને સમજાવીને સમાજને સંગઠિત કરવાની જેમના પર જવાબદારી હતી એવા તોગડિયા સ્વયં આજે ઇતિહાસ-બોધને વિસરી ગયા છે અને ઇતિહાસની સદીઓ પહેલાંની ભૂલનું પુનરાવર્તન કરી રહ્યા છે. સમાજ અને સંગઠનમાં પોતાની ભૂમિકાને લઈને જ્યારે વ્યક્તિમાં સંભ્રમ પેદા થાય છે ત્યારે દિશાહીનતાની સ્થિતિ સર્જાય છે. આવી વ્યક્તિ નેતૃત્વની હરોળમાંથી આવતી હોય ત્યારે તેની દિશાહીનતા મહદ્અંશે પતનનું કારણ બને છે.

તોગડિયાના પ્રત્યેક વાક્યમાં હિન્દુ અને હિન્દુત્વની વાત આવતી હોય છે. આ હિન્દુત્વના આજના તકાજાને તેઓ ભૂલી બેઠા છે. વિશ્વ હિન્દુ પરિષદના કાર્ય અને ઉદ્દેશોમાં તેમણે રાજકીય એજન્ડાની ભેળસેળ કરી નાખી છે. જમ્મુના કઠુઆમાં આજે હિન્દુત્વ લોહીલુહાણ અવસ્થામાં છે અને ઉપચાર માટે તોગડિયા જેવા ધાર્મિક-સામાજિક મિશનરી તબીબની જરૃર છે ત્યારે જ ડૉ. તોગડિયા તેમની ભૂમિકાને વિસ્મૃત કરી બેઠા છે. સંસ્થાગત વિદ્રોહના ઇતિહાસને પણ તોગડિયા ભૂલી ગયા છે. કદાચ તેમને એ યાદ કરવું ગમતું નહીં હોય. ભૂતકાળમાં બલરાજ મધોકથી માંડીને ઉમા ભારતી સુધીના દિગ્ગજ લોકોએ સંગઠનમાં વિદ્રોહ કરીને અલગ ચોકા ઊભા કર્યા હતા. એ બધાની નિયતિ કેવી રહી એ કહેવાની જરૃર નથી. અહીં ગુજરાતમાં ગોરધન ઝડફિયાના નેતૃત્વમાં પણ એવો પ્રયાસ થઈ ચૂક્યો છે અને તેમાં સંભવતઃ તોગડિયા પણ પ્રચ્છન્ન સહયોગીની ભૂમિકામાં રહી ચૂક્યા હતા. આ રાજકીય સંગઠનની વાત હોય તો પણ આખરે તો વાત સંસ્થા અને સંગઠનની છે. વ્યક્તિ જ્યારે પોતાને સંસ્થા અને સંગઠન કરતાં વધુ મહાન ગણવા લાગે ત્યારે વિકૃતિ સર્જાય છે. તોગડિયા આવી સ્થિતિનો શિકાર બન્યા છે. કોંગ્રેસમાંથી અનેક દિગ્ગજ લોકોએ અલગ થઈને પોતાની અલાયદી પાર્ટી બનાવી. એ બધાના અંજામ બહુ કરુણ રહ્યા છે. મહારાષ્ટ્રમાં શિવસેનાના વિભાજનથી કોને શું ફાયદો થયો એ વિચારવા જેવું છે.

Related Posts
1 of 262

ગોવામાં તો આરએસએસના જ એક પદાધિકારીએ અલાયદો સંઘ રચવાનો પ્રયાસ કર્યો હતો. આવા બધા પ્રયાસો પોતાના એક અલગ સુબાની સ્થાપના અને તેમાં પોતાના અહમ્ને સંતોષે એવા દબદબાથી સંતુષ્ટ થવા સિવાય કોઈ ઉમદા હેતુ સિદ્ધ થતો નથી. તોગડિયાએ એ વિશે વ્યર્થ કોઈ ભ્રમણામાં રાચવું જોઈએ નહીં. તોગડિયા એક સર્જન કક્ષાની શિક્ષિત અને વિદ્વાન વ્યક્તિ છે. વિશ્વ હિન્દુ પરિષદના સર્વોચ્ચ પદ સુધી કાર્ય કરી ચૂકેલી અનુભવ સિદ્ધ વ્યક્તિ છે. આવી વ્યક્તિ ક્યારેય કોઈ ભૂલ કરે જ નહીં એવું માનવાની ભૂલ કરવા જેવી નથી. મોટા લોકો જ્યારે ભૂલ કરે છે ત્યારે એ ભૂલ પણ વિરાટ સ્વરૃપની હોય છે અને એમની ભૂલના પરિણામ માત્ર તેમણે એકલાએ નહીં, પણ તેમની આસપાસના લોકોએ અને સમાજે પણ ભોગવવાના આવે છે. મોટા લોકોની વિરાટ ભૂલના અસંખ્ય ઉદાહરણોથી ઇતિહાસ ભર્યો પડ્યો છે.

બહુશ્રુત તોગડિયાને એ વિશે વધુ કહેવાનું ન હોય. ઉંમરના તકાજા સાથે ઘણી વખત દૃષ્ટિ વ્યાપક બનવાને બદલે સંકુચિત બની જાય છે. આજના સમયમાં તેનો ઉપચાર ઉપલબ્ધ છે, પરંતુ જેને ઉપચાર કરવા-કરાવવામાં જ રસ ન હોય તેનો કોઈ ઉપાય નથી. આજીવન હિન્દુત્વને વરેલા તોગડિયા તેમના જીવનના એક મહત્ત્વના પડાવે પોતાનું વજૂદ અને ઔચિત્ય વધુ અસરકારક રીતે સિદ્ધ કરવાને બદલે જીવનભરની તેમની સાધના અને આરાધનાને વ્યર્થ બનાવવાની દિશામાં જઈ રહ્યા છે. જે વ્યક્તિ કોઈ તબક્કે સાધુસંતોને માટે પણ માર્ગદર્શકની ભૂમિકામાં રહી ચૂકી હોય એવી વ્યક્તિ પથભ્રષ્ટ બને તેના જેવી કરુણતા બીજી શું હોય! પાછા વળવા માટે તેમની પાસે હજુ સમય છે. પોતાના ધ્યેય યુક્ત જીવનની સાર્થકતાને વેડફાઈ જતી અટકાવવાનો નિર્ણય માત્ર ડૉ. પ્રવીણ તોગડિયા સ્વયં જ કરી શકે.

આ લેખની પૂરી વિગતો જાણવા તેમજ – વિહિપની ચૂંટણીની હાર બાદ અમદાવાદમાં ઉપવાસ પર બેસી ડો. પ્રવીણ તોગડિયાએ રાજકીય મંસાની આડમાં પ્રશાસન સામે પોતાની માગણી મૂકવાની ચાલ ચાલી તો ખરી પરંતુ તેના ઘટનાક્રમના અન્ય પાસા કેવા છે તેની વિગતો જાણવા ‘અભિયાન’ સબસ્ક્રાઇબ કરો.

————————.

Leave A Reply

Your email address will not be published.

Translate »